ગારો : ઈશાન ભારતમાં આસામની ગારો પર્વતમાળાઓમાં વસતી આદિવાસી જાતિ. મૉંગોલૉઇડ જાતિની આ પ્રજા તિબેટન-બર્મીઝ બોલી બોલે છે. તેઓ પોતાને ગારોને બદલે અચીક કે મન્ડે તરીકે પણ ઓળખાવે છે. તેમનામાં અવે, ચિસાક, મીચીદુઅલ, અમ્બેન્ગ, ગારો-ગન્ચીગ, અદેન્ગ, મેગામ જેવાં પેટાજૂથો છે પણ તેમની વચ્ચે ઊંચનીચના ભેદ નથી.

તેઓ માતૃવંશી કુટુંબવ્યવસ્થા ધરાવે છે એટલે વંશ, સંપત્તિ, સત્તા તથા પૂર્વજ સ્ત્રીથી ગણાય છે. ગારો કુટુંબ મચોંગ નામે ઓળખાય છે જે માતૃસ્ત્રી-સગાંનું ગોત્ર જેવું વિશાળ જૂથ છે. તેની હેઠળ નાનું વિશાળ સ્ત્રી કુટુંબ-જૂથ મહરી છે. કૌટુંબિક મિલકતના ઉત્તરાધિકારી તરીકે સામાન્યત: નાની પુત્રીને પસંદ કરવામાં આવે છે, જેને નોક્ના અને તેના પતિને નોક્રમ તરીકે ઓળખે છે. નોક્નાના પતિ તરીકે મોટે ભાગે મામાના પુત્રને પસંદ કરવામાં આવે છે. અહીં કૌટુંબિક સંપત્તિ મુખ્યત્વે જમીન છે. નોક્રમ તેના રક્ષક અને વહીવટદાર તરીકે કામ કરે છે. નોક્રમની પત્ની મરી જાય, ઘરડી થાય કે નિ:સંતાન હોય તો સ્ત્રીના મહરી-કુટુંબવાળા બીજી સ્ત્રી ‘જીક-ગીટે’ આપે છે. કૌટુંબિક મિલકતનું વિભાજન ન થાય તે હેતુથી નોકનાની મા વિધવા થાય તો તે નોકનાના પતિ ­ પોતાના જમાઈ સાથે લગ્ન કરે છે. આથી અહીં બહુપત્નીત્વ પ્રથા વિકસી છે. છોકરીને ઘણી નાની વયે ­ 7 કે  8 વર્ષે પણ પરણાવવાની પ્રથા છે.

ગારો જાતિ પ્રાથમિક પ્રકારની ખેતી એટલે કે જંગલ બાળી રાખમાં દાણા નાખીને અન્ન ઉગાડવાની ‘ઝુમ’ ખેતી કરે છે. તેઓ મુખ્યત્વે મકાઈ, ચોખા, કપાસ પકવે છે. ચોખામાંથી બનાવેલો દારૂ સૌનું પ્રિય પીણું છે. તેમનો પ્રાદેશિક વહીવટ લશ્કર, નોક્રમ અને ગ્રામકક્ષાએ સરદાર દ્વારા ચાલે છે. સરદાર સિવાયનાને જમીન-મહેસૂલ માફ છે. ગામમાં યુવકો રોજ રાત્રે અલગ ગૃહમાં ભેગા થાય છે, ત્યાં જ સૂએ છે. છોકરા અને છોકરીઓનાં આવાં સંયુક્ત યુવાગૃહો છે.

તેઓ વન્ય ધર્મ પાળે છે. ભૂતપ્રેતમાં માને છે અને બલિ ચડાવે છે. મૃતકને બાળે છે. સ્ત્રીનાં અસ્થિ સાચવે છે અને શ્રાદ્ધ પૂજા પછી જમીનમાં દાટે છે. આ પ્રસંગે સગાં ગાય અને બળદનો બલિ આપે છે. ખ્રિસ્તી મિશનરીઓના સંપર્કથી અને આઝાદી પછી શિક્ષણનો સારો વિકાસ થયો છે. ગામેગામ પ્રાથમિક શાળાઓ, મોટા મથકે માધ્યમિક શાળાઓ અને કૉલેજ થતાં યુવાનોમાં શિક્ષણ વધ્યું છે. યુવકોમાં શિક્ષણ અને ખ્રિસ્તીકરણની પ્રક્રિયા સાથે ચાલે છે; પરંતુ શિક્ષણ પૂરું થયા પછી કુટુંબજીવનમાં પ્રવેશતાં તેઓ પોતાની મૂળ ગારો સંસ્કૃતિ તરફ પાછા વળતા જોવા મળે છે.

અરવિંદ ભટ્ટ