ગુણક પ્રમાણનો નિયમ

February, 2011

ગુણક પ્રમાણનો નિયમ (law of multiple proportion) : એક જ તત્વ-યુગ્મનાં વિભિન્ન સંયોજનોમાં સરળ સાંખ્યિક સંબંધો દર્શાવતો નિયમ.

1803માં જ્હૉન ડૉલ્ટને દર્શાવ્યું કે જો બે તત્વો अ તથા ब સંયોજાઈને એકથી વધુ સંયોજનો બનાવે તો बનાં નિશ્ચિત વજન સાથે સંયોજાતા अનાં વિવિધ વજનો સાદા ગુણાંકમાં હશે. હાઇડ્રોજન (H2) તથા ઑક્સિજન (O2) પાણી (H2O) ઉપરાંત હાઇડ્રોજન પૅરૉક્સાઇડ (H2O2) પણ બનાવે છે. જેમાં હાઇડ્રોજનનું વજન ઑક્સિજનના વજનના  ભાગ જેટલું હોય છે. પાણી(H2O)માં વજનનો આ ગુણોત્તર એટલે કે બરાબર બમણો હોય છે. આમ H2 અને O2ના વજનનો ગુણોત્તર એક સંયોજનમાં 1 : 16 તથા બીજામાં 1 : 8 એવા સરળ સાંખ્યિક સંબંધ દર્શાવે છે. તે જ રીતે PbO (લિથાર્જ, લેડમૉનો- ઑક્સાઇડ), Pb3O4 (રેડ લેડ) તથા PbO2(કાળો લેડ-ડાયૉક્સાઇડ)માં આ ગુણોત્તર અનુક્રમે 1 : 1, 3 : 4  તથા 1 : 2 એવા સાદા ગુણાંકમાં છે.

100 ભાગ નાઇટ્રોજન સાથે ઑક્સિજન જોડાઈને પાંચ ઑક્સાઇડ બનાવે છે જેમાં ઑક્સિજનનું વજન અનુક્રમે 57, 114, 171, 228 તથા 285 હોય છે. આ વજનોને સૌથી નાની સંખ્યા 57 વડે ભાગતાં 1 : 2 : 3 : 4 : 5 એવા સરળ ગુણાંક મળે છે જે ગુણકપ્રમાણ દર્શાવે છે.

અ-રસસમીકરણમિતીય (nonstoichiometric) સંયોજનોમાં આ નિયમનો અપવાદ થતો હોવાથી તે નિયમની મર્યાદા જણાય છે.

જ. પો. ત્રિવેદી