ગ્રંથ (1964–1985) : વાચકોને પ્રતિમાસ પ્રસિદ્ધ થતાં વિવિધ વિષય અને સ્વરૂપનાં નવાં પ્રકાશનોથી વાકેફ કરવા, મહત્વની કૃતિની સવિગત સમીક્ષા કરવા તેમજ ભારતીય સાહિત્ય સાથે વિશ્વસાહિત્યથી પરિચિત કરવાના આશયથી પરિચય ટ્રસ્ટ્ર દ્વારા 1964ના જાન્યુઆરી માસથી શરૂ થયેલું ગુજરાતી માસિક. શરૂથી જ યશવંત દોશી એના તંત્રી હતા. વચ્ચેના વર્ષમાં નિરંજન ભગત પણ તંત્રી થયા હતા. આયોજક-પ્રેરક વાડીલાલ ડગલી હતા. ‘ગ્રંથ’નું કાર્ય અવલોકન પૂરતું મર્યાદિત નહોતું. એમાં નવલકથા, નાટક, ટૂંકી વાર્તા, કવિતા, વિવેચન, નિબંધ, ચરિત્ર, પ્રકીર્ણ એમ વિભાગવાર વિવિધ વિવેચકો-સર્જકો દ્વારા સવિગત અવલોકન અપાતાં. સાથે સાથે સંક્ષિપ્ત અવલોકન પ્રસિદ્ધ કરવાની પ્રથા પણ હતી. ગુજરાતી ભાષા ઉપરાંત ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાની ગણનાપાત્ર સાહિત્યિકૃતિઓની સમીક્ષા થતી. ક્યારેક ભારત કે વિશ્વની ઉત્તમ સાહિત્યકૃતિનો સાર પ્રસિદ્ધ કરવામાં આવતો. આથી જ ‘ઇડિયટ’, ‘યયાતિ’, ‘ઘરે બાહિરે’, ‘બધર્સ કારામાઝોવ’ જેવી કૃતિઓનો પરિચય ગુજરાતી પ્રજાને થયો. અંગ્રેજી પુસ્તકોના સંક્ષિપ્ત અપાતા. મરાઠી, હિન્દી ભાષાના ગ્રંથોની માહિતી પણ અપાતી. ‘ટાંચણપોથી’ હેઠળ તંત્રી સાહિત્યની કે એને સંબંધિત વિષયની ચર્ચા કરતા. ‘વાચકોના પત્રો’ દ્વારા સાહિત્યિક ચર્ચા થતી. વીતેલાં વર્ષોની શ્રેષ્ઠ શિષ્ટ કૃતિઓનું પુનર્મૂલ્યાંકન થતું. શબ્દોનું પરિશીલન રજૂ થતું. ભારતના અંગ્રેજી લેખકોની જાણકારી અપાતી. ‘તસવીર’ નામક કૉલમમાં લેખકનો પરિચય અપાતો. ક્યારેક અલગ રીતે પણ પરિચય અપાતો. ક્યારેક વિશિષ્ટ પ્રકાશનસંસ્થાનો પરિચય અપાતો; તો ક્યારેક પ્રકાશનક્ષેત્રની વિશિષ્ટ ઘટનાનું સ્વાગત કરાતું. ‘વાંચતાં-વાંચતાં’માં વાડીલાલ ડગલી વિશ્વની ઉત્તમ કાવ્યકૃતિઓનો રસાસ્વાદ કરાવતા હતા. ‘ગ્રંથ’ના પ્રથમ વર્ષે 1964માં નહેરુના અવસાનનિમિત્તે ‘નહેરુ વિશેષાંક’ પ્રસિદ્ધ કરીને ભારતના એ મહત્વના રાજપુરુષની સાહિત્યિક પ્રતિભાનું દર્શન કરાવ્યું હતું. 1967માં કવિ કાન્તની જન્મશતાબ્દી નિમિત્તે કાન્તના સાહિત્ય સંદર્ભે વિશેષાંક પ્રકાશિત કર્યો હતો. એ ઉપરાંત વિનોબા વિશેષાંક (ડિસેમ્બર 1965), બાળસાહિત્ય વિશેષાંક (ઑક્ટોબર 1968 અને 1970), ગાંધીશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર 1969), બ. ક. ઠાકોર વિશેષાંક (નવેમ્બર 1969), કનૈયાલાલ મુનસી વિશેષાંક (ઑક્ટોબર 1971) પ્રસિદ્ધ કર્યા હતા. ‘આવતી કાલની પરીકથાઓ’ એ બાળસાહિત્ય પરનો વિશેષાંક હતો. વાડીલાલ ડગલીના નિધન પછી એમની સ્મૃતિમાં પ્રસિદ્ધ કરાયેલા વિશેષાંક સાથે ગ્રંથનું પ્રકાશન બંધ થયું, વર્ષ 1985.

પ્રફુલ્લ રાવલ