ગ્રેગરી ધ ગ્રેટ 7 (જ. 1020, સોઆનો, ઇટાલી, ટસ્કની; અ. 25 મે 1085, સાલેર્નો) : મધ્ય યુગના રોમન કૅથલિક ચર્ચના ‘મહાન’ પોપ. તેઓ જર્મન કુળના હિલ્ડબ્રાન્ડ નામના પરિવારમાં જન્મ્યા હતા. શિક્ષણ ઇટાલીના રોમન ખ્રિસ્તી મઠમાં લીધું. એ પછી તેઓ ફ્રાન્સના  ક્લૂનીમાં પાદરી બન્યા. જર્મનીના રાજા હેન્રી 3ના દરબારમાં સારા વક્તા તરીકે નામના મેળવ્યા પછી તેઓ રોમ પાછા ફર્યા અને પોપ ગ્રેગરી 6ના લશ્કરી પાદરી (chaplain) બન્યા. 1049માં તેઓ પોપ લિયો 9ના કાર્ડિનલ બન્યા અને વિક્ટર 2, સ્ટિફન 9, બેનિડિક્ટ 10 અને ઍલેક્ઝાન્ડર 2 જેવા જર્મન પોપના સમયમાં તેમણે ઘણી સત્તા ભોગવી. એમણે દેવળના તંત્રને જોમવંતું બનાવ્યું; એટલું જ નહિ; પરંતુ પોપ સારી રીતે વહીવટ કરી શકે એ માટે કેટલાક નવા સિદ્ધાંતો અપનાવ્યા. પોપ ઍલેક્ઝાન્ડર 2 પછી સર્વાનુમતે તેમની પોપ તરીકે વરણી થઈ અને 10મી જુલાઈ 1073ના રોજ તેમને પોપનો તાજ પહેરાવવામાં આવ્યો.

ગ્રેગરી ધ ગ્રેટ 7

તેઓ કેટલાંક કારણોને લીધે જર્મનીના રાજા હેન્રી 4 સાથે તીવ્ર સંઘર્ષમાં આવ્યા હતા. જર્મનીના એ રાજાએ ગ્રેગરી 7ને પોપપદ ઉપરથી દૂર કરતો હુકમ કાઢ્યો તો ગ્રેગરીએ એ રાજાને બરતરફ કરતો હુકમ કાઢ્યો. હેન્રીએ પ્રાયશ્ચિત્ત કર્યા પછી બીજી વાર ગ્રેગરીને પદભ્રષ્ટ કરતો હુકમ કાઢ્યો અને તેમની જગ્યાએ રવેનાના આર્કબિશપ ગિલ્બર્ટની પોપ ક્લૅમેન્ટ 3 તરીકે નિમણૂક કરી. હેન્રીએ 1084માં રોમનો બળજબરીપૂર્વક કબજો લીધો; પરંતુ એ પછી અપ્યુલ્યાના નૉર્મન ડ્યૂક રૉબર્ટ ગેસ્કારે લશ્કરની મદદથી તેને રોમમાંથી હાંકી કાઢ્યો. આ ભયંકર લશ્કરી સંઘર્ષોને લીધે રોમનો નાશ થયો અને એ ખંડેરોમાં ફેરવાઈ ગયું. તેથી ગ્રેગરી 7ને સાલેર્નોમાં રહેવા જવું પડ્યું. આ પોપે ન્યાયના ચાહક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી