ગાર્વી, માર્ક્સ મોઝિયા (જ. 17 ઑગસ્ટ 1887, સેન્ટ એન્સ-બે, જમૈકા; અ. 10 જૂન 1940, લંડન) : સર્વ-આફ્રિકીવાદ(pan-Africanism)ની ચળવળના એક વિવાદાસ્પદ નેતા. તેમણે ન્યૂયૉર્ક શહેરના હાર્લેમ વિસ્તારમાં અમેરિકાના અશ્વેત રાષ્ટ્રવાદીઓની ચળવળની સ્થાપના કરી (1919–26). જમૈકાની શાળામાં 14 વર્ષની ઉંમર સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. ગરીબીને કારણે તે આગળ અભ્યાસ કરી શક્યા ન હતા. 1912–14ના ગાળામાં લંડનમાં રહ્યા અને ત્યારપછી જમૈકા

માર્ક્સ મોઝિયા ગાર્વી

પાછા ફરીને મિત્રોના સહકારથી ઑગસ્ટ 1914માં તેમણે ‘યુનિવર્સલ નિગ્રો ઇમ્પ્રૂવ્મેન્ટ ઍસોસિયેશન’(UNIA)ની સ્થાપના કરી. આ સંગઠનને જમૈકાનો ખાસ પ્રતિસાદ મળ્યો નહિ અને તેથી તે 1916માં અમેરિકા ગયા. ત્યાં અશ્વેત વિસ્તારો(ghettos)માં તેની શાખાઓની સ્થાપના કરી. તેમણે નિગ્રોપણામાં ગૌરવ લેવાની અને આફ્રિકામાં પાછા ફરવાની અશ્વેત પ્રજાને હાકલ કરી. 1920માં ન્યૂયૉર્કમાં તેમણે નિગ્રોના આધિપત્યવાળી સરકારના વડામથકની સ્થાપના કરી, એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવ્યું, જેમાં 25 દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. આ સંમેલનમાં નિગ્રો સંસદની સ્થાપના કરવામાં આવી હતી. સંમેલનના અંતે 50,000 અશ્વેતોએ હાર્લેમની સડકો પર દેખાવો કર્યા તેનું નેતૃત્વ ગાર્વીએ કર્યું હતું. સર્વ-આફ્રિકીવાદની ચળવળમાં દુબોઈ માર્કસ તથા સામ્યવાદ તરફ ઢળે છે, જ્યારે ગાર્વીનું લક્ષ્ય આફ્રિકી અસ્મિતા તથા નિગ્રોત્વના ગૌરવની સ્થાપના છે. ‘નિગ્રો વર્લ્ડ’ નામના સાપ્તાહિકના માધ્યમ દ્વારા ગાર્વીએ તેમની વિચારસરણીનો પ્રચાર કર્યો. તેમના વિચારોથી અનેક આફ્રિકન નેતાઓ જેવા કે એનક્રુમા, અઝિકિવે વગેરે પ્રભાવિત થયા હતા. તમામ અશ્વેત પ્રજાને આફ્રિકામાં એકત્ર કરવાની ઝુંબેશ તેમણે આરંભી અને આફ્રિકનોને આફ્રિકામાં લઈ જવા માટે જહાજની એક કંપની (‘બ્લૅક સ્ટાર લાઇનર’) શરૂ કરી. બ્લૅક નર્સ, બ્લૅક ક્રૉસ, બ્લૅક બિશપ વગેરે સંગઠનો તેમણે શરૂ કરેલાં; પરંતુ આખી યોજના બાબત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. ગાર્વી સામે 1922માં કેસ ચાલ્યો અને તેમને પાંચ વર્ષની લાંબી સજા થઈ; પરંતુ બે વર્ષના કારાવાસ પછી અમેરિકાના પ્રમુખના આદેશથી તેમને મુક્ત કરવામાં આવ્યા. તે પછીના ગાળામાં ગાર્વીનો પ્રભાવ ઓસરતો ગયો અને 1940માં તેમનું મૃત્યુ થયું.

આમ છતાં ગાર્વીનું આંદોલન આજે પણ આફ્રિકામાં જીવંત છે. જોકે તેમાં આફ્રિકા પાછા ફરવાની વાત હવે પડતી મુકાઈ છે; પરંતુ યુનિવર્સલ નિગ્રો ઇમ્પ્રૂવ્મેન્ટ ઍસોસિયેશન દ્વારા અશ્વેતોએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી છે અને અમેરિકામાં વસતા નિગ્રોને સંગઠિત કરવાની તથા તેમના પ્રશ્નો બાબત આંદોલન કરવાની તે કામગીરી કરે છે. સર્વઆફ્રિકીવાદ સાથે આ આંદોલન જોડાઈ ગયું છે.

આક્રમક શૈલીમાં રજૂઆત કરનાર ‘બ્લૅક ઝિઓનિઝમ’ના પ્રવક્તા તથા સ્વતંત્ર અને એકીકૃત આફ્રિકાના સ્વપ્નદ્રષ્ટા તરીકે ગાર્વીનું નામ સર્વઆફ્રિકીવાદની ચળવળમાં નોંધપાત્ર રહ્યું છે.

જયંતી પટેલ