ગ્રેગરી ધ ગ્રેટ 1 (જ. 540, રોમ; અ. 12 માર્ચ 604, રોમ) : રોમન કૅથલિક દેવળના વડા અને મહાન ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે ઓળખાતા

ગ્રેગરી ધ ગ્રેટ 1

રોમના પોપ. તેમનું કુટુંબ રોમમાં વિખ્યાત હતું. રોમન સમ્રાટ જસ્ટિન 2ના સમયમાં તેમની રોમના પ્રીટૉર (praetor) તરીકે નિમણૂક થઈ હતી. થોડા સમય પછી તેઓ ખ્રિસ્તી મઠમાં દાખલ થયા. એ સમયે ઇંગ્લૅન્ડથી ઍંગ્લો-સૅક્સન યુવાનોને રોમમાં ગુલામો તરીકે વેચવા માટે લવાતા હતા. એ યુવાનોને જોઈને એમના દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની તેમને ઇચ્છા થઈ. મુશ્કેલીઓ વેઠી ઇંગ્લૅન્ડ ગયા; પરંતુ પોપ બેનિડિક્ટે એમને તરત પાછા બોલાવ્યા. પોપ પેલાગિયસ 2ના સમયમાં તેમની કૉન્સ્ટૅન્ટિનોપલમાં નિમણૂક થઈ. પોપ પેલાગિયસ 2ના અવસાન પછી 3જી સપ્ટેમ્બર, 590ના રોજ એમની પોપ તરીકે પસંદગી થઈ. પોપ બન્યા પછી એમણે દેવળમાં થતી પ્રાર્થનામાં સુધારા કર્યા, ધાર્મિક સંગઠનને મજબૂત કર્યું. બ્રિટન અને સ્પેનને ખ્રિસ્તીધર્મી બનાવ્યાં તથા ઇટાલીની આસપાસ આવેલા દેશોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો. પોપ ગ્રેગરી-1 ઘણા ઉદાર હતા અને ગરીબોને છૂટથી દાન આપતા. ઘણા પ્રદેશોમાં એમણે ગુલામોનો વેપાર બંધ કરાવ્યો હતો. તેઓ ખ્રિસ્તી ધર્મના સદગુણોના જીવંત ઉદાહરણરૂપ ગણાયા હતા.

મુગટલાલ પોપટલાલ બાવીસી