ગુણક : સ્વાયત્ત મૂડીરોકાણમાંના ફેરફાર અને તેને લીધે રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફાર વચ્ચેનું પ્રમાણ. આ પ્રકારનો ફેરફાર સમાજના વપરાશી ખર્ચમાં થતા ફેરફાર મારફત થતો હોય છે. જાહેર મૂડીરોકાણની રોજગારી પર પડતી અનુકૂળ અસરો સમજાવવા અંગે ગુણકનો વિચાર ઉદભવ્યો હતો; પરંતુ હવે તેનો ઉપયોગ ચાલુ આવકમાં બહારથી વધારાની ખરીદશક્તિ ઉમેરવાથી ઊભી થતી આવકસર્જનની ગતિશીલ પ્રક્રિયા સમજાવવા માટે થાય છે. ગુણકનો સિદ્ધાંત સીમાન્ત વપરાશવૃત્તિની વિભાવનામાંથી તારવવામાં આવ્યો છે અને નવા મૂડીરોકાણના વપરાશખર્ચ દ્વારા આવક પર શી અસર થાય છે તે ગુણક દ્વારા જાણી શકાય છે. વાસ્તવમાં ગુણકનું મૂલ્ય સીમાન્ત વપરાશવૃત્તિ દ્વારા નક્કી થાય છે. સીમાન્ત વપરાશવૃત્તિ જેમ વધારે તેમ આ પ્રમાણ પણ વધારે હોય છે.

સમીકરણના રૂપમાં ગુણકનું મૂલ્ય નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે :

અહીં K ગુણક બતાવે છે, Δc/Δy સીમાન્ત વપરાશવૃત્તિ બતાવે છે અને 1-Δc/Δy સીમાન્ત બચતવૃત્તિ દર્શાવે છે. બીજા શબ્દોમાં મૂકીએ તો ગુણક, સીમાન્ત બચતવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તેથી ઉપરનું સમીકરણ આ રીતે પણ લખાય or

ગુણકનો વિચાર આકૃતિ દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય.

આકૃતિમાં OX રેખા પર આવક અને Oy રેખા પર વપરાશ = ખર્ચ (C), મૂડીરોકાણખર્ચ (I) અને સરકારી ખર્ચ (G) દર્શાવવામાં આવ્યાં છે. સીમાન્ત વપરાશવૃત્તિ (ΔC/ΔY) 0.5 ધારી લેવામાં આવી છે. C + I વક્ર વપરાશ અને મૂડીરોકાણખર્ચ બતાવે છે અને Oy, આવકે સમતુલા સ્થપાય છે. સરકાર, નવા મૂડીરોકાણખર્ચ (E2N2) દ્વારા કુલ ખર્ચ C+I+G સપાટીએ લઈ જાય છે. પરિણામે આવક Oy1 થી વધીને Oy2 થાય છે. આમ નવા સરકારી ખર્ચ E2N2ને કારણે આવકમાં y1y2 જેટલો વધારો થાય છે. જે સરકારી ખર્ચ કરતાં બમણો છે. સીમાન્ત વપરાશવૃત્તિ 0.5 ધારી લીધી હોવાથી ગુણકનું મૂલ્ય ‘2’ પુરવાર થાય છે.

નવા મૂડીરોકાણને કારણે સર્જાયેલી પ્રારંભિક આવક, ગુણકના સિદ્ધાન્ત અનુસાર આનુષંગિક આવકો ઊભી કરે છે; પરંતુ તે માટે સમય લાગે છે. મળેલી આવક વપરાશ પાછળ ખર્ચાય તે માટે જો એક મહિનો લાગતો હોય તો મૂળ મૂડીરોકાણની આવક પર સંપૂર્ણ અસર થવા માટે ઘણો સમય લાગે છે અને તે સીમાન્ત વપરાશવૃત્તિ કેટલી છે તેના પર આધાર રાખે છે. નીચેના કોષ્ટક પરથી આ બાબત સ્પષ્ટ થશે.

આવક નિર્માણની પ્રક્રિયા

[ΔC/ΔY = 0.5]

મૂળ

મૂડી

રોકાણ

રૂ. કરોડ

વારંવાર ઉદભવતું વપરાશખર્ચ

 

 

 

 

કરોડ રૂપિયામાં

આવકમાં

થયેલો કુલ

વધારો

કરોડ રૂપિયામાં

0

1 2 3 4 5

10.00

+0.00 +5.00 +2.50 +1.25 +0.62 0.31 = 19.68

ઉપરના કોષ્ટક પરથી સમજાશે કે સમયના પાંચ ગાળા પછી રૂ. 10 કરોડનું મૂળ મૂડીરોકાણ લગભગ રૂ. 20 કરોડની આવકમાં પરિણમ્યું છે. જો સમયના દરેક ગાળાને એક મહિનાનો ધારી લેવામાં આવે તો ગુણકની પૂરી અસર થવા માટે લગભગ પાંચ મહિના જેટલો સમય લાગે છે. જો ગુણકનું મૂલ્ય ‘3’ હોય (એટલે કે સીમાન્ત વપરાશવૃત્તિ 0.66 હોય) તો ગુણકની પૂરી અસર થવા માટે એક એક મહિનાના લગભગ આઠ સમયગાળાની જરૂરિયાત રહે.

ગુણકનો સિદ્ધાંત વિત્તનીતિ ઘડવામાં ઉપયોગી બને છે.

(1) મંદીના સમયમાં જ્યારે નાણાકીય નીતિ નિષ્ફળ જાય છે ત્યારે સરકાર જાહેર મૂડીરોકાણ દ્વારા સીધી રીતે લોકોની આવકમાં વધારો કરે છે અને તેની ગુણક અસરને કારણે અર્થતંત્ર ફરીથી પૂર્ણરોજગારીની સ્થિતિએ પહોંચી શકે છે.

(2) સરકારે જાહેરખર્ચ કેવી રીતે કરવું તે અંગે ગુણકનો સિદ્ધાંત માર્ગદર્શન પૂરું પાડે છે. આવક મોટા પ્રમાણમાં વધારવા માટે જેમની સીમાન્ત વપરાશવૃત્તિ વધુ હોય તેવી વ્યક્તિઓની આવક વધવી જોઈએ.

(3) આવી નીતિનો ઉપયોગ સરકારે પૂર્ણ રોજગારીની પ્રાપ્તિ સુધી જ કરવો જોઈએ. પૂર્ણ રોજગારી પ્રાપ્ત થયા પછી પણ જો જાહેર મૂડીરોકાણ વધારવાનું ચાલુ રાખવામાં આવે તો તેની ગુણક અસરને કારણે લોકોની આવક વધે છે; પરંતુ ઉત્પાદન વધારવાનું શક્ય ન હોવાથી અર્થતંત્ર ફુગાવામાં સપડાય છે.

સિદ્ધાંતની ર્દષ્ટિએ ગુણકનું મૂલ્ય સીમાન્ત બચતવૃત્તિના વ્યસ્ત પ્રમાણ જેટલું હોય છે; પરંતુ વાસ્તવમાં ગુણકના સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ છે. કેટલાંક કારણોને લીધે નવી આવકનો કેટલોક ભાગ નાણાપ્રવાહની બહાર ચાલ્યો જાય છે. જેને બહિર્સ્રાવ (leakages) કહે છે જેમ કે :

(1) જો નવી આવકોનો મોટો ભાગ અગાઉનું દેવું ચૂકવવામાં જાય તો આવકના પ્રવાહમાં તેટલો ઘટાડો થાય છે. લેણદાર વર્ગ પૈસાદાર હોય છે. તેમની સીમાન્ત વપરાશવૃત્તિ ઓછી હોય છે. આથી ગુણકની સંપૂર્ણ અસર થતી નથી.

(2) જો વિનિમય, સાવચેતી અને સટ્ટાકીય હેતુઓ સંતોષવા માટે લોકોની રોકડ પસંદગીની વૃત્તિ વધારે હોય તો તેઓ વધુ પ્રમાણમાં રોકડ નાણું હાથ પર રાખશે. પરિણામે ખર્ચના પ્રવાહમાંથી નાણાંનો જથ્થો ઓછો થાય છે. આમ, વધુ પડતી રોકડ પસંદગીની વૃત્તિ પણ ગુણકની અસર ઓછી કરે છે.

(3) જો દેશમાંથી નિકાસ કરતાં દેશમાં આયાત વધારે પ્રમાણમાં થતી હોય તો વપરાશખર્ચનો અમુક ભાગ વધારાની આયાત અંગે ખર્ચાતો હોવાથી તેટલે અંશે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો કરે છે જેને કારણે ગુણકની અસર ઓછી થાય છે.

(4) મૂળ મૂડીરોકાણની આવક અને રોજગારી પર થતી ગુણક અસર ભાવવધારાને કારણે પણ ઓછી થાય છે. ભાવોમાં વધારો થવાથી વધેલી આવકથી વધારે વસ્તુઓની ખરીદી થઈ શકે નહિ. આથી રોજગારી અને ઉત્પાદનની ર્દષ્ટિએ આવકમાંથી એક પ્રકારનો બહિર્સ્રાવ થાય છે.

(5) વસ્તુબજારમાં ગ્રાહકોની ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય ન હોય અથવા તો વસ્તુઓનું ઉત્પાદન કરવા માટેનાં સાધનો અને નિવેશો (inputs) પૂરતા પ્રમાણમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ ન હોય તો લોકો વપરાશી ખર્ચ કરવા ઇચ્છતા હોય તોપણ તે તેમ કરી શકતા નથી. તેને લીધે સમાજની વપરાશવૃત્તિ ફરજિયાતપણે નીચી રહેશે અને તેનું અંતિમ પરિણામ ગુણકના ઘટેલા મૂલ્યમાં પ્રતિબિંબિત થશે.

આ પ્રમાણે વાસ્તવિક દુનિયામાં ગુણકનો સિદ્ધાંત સંપૂર્ણપણે લાગુ પાડી શકાતો નથી. તેમ છતાં જેટલે અંશે આ બહિર્સ્રાવો રોકવામાં સરકારને સફળતા મળે તેટલે અંશે ગુણકની અસર પૂર્ણ બની શકે છે.

ગજાનન ત્રિવેદી