ગોલ્ડસ્મિથ, ઑલિવર

February, 2011

ગોલ્ડસ્મિથ, ઑલિવર (જ. 10 નવેમ્બર 1730, પૅલસ, આયર્લૅન્ડ; અ. 4 એપ્રિલ 1774, લંડન) : અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. ખ્રિસ્તી દેવળના ગરીબ વ્યવસ્થાપક પિતાને ત્યાં જન્મ. ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં અને અન્ય યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે પ્રયત્ન કરેલો, પણ ત્રણેક વર્ષે યુનિવર્સિટી છોડી ગૃહત્યાગ કરેલો અને ભૂખે મરવાનો વારો આવ્યો ત્યારે કોઈકે તેમને શોધી કાઢ્યા. 1749માં યુનિવર્સિટીની ડિગ્રી હાંસલ કરી. પિતા પાદરીના મદદનીશ હતા તેથી પુત્રને પાદરી બનાવવા થિયૉલૉજીનો બે વર્ષ અભ્યાસ કરાવ્યો; પણ તેમાં એમનું ચિત્ત લાગ્યું નહિ. ગાયન-વાદન અને વાર્તાકથનમાં રચ્યાપચ્યા રહેતા. એમાંથી પેટિયું પણ રળી ખાતા. એકાદ વર્ષની આવી રઝળપાટ પછી લંડન પાછા ફર્યા અને તબીબી ડિગ્રી મેળવી. કારકિર્દી નક્કી થાય તે પહેલાં શિક્ષક, દવાવાળાના સહાયક, હાસ્યકલાકાર અને છેવટે સાઉથવર્કમાં તબીબ બન્યા. લંડનમાં થોડો સમય પુસ્તકવિક્રેતાઓ માટે પણ કામ કર્યું.

ઑલિવર ગોલ્ડસ્મિથ

આ દરમિયાન એમણે લેખનકાર્ય આરંભી દીધું હતું. એમની કૃતિ ‘સિટીઝન ઑવ્ ધ વર્લ્ડ’ (1762) તથા કેટલાક નિબંધોએ ડૉ. જોન્સનનું ધ્યાન ખેંચ્યું. જોતજોતાંમાં તેઓ ડૉ. જોન્સનના મિત્ર બની ગયા અને એ મિત્રતાએ ગોલ્ડસ્મિથની સાહિત્યિક કારકિર્દીમાં નિર્ણાયક ભાગ ભજવ્યો. ‘ધ ટ્રાવેલર’ (1764) અને ‘ધ ડિઝર્ટેડ વિલેજ’(1770) એમની કીર્તિદા કાવ્યકૃતિઓ છે. અલબત્ત, ‘ધ વૅનિટી ઑવ્ હ્યુમન વિશીઝ’, ‘ઍલેજી ઑન ધ ડેથ ઑવ્ અ મૅડ ડૉગ’, ‘વ્હેન લવલી વુમન સ્ટૂપ્સ ટુ ફૉલી’, ‘રિટેલિયેશન’ આદિ પણ એમની અન્ય નોંધપાત્ર કાવ્ય- રચનાઓ ગણાઈ છે. તેમની નવલકથા ‘ધ વિકાર ઑવ્ વેકફિલ્ડ’ અને ‘ધ ગુડ-નૅચર્ડ મૅન’ તથા ‘શી સ્ટૂપ્સ ટુ કૉન્કર’ જેવી નાટ્યકૃતિઓ વખણાયેલી છે.

મનુષ્ય તરીકે ભભકાદાર કપડાંનો શોખ, ઋજુ સ્વભાવ અને ગરીબોના હામી થવાની હરહંમેશ તત્પરતાએ એમને સદા તાણમાં રાખ્યા હતા. અવસાન-સમયે તેઓ દેવાદાર હતા. ડૉ. જૉન્સને આ મિત્ર માટે જે કબરલેખ લખ્યો તે તેનું યોગ્ય મૂલ્યાંકન કરે છે : ‘એની નબળાઈઓ સ્મરણમાં રાખવાની નથી, એ ખરેખર મહાન મનુષ્ય હતો.’

ધીરુ પરીખ