ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ

January, 2010

ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ (જ. 1890, સિંધ; અ. 1935) : ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા આચાર્ય. સિંધ કૉલેજમાં અભ્યાસ કરી 1911માં એમ.એ. થયા અને તે જ વર્ષે એ કૉલેજમાં ફેલો નિમાયા. 1912માં વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ ભણી 1915માં હિંદ પાછા ફર્યા.

એ પછી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1918માં દિલ્હીની રામજસ કૉલેજના પ્રિન્સિપાલ બન્યા. 1920માં ગાંધીજીએ ઉપાડેલા અસહકારના આંદોલનને વેગ આપવા એમણે એ પદનો ત્યાગ કર્યો. તે જ વર્ષે સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠનું સુકાન સંભાળવાનો ગાંધીજીએ એમને અનુરોધ કર્યો અને ગિદવાણી વિદ્યાપીઠના પહેલા કુલનાયક અને આચાર્ય બન્યા.

ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભનાં વર્ષોમાં એનું સંચાલન, સંગોપન અને સંવર્ધન આચાર્ય ગિદવાણીએ ભારે કુશળતા, કર્તવ્યપરાયણતા અને આત્મીયતાથી કર્યું. 1920માં ગામેગામ ફરી શાળા-કૉલેજો સામે સચોટ, હૃદયસ્પર્શી વાણીમાં ભાષણો આપી એમણે વિદ્યાર્થીઓને ગુલામીનું શિક્ષણ લેવાનું છોડી રાષ્ટ્રીય શિક્ષણ લેવાની પ્રેરણા આપી. એમના આવા અવિશ્રાંત પરિશ્રમથી ગૂજરાત મહાવિદ્યાલય વિદ્યાર્થીઓથી ઊભરાવા લાગ્યું. એ ર્દષ્ટિસંપન્ન આચાર્યે એમની ચાર વર્ષની કામગીરી દરમિયાન વિદ્યાપીઠને સંગીન પાયા ઉપર મૂકી તેમજ ગુજરાતમાં સારામાં સારો ગ્રંથસંગ્રહ ધરાવતા ગ્રંથાલયનું નિર્માણ કર્યું.

1922માં તે સિંધ પ્રાંતિક પરિષદના પ્રમુખ ચૂંટાયેલા. સિંધી ભાષામાં તે ‘સત્ય’ નામનું માસિક કાઢતા. 1923માં તેમણે ‘ટુ મૉરો’ નામનું અંગ્રેજી માસિક પણ શરૂ કરેલું. 1923માં દિલ્હીમાં અખિલ હિંદ મહાસભા સમિતિ ભરાઈ તે વેળા અકાલી લડત શરૂ થઈ ગઈ હતી. મહાસમિતિએ એ અંગે તપાસ કરવા આચાર્ય ગિદવાણી, પંડિત જવાહરલાલ નહેરુ અને પંડિત સંતનામની કમિટી નીમી. એ ત્રિપુટી તપાસાર્થે ગઈ ત્યારે નાભા સ્ટેટના ઍડમિનિસ્ટ્રેટરે એ ત્રણેને પકડ્યા અને બારેક દિવસ પછી 4–10–1923ના રોજ અઢી વર્ષની સજાનો હુકમ થયો. પણ તે જ વખતે તેમને બિનશરતે છોડી પણ મૂક્યા.

1924માં ફરીથી અકાલીઓનો શહીદી જથ્થો જૈતોં જવાનો હતો ત્યારે ગિદવાણીની ઇચ્છા છતાં ગાંધીજીની સલાહથી એમાં ન જોડાયા પણ પ્રેક્ષક તરીકે ગયા. એ જથ્થો 21–2–’24ના રોજ જૈતોં પહોંચ્યો ત્યારે સત્તાવાળાઓએ તેની ઉપર ગોળીબાર કર્યો. એની જાણ થતાં ગિદવાણી, ડૉ. કિચલુ સાથે એ ઘાયલ અકાલીઓની સેવા કરવા નાભાની હદમાં દાખલ થયા, પણ સત્તાવાળાઓએ ઉશ્કેરણીને બહાને બંનેને કેદ કર્યા. પછી ડૉ. કિચલુને છોડી મૂક્યા પણ નાભા સ્ટેટમાં ફરી દાખલ થવા બદલ ગિદવાણીને અઢી વર્ષની કેદની સજા થઈ. જેલમાં એમના પર ઘણા પ્રકારની કનડગતો કરવામાં આવી. બિનશરતે છોડી મૂક્યા પછી જૂની સજા ફરી ચાલુ કરવામાં રહેલા અન્યાય પ્રત્યે જવાહરલાલે નાભાના કારભારીને પત્ર લખી ખુલાસો માગ્યો પણ એનો સંતોષકારક ખુલાસો ન મળતાં એમણે સાથી પ્રત્યેની વફાદારીથી પ્રેરાઈ નાભાની સરહદ ઓળંગી મિત્રની જેમ જેલ ભેગા થવાની લાગણી ગાંધીજી આગળ વ્યક્ત કરી, પણ ગાંધીજીએ એમને વાર્યા. ગિદવાણીને જેલમાં થતા અત્યાચારના સમાચાર ગાંધીજીને મળ્યા ત્યારે એમને પણ તે સામે લડત આપવાનું મન થયું, પણ તે કાળના કોમી ઝઘડાથી વીંખાયેલા હિંદમાં એમને સવિનયભંગ કરવાનું અસંભવિત જણાયેલું. આખરે નાભાના સત્તાવાળાઓએ ગિદવાણીને 22–2–’25ના રોજ છોડ્યા ત્યારે ગાંધીજીએ જણાવેલું કે ‘આચાર્ય ગિદવાણીના છુટકારાથી મને આનંદ થાય છે, કારણ કે એમની કેદ એ એક હડહડતો અન્યાય હતો.’

1926માં ગાંધીજીની સલાહ અને માગણીથી ગિદવાણીએ જ્યારે વૃંદાવન જઈ પ્રેમ મહાવિદ્યાલયનું આચાર્યપદ સ્વીકાર્યું ત્યારે એ પ્રભાવશાળી અને પ્રિય આચાર્યના સ્મૃતિચિહન માટે ગૂજરાત વિદ્યાપીઠના જૂના અને નવા વિદ્યાર્થીઓએ સભા ભરી અને દોઢ હજાર રૂપિયાનો ફાળો ઉઘરાવી તેના વ્યાજમાંથી એક અંત્યજ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવાનું ઠરાવ્યું. પ્રેમ મહાવિદ્યાલયમાં પણ ગિદવાણીએ કાંતણ દાખલ કર્યું અને રાષ્ટ્રર્દષ્ટિ પોષી. એ મહાવિદ્યાલય સરકારી સહાય, સ્વીકૃતિ કે જોડાણ તો અસહકારની લડત પહેલાંથી જ નહોતું ધરાવતું. બે વર્ષ એ સંસ્થાનું કુશળ સંચાલન કર્યા પછી ગિદવાણી કરાંચી નગરપાલિકામાં ગયા ત્યારે પણ એ સંસ્થાના સંચાલન અંગે માર્ગદર્શન આપવાનું ચાલુ રાખેલું. કરાંચી ગયા ત્યારે પણ સિંધ પ્રાંતની આગળ પડતી કોમ આમિલોમાં પ્રવર્તતા પહેરામણીના કુરિવાજ સામે પ્રબળ લોકમત કેળવવા રચાયેલી સમિતિનું પ્રમુખપદ સંભાળેલું. તે વેળા બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે બધું છોડી દઈ બારડોલી ધસી આવવા તૈયાર થયેલા પણ ગાંધીજીએ એમને એમ કહીને રોક્યા હતા કે સરદાર પાસે પૂરતા કાર્યકરો છે.

ગૂજરાત વિદ્યાપીઠના વિકાસમાં એમણે આપેલા ફાળાનો ઉલ્લેખ કરતાં ગાંધીજીએ કહેલું ‘આચાર્ય ગિદવાણીની કારકિર્દીમાં વિદ્યાપીઠે વિદ્યાર્થીઓને આકર્ષ્યા, વિદ્યાપીઠની જમીન લેવાઈ, મકાન બંધાયાં. 1935માં એમના મૃત્યુ વખતે અંજલિ આપતાં ગાંધીજીએ કહેલું, ‘આચાર્ય ગિદવાણી એક સાચા હરિજનસેવક હતા.’ એમનું પુણ્યસ્મરણ કાયમ રાખવા માટે સ્મારક ફાળાની રકમ આચાર્ય ગિદવાણીને અત્યંત પ્રિય એવા હરિજનસેવાના કામમાં ખર્ચાઈ હતી.

રમણભાઈ મોદી