ગૂજરાત વિદ્યાપીઠ

February, 2011

ગૂજરાત વિદ્યાપીઠ : સ્વાતંત્ર્ય-આંદોલનના ભાગ રૂપે ગાંધીજીએ 1920માં અમદાવાદમાં સ્થાપેલી શિક્ષણસંસ્થા. સરકારી શાળા-કૉલેજના શિક્ષણ-બહિષ્કારના આંદોલન દરમિયાન ઑગસ્ટ, 1920માં અમદાવાદમાં મળેલી ચોથી ગુજરાત રાજકીય પરિષદની રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર માટે નીમેલી 12 સભ્યોની સમિતિએ તા. 18 —10—1920ના રોજ ‘ગૂજરાત વિદ્યાપીઠ’નું બંધારણ ઘડ્યું અને તે જ તેનો સ્થાપનાદિન ગણાયો. ઉપર દર્શાવેલી સમિતિએ મહાત્મા ગાંધીજીને ગૂજરાત વિદ્યાપીઠના કાયમી કુલપતિ નીમ્યા અને 1948માં તેમનું અવસાન થયું, ત્યાં સુધી તેઓ એ પદે રહ્યા.

તેનો ધ્યાનમંત્ર ‘सा विद्या या विमुक्तये ।’ છે. તા. 15—11–-1920ના રોજ કોચરબ પાસેના શ્રી ડાહ્યાભાઈ ઇજ્જતરામના બંગલામાં ‘ગૂજરાત મહાવિદ્યાલય’ શરૂ થયું. તેના સ્થાપના-સમયે ગાંધીજીએ કહ્યું હતું, ‘મેં એવું એક પણ કાર્ય નથી કર્યું કે જેની સાથે આજે કરવાના કાર્યનો મુકાબલો થાય…. એક વણિકપુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કાર્ય કર્યું છે.’

ગૂજરાત વિદ્યાપીઠ

તેના પ્રથમ કુલનાયક ને મહાવિદ્યાલયના પ્રથમ આચાર્ય તરીકે દિલ્હીની સમંજસ કૉલેજના આચાર્ય શ્રી અસૂદમલ ટેકચંદ ગિદવાણી જોડાયા. મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા સત્યાગ્રહ આશ્રમમાં શાળાના શિક્ષક તરીકે 1917માં જોડાયેલા શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળા આ વિદ્યાપીઠના પ્રથમ મહામાત્ર(કુલસચિવ)પદે 1920—21માં અને 1923થી 1925 દરમિયાન બીજી વાર નિમાયા હતા.

1920માં આ વિદ્યાપીઠમાં દાખલ થનાર કેટલાયે વિદ્યાર્થીઓ એવા હતા, જેમને અન્ય યુનિવર્સિટીઓમાં માત્ર સ્નાતકની અંતિમ પરીક્ષા આપવાની જ બાકી હતી, પણ ગાંધીજીની હાકલને માન આપીને આ રાષ્ટ્રીય વિદ્યાપીઠમાં દાખલ થઈને તેમણે અહીંની પદવીઓ લીધી હતી. તેનો પ્રથમ પદવીદાન સમારંભ 1922માં થયો હતો, જે વખતે કુલપતિ ગાંધીજી જેલમાં હતા. તેથી પદવીઓ શ્રી વલ્લભભાઈ પટેલના હસ્તે અપાઈ હતી. આ પદવીઓ લેનારમાં સર્વશ્રી બળવંતરાય મહેતા, ખંડુભાઈ દેસાઈ, મગનભાઈ દેસાઈ, પાંડુરંગ વિઠ્ઠલ વળામે (રંગ અવધૂત) વગેરે 66 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.

ડિસેમ્બર 1920માં આ વિદ્યાપીઠમાં ‘ગુજરાત પુરાતત્વમંદિર’ની સ્થાપના થઈ. તેનું પુસ્તકાલય ‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર’ને નામે ઓળખાયું. તેમાં પ્રાચીન ભાષાઓના ગ્રંથોનું સંપાદન, અનુવાદ સંશોધન વગેરે કામો ચાલતાં ને એમાં મુનિશ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી સંઘવી, પંડિત બેચરદાસ દોશી, શ્રી ધર્માનંદ કોસંબી, શ્રી રસિકલાલ છો. પરીખ જેવા વિદ્વાનો કામ કરતા.

1922માં મહાવિદ્યાલયના બીજા આચાર્ય તરીકે શ્રી જીવતરામ ભગવાનદાસ કૃપાલાની આવ્યા ને છ વર્ષ આચાર્ય તરીકે રહ્યા. તે દરમિયાન 1925માં એમની પ્રેરણાથી ‘ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ’ની સ્થાપના થઈ. 1925માં વિદ્યાપીઠના કામકાજની તપાસ અર્થે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે એક સમિતિની રચના થઈ હતી. તેણે પ્રજાના પૈસે ઊભી થયેલી આ વિદ્યાપીઠે તેનું વળતર પ્રજાને આપ્યું છે કે નહિ તથા હવે પછી તેની જરૂરિયાત કેટલી કે કેવી, એ તપાસી હેવાલ આપ્યો અને તે પ્રજા સમક્ષ મુકાયો. આ પછી આવી બીજી સમિતિ નથી નિમાઈ.

1923માં વિદ્યાપીઠે ઉસ્માનપુરા પાસે જમીન લઈ ‘પ્રાણજીવન વિદ્યાર્થીભવન’નો શિલારોપણ-વિધિ બંગાળના પ્રખ્યાત વિજ્ઞાની ડૉ. પ્રફુલ્લચંદ્ર રૉય પાસે કરાવ્યો ને એ મકાનની ઉદઘાટનવિધિ ગાંધીજીના હસ્તે 1925માં થઈ.

1928માં ‘ગૂજરાત વિદ્યાપીઠ મંડળ’ની રચના કરવામાં આવી. એમાં 12 ધ્યેયો નક્કી કરવામાં આવ્યાં, જે પાછળથી 11 કરવામાં આવ્યાં. આઝાદી પછી અને ગાંધીજીના અવસાન બાદ આ સુધારો કરવામાં આવ્યો. ‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર’ને વિદ્યાપીઠના પુસ્તકાલય સાથે ભેળવીને ‘ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય’ની રચના 1928માં કરવામાં આવી. શ્રી કૃપાલાની આચાર્યપદેથી છૂટા થયા ને કાકાસાહેબ કાલેલકર આચાર્ય તથા કુલનાયકપદે આવ્યા. 1919માં વિદ્યાપીઠે ગુજરાતી ભાષનો પ્રથમ જોડણીકોશ પ્રકાશિત કર્યો.

મહાત્મા ગાંધીજીએ કરેલી 1930ની દાંડીકૂચ સમયે મહાવિદ્યાલય બંધ થયું. તેના વિદ્યાર્થીઓની બે ‘અરુણ’ ટુકડીઓએ દાંડીકૂચની વ્યવસ્થા માટેનું બીડું ઝડપ્યું ને અધ્યાપકો પણ લડતમાં જોડાયા. 1920થી 1930નો દશકો સંસ્થાનો ‘સુવર્ણયુગ’ હતો, કેમ કે તે દરમિયાન ગાંધીજીની સીધી દેખરેખ નીચે કામકાજ ચાલ્યું. 1926માં ગાંધીજી વિદ્યાર્થીઓને બાઇબલ શીખવવા માટે ત્રણેક માસ દર શનિવારે આવતા. એની સ્મૃતિમાં પ્રાણજીવન વિદ્યાર્થીભવનની ડાબી બાજુનો નીચેનો છેલ્લો ઓરડો ‘બાઇબલ ખંડ’ તરીકે જાણીતો છે. આ 10 વર્ષ દરમિયાન લગભગ 300 સ્નાતકો બહાર પડ્યા, જેમણે દેશનાં વિવિધ ક્ષેત્રોમાં દેશ, સંસ્થા ને સ્વભાષાને ગૌરવ અપાવતી ઉત્તમ કામગીરી બજાવી.

આ દરમિયાન 1927માં માધ્યમિક શાળા ગૂજરાત વિનય મંદિરનો પ્રારંભ થયો. તેના પ્રથમ આચાર્ય શ્રી રામનારાયણ વિ. પાઠક હતા. 1935માં ગૂજરાત કુમાર મંદિરનો પ્રાથમિક શાળાનો આરંભ થયો. 1930માં બંધ પડેલું મહાવિદ્યાલય શ્રી મહાદેવભાઈ દેસાઈની સ્મૃતિમાં તા. 29–6–1947ના રોજ શ્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય’ નામથી શરૂ થયું. આઝાદ ભારતના નવનિર્માણ માટે સમાજસેવકો તૈયાર કરવાનો તેનો હેતુ હતો. તેના પ્રથમ આચાર્ય તરીકે 1935માં ‘સત્યાગ્રહની મીમાંસા’ નામે મહાનિબંધ લખી વિદ્યાપીઠના પ્રથમ પારંગત થયેલા શ્રી મગનભાઈ પ્ર. દેસાઈ નિમાયા. પ્રથમ પદવીદાન સમારંભ પણ તે વખતના કુલપતિ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે 1950માં યોજાયો ને માત્ર 8 વિદ્યાર્થીઓને ‘સમાજવિદ્યાવિશારદ’ની પદવીઓ અપાઈ. ગાંધીજીના 1948માં અવસાન પછી સરદાર પટેલ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા ને 1950માં તેમના અવસાન પછી ડૉ. રાજેન્દ્રપ્રસાદ 1963 સુધી કુલપતિ રહ્યા. તે પછી શ્રી મોરારજીભાઈ દેસાઈ કુલપતિ થયા અને તેઓશ્રી 1995 સુધી રહ્યા. તે પછી શ્રી રામલાલભાઈ પરીખ કુલપતિ તરીકે આવ્યા. તે પછી ડૉ. સુશીલાબહેન નય્યર, શ્રી નવીનચંદ્ર બારોટ, શ્રી નવલભાઈ શાહ અને શ્રી રવીન્દ્ર વર્મા આવ્યા. 2008થી શ્રી નારાયણભાઈ દેસાઈ કુલપતિપદે છે.

1955માં ગ્રંથાલયનું અલગ મકાન ‘ગાંધીભવન’ તૈયાર થયું ને તેમાં ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય ખસેડવામાં આવ્યું. મુંબઈ સરકારે ભાષાકીય કૉપીરાઇટ પુસ્તકાલય ઊભું કરવાની ર્દષ્ટિએ લગભગ 40 હજાર જેટલાં 1867થી 1947 સુધીનાં ગુજરાતી પુસ્તકો ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયને સોંપ્યાં ને એ રીતે ‘ગુજરાતી કૉપીરાઇટ વિભાગ’ ગ્રંથાલયનો ભાગ  બન્યો. આ વિભાગમાં 1,10,390 પુસ્તકો (2009માં) છે તથા ગ્રંથાલયમાં લગભગ 14 ભાષાનાં 5,57,321 પુસ્તકો (2009માં) છે, જેમાં અડધોઅડધ અંગ્રેજી ભાષાનાં છે. તેમાં પાલિ, પ્રાકૃત, સંસ્કૃત, અરબી, ફારસી, ફ્રેંચ, જર્મન વગેરે ભાષાઓના કેટલાક અમૂલ્ય ગ્રંથો સંઘરાયા છે. આ ઉપરાંત ગાંધી અધ્યયનખંડમાં વિવિધ ભાષાઓનું ગાંધીસાહિત્ય છે. ગ્રંથાલયમાં અવારનવાર પુસ્તક-પ્રદર્શનો પણ ભરાય છે.

મ. દે. સમાજસેવા મહાવિદ્યાલય કુલ 16 વિભાગોમાં ચલાવાય છે. ગુજરાતી, હિંદી, ગ્રામઅર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર અને સમાજમાનવશાસ્ત્ર, સમાજકાર્ય, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન, કમ્પ્યૂટર-વિજ્ઞાન, ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન વિભાગ, ગાંધીદર્શન અને શાંતિસંશોધન-કેન્દ્ર, બૌદ્ધદર્શન વિભાગ, આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન-કેન્દ્ર, યોગતાલીમ-કેન્દ્ર, ર્દશ્ય-શ્રાવ્યનિર્માણ વિભાગ, સુગમ સંગીત વિભાગ અને યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમૅન્ટેશન સેન્ટર ચલાવાય છે. તેમાં અંગ્રેજી નથી.

1962થી આદિવાસી તાલીમ અને સંશોધન કેન્દ્ર વિદ્યાપીઠમાં ચાલે છે. તેમાં એક કાયમી સંગ્રહસ્થાન છે. આ કેન્દ્રમાં આદિવાસી તાલીમ અને સંશોધન અંગેનાં પુસ્તકો, હેવાલો, શિબરો, પ્રશિક્ષણ વગેરેનું કામ થાય છે. આ કેન્દ્ર મારફતે ગુજરાત રાજ્યની 14 % જેટલી આદિવાસી વસ્તીને ઉપયોગી પ્રવૃત્તિઓ યોજાય છે.

પ્રાથમિક શિક્ષણથી માંડીને વિદ્યાવાચસ્પતિ સુધીનું શિક્ષણ માતૃભાષા ગુજરાતીમાં આપતી આ વિદ્યાપીઠમાં રાષ્ટ્રભાષા હિંદીનો વિષય ધો. 5થી સ્નાતક સુધી ફરજિયાત છે. કદાચ ભારતની આ એક જ યુનિવર્સિટી એવી છે, જ્યાં સ્નાતક સુધી હિંદી ફરજિયાત છે. 1937માં કાકાસાહેબ કાલેલકરે વિદ્યાપીઠ અને નવજીવન સંસ્થાની સહાયથી ‘ગુજરાત રાષ્ટ્રભાષા પ્રચાર’ના નામથી હિન્દી પ્રચારનું કામ ગુજરાતમાં શરૂ કર્યું. તે માટે 1946માં વિદ્યાપીઠે ‘ગૂજરાત હિંદી પ્રચાર સમિતિ’ની સ્થાપના સરદાર પટેલના પ્રમુખપદે કરી ને 1960માં તેને માટે ‘હિંદી ભવન’નું નિર્માણ કર્યું. ગુજરાતનાં લગભગ એક હજાર કેન્દ્રોમાં વર્ષે લગભગ બે લાખ વિદ્યાર્થીઓ એની પરીક્ષાઓમાં બેસે છે. આની મારફતે ગાંધીવિચારની પણ પરીક્ષાઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લેવાય છે. ભારતીય ભાષાપ્રચારનું કામ 1980ના દાયકાથી શરૂ થયું છે, જેમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાળમ, બંગાળી, મરાઠી, ઉર્દૂ, ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને સિંધી ભાષાઓના વર્ગો ચાલે છે. વિદેશી ભાષાઓ પણ શીખવાય છે – ફ્રેંચ, રશિયન, અરબી, અંગ્રેજી, જર્મન અને સ્પૅનિશ.

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી રાજ્યની હિંદી શિક્ષકોની જરૂરિયાત ધ્યાનમાં રાખીને 1962થી હિંદી શિક્ષક મહાવિદ્યાલય શરૂ કરવામાં આવ્યું. પછીથી અન્ય વિષયો ઉમેરીને 1965થી તે ‘શિક્ષણ મહાવિદ્યાલય’ નામથી ચાલે છે. 1963માં વિદ્યાપીઠને ડિમ્ડ યુનિવર્સિટી બનાવવામાં આવી અને 1965માં મ. દે. મહાવિદ્યાલયમાં અનુસ્નાતક વિભાગો શરૂ થયા.

1978થી અમદાવાદ નજીક રાંધેજા બહેનો માટે અને સાદરામાં ભાઈઓ માટે સ્નાતક-કક્ષાનાં ગ્રામસેવા મહાવિદ્યાલયો શરૂ કરવામાં આવ્યાં ને અમદાવાદમાં સ્નાતક-કક્ષાનું શિક્ષણ બંધ કર્યું. ગુજરાતના તે વખતના મુખ્ય પ્રધાન શ્રી બાબુભાઈ જ. પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં જ એપ્રોપ્રિયેટ ટૅક્નૉલૉજી-કેન્દ્ર (આઇ.ટી.આઇ.) શાહીબાગમાં ચાલે છે. આ ઉપરાંત સત્યાગ્રહ આશ્રમ, કોચરબ, પાલડીનો વહીવટ પણ ચલાવવામાં આવે છે. વિદ્યાપીઠની પ્રથમ શાખા 1931માં ખેડા જિલ્લામાં વલ્લભવિદ્યાલય, બોચાસણમાં શરૂ થઈ. પછી તો દેથલી અને ભાટેલમાં ગ્રામસેવા-કેન્દ્રો ચાલે છે. ભલાડામાં ગ્રામસેવા-કેન્દ્ર અને દેથલીમાં કૃષિવિજ્ઞાન-કેન્દ્ર પણ ચાલે છે. રાંધેજા તથા દક્ષિણ ગુજરાતમાં અંભેટીમાં પણ કૃષિવિજ્ઞાન-કેન્દ્ર તથા ગ્રામસેવા-કેન્દ્ર ચાલે છે.

1991માં ગાંધીયુગ નવરત્નોનો શતાબ્દી સમારોહ મ. દે. મહાવિદ્યાલય તરફથી ઊજવવામાં આવ્યો. એ જ રીતે શ્રી મોરારજીભાઈ દેસાઈનું સંગ્રહસ્થાન અને ગૂજરાત વિદ્યાપીઠનું સંગ્રહસ્થાન પણ છે. આ 2003માં ચાલુ થયાં. ગૂજરાત વિદ્યાપીઠ સંગ્રહાલયમાં 10 જુદા જુદા પ્રકારના રેંટિયા અને ગાંધીજી અને અન્ય મહાનુભાવોના અલભ્ય ફોટાઓ છે. શ્રી મોરારજીભાઈ દેસાઈના સંગ્રહસ્થાનમાં ‘ભારતરત્ન’ અને ‘નિશાને પાકિસ્તાન’ના ખિતાબ પણ પ્રદર્શિત કરેલ છે.

ગૂજરાત વિદ્યાપીઠના સ્વાતંત્ર્યપૂર્વેના સ્નાતકોનું ગુજરાતના અને રાષ્ટ્રના જાહેર જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મોટું પ્રદાન છે. સ્વાતંત્ર્યોત્તર સ્નાતકોએ ગુજરાતની શૈક્ષણિક ને સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજકાર્ય કર્યું છે. આ વિદ્યાપીઠનું એક શૈક્ષણિક સંસ્થા તરીકે મોટું પ્રદાન છે.

દશરથલાલ શાહ