ગોલ્ડિંગ, વિલિયમ (સર જિરાલ્ડ)

February, 2011

ગોલ્ડિંગ, વિલિયમ (સર જિરાલ્ડ) (જ. 19 સપ્ટેમ્બર 1911, કૉર્નવોલ; અ. 19 જૂન 1993, કૉર્નવોલ) : 1983માં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રતિભાશાળી અંગ્રેજ લેખક. એમની નવલકથાઓમાં એક નાગરિક તરીકે ગોલ્ડિંગ સમાજની ઊણપોનું, ખામીઓનું નિરૂપણ કરે છે અને એક શિક્ષક તરીકે તે સુધારવાનો પ્રયત્ન કરે છે; જ્યારે નવલકથાકાર તરીકે આ સમસ્યાઓનું પ્રતિબિંબ રજૂ કરે છે. નવલકથા લખવા પાછળનો તેમનો હેતુ જીવનની કદરૂપી બાજુનું ચિત્રણ કરી બોધપાઠ આપવાનો છે. એક શિક્ષક તરીકે જિંદગી શરૂ કર્યા બાદ બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે નૌકાદળમાં જોડાયા. આ મહાયુદ્ધની પશુતાએ એમના મન પર એવી ઘેરી અસર પાડી કે એમની બધી જ કૃતિઓમાં માણસાઈ કરતાં પશુતા જ મુખ્ય વિષય બની ગઈ. વિશ્વયુદ્ધ અને સમુદ્રનું એમના જીવનમાં અને લેખનમાં ખાસ મહત્વ રહ્યું છે, કારણ આ બંનેનો એમને પ્રત્યક્ષ અનુભવ હતો. ‘પિંચર માર્ટિન’માં ડૂબતા નાવિકની વાત છે. ‘રાઇટ્સ ઑવ્ પૅસેજ’માં ઑસ્ટ્રેલિયાની સમુદ્રયાત્રાની કથા છે, જ્યારે ‘ડાર્કનેસ ઇન્વિઝિબલ’ લંડન પરના બૉમ્બમારાની કથા છે, જે એમના પ્રત્યક્ષ અનુભવનો પડઘો છે.

વિલિયમ ગોલ્ડિંગ

ગોલ્ડિંગનો ભાષા પ્રત્યેનો લગાવ ને બાળપણનાં સંસ્મરણો પ્રત્યેની એમની લગની એમની કૃતિઓમાં ઊપસી આવે છે. સત-અસતનું દ્વન્દ્વ એમની નવલકથાઓનો વિષય રહ્યું છે. આવા વિશાળ વિષયને અનુરૂપ એમની ભાષા રહી છે, જેમાં મુખ્ય રહસ્ય છે માનવીનું ભીતર, માનવીના હૃદયમાં વ્યાપેલો અંધકાર.

1954માં ‘લૉર્ડ ઑવ્ ધ ફ્લાઇઝ’ લખી ગોલ્ડિંગે સાહિત્ય-જગતમાં પ્રવેશ કર્યો. તે નવલકથા પહેલાં વિવાદાસ્પદ બની અને પાછળથી ખૂબ લોકપ્રિય બની. અહીં જીવનના અંધકારનો ઉલ્લેખ છે, ગંદકી અને કીચડનું નિરૂપણ છે. આ નવલકથાનો નાયક સાયમન ભીતરમાં જોવાનો પ્રયત્ન કરે છે, ત્યાં એને કેવળ અંધકાર જ ભાસે છે. અહીં માનવીના દુષ્ટ વિચારો છતા થાય છે. એક સૂમસામ ટાપુ પર પ્લેન હોનારતમાંથી ઊગરી ગયેલાં બાળકોના વર્તન પર આધારિત આ વાત છે. નિર્જન ટાપુ પર બાળકો સભ્યતા ભૂલી પાશવી આચરણ કરે છે; પણ એમને મદદ મળતાં એમનું વર્તન સુધરી જાય છે. અહીં ગોલ્ડિંગ બતાવે છે કે દરેક મનુષ્યમાં એક પશુ છુપાયેલું છે. સંજોગવશાત્ માણસ પશુ બની જાય છે અને તક મળે તો સંસ્કારી બને છે. આ નવલકથામાં સર્વત્ર દુષ્ટતા જ છે. સાયમન સંતપુરુષ છે પણ એનું સત કોઈના હૃદયને સ્પર્શતું નથી. આ પુસ્તક વિશ્વની 28 ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂક્યું છે. એનો મરાઠી અનુવાદ પણ પ્રકાશિત થયો છે.

1964માં ‘ધ સ્પાયર’ પ્રકાશિત થઈ. આ નવલકથાની ભૂમિકામાં ચૌદમી સદીના ઇંગ્લૅન્ડનું કેથીડ્રલ છે. જોકે ભૂમિકા ઐતિહાસિક છે. પણ કૃતિ ઐતિહાસિક નવલકથા નથી. એ પ્રતીકાત્મક (symbolic) નવલકથા છે. સેલ્સબરી કેથીડ્રલનો મિનારો એ શક્તિનું પ્રતીક છે, આધ્યાત્મિક એષણાનું પ્રતીક છે. એનો પાયો ધરતીમાં છે પણ એનું ધ્યેય સ્વર્ગ છે. ગોલ્ડિંગ અહીં દર્શાવે છે કે માનવ બીજાં પ્રાણીઓની જેમ સહન કરે છે. પણ તફાવત એ છે કે તે પ્રાર્થના કરી શકે છે. આ નવલકથા ગોલ્ડિંગનું આધ્યાત્મિક દર્શન રજૂ કરે છે.

‘પિન્ચર માર્ટિન’માં એક જ પાત્ર છે છતાં નવલકથા ખૂબ જ અસરકારક રહી છે. અન્ય નવલકથાઓની જેમ અહીં પણ અસત(evil)ની જ સમસ્યા નિરૂપવામાં આવી છે. નવલકથાના બીજા પાનામાં જ નાયક માર્ટિનને ટૉર્પિડોથી ફૂંકી મારવામાં આવે છે. એનું શરીર સમુદ્રમાં ડૂબી ગયું ત્યારે પણ એનો અહમ્ ખડકને વળગી રહી પોતાની અસ્મિતા (identity) ચાલુ રાખવા યત્ન કરે છે. નાયક નવલકથાની શરૂઆતમાં જ મૃત્યુ પામે છે પણ દેહના અંતને લેખક માત્ર શારીરિક પરિવર્તન જ ગણે છે. અહીં લેખક પશ્ચાદદર્શન(flashback)થી માર્ટિનના ભૂતકાળમાં ડોકિયું કરી એનું સાચું – યથાર્થ ચરિત્ર નિરૂપે છે. અહીં લેખકે માનવ-સમુદ્ર-સંઘર્ષ બતાવ્યો છે. ગોલ્ડિંગે અહીં પ્રતીક અને કલ્પનોનો ખૂબ સૂચક ઉપયોગ કરી મરણમાં જીવવું અને જીવનમાં મરવું એવો વિરોધાભાસ દર્શાવ્યો છે અને એ જ નવલકથાનું હાર્દ છે. જોકે આ નવલકથા મૃત્યુની આસપાસ ગૂંથાયેલ પુરાકલ્પ છે છતાં એ હકીકતમાં જિંદગી સાથે, માર્ટિનની જિજીવિષા સાથે, એનાં શૌર્ય અને ધૈર્ય સાથે વણાયેલી છે. આ નવલકથા પ્રારબ્ધવાદી નવલકથા (eschatological novel) તરીકે જુદી ભાત પાડે છે.

‘ફ્રી ફૉલ’માં ગોલ્ડિંગે પુરાકલ્પ કે ર્દષ્ટાંતકથા(fable)નો ઉપયોગ ન કરતાં પ્રથમપુરુષ કથનની પદ્ધતિમાં પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. અહીં નિરૂપણકાર ભૂતકાળના બનાવો પર ચિંતન કરે છે અને જિંદગીની આદર્શહીનતા (patternlessness) દર્શાવે છે. અહીં લેખક સેમીના પાત્ર દ્વારા દર્શાવે છે કે જે માણસ આઝાદ નથી તે દોષિત નથી. દોષિત તે કહેવાય જેની પાસે પસંદગીનો વિકલ્પ હોય. જે પસંદગી કરવા મુક્ત નથી તેને દોષિત ઠેરવી શકાય નહિ. આ નવલકથામાં ગોલ્ડિંગે બાહ્ય દુનિયા અને આંતરિક દુનિયા વચ્ચેનો વિરોધાભાસ દર્શાવ્યો છે. ગોલ્ડિંગની કૃતિ ‘ધ ઇનહેરિટર્સ’ પણ નીતિકથા છે. તે એચ. જી. વેલ્સની ‘આઉટલાઇન ઑવ્ હિસ્ટરી’ પર આધારિત છે – જોકે બંને લેખકોના અભિગમ ભિન્ન છે : વેલ્સનો બુદ્ધિતરફી છે, ગોલ્ડિંગનો ધર્મતરફી.

1980માં પ્રકાશિત થયેલ ‘રાઇટ્સ ઑવ્ પૅસેજ’ માટે ગોલ્ડિંગને બુકર પારિતોષિક મળ્યું. ત્યારબાદ ગોલ્ડિંગે ‘ધ પેપરમૅન’ લખ્યું જે 1984માં પ્રકાશિત થયું. પાછળથી એમણે કથનાત્મક નિબંધો લખ્યા, જેના સંગ્રહનું નામ છે ‘મૂવિંગ ટાર્ગેટ’. 1989માં છેલ્લી નવલકથા ‘ફાયર ડાઉન બિલો’ લખી. 1987માં ગોલ્ડિંગે ભારતની મુલાકાતે આવ્યા પછી એક પ્રવાસ-ડાયરી લખી હતી, જે પ્રકાશિત થઈ નથી.

ગોલ્ડિંગે દરેક નવલકથાને એક નવી સમસ્યા પ્રત્યેના નવા અભિગમ તરીકે લેખી છે. તે ગંભીર લેખક છે. પોતાની કૃતિઓ વિશે એ કહે છે : ‘હવે હું એ સ્તર પર છું જ્યાં મારાં પુસ્તકોને સમજાવવાની તસ્દી નથી લેતો.’

આરમાઈતિ દાવર