ગ્રહણ : ખગોલીય પિંડના તેજનું અન્ય ખગોલીય પિંડ દ્વારા આંશિક કે પૂર્ણતયા કપાઈ જવું. સૂર્ય જેવા જ્યોતિની સામે સ્વતેજવિહીન અપારદર્શક ગ્રહ કે ઉપગ્રહ આવે તો તેના પડછાયામાંથી જોનારને જ્યોતિબિંબનું તેજ ઓછું થતું અથવા ઢંકાઈ જતું દેખાય છે. સૂર્ય-પૃથ્વી રેખામાં ચંદ્ર આવે ત્યારે આપણી ર્દષ્ટિરેખામાં આવી પહોંચેલા ચંદ્રબિંબને કારણે, સૂર્યગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ વખતે સૂર્ય અને ચંદ્રની વચમાં પૃથ્વી આવી જતાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, જેથી ચંદ્રસપાટી ઉપર પડતો સૂર્યપ્રકાશ અવરોધાય છે. ગ્રહણમાં પ્રકાશિત બિંબ પૂરેપૂરું ઢંકાઈ જાય તેને ખગ્રાસ ગ્રહણ, અંશત: ઢંકાય એને ખંડગ્રાસ ગ્રહણ અને જ્યારે પ્રકાશિત બિંબની ચળકતી કિનારી વીંટી અથવા કંકણ જેવી દેખાતી હોય એને કંકણાકૃતિ ગ્રહણ કહે છે.

પૃથ્વીની કક્ષા સાથે ચંદ્રની ભ્રમણકક્ષા 50° 9’ જેટલો કોણ રચે છે. તેથી 346.62 દિવસના ગ્રહણવર્ષ દરમિયાન લગભગ 173 દિવસના ગાળે, બે વખત આવતી ગ્રહણઋતુમાં સૂર્ય-પૃથ્વી રેખા અને ચંદ્રના આરોહીપાત (રાહુ) તથા અવરોહીપાત(કેતુ)ને જોડતી પાતરેખા (nodal line), એકબીજીને છેદે છે. આવી ગ્રહણઋતુ દરમિયાન જ ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર અથવા પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. તે સમયે પૃથ્વીપટ ઉપરથી જોતાં અમાસને દિવસે કેટલીક મિનિટ પર્યંતની કાલાવધિવાળું સૂર્યગ્રહણ, તેમજ પૂનમને દિવસે કેટલાક કલાક પર્યંતની કાલાવધિવાળું ચંદ્રગ્રહણ દેખાવાની શક્યતા રહે છે. વર્ષ દરમિયાન 3થી 7 ગ્રહણ થાય છે. મોટા સમયગાળા દરમિયાન દેખાયેલાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની કુલ સંખ્યા 3 : 2નું પ્રમાણ દર્શાવે છે. પૃથ્વીના ગોલક ઉપર સૂર્યગ્રહણ જોઈ શકાય તેવું ક્ષેત્ર સીમિત હોય છે – તેમાં પણ ખગ્રાસ સૂર્યગ્રહણ તો 100–150 કિમી. પહોળા પટ્ટામાંથી જ જોઈ શકાય છે જ્યારે ચંદ્રગ્રહણ એકસાથે ઘણા મોટા વિસ્તારમાંથી જોઈ શકાય છે. વૈજ્ઞાનિક સંશોધન માટે સજ્જ કરેલા ઝડપી વિમાનને ખગ્રાસ ગ્રહણપટ્ટામાં પૂર્વ દિશા તરફ ઉડાડીને ખગ્રાસ સૂર્યગ્રહણને ‘જોઈ શકાય’ તેવો સમયગાળો લગભગ પાંચ ગણો વધારી શકાય છે. ગ્રહણચક્ર(saros)ની કાલાવધિ લગભગ 18 વર્ષ, 11.3 દિવસ છે, એટલે કોઈ એક સ્થળેથી જોતાં લગભગ 54 વર્ષ, 34 દિવસના સમયગાળે ગ્રહણોનું પુનરાવર્તન થતું દેખાય છે.

પિધાન (occultation, શબ્દાર્થ = ઢંકાઈ જવું) ગ્રહણનો જ એક વિશિષ્ટ પ્રકાર છે. જ્યારે ગ્રહણ થયેલા ખગોલીય પિંડનો કોણીય વ્યાસ ઘણો નાનો હોય ત્યારે પિધાન થયું તેમ કહેવાય છે. પૃથ્વી ઉપરથી દેખાતાં પિધાનોમાં મુખ્યત્વે ચંદ્ર દ્વારા ગ્રહ, ઉપગ્રહ કે તારક ઢંકાઈ જાય છે તેમજ ગ્રહબિંબ દ્વારા તેના ઉપગ્રહ કે તારક ઢંકાય ત્યારે પણ પિધાન થયું એમ કહેવાય. પિધાનના અવલોકન દ્વારા ચંદ્ર કે ગ્રહ-બિંબનું તત્કાલીન ખગોલીય સ્થાનનું ચોકસાઈપૂર્વક નિર્ધારણ થઈ શકે છે. ઉપરાંત, ગ્રહના વાતાવરણ અંગે પણ મહત્વની માહિતી સાંપડી શકે છે. વર્ષ દરમિયાન થતાં નોંધપાત્ર 15–25 પિધાન પૈકીનાં લગભગ ત્રીજા ભાગનાં પિધાનો તો 12–18 સેમી. ટેલિસ્કોપથી પણ જોઈ શકાય છે. પિધાન તેમજ સંક્રમણની કાલાવધિ, કેટલાક કલાક પર્યન્તની હોય છે.

સંક્રમણ અથવા અધિક્રમણ (transit) પણ પિધાનની જેમ ગ્રહણનો વિશિષ્ટ પ્રકાર છે. સંક્રમણમાં ગ્રહણ થયેલા ખગોલીય પિંડનો કોણીય વ્યાસ ઘણો મોટો હોય છે. ગ્રહણની જેમ સંક્રમણ થવા માટે પણ ગ્રહણ કરનાર ખગોલીય પિંડની આંતરયુતિ થવી જરૂરી છે. પૃથ્વી ઉપરથી જોતાં બુધનો આરોહી સંપાત 8 મેના દિવસે આવે છે, તેના 3  દિવસ આગળપાછળના ગાળામાં જો બુધ, ક્રાંતિવૃત્તને ઓળંગે તો બુધસંક્રમણ થાય છે. તેવી જ રીતે તેનો અવરોહી સંપાત 10 નવેમ્બરના રોજ થાય છે, તેના 5 દિવસ આગળપાછળના ગાળામાં બુધ ક્રાંતિવૃત્તને ઓળંગે તોપણ બુધસંક્રમણ જોવામાં આવે છે. 100 વર્ષ દરમિયાન સરેરાશ 13 બુધસંક્રમણ થાય છે તે પૈકીનાં 23 સંક્રમણો નવેમ્બરમાં થાય છે. શુક્રના આરોહી અને અવરોહી સંપાત અનુક્રમે 7 જૂન અને 9 ડિસેમ્બરે આવે છે. તેના 3 દિવસ આગળપાછળના ગાળામાં શુક્રની આંતરયુતિ થાય તો શુક્રસંક્રમણ જોવા મળે છે. શુક્રની આંતરયુતિ પ્રમાણમાં લાંબા સમયગાળે થતી હોવાથી બુધના કરતાં શુક્રનાં સંક્રમણ ઘણા લાંબા સમય બાદ જોવામાં આવે છે. હમણાં શુક્રસંક્રમણ 8 વર્ષના સમયગાળે બબ્બેના જોડકારૂપે આવે છે. 4 સદીઓ દરમિયાન થયેલાં, થનારાં શુક્રસંક્રમણની યાદી આ મુજબ છે :

1639 ડિસેમ્બર 1874 ડિસેમ્બર 8
1761 જૂન 1882 ડિસેમ્બર 6
1769 જૂન 2004 જૂન 7
2012 જૂન 5

આ જ પ્રમાણે ગુરુ, શનિ વગેરે વિરાટ ગ્રહ અને સૂર્યની વચ્ચેથી તેમના ઉપગ્રહ પસાર થતા હોય ત્યારે પેલા ગ્રહબિંબ ઉપર, ઉપગ્રહનો નાનો વર્તુળાકાર પડછાયો સરકતો જોઈ શકાય છે જેને છાયાસંક્રમણ (shadow transit) કહે છે.

પ્ર. દી. અંગ્રેજી