ગ્રહણકારી તારાઓ (eclipsing binaries) : યુગ્મતારાઓ(binary stars)નો એક પ્રકાર. અવકાશમાં આવેલા કરોડો તારા પૈકીના ઘણાબધા સૂર્ય જેવા એકલ (single) તારાઓ છે, જ્યારે ઘણાબધા બે કે તેથી વધુના જૂથમાં એકબીજાના ગુરુત્વાકર્ષણના પ્રભાવ નીચે ઘૂમતા હોય છે. આવા તારાઓમાં બે તારાઓના જોડકાવાળા યુગલ કે યુગ્મતારા અગત્યના છે. આ પ્રકારના બન્ને તારાઓ તેમના સંયુક્ત ગુરુત્વમધ્યબિંદુ(common centre of gravity)ની ફરતે લંબવર્તુળાકાર (Keplerian) કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. તેમની ભ્રમણકક્ષાના સમતલમાં પૃથ્વીનું સ્થાન હોય ત્યારે પૃથ્વી ઉપરથી જોતાં, તેમની કક્ષાનો ખૂણો આશરે 900 હોય ત્યારે, તેઓ વારાફરતી એકબીજાની આગળ આવી જાય છે અને એકબીજાનું ‘ગ્રહણ’ કરતા દેખાય છે. તેથી તેમને ગ્રહણકારી તારાઓ કહે છે. આવા તારા અત્યંત નજીક આવેલા હોવાથી મોટા દૂરબીન વડે તેમને અલગ તારાઓ તરીકે જોઈ શકાતા નથી; પરંતુ તેમની સંયુક્ત તેજસ્વિતા(intensity)માં નિયતકાલીન વધઘટ જોવા મળે છે, જેના દ્વારા ગ્રહણકારી તારાઓને અલગ તારવી શકાય છે. અન્ય પ્રકારના નિયતકાલીન રૂપવિકારી તારાઓની તેજસ્વિતામાં પણ વધઘટ થતી હોય છે. ઉદાહરણ : સીફિઇડ વૅરિયેબલ્સ; પરંતુ તેમની તથા ગ્રહણકારી તારાઓ વચ્ચે, તેજાંકની વધઘટમાં સ્પષ્ટ ભેદ રહેલો છે. નીચેની આકૃતિઓ સીફિઇડ પ્રકારના તારા તથા ગ્રહણકારી તારાના તેજાંકની વધઘટનો ભેદ સ્પષ્ટ કરે છે.

આકૃતિ 1

ગ્રહણકારી તારાઓના તેજાંકની વધઘટના અભ્યાસ દ્વારા આવા યુગલ તારાઓની તેમના સામાન્ય ગુરુત્વબિંદુની આસપાસની તેમની ભ્રમણકક્ષા વિશેની વિગતો પ્રાપ્ત થઈ શકે છે. કક્ષા તેમના ગુરુત્વાકર્ષણ ઉપર આધારિત હોવાથી આવા અભ્યાસ દ્વારા તારાઓનું દ્રવ્યમાન જાણી શકાય છે. તારાઓનું દ્રવ્યમાન માપવાની એકમાત્ર રીત યુગલ તારાઓની કક્ષાનો અભ્યાસ જ છે. આ કારણે ગ્રહણકારી યુગલ તારાઓનો અભ્યાસ ખગોલવિજ્ઞાનમાં આગવું મહત્વ ધરાવે છે.

ગ્રહણકારી તારાઓમાં ભાદ્રપદા (Perseus) નક્ષત્રમાં આવેલો આલ્ગોલ નામે ઓળખાતો તારો ઘણો જ જાણીતો છે. તેની કક્ષાનો આવર્તકાળ 2.86 દિવસનો છે તેથી લગભગ ત્રણ દિવસે તેની સામાન્ય તેજસ્વિતા કરતાં 13 જેટલો ઝાંખો થઈ જાય છે; પરંતુ થોડા કલાક બાદ મૂળ તેજસ્વિતા પ્રાપ્ત કરે છે.

આકૃતિ 2

આજે આશરે 4,000થી પણ વધારે ગ્રહણકારી તારાઓ નોંધાયેલા છે, જેમાંના અમુક તારાઓનું જ ખૂબ ચોકસાઈપૂર્વક વિશ્લેષણ થઈ શક્યું છે અને તેમની જોડમાંના બન્ને તારાઓનાં દળ પણ જાણી શકાયાં છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ

દીપક ભદ્રશંકર વૈદ્ય