ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ

February, 2011

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ : ગુજરાતમાં શાળા, કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન અને સંશોધન કરતા શિક્ષકો, અધ્યાપકો તેમજ ગુજરાતના જાહેર જીવનમાં રસ અને નિસબત ધરાવતા નાગરિકોનું બનેલું મંડળ.

શરૂઆતમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કરતા કેટલાક મિત્રો અનૌપચારિક રીતે અમદાવાદમાં મળતા ત્યારે ગુજરાતવ્યાપી મંડળ ઊભું કરવાનો વિચાર કેટલાકને સ્ફુર્યો. ડિસેમ્બર 1966માં અખિલ ભારતીય રાજ્યશાસ્ત્ર પરિષદનું 28મું અધિવેશન અમદાવાદમાં ભરાયું ત્યારે ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળની વ્યવસ્થિત રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું તે અન્વયે 26 ડિસેમ્બર 1966ના રોજ મંડળની સ્થાપના કરતું પહેલું અધિવેશન અમદાવાદમાં ભરવામાં આવ્યું. અખિલ ભારતીય રાજ્યશાસ્ત્ર પરિષદના 28મા અધિવેશનના પ્રમુખ ડૉ. આલુબહેન દસ્તૂરે મંડળના પ્રથમ અધિવેશનનું અધ્યક્ષપદ શોભાવ્યું. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના તે વખતના મહેસૂલ અને ખેતીવાડી ખાતાના પ્રધાન ઉત્સવભાઈ પરીખે હાજરી આપી અને રજની કોઠારીએ ‘ઇન્ટલેક્ચ્યુઅલ ઍક્ટિવિટી ઍન્ડ ઇન્ડિયન પૉલિટિક્સ’ વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું. પ્રથમ અધિવેશનમાં મંડળના પ્રમુખ તરીકે દેવવ્રત પાઠક અને મંત્રી તરીકે આઇ. જે. ધ્રુવની વરણી કરવામાં આવી.

મંડળનું બીજું અધિવેશન 2–3 ફેબ્રુઆરી 1969ના રોજ અમદાવાદમાં ભરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમન્નારાયણે હાજરી આપી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉમાશંકર જોશીએ પ્રમુખપદ શોભાવ્યું અને મુંબઈ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના વડા રામ જોષીએ ‘રિસન્ટ ટ્રેન્ડ્ઝ ઇન ઇન્ડિયન પૉલિટી’ વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું. અધિવેશનના બીજા દિવસે ‘એલિટ્સ ઇન ડેવલપિંગ સોસાયટીઝ’ વિષય પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. મંડળના પ્રમુખ તરીકે કે. એસ. દેસાઈ અને મંત્રી તરીકે કે. ડી. દેસાઈની વરણી કરવામાં આવી.

ત્રીજું અધિવેશન માર્ચ 1973માં વડોદરામાં ભરવામાં આવ્યું. ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના તંત્રી ગિરિલાલ જૈને ‘ઇન્ટરનૅશનલ સીન ઇન ધ સેવન્ટીઝ ઍન્ડ એટીઝ’ વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું. ‘માસ મીડિયા ઍન્ડ પૉલિટિક્સ’ વિષય પર એક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું. ‘ભારત-ચીન સંબંધો’ અને ‘અર્બન પૉલિટિક્સ’ એ વિષય પર પૅનલ ચર્ચાઓ યોજવામાં આવી. મંડળના પ્રમુખ તરીકે પ્રો. એમ. જી. પારેખ અને મંત્રી તરીકે એમ. ટી. દેસાઈની વરણી કરવામાં આવી.

મંડળનું ચોથું અધિવેશન 27–28 ઑક્ટોબર 1975ના રોજ મહુવા- (સૌરાષ્ટ્ર)માં યોજવામાં આવ્યું. મુખ્ય પ્રવચન મંડળના પ્રમુખ એમ. જી. પારેખે આપ્યું. વિષય હતો : ‘ધ સ્ટડી ઍન્ડ રિસર્ચ ઇન પોલિટિકલ સાયન્સ’. ઉપરાંત ‘સરદાર પટેલ : એ સ્ટડી ઇન પોલિટિકલ લીડરશિપ’ વિષય પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું, ‘રોલ ઑવ્ યૂથ ઇન પૉલિટિક્સ’ તથા ‘ગુજરાત પૉલિટિક્સ ઍન્ડ ઇલેક્શન્સ’ એ વિષયો પર પૅનલ-ચર્ચાઓ યોજવામાં આવી. મંડળના પ્રમુખ તરીકે એ. પી. રાણા અને મંત્રી તરીકે સિદ્ધાર્થ ભટ્ટની વરણી કરવામાં આવી.

પાંચમું અધિવેશન 15–16 એપ્રિલ 1979ના રોજ રાજકોટમાં મળ્યું. ‘ઍન ઍપ્રોચ ટૂ સ્ટડી ગાંધી’ એ વિષય પર જે. ડી. સેઠીએ મુખ્ય પ્રવચન આપ્યું. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રાજ્યશાસ્ત્રના અભ્યાસ વિશે ખાસ ચર્ચા રાખવામાં આવી. ‘પંચાયતી રાજ’, ‘વર્લ્ડ પૉલિટિક્સ’ અને ‘પોલિટિકલ એલિટ્સ ઇન ગુજરાત’ એ વિષયો પર પૅનલ ચર્ચાઓ યોજવામાં આવી. મંડળના પ્રમુખ તરીકે કે. ડી. દેસાઈ અને મંત્રી તરીકે બી. સી. શાહની વરણી કરવામાં આવી.

25–26 ડિસેમ્બર 1982ના રોજ નવસારીમાં મંડળનું છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું. ‘રિફ્લેક્શન્સ ઑન કન્ટેમ્પરરી પોલિટિકલ થૉટ ઇન ઇન્ડિયા’ વિષય પર ભીખુ પારેખે મુખ્ય પ્રવચન આપ્યું. અતિથિવિશેષ તરીકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉપેન્દ્ર બક્ષીએ ‘ધ પૉલિટિક્સ ઑવ્ ધ રૂલ્ડ’ એ વિષય પર અને મંડળના પ્રમુખ કે. ડી. દેસાઈએ ‘ડેવલપમેન્ટ ક્રાઇસિસ ઇન ઇન્ડિયા’ વિષય પર પ્રવચન આપ્યાં. ઉપરાંત, ‘ઇન્ડિયન પૉલિટિક્સ ઇન એટીઝ’ વિષય પર જાહેર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. ‘બિન-જોડાણની વિદેશનીતિ’, ‘અખબારી સ્વાતંત્ર્ય’ અને ‘ગુજરાતમાં આદિવાસીઓ અને હરિજનો’ એ વિષયો પર પૅનલ-ચર્ચાઓ યોજવામાં આવી. પ્રમુખ તરીકે ઘનશ્યામ શાહ અને મંત્રી તરીકે દિનેશ શુક્લની વરણી કરવામાં આવી.

મંડળનું સાતમું અધિવેશન 12–13 એપ્રિલ 1986ના રોજ આદિપુર(કચ્છ)માં યોજવામાં આવ્યું. મુખ્ય પ્રવચન ઇકબાલ નારાયણે (મેમ્બર- સેક્રેટરી, આઇ.સી.એસ.એસ.આર.) ‘એજન્ડા ઑવ્ રિસર્ચ ઇન પોલિટિકલ સાયન્સ’ વિષય પર આપ્યું. મંડળના પ્રમુખ ઘનશ્યામ શાહે ‘સ્ટડિઇંગ પૉલિટિક્સ ઑવ્ ધ પુઅર’ વિષય પર પ્રવચન આપ્યું. પ્રો. કે. ડી. દેસાઈની સ્મૃતિમાં કુન્દનલાલ ધોળકિયા(ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર)એ ‘પાર્લમેન્ટરી કલ્ચર : સમ રિસન્ટ ટ્રેન્ડ્ઝ’ વિષય પર પ્રવચન આપ્યું. ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ રિઝર્વેશન’, ‘લોકલ પાવર સ્ટ્રક્ચર’ અને ‘ઇન્ડિયાઝ ન્યૂક્લિયર ઑપ્શન’ એ વિષયો પર પૅનલ-ચર્ચાઓ યોજવામાં આવી. પ્રમુખ તરીકે પ્રવીણ શેઠ અને મંત્રી તરીકે આર. ડી. બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી.

આઠમું અધિવેશન 18–19 નવેમ્બર 1989ના રોજ વલ્લભ- વિદ્યાનગરમાં યોજવામાં આવ્યું. ‘હાલની ચૂંટણી : પ્રશ્નો અને પડકારો’ વિષય પર મુખ્ય પ્રવચન બાબુભાઈ જશભાઈ પટેલે આપ્યું. મંડળના પ્રમુખ પ્રવીણ શેઠે ‘વૈકલ્પિક રાજનીતિની શોધ : ઇકૉલૉજી અને રાજકારણ વચ્ચે વિકસતા સંબંધો’ વિષય પર તેમનું પ્રમુખીય પ્રવચન આપ્યું. ‘રાજકીય સિદ્ધાંતમાં સાંપ્રત વહેણો’, ‘નવમી સંસદીય ચૂંટણીઓ : મુદ્દા ને પડકારો’ અને ‘દક્ષિણ એશિયામાં ભારતની ભૂમિકા’ એ વિષયો પર પૅનલ-ચર્ચાઓ યોજવામાં આવી. પ્રમુખ તરીકે ડૉ. બી. સી. શાહ તથા મંત્રી તરીકે રક્ષાબહેન શાહની વરણી કરવામાં આવી.

મંડળના નવમા અધિવેશનનું આયોજન અને રજતજયંતી વર્ષની ઉજવણી 28–29 ડિસેમ્બર 1991ના રોજ વલસાડ નજીક તીથલ મુકામે કરવામાં આવી. મુખ્ય પ્રવચન ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રામલાલ પરીખે ‘રાજ્ય અને વિકાસ’ વિષય પર આપ્યું. ‘ભારતની વિદેશનીતિ : નવી ક્ષિતિજો’ એ વિષય પર મંડળના પ્રમુખ ડૉ. બી. સી. શાહે પ્રમુખીય પ્રવચન આપ્યું. ‘ભારતમાં રાષ્ટ્રીય એકીકરણ સમક્ષના પડકારો’, ‘પલટાતા વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા : પડકારો અને વિકલ્પો’ તથા ‘વિચારધારાની ખોજ : ભારતના સંદર્ભમાં’ વિષયો પર પૅનલ-ચર્ચાઓ યોજવામાં આવી. મંડળના પ્રમુખ તરીકે જયંતી પટેલ તેમજ મંત્રી તરીકે ડૉ. મનહર બક્ષીની વરણી કરવામાં આવી.

નવ અધિવેશનો ઉપરાંત મંડળે અનેક ઇન્સ્ટિટ્યૂટો, વર્કશૉપ, પરિસંવાદો, વ્યાખ્યાનો, ઓરિયેન્ટેશન અને રિફ્રેશર કોર્સનું આયોજન કર્યું છે. રાજ્યશાસ્ત્રના અ      ભ્યાસક્રમોના આધુનિકીકરણ માટે પરિસંવાદો યોજ્યા છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના અનુસ્નાતક વિભાગો, કૉલેજો અને સંશોધનસંસ્થાઓના સહયોગથી વિવિધ શૈક્ષણિક અને વિદ્યાર્થીઓને ઉપયોગી પ્રવૃત્તિઓ યોજી છે.

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળનું દસમું અધિવેશન 1994ના રોજ રાજ્યશાસ્ત્ર વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં જાણીતા સર્વોદય કાર્યકર શ્રી ચુનીભાઈ વૈદ્યે ‘સર્વોદય અને રાજનીતિ’ વિષય ઉપર મુખ્ય પ્રવચન આપ્યું હતું. જ્યારે રાજ્યશાસ્ત્ર મંડળના પ્રમુખ પ્રા. જયંતીભાઈ પટેલે ‘વિજ્ઞાન, તત્વજ્ઞાન અને રાજકીય સિદ્ધાંતો’ પર પ્રમુખીય પ્રવચન કર્યું હતું. મંડળની સામાન્ય બેઠકમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રો. ડૉ. થૉમસ પન્થમની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી; જ્યારે પ્રા. નરેન્દ્ર પુરાણી મંત્રી તરીકે નિમાયા હતા.

વિષયલક્ષી ચર્ચાઓ : (1) રાષ્ટ્ર-રાજ્ય સમક્ષના પડકારો અને તેનું ભાવિ; (2) ભારતમાં સંસદીય પ્રથા  સમસ્યાઓ અને ભાવિ; (3) ભારતમાં જ્ઞાતિવાદી અને કોમવાદી રાજકારણ આ વિષયો પર થઈ હતી.

મંડળનું અગિયારમું અધિવેશન 21-22 મે 1996ના રોજ ગાંધી મહિલા આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ભાવનગર ખાતે યોજવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે શ્રી મનુભાઈ પંચોલીદર્શકે ‘મૂલ્યઆધારિત રાજકારણની પ્રસ્તુતતા’ વિષય પર પ્રવચન આપ્યું હતું. જ્યારે મંડળના પ્રમુખ થૉમસ પન્થમે ‘બિન સાંપ્રદાયિકતા : કેટલાંક પાસાંઓ’ તથા ‘રાજ્યશાસ્ત્ર વિષયનાં પાઠ્યપુસ્તકો’ અંગે એકદિવસીય કાર્યશિબિર તા. 27–10–1996 અમદાવાદ ખાતે યોજાઈ હતી. તા. 4-10-98ના રોજ ‘ભારતનો અણુધડાકો’ વિષય પર પરિસંવાદ મહેમદાવાદ આટર્સ કૉલેજ ખાતે યોજાયો હતો. મંડળના પ્રમુખ તરીકે ડૉ. એમ. જે. બક્ષી અને મંત્રી તરીકે પ્રો. આઇ. એન. શુક્લની વરણી કરવામાં આવી.

આ મંડળનું 12મું અધિવેશન તા. 26–27 ડિસેમ્બર 1998ના રોજ આર. આર. લાલન કૉલેજ, ભૂજ ખાતે મળ્યું હતું. તેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદનલાલ ધોળકિયાએ ‘લોકશાહી અને સત્તાનાં આખરી કેન્દ્રો’ વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું. મંડળના પ્રમુખ ડૉ. મનહર બક્ષીએ ‘ભારતમાં જ્ઞાતિ અને રાજકારણની બદલતી જતી ભાત’ ઉપર સંબોધન કર્યું હતું. વિષયલક્ષી ચર્ચાઓમાં : (1) ભારતના બંધારણની સમીક્ષા; (2) જોડાણ સરકારો અને કેન્દ્ર-રાજ્ય સંબંધો; (3) ભારત અને પડોસી દેશો સાથેના સંબંધો  તા. 29–08–99ના રોજ ‘ભારત-પાક સંબંધો અને કારગીલ કટોકટી વિષય પર એક દિવસીય પરિસંવાદ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. મંડળના પ્રમુખ તરીકે ડૉ. દિલીપ મોહિતે અને મંત્રી તરીકે સરમણ ઝાલાની વરણી કરવામાં આવી.

રાજ્યશાસ્ત્ર મંડળનું તેરમું અધિવેશન તા. 9–10 ફેબ્રુઆરી 2002ના રોજ સોમનાથ વેરાવળ ખાતે યોજાયું હતું. જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. વિદ્યુત જોષીએ મુખ્ય પ્રવચન ‘સમાજવિદ્યાઓમાં પરિવર્તિત માળખું’ વિષય પર આપ્યું હતું. મંડળના પ્રમુખ ડૉ. દિલીપ મોહિતેએ ‘બહુ-સંસ્કૃતિક સમાજ અને ભારત તથા અમેરિકા સમક્ષ તેના પડકારો’ વિષયની ચર્ચા કરી હતી. વિષયલક્ષી ચર્ચાઓમાં (1) આતંકવાદ – કારણો અને પ્રતિભાવો; (2) ઉદારીકરણના યુગમાં ભારતીય રાજ્ય; (3) ગુજરાતનો બદલાતો સમય અને તેનું રાજકારણ પર ચર્ચાઓ થઈ હતી. સોરઠ ચેમ્બર્સ ઑફ કૉમર્સ અને વેરાવળ પીપલ્સ કો.-ઑપ. બૅન્કના ઉપક્રમે ‘આતંકવાદના પડકારો’ વિષય પર એક જાહેર પરિસંવાદ યોજ્યો હતો.

વર્ષ 2003થી 2004 દરમિયાન મંડળ દ્વારા અમદાવાદમાં એચ. કે. આર્ટ્સ કૉલેજ તથા ગૂજરાત વિદ્યાપીઠ ખાતે એકદિવસીય પરિસંવાદો યોજાયા હતા : (1) તા. 9–3–2003 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં વિવિધ પાસાંઓ. (2) તા. 21–9–2003 ઇરાક યુદ્ધ અને વિશ્વશાંતિ. (3) તા. 4–1–04 ગુજરાત રાજ્યમાં અને નાગરિક સમાજ. સામાન્ય બેઠકમાં મંડળના પ્રમુખ તરીકે પ્રા. દિનેશ શુક્લની વરણી કરવામાં આવી હતી અને પ્રા. સરમણ ઝાલાની મંત્રી તરીકે નિમણૂક થઈ હતી.

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળનું ચૌદમું અધિવેશન તા. 22–23 નવેમ્બર 2004ના રોજ શાંતિ સંશોધન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે મળ્યું હતું. આ મંડળના આદ્ય સ્થાપક પ્રા. દેવવ્રત પાઠકે મુખ્ય પ્રવચન આપ્યું હતું. જેનો વિષય હતો ‘સુશાસન ભણી’; જ્યારે મંડળના પ્રમુખ પ્રા. દિનેશ શુક્લે ‘સામાજિક વિજ્ઞાનોએ નીતિવિજ્ઞાનો તરીકે વિકસવું જોઈએ’ એ વિષય પર પ્રવચન આપ્યું હતું. વિષયલક્ષી બેઠકોમાં : (1) ચૂંટણી–2004 ભારતમાં પક્ષપ્રથાનું ભાવિ; (2) ઇરાક કટોકટી-  બદલાતી વિશ્વ વ્યવસ્થાનું સ્વરૂપ; (3) ગુજરાતના રાજકીય અને આર્થિક વિકાસના મુદ્દાઓ. આ અધિવેશનમાં ડૉ. હરબન્સ પટેલની પ્રમુખ તરીકે તથા પ્રા. ભીખુભાઈ પ્રજાપતિની મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. ‘ગુજરાતનું રાજકારણ : ગઈ કાલ, આજ અને આવતી કાલ’ વિષય પર બોરિયાવી આર્ટ્સ કૉલેજ ખાતે એકદિવસીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળનું એકદિવસીય 15મું અધિવેશન 8 જૂન 2008ના રોજ પાલનપુર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય ચર્ચા ‘રાજ્યશાસ્ત્ર : દશા, દિશા અને ભારતીય ર્દષ્ટિકોણ’ વિષય પર કરવામાં આવી હતી. અધિવેશનને અંતે ડૉ. ડી. ડી. ઝાલાની પ્રમુખ તરીકે અને પ્રા. ભીખુભાઈ એમ. પ્રજાપતિની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તા. 13–12–2008ના રોજ ‘ભારતમાં જોડાણ સરકારો, પક્ષપ્રથા અને સંસદની સામાન્ય ચૂંટણીઓ’ વિષય પર એક-દિવસીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં ઉ. ગુ. યુનિના પૂર્વ ઉપકુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકે મુખ્ય પ્રવચન આપ્યું હતું.

2008 સુધીમાં 180 જેટલા આજીવન સભ્યો મંડળનું સભ્યપદ ધરાવે છે. સામાન્ય રીતે મંડળ બે-ત્રણ વર્ષે વાર્ષિક અધિવેશન યોજે છે અને વર્ષ દરમિયાન વિવિધ પરિસંવાદો, વ્યાખ્યાનો અને કાર્યશિબિરો ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ યોજીને વિષયમાં રસ ધરાવતા અધ્યાપકો અને નાગરિકો વચ્ચે વૈચારિક આદાનપ્રદાનના સેતુરૂપ ભૂમિકા ભજવે છે. અધિવેશન વેળાએ મંડળ ‘સ્મરણિકા’ બહાર પાડે છે. ઉપરાંત, મંડળે કેટલાંક પ્રકાશનો પણ કર્યાં છે. સભ્યો વચ્ચે માહિતી અને વિચારોની આપલે થાય એ હેતુસર મંડળ ‘ન્યૂઝલેટર’ પણ બહાર પાડતું હતું. ગુજરાતમાં સમાજવિદ્યાઓના ક્ષેત્રમાં કાર્યરત આવાં મંડળોમાં ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ આગવું સ્થાન ધરાવે છે.

દિનેશ શુક્લ

ભીખુભાઈ પ્રજાપતિ