ગ્રાસ, ગુન્ટર (જ. 16 ઑક્ટોબર 1927, ડેન્ઝિગ, જર્મની; અ. 13 એપ્રિલ 2015, લ્યૂબેક, જર્મની) : જર્મન કવિ, નાટકકાર, નવલકથાકાર. 1999ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. જર્મન પોલિશ વંશના આ લેખક ડૅન્ત્સિગના મુક્ત રાજ્યમાં ઊછર્યા. નૅશનલ સોશિયાલિસ્ટ પાર્ટીએ ડૅન્ત્સિગ કબજે કર્યું ત્યારે એમની ઉંમર 11 વર્ષની. 1944–45માં જર્મન લશ્કરમાં જોડાયા. હિટલરના યુવાઆંદોલનમાં ઘસડાવું પડ્યું. યુદ્ધમાં ઘવાયા – યુદ્ધકેદી બન્યા. 1946માં અમેરિકનોએ મુક્ત કર્યા. 19 વર્ષની વયે ઘરબાર વગરના બન્યા. રાઇનલૅન્ડમાં ખેતમજૂર રહ્યા; પછી પોટાશની ખાણમાં ખાણિયા તરીકે અને પછી પથ્થરફોડ તરીકે કામ કર્યું. શિલ્પની તાલીમ માટે ફ્રૅન્કફર્ટ ગયા અને ત્યાંથી ડસેલડોર્ફની અકાદમી ઑવ્ આર્ટમાં પ્રવેશ લીધો. વધારાના પૈસા કમાવા માટે જાઝ અને ડ્રમર તરીકે કામગીરી બજાવી. 1953માં બર્લિનની ફાઇન આટર્સ અકાદમીમાં તાલીમ લીધી. ‘ગ્રૂપ–47’ દ્વારા 1956–60 દરમિયાન સ્પૉન્સરશિપ મેળવી પૅરિસમાં રહ્યા. 1964–65 દરમિયાન અમેરિકાનિવાસી બન્યા. 1965માં જર્મન ચૂંટણી ઝુંબેશમાં સોશિયલ ડેમોક્રેટ પાર્ટી માટે સક્રિય બન્યા. અત્યારે (1993) બર્લિનમાં છે.

ગુન્ટર ગ્રાસ

શરૂમાં અન્-અર્થ કાવ્યો અને બૅકેટનાં નાટકો જેવાં ઍબ્સર્ડ નાટકો લખ્યાં. એના ‘ડી ફોર્ત્સુગ ડેયર વિન્ડહવુહનેર’ (1956), ‘ગ્લીસડ્રેયએક’ (1960), ‘આઉસગ્રૅફાગ્ટ’ (1967) જેવા કાવ્યસંગ્રહોમાં આધુનિક મનુષ્યની મિથ્યા ઓળખને ચીરવાનો, એના વિશૃંખલ જગતને પામવાનો અને એની સમસ્યાઓ તેમ જ તુચ્છતાને નિરૂપવાનો સબળ પ્રયત્ન છે. ‘ટેન મિનિટ્સ ટુ બફેલો’, ‘ફ્લડ’, ‘અંકલ, અંકલ’, ‘થર્ટી ટુ ટીથ’, ‘ધ વિકેડ કૂક’ જેવાં નાટકો ઉપરાંત તેમણે રચેલું ‘ધ પ્લેબિયન્સ રિહર્સ ધ અપરાયઝિંગ’ (1966) નાટક જાણીતું છે. એ પહેલું ભજવાયું વેસ્ટ બર્લિનના શીલર થિયેટરમાં. એમાં 17–7–1953ની ક્રાંતિ દરમિયાન પૂર્વ બર્લિન પરત્વેના બ્રેખ્તના વર્તનને પડકારવામાં આવ્યું છે.

ગુન્ટરની ‘ધ ટિન ડ્રમ’ (1959) નામની પહેલી નવલકથા એકદમ લોકપ્રિય બની અને અનેક ભાષામાં અનૂદિત થઈ. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી આ નવલકથાનું મુખ્ય પાત્ર ઑસ્કર ત્રણ વર્ષની વયે દાદર પરથી પડી જતાં અને એના જ્ઞાનતંતુઓને ઈજા થતાં ઠીંગણું રહી જાય છે. આ ઠિંગુ નાયકના અંગત વિકાસની અને સાહસની કથા એક રીતે જોઈએ તો વીસમી સદીના પ્રારંભથી નાઝીયુગ અને યુદ્ધ પર્યન્તના જર્મન ઇતિહાસની રૂપકગ્રંથિ છે. ટિનનું ડ્રમ વિદ્રોહનું પ્રતીક છે. નવલકથાની શૈલી અત્યંત ઉત્તેજક અને બલિષ્ઠ છે. ઉપરાંત, લઘુનવલ ‘કૅટ ઍન્ડ માઉસ’ (1961) અને ‘ડૉગ ઇયર્સ’(1965)માં એ જર્મનીનું બૃહત્ પરિપ્રેક્ષ્ય આપે છે. ‘લોકલ ઍનેસ્થેટિક’(1970)માં દાંતના ડૉક્ટરનું ક્લિનિક અને ટી. વી.ની રીતિમાંથી સંકુલ કથાનક ઊપસે છે. ‘ધ ડાયરી ઑવ્ અ સ્નેલ’ (1972), ‘ધ ફ્લાઉન્ડર’ (1977), ‘ધ મીટિંગ ઍટ ટૅલ્ગ્ટે’ (1979) અને  ‘ક્રૅગ વૉક’ (2020) એમની અન્ય નવલકથાઓ છે. આ ઉપરાંત વર્ષ 2003, 2007 અને 2008માં તેમના કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે.

યુદ્ધોત્તર જર્મની અને જર્મનીના નરહત્યાકાંડને વિસ્મરવાની વૃત્તિ પરત્વે ક્રૂરતાથી વર્તતા આ લેખક એકંદરે જર્મનીના રાક્ષસી ભૂતકાળનો પ્રતિકાર કરે છે. એમની શક્તિનો વિશેષ ગરમ લાવા જેવી ભાષા અને વિપુલશક્તિયુક્ત ધોધબંધ ગદ્યમાં તેમજ બૃહત્ પરિમાણો પર વિસ્તરવામાં રહ્યો છે.

1999ના વર્ષ માટે તેમને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો તે પહેલાં પણ તેમને અન્ય ઘણાં પારિતોષિકો મળ્યાં હતાં. દા.ત., 1965માં જૉર્જ બૅંકનર પારિતોષિક સાહિત્યિક પ્રવૃત્તિઓ ઉપરાંત તેમણે જર્મનીના રાજકારણમાં પણ સક્રિય ભાગ લીધો હતો તેમણે સોશિયલ ડેમૉક્રૅટિક પાર્ટી (SPD) વતી વિલી બ્રાન્ટની ઉમેદવારીને સક્રિય ટેકો આપ્યો હતો. 1980ના દાયકાથી તેમણે વિશ્વશાંતિની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ધીમી ગતિથી અમલમાં મુકાતાં પરિવર્તનોના તેઓ હિમાયતી છે. તેમણે યુદ્ધમાં ટૅન્ક ચલાવવાનું પ્રશિક્ષણ લીધું હતું અને નાઝી જર્મની વતી બીજા વિશ્વયુદ્ધમાં તેમણે જે ભાગ ભજવ્યો હતો તેના અનુભવો તેમણે વર્ષ 2007માં એક લેખમાળા દ્વારા ન્યૂયૉર્કના વૃત્તપત્રોમાં પ્રકાશિત કર્યા હતા.

ચન્દ્રકાન્ત ટોપીવાળા