ગાયકવાડ વંશ
વડોદરા રાજ્યમાં સત્તા ઉપર રહેલો વંશ. ગાયકવાડ કુટુંબના મૂળ પુરુષ નંદાજીરાવ હતા. કુટુંબનું મૂળ ગામ ભોર (હવેલી તાલુકો, પુણે જિલ્લો) હતું. કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. વખત જતાં 1728માં પિલાજીના સમયમાં ગાયકવાડો દાવડીના વંશપરંપરાગત ‘પાટીલ’ બન્યા. ગાયકવાડ અટક અંગે એક અનુશ્રુતિ પ્રમાણે પિલાજીરાવના પ્ર-પિતામહ નંદાજી માવળ પ્રદેશમાં ભોરના કિલ્લાના એક અધિકારી હતા. એક દિવસ કિલ્લાના દરવાજા પાસેથી એક મુસલમાન ખાટકી ગાયોનું ધણ લઈને પસાર થતો હતો. નંદાજીને દયા આવતાં ગાયોને બચાવવા કિલ્લાની બાજુમાં આવેલા નાના દરવાજામાં દાખલ કરી દીધી અને તેનું રક્ષણ કર્યું. આમ નંદાજીની ગાયકવાડ (મરાઠીમાં वाड = દરવાજો) અટક પડી. નંદાજીનો પુત્ર કેશાજી અને તેમના દામાજી તથા બીજા ત્રણ પુત્રો હતા. દામાજીને ખેતીનો ધંધો ગમતો ન હતો. તેથી એ ખંડેરાવ દાભાડે પાસે જઈ તેના લશ્કરમાં દાખલ થયા. દામાજી અપુત્ર હતા તેથી તેમણે તેના ભત્રીજા પિલાજીને દત્તક લીધો. તે તેનો અનુગામી બન્યો. પિલાજીરાવ પછી દામાજીરાવ બીજો, સયાજીરાવ 1લો, ગોવિંદરાવ, આનંદરાવ, સયાજીરાવ બીજા અને ગણપતરાવ ગાદીએ બેઠા. ગણપતરાવ અપુત્ર હોવાથી તેનો ભાઈ મલ્હારરાવ ગાદીએ બેઠો. તેને બ્રિટિશ સરકારે પદભ્રષ્ટ કર્યો. તે પછી ખંડેરાવની વિધવા મહારાણી જમનાબાઈએ પુત્રને દત્તક લીધો અને તે ગોપાળરાવ ઉર્ફે સયાજીરાવ ત્રીજા નામ ધારણ કરી વડોદરાની ગાદી ઉપર બેઠા. સયાજીરાવ પછી પ્રતાપસિંહ અને છેલ્લા ફતેહસિંહરાવ હતા. પ્રતાપસિંહના શાસન દરમિયાન વડોદરા રાજ્યનું વિલીનીકરણ થયું. 6-9-197૦થી સાલિયાણું બંધ કરાયું પણ ફરી ચાલુ થયા બાદ 28-12-1971થી તે સદંતર બંધ થયું છે.
દામાજી ગાયકવાડ : વડોદરાના ગાયકવાડ વંશની સત્તા-સ્થાપનાનો આરંભ અઢારમી સદીના પૂર્વાર્ધમાં થયો. મુઘલ સામ્રાજ્યના સૂબા તરીકે ગુજરાતનો વહીવટ દિલ્હીથી નિમાતા સૂબેદારો અમદાવાદ વડા મથકે રહીને કરતા. શિવાજીએ સૂરત પર કરેલી ચડાઈઓથી ગુજરાતમાં મરાઠી સત્તાનો આરંભ થયો. સાતારાના રાજા રાજારામે બાગલાણમાંથી ‘ચોથ’ અને ‘સરદેશમુખી’ કર ઉઘરાવવા સેનાપતિ ખંડેરાવ દાભાડેની નિમણૂક કરી (1699). તેની લશ્કરી ટુકડીમાં દામાજી ગાયકવાડ મદદનીશ હતો. દાભાડેએ સૂરત જિલ્લામાં પ્રવેશી આ કર ઉઘરાવ્યા.
1711ના અરસામાં જ્યારે મુઘલો અમદાવાદ પાસે લશ્કરી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હતા ત્યારે મરાઠાઓએ છેક સોરઠ(કાઠિયાવાડ)માં પ્રવેશ કર્યો. દામાજી પણ તેમાં સામેલ હોવાનું જણાય છે. આ પછી દામાજીની આગેવાની હેઠળ કરવેરા ઉઘરાવવા વારંવાર કે વાર્ષિક ‘મુલુકગીરી’ નિમિત્તે ચડાઈઓ થતી રહી.
બાલાપુરની લડાઈમાં (172૦) દિલ્હી તરફથી મોકલાયેલા સરદાર આલમઅલી ખાનના પક્ષે રહીને દામાજી સહિત ખંડેરાવ દાભાડેની અને અન્ય મરાઠા ટુકડીઓએ ભાગ લીધો. આલમઅલી ખાન માર્યો ગયો છતાં મરાઠા લશ્કરે લડાઈમાં પોતાની લડાયક શક્તિનો પરચો દેખાડી આપ્યો. તેમાં પણ દામાજી ગાયકવાડે બતાવેલ પરાક્રમ અને બુદ્ધિકૌશલ પ્રશંસા પામ્યાં. સેનાપતિ દાભાડેની ભલામણ પરથી દામાજીને રાજા શાહુએ ‘સમશેર બહાદુર’નો ખિતાબ આપ્યો અને સેનાપતિ દાભાડેના તાબામાં બીજા ક્રમે તેના નાયબ તરીકે નિમણૂક કરી.
બાલાપુરની લડાઈ પછી થોડા સમયમાં સેનાપતિ દાભાડે અને દામાજી ગાયકવાડ અવસાન પામ્યા (1721).
પિલાજીરાવ 1લો (1721-1732) : દામાજીના અવસાન પછી તેનો દત્તક પુત્ર અને ભત્રીજો પિલાજીરાવ, અને ખંડેરાવ દાભાડેના અવસાન પછી તેનો પુત્ર ત્ર્યંબકરાવ ઉત્તરાધિકારી બન્યા. પિલાજીરાવે પિતા દામાજી સાથે રહીને ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો. તેને દાભાડેએ ખાનદેશમાં નવાપુર ખાતે નીમ્યો હતો. ત્યાં રહીને તેણે લશ્કરી પ્રવૃત્તિઓ ચલાવી. સોનગઢનો કિલ્લો કબજે કરી ત્યાં પિલાજીરાવે 1723માં પોતાનું વડું મથક સ્થાપ્યું અને વાજપુર, સાલેર, ભુલ્હેર કબજે કરી સૂરત અઠ્ઠાવીસીમાંથી ખંડણી પણ ઉઘરાવી.
ગુજરાતમાં સફળ અને લાભદાયી સવારી કરી હોવાથી પિલાજીરાવે આખી ‘પાગા’(ઘોડેસવાર ટુકડી)નો અધિકાર મેળવ્યો. સૌરાષ્ટ્રમાં શિહોરના ગોહિલો સામે આક્રમણ કરવામાં પિલાજીરાવ સરદાર કંથાજી કદમ બાંડે સાથે હોવાનું જણાય છે.
દિલ્હીની સત્તાથી સ્વતંત્ર બનેલો દખ્ખણનો સૂબો નિઝામ-ઉલ્-મુલ્ક પોતાનાં થોડાં થાણાં ઉપરાંત સમગ્ર ગુજરાત પર વર્ચસ્ જમાવવા માગતો હતો. તેણે મુઘલ શાહી લશ્કર સામે લડવા, પોતાના પ્રતિનિધિ હમીદખાનને, કંથાજી કદમ બાંડે અને પિલાજીરાવની મદદ લેવા અને બદલામાં ગુજરાતની ચોથનો હક આપવા જણાવ્યું. તે પ્રમાણે થયેલી સમજૂતી પછી થયેલી લડાઈમાં મુઘલ લશ્કર હાર્યું અને તેનો સેનાપતિ સુજાતખાન માર્યો ગયો (1724). લડાઈ પછી પિલાજીરાવે મુઘલ સત્તાવિરોધી છાણી, વસો અને ભાયલી ખાતેના દેસાઈઓ(પટેલો)નો સહકાર સ્વીકારી મહી નદી સુધી પોતાની સત્તા વધારી.
માર્યા ગયેલા સુજાતખાનના ભાઈ રુસ્તમઅલીખાને ભાઈનું વેર લેવાને બદલે, હમીદખાન અને કંથાજી બાંડેનો સામનો કરવા પિલાજીરાવની મદદ મેળવી; પરંતુ હમીદખાન સાથે પિલાજીરાવે ગુપ્ત સમજૂતી કરી અને અડાસની લડાઈ(1725)માં રુસ્તમઅલીખાનને વફાદાર રહ્યો નહિ. ખંડણી વહેંચી લેવાની બાબતમાં હમીદખાને પોતાને ટેકો આપી રહેલા કંથાજી અને પિલાજીરાવ વચ્ચે દરમિયાનગીરી કરી, કંથાજીને મહી નદીની ઉત્તરનાં અને પિલાજીરાવને નદીની દક્ષિણનાં પરગણાંની ચોથ ઉઘરાવવાનો હક નક્કી કરી આપ્યો. એમ છતાં ગુજરાત પર નિઝામનું આધિપત્ય ચાલુ રહ્યું.
ગુજરાતમાં મરાઠાના વધેલા પ્રભાવથી ચોંકી ઊઠેલી દિલ્હીની મુઘલ સરકારે હમીદખાનને ગુજરાતમાંથી હાંકી કાઢવા ત્યાંના સૂબા સરબુલંદખાનને મદદ કરવા, જોધપુરના મહારાજા અભેસિંહને મોટા લશ્કર સાથે મોકલ્યો. બીજી તરફ પેશવા બાજીરાવે સેનાપતિ દાભાડેની સત્તા નાબૂદ કરવા ઉદાજી પવારને મોકલ્યો. બંને પક્ષો વચ્ચે સોજિત્રા અને કપડવંજ ખાતે થયેલી લડાઈઓમાં હારેલા કંથાજી અને પિલાજીરાવે છોટાઉદેપુર જઈ સલામત રહી, ખંડણી ઉઘરાવવાનું ચાલુ રાખ્યું. તેમણે ઉદાજી પવારને હરાવ્યો. પિલાજીરાવે પહેલાં ડભોઈ અને પછી પાટણના નવાબની બેગમ લાડબીબી જે વડોદરાની શાસક હતી, તેની પાસેથી વડોદરા જીતી લીધું અને બાંડેએ ચાંપાનેર કબજે કર્યું. આ સમયે છત્રપતિ રાજા શાહુએ પિલાજીરાવને દાવડી ગામ બક્ષિસ આપ્યું (1728).
પેશવાએ હવે પોતાના ભાઈ ચિમણાજીને ગુજરાતમાં મોકલ્યો; પરંતુ તેને સફળતા મળી નહિ. આથી પેશવાએ પોતાનું વલણ બદલી, પોતાના હકોની પુન: સ્થાપના કરવા, સરબુલંદખાન સાથે કરાર કર્યો (173૦) અને પેશવાને મહી નદીની દક્ષિણના પ્રદેશની ચોથાઈ અને સરદેશમુખી ઉઘરાવવાનો હક આપ્યો. આમ, દિલ્હીથી મદદ ન મળતાં, કંટાળેલો સરબુલંદખાન પેશવા સાથે જોડાયો; પરંતુ દિલ્હીની સરકારે પેશવા સાથેના કરારનો અસ્વીકાર કરી, સરબુલંદખાનની જગ્યાએ અભેસિંહને સૂબેદાર તરીકે મોકલ્યો. વડોદરા જીતી લેવા ઉત્સુક પેશવાએ પિલાજીરાવ સામે અભેસિંહ સાથે સમજૂતી કરી (1731), પણ વડોદરા અને ડભોઈ અભેસિંહ જીતી શક્યો નહિ.
પેશવા અને દાભાડે-પિલાજીરાવનાં લશ્કરો વચ્ચે ભીલાપુરની લડાઈ થતાં (1731) ત્ર્યંબકરાવ દાભાડે અને પિલાજીરાવનો મોટો પુત્ર સયાજીરાવ માર્યા ગયા. ઘાયલ થયેલો પિલાજીરાવ બીજા બે પુત્રો - દામાજીરાવ અને ખંડેરાવ - સાથે મુશ્કેલીથી સોનગઢ પહોંચ્યો. વિજેતા બનેલા પેશવાએ લડાઈથી અશાંત બનેલા વાતાવરણને શાંત પાડવા મરાઠા સરદારો સાથે સમજૂતી-સમાધાનથી કામ લીધું. સદગત દાભાડેની જગ્યાએ તેના સગીર વયના પુત્ર યશવંતરાવની સેનાપતિ તરીકે અને તેના મુતાલિક (નાયબ) તરીકે પિલાજીરાવની નિમણૂક કરી. વધુમાં પિલાજીરાવને ‘સેના ખાસખેલ’નો ખિતાબ પણ આપ્યો.
એ પછીના સમયમાં પિલાજીરાવે શક્તિશાળી બની અભેસિંહ સામે જોરદાર પ્રવૃત્તિઓ ચલાવી નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી. આથી અભેસિંહે કાવતરું યોજી ડાકોરમાં પિલાજીરાવની હત્યા કરાવી (14 એપ્રિલ, 1732) અને વડોદરા કબજે કરી શેરખાન બાબીને તેનો સૂબો નીમ્યો. પિલાજીને સાવલીમાં અગ્નિદાહ દીધો હતો. તેની છત્રી સાવલીમાં છે. ત્ર્યંબકરાવ દાભાડેની વિધવા ઉમાબાઈએ મોટા લશ્કર સાથે અમદાવાદ નજીક પડાવ નાખ્યો. અભેસિંહે મરાઠાઓ સાથે સુલેહ કરી અને મહી નદીની બંને બાજુના પ્રદેશની ચોથ અને સરદેશમુખી ઉઘરાવવાનો હક આપ્યો. ઉમાબાઈ 1733માં તળેગાંવ ચાલી ગઈ.
દામાજીરાવ બીજો (1732-1768) : પિલાજીરાવનો અનુગામી બનેલો પુત્ર દામાજીરાવ બીજો પિતા કરતાં વધુ યશસ્વી અને સફળ પુરવાર થયો. તેણે શેરખાન બાબી પાસેથી વડોદરા કબજે કર્યું (1734). અભેસિંહના જોધપુરના રાજ્યમાં ઊંડે સુધી ધસી જઈ તેને ગભરાટમાં નાખ્યો. પરિણામે અભેસિંહને પોતાના પ્રદેશોના રક્ષણ માટે ગુજરાત છોડી જવાની ફરજ પડી. ટૂંક સમયમાં દામાજીરાવ અને એના સરદારોએ આખા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સોરઠ-ગોહિલવાડ પર આક્રમણો કરી સત્તા સ્થાપી. અનિયમિત ધોરણે ‘ચોથ’ ઉઘરાવવાનું શરૂ કર્યું. સદ્ગત દાભાડેની વિધવા ઉમાબાઈએ દામાજીરાવને પોતાના પ્રતિનિધિ તરીકે નીમ્યો અને દખ્ખણની રાજકીય બાબતોમાં તેની મદદની જરૂર જણાવી તેને ત્યાં બોલાવતાં (1735) દામાજીરાવ ત્યાં ગયો અને નોંધપાત્ર ભાગ ભજવ્યો.
દિલ્હીની મુઘલ સરકારે અભેસિંહને બરતરફ કરી તેની જગ્યાએ મોકલેલા સૂબા મોમિનખાને ગુજરાતમાં આવતાં, પોતાનું સ્થાન જાળવવા દામાજીરાવ સાથે સમજૂતી કરી અને બંનેએ મળીને અભેસિંહના નાયબ રતનસિંહ ભંડારી પાસેથી અમદાવાદ કબજે કર્યું (1737). સમજૂતી અનુસાર મોમિનખાને ગુજરાતનું અડધા ભાગનું મહેસૂલ, અમદાવાદ પરનો અડધો કબજો અને આખા વીરમગામ જિલ્લાનો હિસ્સો દામાજીરાવને આપ્યો. સમય જતાં દામાજીરાવે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પોતાની સત્તાને બળવાન બનાવી.
ઉમાબાઈના અવસાન પછી છત્રપતિ રાજાએ દામાજીરાવને ગુજરાતમાં પોતાનો નાયબ નીમ્યો, જેથી પોતાના પર વર્ચસ્ ભોગવતા પેશવાની સામે તેમને મદદ મળી રહે. પેશવા અને રાજમાતા તારાબાઈ વચ્ચેના સત્તાસંઘર્ષમાં દામાજીરાવે તારાબાઈનો પક્ષ લીધો. બે પક્ષો વચ્ચે થયેલી લડાઈઓના અંતે પેશવાએ દામાજીરાવને કેદી બનાવ્યો અને ઇતિહાસમાં નોંધપાત્ર બનેલા ‘ભાગલા કરાર, 1752–53’ કરવાની તેને ફરજ પાડી. કરાર અનુસાર ગુજરાતમાં દાભાડે કુટુંબના હક-દાવા નાબૂદ કરાયા, ખંડણી તથા નાણાકીય લેવડદેવડ અને ભૌગોલિક પ્રદેશોની વહેંચણી અડધા હિસ્સે કરવામાં આવી.
દામાજીરાવે અન્ય મરાઠા સરદારનો સાથ મેળવી અડધા ભાગનું અમદાવાદ મુઘલો પાસેથી જીતી લીધું (1753) અને ‘ભાગલા કરાર’ અનુસાર પેશવા સાથે ગુજરાતના પ્રદેશોની પુન:વહેંચણી કરી. 1761ની પાણીપતની લડાઈમાં દામાજીરાવે પેશવા પક્ષે ભાગ લીધો પણ મરાઠાની હારની સ્થિતિ પામી જતાં, તે સહીસલામત ગુજરાતમાં આવી ગયો. 1763થી 1766ના સમયમાં તેણે ગુજરાતમાં રહીસહી મુઘલ સત્તા કચડી નાખી. પોતાની રાજધાની સોનગઢથી પાટણ (અણહિલવાડ) ફેરવી (1766).
પેશવા બાલાજી બાજીરાવનું અવસાન થતાં તેનો સગીર વયનો પુત્ર માધવરાવ અનુગામી બન્યો અને તેના વાલી અને રાજ્યરક્ષક બનેલા મહત્વાકાંક્ષી કાકા રઘુનાથરાવના પક્ષે દામાજીરાવ જોડાયો અને તાંદુલ્જા(રાક્ષસભવન)ની લડાઈમાં તેને સક્રિય મદદ કરી. તેની કદરરૂપે છત્રપતિ રાજાએ દામાજીરાવને ‘ખિલાત’ અને ‘સેના ખાસખેલ’નાં પદ અર્પણ કર્યાં. સમજદાર બનેલો પેશવા માધવરાવ દામાજીરાવની ખુલ્લી શત્રુવટ પામી ગયો હતો. તેણે ધોંડપની લડાઈ(1768)માં કાકા રઘુનાથરાવ અને દામાજીરાવના પુત્ર ગોવિંદરાવને હરાવ્યા. ગોવિંદરાવને કેદી બનાવી પુણે મોકલી આપ્યા. સમાધાન પર આવવા દામાજીરાવ સમક્ષ કડક શરતો મૂકી; જેમાં ખંડણી આપવા, લેણી રકમ દંડ સહિત આપવા, સૂરત–અમદાવાદની જકાતમાં હિસ્સો આપવા જેવી બાબતો આવરી લીધી. પરંતુ ધોંડપની લડાઈ બાદ શરતોનો સ્વીકાર કરતાં પહેલાં દામાજીરાવનું અવસાન થયું. આથી તેના પુત્રો ફતેહસિંહરાવ અને ગોવિંદરાવને એ શરતો માન્ય કરવી પડી.
સયાજીરાવ પહેલો (1771-93) : દામાજીરાવના અવસાન પછી પેશવાએ ગુજરાતમાં ગાયકવાડનાં હિતો નબળાં પાડવા લવાદી તરીકે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. કેદી તરીકે રાખેલા ગોવિંદરાવને દામાજીરાવના અનુગામી તરીકે સ્વીકાર્યો. ગુજરાતમાં જ રહેલા તેના ભાઈ ફતેહસિંહરાવે આ સમયે વડોદરા ફરી કબજે કરી પોતાની સત્તામાં વધારો કર્યો. દામાજીરાવના પુત્રોમાં જ્યેષ્ઠ અને ગાદીના હકદાર સયાજીરાવે પોતાનો હક સ્વીકારવા પેશવાને ગોવિંદરાવે જે રકમો આપવા કબૂલી હતી તેવી જ રકમ અને શરતો કબૂલી અને પેશવા પાસે પોતાનો ગાદીહક સ્વીકારાવ્યો. ગોવિંદરાવને યોગ્ય વળતર આપવામાં આવ્યું. સયાજીરાવ નબળા મનનો હોવાથી તેના મુતાલિક તરીકે પહેલાં ફતેહસિંહરાવે (1789 સુધી) અને પછી તેના નાના ભાઈ માનાજીરાવે (1789–93) રાજ્યનું શાસન ચલાવ્યું. ફતેહસિંહરાવે હરીફ ભાઈ ગોવિંદરાવ અને અવિશ્વાસુ પેશવા સામે મુંબઈ અંગ્રેજ સરકારની મદદ મેળવવા નિષ્ફળ પ્રયાસ કર્યો, પણ અંગ્રેજોએ ભરૂચ જીતી લેતાં (1772) તેમની સાથે કરાર કરવામાં તે સફળ થયો.
પુણેમાં રઘુનાથરાવ અને નાના ફડનવીસની આગેવાની નીચેના પ્રધાનો વચ્ચે પેશવાપદ માટે આંતરવિગ્રહ થયો. અંગ્રેજોએ રઘુનાથરાવનો પક્ષ લઈ, ફતેહસિંહરાવ સામે આક્રમણ કર્યું; પણ ગવર્નર-જનરલે તે અમાન્ય રાખતાં, પરિણામ આવી શક્યું નહિ.
પેશવાએ ફતેહસિંહરાવનો ટેકો મેળવવા તેની પાસે લેવામાં આવનાર ખંડણી અને લશ્કરી સેવામાં ઘણો ઘટાડો કરી લાભ કરી આપ્યો. ફતેહસિંહરાવે ગાયકવાડની રાજધાની પાટણથી વડોદરા ખસેડી.
પેશવા અને અંગ્રેજો વચ્ચે થયેલી લડાઈ (1779) બાદ, અંગ્રેજોએ ફતેહસિંહરાવને પેશવાની પકડમાંથી મુક્ત કરાવવા ફતેહસિંહરાવ સાથે સંઘ રચી લાભદાયી લશ્કરી કૂંઢેલા કરાર કર્યો (2૦ જાન્યુઆરી 178૦) અને બંને પક્ષોએ ભેગા થઈ અમદાવાદ જીતી લીધું (15 ફેબ્રુઆરી 178૦) અને તેનો હવાલો ફતેહસિંહરાવને અપાયો. કરાર મુજબ ફતેહસિંહરાવે પણ અંગ્રેજોને મહત્વના પ્રદેશો આપ્યા. અહીંથી બંને વચ્ચે રાજદ્વારી સંબંધોની શરૂઆત થઈ.
દખ્ખણમાં નિઝામ અને હૈદરઅલી મરાઠા પક્ષે જોડાતાં અંગ્રેજોને પેશવા સાથે પ્રસિદ્ધ સાલબાઈ કરાર (1782) કરવાની ફરજ પડી. તેનાથી કૂંઢેલા કરાર રદ કરાયો. પેશવાને 1775ના સમયનો ગુજરાતનો પ્રદેશ પાછો સોંપાયો. ગાયકવાડ પણ અગાઉ જેમ જ પેશવાને ખંડણી અને લશ્કરી સેવા આપે તેમ નક્કી થયું. આવા ફેરફારથી ફતેહસિંહરાવને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડ્યું. જોકે તેણે રાજ્યનો વહીવટ કરકસર અને કુનેહપૂર્વક કર્યો હતો, પણ રાજ્યના રક્ષણ માટે આરબો સહિત રાખેલા ભાડૂતી સૈનિકો ભવિષ્યમાં રાજ્ય માટે આફતરૂપ નીવડ્યા.
ફતેહસિંહરાવનું અવસાન થતાં (1789) માનાજીરાવે તરત જ સત્તા હાથમાં લઈ લીધી અને પેશવાને મોટી રકમ ‘નજર’ (ભેટ) કરી, રાજ્યપાલકપદની સ્વીકૃતિ મેળવી લીધી. પુણે નજીક રહેતા ગોવિંદરાવે સિંધિયા મારફતે પેશવા સમક્ષ પોતાનો ગાદીહક રજૂ કરાવ્યો, પણ તેમાં તે અસફળ રહ્યો. તેણે મુંબઈની અંગ્રેજ સરકારને પણ આ બાબતમાં દરમિયાનગીરી કરવા કહ્યું, પણ તેની સાથે થયેલો કરાર (178૦), સાલબાઈ કરારથી રદ થયાનું જણાવી, અંગ્રેજ સરકારે મદદ ન આપી. રાજા સયાજીરાવનું અવસાન 1792માં થયું. એ પછી ચાલેલા ગાયકવાડ ભાઈઓના સત્તાસંઘર્ષ દરમિયાન માનાજીરાવનું અવસાન થયું (1793).
ગોવિંદરાવ ગાયકવાડ (1793–18૦૦) : માનાજીરાવનું અવસાન થતાં બિનહરીફ બનેલા ગોવિંદરાવે વડોદરાની ગાદી તેને મળે તે માટે પ્રયાસો કર્યા. પેશવા વતી નાના ફડનવીસે ગોવિંદરાવ સમક્ષ કરાર કરવા એવી દરખાસ્તો મૂકી જેનાથી વડોદરા રાજ્ય બરબાદ થાય તેમ હતું. આની જાણ પુણેના અંગ્રેજ રેસિડેન્ટને થતાં તેણે દરમિયાનગીરી કરી અને ચેતવણી આપી કે જો પેશવા-ગોવિંદરાવ વચ્ચે પ્રસ્તુત કરાર થશે તો તે સાલબાઈના કરારનો ભંગ કરવા બરાબર ગણાશે. આથી ફડનવીસને કરાર દરખાસ્તો પાછી ખેંચી લેવા ફરજ પડી.
આ પછી ગોવિંદરાવને ‘સેના ખાસખેલ’નું બિરુદ લેવા પેશવા તરફથી પરવાનગી અપાતાં, તે દીવાન રાવજી આપાજી મજમુદાર જેવી કાર્યદક્ષ વ્યક્તિઓ સાથે વડોદરા તરફ આવ્યો; પણ વડોદરામાં પ્રવેશ મેળવતાં પહેલાં તેને પોતાના જ બંડખોર બનેલા પુત્ર કાન્હોજીરાવનો અને તે પછી કડીના સ્વર્ગસ્થ જાગીરદાર ખંડેરાવના પુત્ર મલ્હારરાવનો સશસ્ત્ર સામનો કરવો પડ્યો. બંડખોરોને હરાવ્યા બાદ વડોદરામાં ગોવિંદરાવનો પ્રવેશ સરળ બન્યો.
પેશવા રઘુનાથરાવના અવસાન પછી 1796માં પેશવા બનેલા તેના પુત્ર બાજીરાવે ગુજરાતમાં સૂબા તરીકે પોતાના દસ વર્ષના ભાઈ ચિમણાજીને નીમ્યો અને તેના નાયબ તરીકે નાના ફડનવીસની તરફેણ અને ભલામણથી આબા શેલૂકરને અમદાવાદ મોકલ્યો. પેશવાનો હેતુ ગાયકવાડને બરબાદ કરવાનો હતો. આબા શેલૂકરે ગાયકવાડના પ્રદેશોમાં લૂંટ ચલાવી. નાના ફડનવીસનું અવસાન થતાં (18૦૦) શેલૂકરે મોટો આશ્રયદાતા ગુમાવ્યો. ગોવિંદરાવે છેવટે આબા શેલૂકરને હરાવી કેદ કર્યો અને અમદાવાદ કબજે કર્યું.
ત્યાર બાદ ગોવિંદરાવે અમદાવાદનો પેશવાના ઇજારાવાળો ભાગ પાંચ વર્ષના પટે પ્રતિ વર્ષે પાંચ લાખ રૂપિયાના બદલામાં મેળવી લીધો. પેશવાએ ગુજરાતમાંના પોતાના બધા હકો પણ આપ્યા.
ગોવિંદરાવનું અવસાન થયું (19 સપ્ટેમ્બર 18૦૦) ત્યારે રાજ્યનું વહીવટી અને નાણાકીય તંત્ર કથળી ગયું હતું. ભાડૂતી આરબ સૈનિકો વર્ચસ્ ભોગવતા હતા.
આનંદરાવ ગાયકવાડ (18૦૦–1819) : ગોવિંદરાવના અવસાન પછી તેના નબળા મનના અને અફીણના વ્યસની પુત્ર આનંદરાવને તેની માતા ગહેનાબાઈના હઠાગ્રહના કારણે ગાદીએ બેસાડવામાં આવ્યો. દીવાન રાવજી આપાજીની ગેરહાજરીમાં આ બનેલું. વધુમાં કાન્હોજીરાવે પણ આનંદરાવ પાસે પોતાને ‘મુતાલિક’ નિમાવી, શાસકની ફરજો બજાવવાનું શરૂ કર્યું, પણ દીવાન રાવજીએ છેવટે તેને હરાવ્યો. તેનો અને આરબ ભાડૂતી સૈનિકોનો ભય લાગતાં, દીવાને મુંબઈ સરકાર પાસે મદદ માટે તથા કાન્હોજીરાવની માતાએ પણ મલ્હારરાવનો સાથ મેળવી, મદદ માટે વિનંતી કરી. અંતે અંગ્રેજ સત્તાએ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા મેજર એ. વૉકરને મોકલ્યો (1 જાન્યુઆરી 18૦1). વૉકરે દીવાન રાવજી આપાજીની નીતિકાર્યની તરફેણ કરી, મલ્હારરાવને તેની સાથે સમાધાન પર આવવા કહ્યું; પરંતુ મલ્હારરાવે તેનો અસ્વીકાર કર્યો. એ પછી થયેલી લડાઈમાં તેને હરાવીને યોગ્ય રકમ આપી વિદાય કરવામાં આવ્યો.
મદદના બદલામાં ગાયકવાડે પોતાનો સૂરતનો ‘ચોથ’નો હિસ્સો અને ચોરાસી પરગણાં અંગ્રેજ સત્તાને આપ્યાં. ગુપ્ત કરાર હેઠળ ‘સહાયક દળ’ની યોજના સ્વીકારી (18૦2). દીવાન રાવજી આપાજીની રાજ્ય પ્રત્યેની સેવાના બદલામાં અંગ્રેજ સરકારે રાજ્યનું દીવાનપદ તેના કુટુંબમાં ચાલુ રહે તેવો કરાર કરી આપ્યો.
મધ્ય ભારતમાં હોલકર અને સિંધિયાએ પેશવાને હરાવતાં, પેશવાએ અંગ્રેજ સત્તા સાથે વસાઈ કરાર (31 ડિસેમ્બર 18૦2) કર્યો અને સૂરતનો પોતાનો ‘ચોથ’નો હિસ્સો અને શહેર પરનો કબજો પૂર્ણપણે સોંપી દીધા. આમ સૂરત પૂર્ણપણે અંગ્રેજ સત્તા નીચે આવી ગયું. ગાયકવાડ અને અંગ્રેજ સત્તા વચ્ચે સંબંધો સુધરતાં, મેજર વૉકરને વડોદરામાં રેસિડેન્ટ તરીકે મોકલવામાં આવ્યો (11 જુલાઈ 18૦2). દીવાન રાવજીનું અવસાન થતાં તેનો અપ્રામાણિક અને દીવાનપદ માટે અયોગ્ય એવો દત્તક પુત્ર અને ભત્રીજો સીતારામ દીવાન બન્યો. પેશવાએ અમદાવાદના ઇજારાની મુદત બીજાં દસ વર્ષ માટે પટેથી ગાયકવાડને વધારી આપી (2 ઑક્ટોબર 18૦4). એમ છતાં બંને વચ્ચેના સંબંધો છેવટ સુધી સુખદ ન રહ્યા.
ગાયકવાડે અંગ્રેજી સત્તા સાથે 18૦5માં કરાર (ડેફિનિટિવ ટ્રીટી) કરી, સહાયક દળની વધુ સંખ્યા સ્વીકારી ખર્ચ માટે ઊપજવાળા પ્રદેશો આપ્યા. રાજ્યની વિદેશનીતિ પરનું નિયંત્રણ સ્વીકાર્યું અને પેશવા સાથેના મતભેદોમાં અંગ્રેજ સરકારની લવાદી સ્વીકારી. 18૦8માં બીજા એક કરારથી સહાયક દળની વધુ સંખ્યા સ્વીકારી ખર્ચ માટે પ્રદેશો આપ્યા.
આનંદરાવની ચિત્તભ્રમની સ્થિતિ અને દીવાન સીતારામની ખર્ચાળ અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ચાલુ રહેતાં ફતેહસિંહરાવ બીજાને રાજ્યપાલક (18૦8–1818) નીમવામાં આવ્યો. એ પછી સૌરાષ્ટ્રમાં ‘મુલુકગીરી’ની જટિલ સમસ્યાનો અંત ‘વૉકર સેટલમેન્ટ’થી લવાયો (18૦8). રેસિડેન્ટ વૉકરે રાજ્યમાં સુધારાકાર્ય પણ કર્યું. રાજ્યમાં કાન્હોજીરાવની બંડખોર પ્રવૃત્તિઓ ચાલુ રહેતાં અંગ્રેજ સત્તા જે રાજ્યની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી છોડી દેવા વિચારતી હતી, તેને ચાલુ રાખવાનું યોગ્ય માન્યું અને કાન્હોજીરાવને છેવટે કેદ કરવામાં આવ્યો. વડોદરામાં ચાલી રહેલી આંતરિક જૂથબંધી(1814–1816)નો અંત દીવાન સીતારામને કેદ કરીને લાવવામાં આવ્યો.
1816ના આરંભમાં પેશવા અને અંગ્રેજ સરકાર સાથે સંઘર્ષ અનિવાર્ય બન્યો. 1817માં બંને વચ્ચે થયેલા ઐતિહાસિક પુણે કરાર(13 જૂન 1817)થી પેશવાએ ગાયકવાડ પરના પોતાના ભૂતકાળ અને ભવિષ્યના તમામ હકદાવા છોડી દીધા, સૌરાષ્ટ્રની ખંડણીનો પોતાનો હિસ્સો, કેટલાંક ગામ અને અમદાવાદ પરનો પોતાનો ઇજારો અંગ્રેજ સત્તાને સોંપ્યાં.
પેશવાની સત્તાને પૂર્ણપણે નાબૂદ કરાયા પછી અંગ્રેજ સરકારે ગાયકવાડ સાથે લશ્કરી કરાર કર્યો જેનાથી ગાયકવાડે વધુ સહાયક દળ સ્વીકારી ખર્ચ માટે એટલા પ્રદેશો આપ્યા. બદલામાં અંગ્રેજ સરકારે પોતાનો સૌરાષ્ટ્રની ખંડણીનો હિસ્સો તેને આપ્યો. અમદાવાદના ઇજારા અને અન્ય પ્રદેશોની વહેંચણી–અદલાબદલી અંગે સમજૂતી સધાતાં ઓખામંડળ અને શંખોદ્ધાર બેટ ગાયકવાડને આપવામાં આવ્યાં.
ફતેહસિંહરાવ પોતાના અવસાન સુધી (23 ઑગસ્ટ, 1818) અંગ્રેજ સરકાર પ્રત્યે વફાદાર રહ્યા. તેના પછી તેનો નાનો ભાઈ સયાજીરાવ રાજ્યપાલક બન્યો, પણ આનંદરાવનું અવસાન થતાં (1819) સયાજીરાવ ગાદી હકદાર તરીકે સત્તાવાર રીતે રાજ્યનો શાસક બન્યો.
સયાજીરાવ બીજા (1819–1847) : 55 વર્ષના મહારાજા આનંદરાવનું અપુત્ર અવસાન થતાં (2 ઑક્ટોબર 1819) રાજ્યપાલક તરીકે ફરજ બજાવતા અને સદગતના ભાઈ હોવાના હકથી પણ, સયાજીરાવ થોડી આંતરિક ખટપટો અને મુશ્કેલીઓ વટાવી, સયાજીરાવ બીજા તરીકે ગાદીએ આવ્યા. આંતરિક ઝઘડાઓ ચાલુ હોવાથી મુંબઈ ઇલાકાના ગવર્નર એમ. એસ. એલ્ફિન્સ્ટને વડોદરા આવી ઝઘડાઓનો કામચલાઉ અંત આણ્યો, આનંદરાવના સમયમાં વહીવટી દેખરેખ રાખવા નીમેલા પંચને નાબૂદ કર્યું, રાજ્યે લીધેલાં ઉછીનાં નાણાંની ચુકવણી તથા રાજ્યનાં આવક-ખર્ચ, દીવાનની નિમણૂક બાબતમાં રેસિડેન્ટનો સીધો અંકુશ તથા પરદેશ સાથેના સંબંધો અંગ્રેજ સરકાર પાસે રાખવા જેવી બાબતો નક્કી કરી. વડોદરા રાજ્યને ખંડણી આપતાં બીજાં રાજ્યો તરફથી થતી ચુકવણીની વ્યવસ્થા પણ અંગ્રેજ સરકારે પોતાના હસ્તક રાખી.
સ્વતંત્ર મિજાજ ધરાવતા સયાજીરાવ પોતે સારા વહીવટકાર હોવાથી તેમને અંગ્રેજ સત્તાવાળાઓ તરફથી રાજ્યની આંતરિક બાબતોમાં થતી દખલગીરી ગમતી નહિ. છતાં તેઓ તેની અવગણના છેક 1828 સુધી કરતા રહ્યા. ગવર્નર એલ્ફિન્સ્ટન પછી આવેલા જ્હૉન માલ્કમે રાજ્યના ઊપજવાળા કેટલાક પ્રદેશો અને અમુક ખંડણી ટાંચમાં લીધાં. ફતેહસિંહરાવના દત્તક પુત્ર ગોવિંદરાવ તરફથી અને અન્ય તત્ત્વો તરફથી સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસોનો તથા સર્જાતી મુશ્કેલીઓનો સામનો સયાજીરાવ કરતા રહ્યા.
183૦માં મુંબઈ સરકારે ફરી થોડા પ્રદેશો ટાંચમાં લીધા; પણ લંડનમાં કોર્ટ ઑવ્ ડિરેક્ટર્સે તે નામંજૂર કરી, વડોદરામાંથી અંગ્રેજ રેસિડેન્સીને નાબૂદ કરી, સમગ્ર ગુજરાત માટે અમદાવાદને વડું મથક રાખી ત્યાં પોલિટિકલ કમિશનરની નિમણૂક કરી. 1831માં સયાજીરાવને પદભ્રષ્ટ કરવાનું કાવતરું પકડાઈ ગયું. બીજા વર્ષે સયાજીરાવ અને શરાફો વચ્ચે સમાધાન થતાં અંગ્રેજ સત્તાએ રાજ્યની બાબતોમાં દરમિયાનગીરી કરવાનું બંધ કર્યું. સયાજીરાવે પણ સહાયકારી ફોજના ખર્ચ અંગે અલગ રકમ મૂકતાં, ટાંચમાં લીધેલા પ્રદેશો સરકારે પરત કર્યા. સંબંધોમાં સુધારો થતાં વડોદરામાં ફરી રેસિડેન્સીની નિમણૂક કરવામાં આવી (1835). એમ છતાં બંને વચ્ચેના મતભેદો ચાલુ રહ્યા. પરિણામે મુંબઈ સરકારે નવસારી (કાયમ માટે), પેટલાદ જેવા પ્રદેશો અટકમાં રાખ્યા. ગાયકવાડના પ્રદેશોમાં સતીપ્રથાને દંડાત્મક ગુનો જાહેર કરવામાં આવ્યો (184૦).
1841માં મુંબઈ ઇલાકાના ગવર્નર જેમ્સ આર. કાર્નેકે ગાયકવાડ સાથેના મતભેદોનું નિરાકરણ કર્યું. અંગ્રેજ સરકારની ધીમે ધીમે રાજ્યના પ્રદેશો પર અંકુશ જમાવતા રહેવાની નીતિની ખાતરી સયાજીરાવને થયેલી હતી. તેથી તેઓ અંગ્રેજ સરકારની નીતિનો વિરોધ કરતા રહ્યા અને સંઘર્ષમાં આવતા રહ્યા. પરિણામે રાજ્યને નાણાકીય નુકસાન થતું રહ્યું.
સયાજીરાવનું અવસાન 1847(ડિસેમ્બર 28)માં થતાં તેમના ત્રીસ વર્ષના જ્યેષ્ઠ પુત્ર ગણપતરાવ ગાદીએ આવ્યા.
ગણપતરાવ (1847–1856) : અભણ એવા ગણપતરાવના સમયમાં રાજ્યમાં નોંધપાત્ર સામાજિક સુધારા અને પ્રજોપયોગી બાંધકામો થયાં. તે માટેની પ્રેરણા અને માર્ગદર્શન કાર્યકારી રેસિડેન્ટ કૅપ્ટન ફ્રેન્ચ તરફથી મળતાં રહ્યાં. મહારાજાએ પેટલાદ અને બીજાં પરગણાંના લેઉઆ પાટીદારોમાં પ્રવર્તતા નાની બાળકીઓને દૂધપીતી કરવાના રિવાજને હુકમ દ્વારા બંધ કરાવ્યો. એ વર્ગના મુખીઓ લગ્નવિધિઓમાં ખર્ચ ઓછો કરે તે માટે લેખિત બાંયધરી લીધી. બાળકોનાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. બાળહત્યાનું દૂષણ અટકાવવા અલગ નાણાભંડોળની વ્યવસ્થા કરી તથા 184૦માં બંધ કરાવવામાં આવેલા સતીના ચાલનો અમલ કડક બનાવ્યો.
પશ્ચિમના દેશોમાં થઈ રહેલા આધુનિક સુધારાની જાણ ગણપતરાવને કરવા રેસિડેન્ટ કૅપ્ટન ફ્રેન્ચે સ્ટીમ એન્જિન અને ઇલેક્ટ્રિક ટેલિગ્રાફનાં યંત્રોના નમૂનાઓ ઇંગ્લૅન્ડથી મંગાવ્યા અને મહારાજાને ભેટ આપ્યા. મુંબઈ સરકારને ગણપતરાવ પ્રત્યે સહાનુભૂતિવાળું વલણ રાખવા પણ તેઓ વિનંતી કરતા રહ્યા. અગાઉના રેસિડેન્ટ જેમ્સ આઉટરામ વડોદરા પાછા આવતાં (1854) રાજ્યમાં દખલગીરી અને ખટપટોની હારમાળા ચાલુ થઈ. ગણપતરાવે 1856માં ‘બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે’ નાખવા રાજ્યના જરૂરી પ્રદેશો અંગ્રેજ સરકારને સુપરત કર્યા. તેની સામે પ્રદેશોની ઊપજ ગુમાવવા જેટલું નુકસાન ભરપાઈ કરી આપવાનું બ્રિટિશ સરકારે કબૂલ્યું.
ખંડેરાવ (1856–187૦) : ગણપતરાવને કાયદેસરનો ગાદી હકદાર પુત્ર ન હોવાથી, હયાત ભાઈઓમાંથી સૌથી મોટા એવા ખંડેરાવ ગાદીએ બેઠા. થોડા જ મહિનામાં 1857નો સિપાઈઓનો બળવો થયો. ગુજરાતમાં પણ તેની અસર પડી. બ્રિટિશ સરકારના એવા કપરા સમયમાં ખંડેરાવે અંગ્રેજોના પક્ષે વફાદાર રહી ગુજરાતમાં વિદ્રોહી પરિબળોને દબાવી દેવામાં અને કચડી નાખવામાં ભારે સક્રિય મદદ કરી ! તેમજ 1858ના નિ:શસ્ત્રીકરણના કાયદાનો ગુજરાતમાં અમલ કરાવવા પણ ખૂબ મદદ કરી. રાજ્ય તાબાના ઓખામંડળના વાઘેરોએ ખુલ્લી રીતે ભયંકર બંડ કર્યું, જે લાંબું ચાલ્યું; પણ અંતે તેને કચડી નાખવામાં આવ્યું. મદદના બદલામાં બ્રિટિશ સરકારે તેમની કદરરૂપે શાહી પ્રતીકરૂપે ‘મોરચલ’ (મોરનાં બે પીંછાંવાળો પંખો) ભેટ આપ્યો; ગુજરાત અનિયમિત અશ્વદળનો વાર્ષિક નિભાવ ખર્ચ જે ત્રણ લાખ રૂપિયા થતો હતો તે માફ કર્યો, દત્તક પુત્ર લેવાની પરવાનગી આપી, ‘હિઝ હાઇનેસ ઑવ્ મહારાજા ગાયકવાડ ઑવ્ બરોડા’નું પદ આપ્યું અને ‘જી.સી.એસ.આઇ.’નો ખિતાબ આપી બઢતી આપી. આ બંને પદો ગાયકવાડ મહારાજાઓ છેવટ સુધી વાપરતા રહ્યા.
ઉદાર, ભપકાપ્રેમી અને પ્રગતિશીલ માનસ ધરાવતા ખંડેરાવે રાજ્યમાં ઘણા સુધારા દાખલ કર્યા; જેમાં વહીવટી તંત્રમાં સુધારણા, મહેસૂલ માટે જમીનમાપણી, બ્રિટિશ ધોરણે જમીનમહેસૂલપદ્ધતિ દાખલ કરવા વગેરેનો સમાવેશ થતો હતો. તેમણે મકરપુરાનો ભવ્ય રાજમહેલ અને અન્ય મનોહર ભવ્ય ઇમારતો બંધાવી. ડબકા નજીક શિકારખાનું ખોલ્યું. પોતે કુસ્તીના શોખીન હોવાથી કુસ્તી સ્પર્ધા ગોઠવતા. દક્ષિણમાંથી આવેલ મલ્લ-પહેલવાનોને નોકરી આપી પ્રોત્સાહન આપ્યું. મિયાંગામ–ડભોઈની રેલવે લાઇન એમના સમયમાં શરૂ કરાવી. ખર્ચને પહોંચી વળવા પ્રજા પર આકરા કરવેરા નાખ્યા. કવિ દલપતરામે ખંડેરાવ મહારાજાની મુલાકાત લઈ રાજ્યમાં શાળાઓ અને પુસ્તકાલયો ખોલવા વિનંતી કરી હતી. રાજ્યમાં આધુનિક શિક્ષણની શરૂઆત આ મહારાજાના સમયમાં થઈ.
મલ્હારરાવ ગાયકવાડ (187૦–1875) : મહારાજા ખંડેરાવનું અવસાન થતાં તેના વારસપુત્રના અભાવે, પાદરામાં નજરકેદ રાખવામાં આવેલા તેના નાના ભાઈ મલ્હારરાવને વડોદરાની ગાદીએ બેસાડવામાં આવ્યો. ગાદીએ આવ્યા પછી, મલ્હારરાવે ખંડેરાવના ટેકેદારો અને જૂના નોકરોને બરતરફ કર્યા. પ્રજા પર ખૂબ કરવેરા નાખ્યા. શ્રીમંતો પાસેથી નાણાં કઢાવ્યાં. આથી લોકો તરફથી થયેલી ફરિયાદના કારણે અંગ્રેજ સરકારે કર્નલ મીડની આગેવાની હેઠળ મલ્હારરાવના ગેરવહીવટની તપાસ કરવા પંચ નીમ્યું. પંચે કરેલી ભલામણો સ્વીકારી અંગ્રેજ સરકારે મલ્હારરાવને વહીવટ સુધારવા મહેતલ આપી (31 ડિસેમ્બર 1875).
એ સમયે વડોદરાનો રેસિડેન્ટ કર્નલ ફેર મલ્હારરાવ તરફ સખત અણગમો અને દ્વેષયુક્ત વલણ ધરાવતો હતો. સુધારા કરવામાં પોતાને મદદરૂપ બનવા મલ્હારરાવે દીવાન તરીકે દાદાભાઈ નવરોજી અને તેમની સહાયમાં હોરમસજી વાડિયા, કાઝી શાહબુદ્દીન, બાલ મંગેશ વાગલે જેવી કાર્યદક્ષ વ્યક્તિઓની નિમણૂક કરી. દાદાભાઈએ રાજ્યમાં સુવહીવટ સ્થાપવા નોંધપાત્ર પ્રયાસ કર્યો. રેસિડેન્ટ ફેર દાદાભાઈ અને તેમના સાથીઓમાં કામ કરવાની આવડત અને બુદ્ધિકૌશલનો અભાવ હોવાની શંકા વ્યક્ત કરતી મુંબઈ સરકારને ફરિયાદ કરતો રહ્યો.
મુંબઈ સરકારે કર્નલ ફેરની કરેલી બદલી અમલી બને તે પહેલાં તેણે એક કાવતરું યોજી મહારાજા મલ્હારરાવે પોતાને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે એવો આક્ષેપ કર્યો અને અહેવાલ મોકલ્યો. એ પરથી કેન્દ્ર સરકારે એક તપાસપંચ નીમ્યું. તેણે મલ્હારરાવ પર ઘણા આરોપો મૂક્યા. આથી મલ્હારરાવ પર કામ ચલાવવા ત્રણ અંગ્રેજો અને ત્રણ હિંદીઓના સભ્યપદે એક ન્યાયપંચની રચના કરાઈ. તેની સમક્ષ મલ્હારરાવ પર કેસ ચલાવાયો. ચુકાદામાં અંગ્રેજ સભ્યોએ મલ્હારરાવને ગુનેગાર ઠરાવ્યો, જ્યારે હિંદી સભ્યોએ વિરુદ્ધ મત આપ્યો.
અંતે કેન્દ્ર સરકારે નિર્ણય લઈ મલ્હારરાવ પર વિવિધ આરોપો મૂકી રાજ્યના ગેરવહીવટ માટે જવાબદાર ગણી તેને પદભ્રષ્ટ કરવાનું પગલું લીધું (19 એપ્રિલ 1875) અને તેને ચેન્નાઈ લઈ જઈ અવસાન સુધી નજરકેદ રાખ્યો.
સયાજીરાવ ત્રીજા (1881–1939) : પદભ્રષ્ટ કરાયેલા મલ્હારરાવ ગાયકવાડ અપુત્ર હોવાથી હિંદની બ્રિટિશ સરકારે સદ્ગત મહારાજા ખંડેરાવની વિધવા મહારાણી જમનાબાઈને દત્તક પુત્ર અને ગાદીવારસ નીમવા પરવાનગી આપી. વડોદરા રાજ્યનું અરાજકતાવાળું અને મુશ્કેલીઓથી ભરપૂર તંત્ર સુધારીને વ્યવસ્થિત કરવા અને નવા શાસકનું યોગ્ય રાજા તરીકે ઘડતર કરવા, કાબેલ અને મુત્સદ્દી દીવાન તરીકે નામાંકિત બનેલા સર ટી. માધવરાવની નિમણૂક દીવાન તરીકે અને રાજ્યપાલક તરીકે કરી (3 મે 1875). મહારાણી જમનાબાઈને દત્તક પુત્રની પસંદગી કરવામાં પણ તેમણે મદદ કરી. વારસ માટેની શોધના અંતે ગાયકવાડ કુટુંબના દૂરના પૂર્વજ દામાજીરાવના ભાઈ પ્રતાપરાવના વંશજ અને કવલાણા શાખા(નાસિક જિલ્લો)ના કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્રો પૈકી તેર વર્ષના બીજા પુત્ર ગોપાળરાવ(જ. 17 માર્ચ 1863)ની દત્તક પુત્ર અને ગાદીવારસ તરીકે પસંદગી કરવામાં આવી અને સયાજીરાવ ત્રીજા તરીકે તેમને ગાદીએ બેસાડવામાં આવ્યા (મે 27).
મહારાજા સયાજીરાવ સગીર વયના અને અલ્પશિક્ષિત હોવાથી દીવાન માધવરાવની દેખરેખ નીચે અને હિંદી સનદી સેવા વર્ગના ઉચ્ચ અધિકારી એફ. એ. એચ. ઇલિયટની ખાસ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવતાં સયાજીરાવનું સાચું શિક્ષણ શરૂ થયું (જૂન 7), તે 1881માં પુખ્ત વયના બનતાં રાજ્યાધિકાર સંભાળી લેતાં સુધી ચાલ્યું (ડિસેમ્બર 28). શિક્ષણના સમય દરમિયાન સયાજીરાવે પોતાની અસાધારણ સમજશક્તિ, ઊંડી સૂઝ, ગ્રહણશક્તિ અને કુનેહબુદ્ધિથી રાજા તરીકેની રીતભાત, શિષ્ટાચાર, શાસકને યોગ્ય વર્તન, રાજ્યવહીવટનું સંચાલન, અંગ્રેજ સરકાર સાથે રાખવાના સંબંધો વગેરે વિષય પર જ્ઞાન પ્રાપ્ત કર્યું.
દીવાન માધવરાવે રાજ્યપાલક તરીકે મક્કમતાપૂર્વકના ઝડપી પગલાં લઈ રાજ્યની અશાંત પરિસ્થિતિ પર કાબૂ મેળવી આર્થિક, વહીવટ, ન્યાય, શિક્ષણ (બરોડા કૉલેજનું મકાન બાંધવાનો આરંભ 1879), આરોગ્ય, તબીબી સેવાઓ, રેલવે, મહેલ (લક્ષ્મીવિલાસ બાંધકામ શરૂઆત 1879) વગેરે નોંધપાત્ર પ્રગતિશીલ સુધારા દાખલ કર્યા અને દીવાન તરીકે 1883 (માર્ચ 27) સુધી ચાલુ રહ્યા. આ જ સમયમાં સયાજીરાવે પ્રિન્સ ઑવ્ વેલ્સ(પાછળથી રાજા એડવર્ડ સાતમા)નું પહેલાં મુંબઈમાં અને પછી વડોદરા નિમંત્રી સ્વાગત કર્યું. 1877માં વાઇસરૉય લૉર્ડ લિટને દિલ્હીમાં યોજેલા ભવ્ય શાહી દરબારમાં હાજરી આપી જ્યાં તેમને ‘ફરઝંદે-ખાસ-ઇ-દૌલત-ઇંગ્લિશિયા’(the most favoured son of the English Empire)નો ખિતાબ અપાયો. 188૦માં સયાજીરાવનું લગ્ન તાંજોર રાજ્યના મોહિતે કુટુંબની કુંવરી લક્ષ્મીબાઈ (લગ્ન પછી ચિમણાબાઈ પહેલાં) સાથે થયું. આ લગ્નથી રાજદંપતીને બે પુત્રીઓ અને એક પુત્ર ફતેહસિંહરાવ થયાં. યુવરાજ ફતેહસિંહરાવનું અકાળ અવસાન થયું (19૦8). તેમને બે પુત્રીઓ અને એક પુત્ર પ્રતાપસિંહરાવ એમ ત્રણ સંતાન હતાં. યુવરાજ બનેલા પ્રતાપસિંહરાવ સયાજીરાવ ત્રીજા પછી ગાદીએ આવ્યા (7 ફેબ્રુઆરી 1939).
રાજ્યાધિકાર મેળવ્યા પછી સયાજીરાવે 1882થી પાંચ વર્ષના ગાળામાં રાજ્યના પ્રદેશોની મુલાકાતો લઈ તેઓ પ્રજાજીવન અને પરિસ્થિતિથી વાકેફ બન્યા. વહીવટી તંત્રમાં નવા ધરખમ સુધારા કર્યા. પાણી માટે કૂવા ખોદાવ્યા. રસ્તા બનાવવા મોજણી કરાવી. રાજ્ય સંચાલિત કાપડ મિલની સ્થાપના કરી. ‘આજવા વૉટર વર્ક્સ’ શરૂ કરાવી (189૦) વડોદરામાં પાણીનો પ્રશ્ન હલ કર્યો.
1885માં મહારાણી ચિમણાબાઈનું અવસાન થયા બાદ આઘાત અને શોકથી પીડાતા સયાજીરાવને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો. પછીના સમયમાં સંધિવાનું ભારે દર્દ પણ લાગુ પડ્યું. તેમનું બીજું લગ્ન મધ્ય ભારતના દેવાસ રાજ્યની ઘાટગે રાજકુટુંબની કુંવરી ગજરાબાઈ (લગ્ન પછી ચિમણાબાઈ બીજાં) સાથે થયું (28 ડિસેમ્બર 1885). આ લગ્નથી સયાજીરાવને ત્રણ પુત્રો અને એક પુત્રી થયાં. તબીબી સલાહ અનુસાર સયાજીરાવે ભારતમાં હવાફેર કરવા હવાખાવાનાં સ્થળોએ પ્રવાસો કર્યા. 1887થી યુરોપમાં પણ હવાફેર કરવા સ્વિટ્ઝર્લૅન્ડમાં અને અન્ય સ્થળોએ પ્રવાસો કર્યા. 27થી ઓછા નહિ એવા વિદેશી પ્રવાસો દરમિયાન સયાજીરાવે જે તે દેશની આર્થિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક, ઔદ્યોગિક ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનું પૂર્ણ અવલોકન કર્યું. આ તમામ પ્રવાસો સયાજીરાવ માટે શિક્ષણરૂપ બની ગયા. ભારતનાં રાજ્યોમાં વડોદરા રાજ્યને નમૂનેદાર, આદર્શ, પ્રગતિશીલ અને આધુનિક બનાવવાનો તેમનો શુભ આશય જીવનમંત્ર બની ગયો.
શિક્ષણ, સાહિત્ય, કલા વગેરે : ‘‘આપણી વર્તમાન પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર માર્ગ અને તમામ સુધારાઓનો પાયો શિક્ષણમાં રહેલો છે.’’ એવું એક કેળવણીકાર તરીકે સયાજીરાવ ર્દઢતાપૂર્વક માનતા અને તેનું ઉચ્ચારણ વારંવાર તેમનાં વ્યાખ્યાનો અને ભાષણોમાં કરતા રહ્યા. ભારતની ગરીબીનું કારણ અજ્ઞાન અને નિરક્ષરતા છે અને તેને દૂર કરવાનો એકમાત્ર ઉપાય શિક્ષણ છે અને તે જ ભારતને તેની યુગોની પછાત સ્થિતિમાંથી બહાર લાવી શકશે એમ તેઓ માનતા.
પોતાની વિચારસરણીનો અમલ તેમણે 1891થી રાજ્યસહાય-આધારિત કેળવણી આપવાની પદ્ધતિ દાખલ કરીને શરૂ કર્યો. સૌરાષ્ટ્રમાં અમરેલી અને તેની નજીકમાં નવ ગામોમાં પ્રયોગાત્મક રીતે 7થી 14 વર્ષનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત દાખલ કર્યું (16 માર્ચ 1893). તેની સફળતાથી પ્રેરાઈને આ પદ્ધતિ સમગ્ર રાજ્યમાં દાખલ કરી (19૦6). દેશમાં આવું હિંમતભર્યું પગલું લેનાર સૌથી પહેલા સયાજીરાવ હતા. તેમણે સ્ત્રીશિક્ષણ તથા રાજ્યની કાળીપરજ, વાઘેર, કોળી, ભીલ અને અન્ય પછાત જાતિઓ, અસ્પૃશ્યો – અંત્યજો વગેરેને પ્રાથમિક ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી. પછાત અને અસ્પૃશ્યો માટે મફત શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી, શિષ્યવૃત્તિઓ આપી તથા મફત ખાવા-પીવા-રહેવાનાં છાત્રાલયો સ્થાપ્યાં. સમાજના બધા જ વર્ગો માટે ઉચ્ચ શિક્ષણની જોગવાઈ કરી, તેમાં માધ્યમિક શાળાઓ, વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજો, હુન્નર ઉદ્યોગનું શિક્ષણ આપનાર કલાભવન (હાલની એન્જિનિયરિંગ કૉલેજ), માધ્યમિક કન્યાશાળાઓ, શિક્ષકો તૈયાર કરવા માટે સ્ત્રી અને પુરુષો માટેની અધ્યાપન તાલીમી કૉલેજો, ગાયન-વાદન એટલે કે સંગીતશિક્ષણની સંસ્થા તથા સંસ્કૃત પાઠશાળા, બહેરા-મૂંગાના શિક્ષણની વ્યવસ્થા (સહુ પ્રથમ) પણ કરવામાં આવી.
સયાજીરાવે શારીરિક શિક્ષણ 1936થી ફરજિયાત બનાવ્યું. વડોદરામાં યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર છેક 1916માં ઉદભવ્યો અને તે પર વિચારણાઓ શરૂ થઈ. 1936માં પોતાની હીરક જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે સયાજીરાવે યુનિવર્સિટી સ્થાપવા રૂપિયા દસ કરોડનું ભંડોળ ફાળવીને અલગ મૂક્યાની જાહેરાત કરી પણ યુનિવર્સિટી તેમની હયાતીમાં ન સ્થપાતાં છેક 195૦માં સ્થપાઈ, જે હાલ ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડા’ તરીકે જાણીતી છે. આ યુનિવર્સિટીના અલગ ધારા હેઠળ પ્રથમ કુલાધિપતિ (ચાન્સેલર) મહારાજા પ્રતાપસિંહ બન્યા.
લોકશિક્ષણને વધુ ર્દઢ અને સંગઠિત બનાવવા સયાજીરાવે રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરાવી (19૦7). નગરો અને ગામડાંની પ્રજા જ્ઞાનમાં વધારો કરી શકે તે માટે શરૂઆતમાં પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોને ફરતાં પુસ્તકાલયો દ્વારા તાલુકા અને પેટામહાલોનાં સ્થળોએ મોકલવાની વ્યવસ્થા કરી. 191૦માં રાજ્ય ગ્રંથાલય ખાતું સ્થાપીને ગ્રંથાલય પ્રવૃત્તિ વેગીલી બનાવી. સમય જતાં વડોદરામાં હાલની સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરી. તાલુકા અને મહાલ નગરોમાં તથા ગામોમાં વાચનખંડો સહિતનાં પુસ્તકાલયોની સુવિધા આપવાના કારણે સંખ્યાબંધ ગામડાંઓ સુધી વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પહોંચ્યું.
રાજ્યની પ્રજા ગુજરાતી હોવાથી તે ભાષાને ઉત્તેજન આપવા સયાજીરાવે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પગલાં લીધાં. રાજ્યના ભાષાનિયામકના ખાતાના નિરીક્ષણ હેઠળ હિંદી, સંસ્કૃત, અંગ્રેજી જેવી ભાષાઓમાં લખાયેલા અગત્યના ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી પ્રજા સમક્ષ મૂકવા ભાષાંતર શાખા સ્થાપી (1886). સ્વભાષા અને લેખનને ઉત્તેજન આપવા કેટલાક નામાંકિત વિદ્વાનોને રાખ્યા (1888). પરિણામે શ્રી સયાજી સાહિત્યમાલા, શ્રી સયાજી જ્ઞાનમંજૂષા, રાષ્ટ્રકથામાલા જેવી ગ્રંથમાળાઓ શરૂ થઈ. સંખ્યાબંધ ગ્રંથોના અનુવાદ ગુજરાતીમાં થયા. કેટલાક ગ્રંથોનું મૌલિક રીતે ગુજરાતી, મરાઠી, હિંદી કે સંસ્કૃતમાં આલેખન થાય તેવી યોજનાઓ પણ અમલમાં મુકાઈ. અભ્યાસીઓ અને સંશોધકોને પ્રાચીન જ્ઞાનસમૃદ્ધ સંસ્કૃત તથા પ્રાકૃત હસ્તપ્રતો સરળતાથી મળી શકે તે માટે એમનું પ્રકાશન કરવા ‘ધ ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ’ની યોજના શરૂ કરવામાં આવી. વિવિધ મૂલ્યવાન ગ્રંથો અને હસ્તપ્રતો એકત્ર કરવા વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ‘ઓરિયેન્ટલ લાઇબ્રેરી’ શરૂ કરવામાં આવી (1915). આ સંસ્થાને સ્વતંત્ર બનાવી (1927) ‘ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ (પ્રાચ્ય વિદ્યામંદિર) નામ અપાયું. તેને ‘ભાષાંતર શાખા’ સોંપવામાં આવી. પ્રકાશન અને સંશોધન-પ્રવૃત્તિઓને કારણે ‘ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ (મ. સ. યુનિવર્સિટી હસ્તક) આજે ખ્યાતનામ બનેલી છે.
રાજ્યના કર્મચારીઓ વહીવટી કાર્યમાં શુદ્ધ ગુજરાતી ભાષાનો અને પારિભાષિક શબ્દનો અર્થસહિત ખાસ ઉપયોગ કરે તેવો આગ્રહ સયાજીરાવનો હોવાથી તેમણે ‘શ્રી સયાજી શાસન શબ્દકલ્પતરુ’ નામનો શબ્દકોશ તૈયાર કરાવ્યો.
પોતાના પ્રત્યેક વિદેશ પ્રવાસની સાથે સાથે સયાજીરાવની વિવિધ કલાઓમાં અભિરુચિ જાગ્રત બની વધતી ગઈ. વિદેશોમાં તેઓ ઊંડી કલાર્દષ્ટિથી શિલ્પ, પ્રતિમાઓ અને ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓનું નિરીક્ષણ કરતા અને ઘણા તો તેમણે લક્ષ્મીવિલાસ રાજમહેલ કે સંગ્રહાલય(કમાટી બાગ)માં પ્રદર્શિત કરવા ખરીદ્યા હતા. વેનિસથી ખાસ નિમંત્રેલા શિલ્પકાર સિનોર ફેલીસીએ લક્ષ્મીવિલાસ રાજમહેલમાં પ્રદર્શિત કરવા રાજકુટુંબની વ્યક્તિઓનાં, નૃત્યાંગનાઓ, આરબ સૈનિકો જેવાં શિલ્પો તૈયાર કરી આપ્યાં હતાં. ભારતના એ સમયના નામાંકિત ચિત્રકાર રાજા રવિવર્માએ પણ નિમંત્રણથી વડોદરા આવીને પુરાણકથાઓના પ્રસંગો પરથી ઘણાં સુંદર ચિત્રો દોરી આપ્યાં હતાં. કલાભવન સંસ્થામાં ચિત્રકલાનું શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. સયાજીરાવ પોતે સંગીતપ્રેમી હોઈ, પ્રજા માટે તેમણે વડોદરામાં જ ‘ધ બરોડા મ્યૂઝિક સ્કૂલ’ની સ્થાપના કરી જેમાં ખ્યાતનામ સંગીતજ્ઞોને નિયુક્ત કર્યા. એ શાળા સમય જતાં પરિવર્તન પામી હાલમાં સંગીત નૃત્ય અને નાટ્ય માટેની પૂર્ણ સ્વરૂપની કૉલેજ તરીકે મ. સ. યુનિવર્સિટી હસ્તક ચાલે છે.
સામાજિક : સમાજસુધારક અને ચિંતક સયાજીરાવે જોયું કે હિંદુ સમાજના અભ્યુદય અને સુખાકારી માટે જ્ઞાતિપ્રથા, અસ્પૃશ્યતા અને પછાત જાતિઓ અને સ્ત્રીને લગતી સમસ્યાઓ ભારે અવરોધરૂપ અને ગંભીર દૂષણો રૂપે છે; તેમાં ધરખમ ફેરફારો કરી તેને બદલવાથી જ સમાજની પ્રગતિ અને ઉત્કર્ષ થશે.
આરંભથી જ તેમણે પુરોહિત વર્ગની જોહુકમી નાબૂદ કરી. વેદ-પુરાણશાસ્ત્રો પર આધારિત વેદોક્ત ધાર્મિક વિધિ પોતાના રાજમહેલમાં જ શરૂ કરાવી (1896), એમણે પોતે જ દરિયાપાર જવાના સામાજિક પ્રતિબંધનો ભંગ કર્યો અને પ્રથમ વાર વિદેશ ગયા (1887). બ્રાહ્મણ કે બિન-બ્રાહ્મણો માટે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શિક્ષણ મેળવી અધિકૃત પુરોહિત બનવા વડોદરામાં જ સંસ્કૃત પાઠશાળા શરૂ કરાવી. 1915માં સયાજીરાવે પુરોહિત ધારો પસાર કર્યો.
સ્ત્રીવિષયક સમસ્યાઓ ઉકેલવા સયાજીરાવે સ્ત્રીકેળવણી તરફ ખાસ ધ્યાન આપ્યું. સ્ત્રીઓને લગતા ઘણા પ્રશ્નો સંબંધી તથા સમાજના ખોટા, વહેમી અને અન્યાયકારી રીતરિવાજો સામે સંખ્યાબંધ ધારાઓ પસાર કરી સ્ત્રીકલ્યાણ-પ્રવૃત્તિને વેગ આપ્યો. નવા પસાર કરાયેલા ધારાઓમાં ધર્મસ્વાતંત્ર્ય (19૦2), હિંદુ વિધવા પુનર્લગ્ન (19૦1), બાળલગ્ન અટકાયત (19૦5), હિંદુ લગ્ન (19૦5), ‘ધ બરોડા સ્પેશિયલ મૅરેજ ઍક્ટ’ (19૦8), હિંદુ દત્તક (191૦), હિંદુ વારસા (1911), હિંદુ લગ્ન-વિચ્છેદ (1931), ઐહિક લગ્ન (1932), સંન્યાસ દીક્ષાનિયમન (1934) તથા જ્ઞાતિત્રાસનિવારણ (1934) જેવા નોંધપાત્ર હતા. પરદેશગમન, કુલીનતા, પડદાપ્રથા, જ્ઞાતિભેદ, અસ્પૃશ્યતાનિવારણ, માદક પદાર્થો, વાસ્તવિક દાન, સતીને લગતા ધારાઓ પણ પસાર કર્યા હતા.
સ્ત્રીકલ્યાણ અને ઉદ્ધાર માટેની રચનાત્મક પ્રવૃત્તિઓવાળી જે સંસ્થાઓ સ્થપાઈ તેમાં શ્રી ભગિની સમાજ (1911), ક્ધયા આરોગ્ય મંદિર (1915), શ્રી ચિમણાબાઈ મહિલા પાઠશાળા (1913), શ્રી ચિમણાબાઈ સ્ત્રી-ઉદ્યોગાલય (1915) તથા સુવિખ્યાત આર્યકન્યા મહાવિદ્યાલય (193૦) નોંધપાત્ર હતાં. મહારાણી ચિમણાબાઈએ સ્ત્રીવિષયક સંસ્થાઓમાં ભારે રસ લઈ, સક્રિય મદદ અને માર્ગદર્શન આપી, સયાજીરાવની સમાજઉદ્ધારની પ્રવૃત્તિઓમાં પૂરક બની સાથ આપ્યો.
સયાજીરાવે ગરીબો, અનાથો અને નિ:સહાય લોકો માટે મદદરૂપ બનવા કેટલીક પ્રવૃત્તિઓ વડોદરામાં શરૂ કરાવી. વૃદ્ધ અને નિરાધાર લોકોને રહેવા માટે ‘ગરીબગૃહ’ની સ્થાપના કરવામાં આવી (1926).
ધાર્મિક : સયાજીરાવની ધર્મભાવના ઘણી ઉન્નત હતી. તેઓ ધર્મભેદભાવમાં માનતા નહિ. રાજ્યમાં આવેલાં ધર્મસ્થાનોના નિભાવ અને સહાય અર્થે ‘દેવસ્થાન ખાતું’ ખોલાવ્યું, રાજ્યહસ્તકનાં કેટલાંક મંદિરો પૈકી વડોદરામાં શ્રી વિઠ્ઠલમંદિર, શ્રી બહુચરાજી મંદિર પ્રખ્યાત હતાં. માંડવી પાસે આવેલ શ્રી વિઠ્ઠલમંદિર હરિજનપ્રવેશ અને દર્શન માટે સયાજીરાવે 1932માં ખુલ્લું મૂકતાં મહાત્મા ગાંધીએ મહારાજાને ધન્યવાદ પાઠવ્યા હતા
પ્રજાપ્રિય બાંધકામો : સયાજીરાવને કલાસ્થાપત્યમાં ભારે અભિરુચિ હતી. દીવાન માધવરાવે 1875માં જ ‘જાહેર બાંધકામ ખાતા’ની સ્થાપના કરી હતી. 1881 સુધીમાં તેની પ્રવૃત્તિઓ વિસ્તારી હતી. સયાજીરાવે વડોદરા માટે ‘સયાજી સરોવર યોજના’ પૂર્ણ કરાવી (189૦). સિંચાઈકાર્યો માટે જળાશયોમાંથી વ્યવસ્થા કરાવી. ઇન્ડો-સારસેનિક અને ગૉથિક શૈલીવાળી અનેક ઇમારતો પૈકી બરોડા કૉલેજ (1883માં પૂર્ણ), લક્ષ્મીવિલાસ રાજમહેલ (189૦માં પૂર્ણ) નોંધપાત્ર છે. અન્ય બાંધકામોમાં વડોદરામાં જ લાલબાગ રાજમહેલ, ન્યાયમંદિર, કલાભવન (189૦માં પૂર્ણ), કોઠી (સરકારી સચિવાલય), શ્રી સયાજી જનરલ હૉસ્પિટલ, બરોડા હાઈસ્કૂલ (1917), ખંડેરાવ માર્કેટ વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યનાં પ્રાંતીય નગરો, તાલુકા અને મહાલ–પેટામહાલમાં પણ સરકારી અને પ્રજોપયોગી બાંધકામો કરાવ્યાં. ઇમારતો બંધાવી. વડોદરામાં રમણીય બાગો તથા સુંદર માર્ગો બંધાવ્યા. સયાજી બાગ(કમાટી બાગ)માં જાહેર પ્રખ્યાત સંગ્રહાલય, ચિત્રકલા વિભાગ, પ્રાણી સંગ્રહાલય, પંખીઘર, ઝૂલતો પુલ વગેરે આકર્ષણનાં કેન્દ્રો બની ગયાં.
તબીબી–આરોગ્ય સેવાઓ : સયાજીરાવે પ્રજાને તબીબી રાહત અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પર ખાસ ધ્યાન આપ્યું. તબીબી વિભાગ 1876થી સંગઠિત કરવામાં આવ્યો. સમય જતાં નવાં દવાખાનાં અને હૉસ્પિટલો બંધાયાં. વડોદરામાં માંડવી પાસે જમનાબાઈ હૉસ્પિટલ (1877) બંધાઈ. ડફરિન હૉસ્પિટલ(1886)માં ચિકિત્સાલય, તપાસશાળા (લૅબોરેટરી), પ્રસૂતિગૃહ જેવા નવા નવા વિભાગો ઉમેરાતા ગયા. સમય જતાં જે સંકુલ ઊભું થયું તે શ્રી સયાજી જનરલ હૉસ્પિટલ તરીકે આજે પણ પ્રખ્યાત છે. ત્યાં પુરુષ અને સ્ત્રી પરિચારકો-પરિચારિકાઓ (નર્સો) તૈયાર કરવા તાલીમશાળા પણ સ્થપાઈ. જિલ્લા અને તાલુકાઓનાં નગરોમાં પ્રથમ વર્ગની હૉસ્પિટલો અને નાનાં ગામડાંઓમાં દવાખાનાની સગવડો આપવામાં આવી. પ્રજાનાં આરોગ્ય અને સુખાકારી માટે જાહેર બાગો, પાઇપ દ્વારા પાણી પુરવઠો અને ડ્રેનેજની સગવડો આપવામાં આવી. મકાનોની સુવ્યવસ્થિત બાંધણી માટે સુધરાઈ દ્વારા નિયમો બનાવાયા. સમગ્ર રાજ્ય માટે ‘સૅનિટરી કમિશનર’ની નિમણૂક કરવામાં આવી (1891) અને જાહેર આરોગ્યની જાળવણી માટે નિયમો તૈયાર કરાવ્યા (19૦1), જે નગરો અને ગામડાંઓને લાગુ કરવામાં આવ્યા.
સયાજીરાવ પોતે રમતગમતના શોખીન અને કસરતબાજ હતા. તેથી તેમણે રમતગમત અને વ્યાયામપ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું. વડોદરામાં પ્રો. માણેકરાવનું વ્યાયામમંદિર, આબાસાહેબ મજમુદારનો અખાડો, લક્ષ્મીનાથની વ્યાયામશાળા વગેરેને રાજ્ય તરફથી નાણાકીય સહાય અપાતી. સયાજીરાવે બૉય સ્કાઉટની પ્રવૃત્તિને પણ ઉત્તેજન આપ્યું.
આર્થિક : સયાજીરાવે આરંભથી જ રાજ્યના આર્થિક વિકાસમાં ભારે રસ લીધો. દેશમાં જ્યાં સુધી નેવું ટકાથી વધુ પ્રજા પોતાના નિર્વાહ માટે ખેતી પર જ આધાર રાખતી હોય ત્યાં સુધી આર્થિક–નાણાકીય સ્વતંત્રતાની આશા રાખી ન શકાય. તેથી પોતાના અધિકાર હેઠળ રાજ્યમાં ખેતીવિષયક અને ઔદ્યોગિક સ્થિતિ સુધારવા અને વિકસાવવા પ્રયાસો કરવા સંકલ્પ કર્યો (1886). ઔદ્યોગિક અને હુન્નરઉદ્યોગોનું શિક્ષણ વૈજ્ઞાનિક રીતે આપવા કલાભવન-(એન્જિનિયરિંગ કૉલેજ)ની સ્થાપના કરી (189૦). ઉદ્યોગો વગેરેને મૂડીધિરાણમાં મદદરૂપ બનવા ‘બૅન્ક ઑવ્ બરોડા’ની સ્થાપના કરી (19૦8). વેપાર અને ઉદ્યોગને વિકસાવવા અલગ ખાતાની રચના કરી. વિવિધ પ્રકારના ઔદ્યોગિક એકમો સ્થપાયા; તેમાં શ્રી સયાજી મિલ્સ, જગદીશ મિલ્સ, દિનેશ મિલ્સ, ઍલેમ્બિક કેમિકલ વર્ક્સ (19૦7), ધ તાતા કેમિકલ વર્ક્સ (1939), બરોડા ઇલેક્ટ્રિક વર્ક્સ વગેરેનો સમાવેશ થતો હતો. અઠવાડિક પત્ર ‘સયાજી વિજય’ માટે સયાજી વિજય પ્રિન્ટિંગ પ્રેસ પણ શરૂ થયું.
રાજ્યમાં 1899માં ભયંકર દુકાળ પડ્યો. સયાજીરાવે દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તાત્કાલિક રાહતકાર્યો કરાવ્યાં. આપત્તિના સમય માટે કાર્યો કરવા અલગ ખાતાની રચના કરી (19૦9) અને ખેતીવાડી ખાતાની અલગ રચના (1912) કરી. ખેતીમાં સુધારો કરવા, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા, શાહુકારોના દેવામાંથી ખેડૂતો–ગરીબોને છુટકારો અપાવવા ઘણાં ધારાવિષયક પગલાં લીધાં. ખેતીવાડીનું શિક્ષણ, બીજી વખતનું બિયારણ, ખેતીનાં સાધનો, ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડવા રાજ્યમાં ઠેકઠેકાણે પ્રદર્શનો યોજવાની નીતિનો અમલ કર્યો. ખેતીવાડી પ્રયોગો માટે ‘મૉડલ ફાર્મ’ પહેલાં વડોદરામાં અને પછી નવસારી, જગુદણ વગેરે સ્થળોએ સ્થાપ્યાં.
સયાજીરાવના સમયમાં રેલવે માર્ગોનો ફેલાવો વધ્યો. 1879માં સંખેડા–ડભોઈ–ચાંદોદ રેલવે શરૂ થઈ. 19૦8માં પ્રતાપનગરને વડું મથક રાખી સ્વતંત્ર રેલવે વિભાગ શરૂ થયો અને 1919માં રેલવે વર્કશૉપ પણ શરૂ કરવામાં આવી. રાજ્યની રેલવે ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે તરીકે ઓળખાઈ. રસ્તાઓનો વિકાસ મોટરકારના આગમન પછી વધુ થયો. રાજ્યનું એકમાત્ર દરિયાઈ બંદર ઓખા હતું.
સ્થાનિક સ્વરાજ્ય અને રાજ્ય ધારાસભા : સયાજીરાવ પ્રાચીન સમયની ગ્રામપંચાયતોનું સ્વરૂપ બને તેટલું ટકાવી રાખવાના મતના હતા. આથી તેમણે જ્યારે 1884માં જમીન-મહેસૂલ અંગે જમીન-માપણી કાર્ય શરૂ કરાવ્યું ત્યારે તેની સાથે સાથે ગ્રામપંચાયતોમાં ચૂંટણી-તત્વ દાખલ કરવાની શક્યતાની તપાસ પણ કરવાના સ્પષ્ટ હુકમો આપ્યા હતા. 19૦1માં ગ્રામપંચાયત ધારો મંજૂર કરી ગામડાંથી શહેર સુધી લોકપ્રતિનિધિત્વ ચૂંટણી દ્વારા આવે એવા હેતુથી ગામ, તાલુકો, જિલ્લા અને રાજ્ય ધારાસભા એવા સ્તરો નક્કી કર્યા. ગ્રામપંચાયતોની રચનાના નિયમો ઘડ્યા (19૦2). પછી સ્થાનિક સ્વરાજ ધારો મંજૂર કર્યો (19૦4). એ અનુસાર તાલુકા અને જિલ્લા બોર્ડના સભ્યોની ચૂંટણીઓ તથા એ સંસ્થાઓનાં પ્રજોપયોગી વિવિધ કાર્યો પણ નક્કી કરાયાં.
1877થી જ રાજ્યનાં ઘણાં તાલુકાનગરોમાં સરકારનિયુક્ત વહીવટદારો મારફતે સુધરાઈ વહીવટ ચલાવવામાં આવતો હતો. વડોદરા શહેર સુધરાઈની સ્થાપનાનો ધારો 1892માં મંજૂર કરાયો અને સુધરાઈને વિવિધ જવાબદારીઓ, ફરજો અને અધિકારો 19૦5માં સોંપવામાં આવ્યાં. એ જ વર્ષે કેટલાંક નગરોમાં સ્વરાજનું તત્વ દાખલ કરવા સુધરાઈ ધારો પસાર કર્યો. 192૦માં નવો ગ્રામપંચાયત ધારો પસાર કરી રાજ્યમાં સ્થાનિક સ્વરાજનું માળખું વ્યવસ્થિત કરાયું.
ધારાસભા : રાજ્યના વહીવટ માટે 1887થી દીવાનના પ્રમુખપદે રાજ્ય કારોબારી સમિતિની રચના સયાજીરાવે કરી હતી. તેમને લોકપ્રતિનિધિત્વવાળી ધારાસભાની રચના કરવાનો ખ્યાલ 19૦4માં ઉદભવ્યો હતો. અમુક પ્રક્રિયા બાદ તે અંગેનો ધારો 19૦8માં મંજૂર કરતાં 17 સભ્યોની રાજ્ય ધારાસભા અસ્તિત્વમાં આવી. સભ્યસંખ્યા ક્રમશ: વધવા પામી, જે સયાજીરાવના અવસાન સમયે 31ની થઈ હતી. ધારાસભાની કાર્યવાહી ગુજરાતીમાં થતી અને ધારાઓ, અધિનિયમો વગેરે ગુજરાતી (દેવનાગરી લિપિમાં) અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતા.
રાષ્ટ્રપ્રેમી અને પ્રજાપ્રેમી તરીકે ઉદાર રાજનીતિ ધરાવનાર સયાજીરાવે વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના નવસારીમાં થવા દીધી (1916) અને તેના દ્વારા રાજકીય તથા રાષ્ટ્રીય ભાવના સાથે સુસંગત હોય એવી પ્રજાજાગૃતિની પ્રવૃત્તિઓ અમુક મર્યાદામાં રહીને વિકસવા દીધી.
રાષ્ટ્રપ્રેમી અને દેશભક્ત તરીકે : પ્રખર સ્વદેશાભિમાની, માનવપ્રેમી અને દેશભક્ત એવા સયાજીરાવે 1885માં સ્થપાયેલી કૉંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિવાળું વલણ રાખ્યું. કૉંગ્રેસનાં અધિવેશનોના પ્રસંગે સામાજિક કે ઔદ્યોગિક સંમેલનોમાં ભાગ લેતી વખતે આપેલાં વ્યાખ્યાનો અને ભાષણોમાં સયાજીરાવની દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવના અભિવ્યક્ત થતાં હતાં. તેઓ દેશની આર્થિક સ્થિતિ, સ્વદેશભાવના, દેશપ્રેમ જેવી રાષ્ટ્રીય અને રાજકીય સમસ્યાઓ પર ખુલ્લી રીતે જાહેરમાં પોતાના વિચારો નીડરતાથી વ્યક્ત કરતા. હિંદુ–મુસ્લિમો વચ્ચે ભાઈચારો સ્થપાય અને તેઓ એક બની વિકાસ કરે તેવી ભાવના તેમણે વ્યક્ત કરેલી હતી (19૦3). સ્વદેશી ચળવળની મૂળ ભાવનાને આવકારી તેમણે દેશના ઉદ્યોગોને વિદેશી મૂડી અને વિદેશી ઉદ્યોગોના (ગર્ભિત રૂપે ઇંગ્લૅન્ડ) ગુલામીપણાનો અંત લાવી સાચી રાષ્ટ્રીય ભાવના દર્શાવવા અનુરોધ કર્યો હતો (19૦6). દેશમાં હાલમાં આપવામાં આવતું શિક્ષણ જોઈએ તેવું નથી અને તે કૃત્રિમ છે અને તે સાચા અર્થમાં સમાજ સુધી પહોંચતું નથી એવું વડોદરામાં વાઇસરૉય મિન્ટોના માનમાં યોજેલા સમારંભમાં સ્પષ્ટ કહ્યું હતું !
સયાજીરાવ મહાત્મા ગાંધીના સંપર્કમાં 19૦8થી હતા. ગાંધીજી તેમના પ્રવાસ દરમિયાન રાજ્યના પ્રદેશોમાંથી પસાર થાય ત્યારે તેમનું સ્વાગત કરવા અને સુવિધાઓ પૂરી પાડવા રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓને ગર્ભિત આદેશો અગાઉથી આપવામાં આવતા. સયાજીરાવ દેશમાં કૉંગ્રેસને કે વિદેશોમાં ભારત માટે કામ કરતા દેશપ્રેમીઓ – દાદાભાઈ નવરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર વગેરેને પરોક્ષ રીતે આર્થિક સહાય કરતા. લોકમાન્ય ટિળક સાથે તેમનો સંબંધ ઘનિષ્ઠ હતો.
સયાજીરાવ ભારતની શક્તિ અંગે ભારે આશાવાદી હતા. દેશપ્રેમી તરીકે તેમણે 1937માં લંડનમાં યોજાયેલી ધી ઇમ્પીરિયલ કૉન્ફરન્સમાં વાઇસરૉય લિનલિથગોના નિમંત્રણથી હાજરી આપેલી. ત્યાં તેમણે ભારતને બ્રિટિશ રાષ્ટ્રસમૂહમાં (કૉમનવેલ્થમાં) પૂર્ણ સ્વરૂપના સ્વાયત્ત દેશ તરીકે સ્થાન આપવા સ્પષ્ટ શબ્દોમાં અનુરોધ કરતાં જણાવ્યું હતું કે તેમ કરવાથી ભારત દેશને જે લાભ મળશે તે કરતાં તો રાષ્ટ્રસમૂહને વધુ આપવા ભારત સમર્થ છે.
રાજવીના હક, અધિકાર અને સત્તા વિશે સભાનતા : દેશનાં રાજ્યોના રાજાઓના હક, અધિકાર અને સત્તા વિશે સયાજીરાવ રાજ્યાધિકાર મળ્યા પછી સભાન બન્યા. 1887થી તે પોતાના વિચારો જાહેરમાં રજૂ કરતા રહ્યા. બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરા નિયુક્ત કરાતા અંગ્રેજ રેસિડેન્ટોની રાજ્યમાં થતી વારંવાર દખલગીરીનો વિરોધ તે કરતા અને પોતાની નાપસંદગી અંગે તેઓ મુંબઈ તથા દિલ્હીમાં અંગ્રેજ સત્તાવાળાઓને પત્રો લખતા. વિશ્વાસુ એવા મિત્રો કે અંતરંગની વ્યક્તિઓ સમક્ષ વાતચીત કરીને તેઓ લાગણીઓ વ્યક્ત કરતા. હિંદના રાજામહારાજાઓ વિદેશોમાં જાય ત્યારે તે અંગેનો વિગતવાર કાર્યક્રમ અગાઉથી મોકલાવીને પાળવાનાં સૂચનો દર્શાવતો પરિપત્ર વાઇસરૉય કર્ઝને મોકલાવ્યો હતો (19૦૦) તેનો સયાજીરાવે સખત વિરોધ કર્યો હતો.
બ્રિટિશ સરકારના ઉચ્ચ પદાધિકારીઓ સયાજીરાવને પ્રગતિશીલ અને સુધારક રાજા તરીકે, પ્રજોપયોગી કલ્યાણકારી સુધારા કરનાર રાજા તરીકે, દેશવિદેશમાં પ્રતિષ્ઠા મેળવનાર સ્વતંત્ર રાજકીય વિચારસરણી ધરાવનાર હિંમતવાન, નીડર રાજા તરીકે ઓળખતા અને તેમના પ્રત્યે શંકા અને વહેમ તથા અણગમાથી જોતા. બ્રિટિશ સરકાર જે સુધારા પોતાના તાબા હેઠળના પ્રાંતો–પ્રદેશોમાં ન કરી શકતી તેવા સુધારા સયાજીરાવે પોતાના રાજ્ય માટે કરી બતાવ્યા.
19૦5થી 1913નો સમય રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, બ્રિટિશ સરકાર વિરોધી લાગણીઓ પ્રદર્શિત કરવાનો ક્રાંતિકારી સમય હતો. વડોદરા રાજ્યમાં બ્રિટિશ સરકારવિરોધી પ્રવૃત્તિઓ ડામી દેવા અંગે સયાજીરાવ પર વાઇસરૉય મિન્ટોએ લખેલા પત્રનો કડક ઉત્તર આપતાં તેમણે જણાવેલું કે રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવાની પોતાની જવાબદારીથી તેઓ સંપૂર્ણપણે વાકેફ છે અને અરાજકતા કે દેશદ્રોહી સ્થિતિ પ્રવર્તશે ત્યારે અંગ્રેજ સત્તાવાળાઓ સાથે મસલતો કરવા તૈયાર રહેશે. આવા જવાબથી બ્રિટિશ સરકારી વર્તુળોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા અને સયાજીરાવની પ્રામાણિકતા વિશે શંકા-કુશંકાઓ વ્યક્ત કરાઈ હતી. સયાજીરાવના આવા કડક વલણનો બદલો સરકારી વર્તુળોએ તેમની ભારે માનહાનિ કરીને લીધો. ઇંગ્લૅન્ડના રાજા જ્યૉર્જ પાંચમાની તાજપોશીના માનમાં દિલ્હીમાં યોજાયેલા (જૂન 22, 1911) શાહી દરબારમાં રાજા જ્યૉર્જ અને રાણી મેરી પ્રત્યે અભિવાદન કર્યા બાદ પાછાં પગલે જવાને બદલે પૂંઠ ફેરવી જવાનો ‘કહેવાતો’ અવિવેક અને કરેલા ઉદ્ધત વર્તનના આક્ષેપો મૂકી તેને મોટું સ્વરૂપ આપ્યું અને સયાજીરાવની બદનામી દેશમાં જ નહિ પણ ઇંગ્લૅન્ડમાં થાય એવા પ્રયાસો થયા. બ્રિટિશ વર્તુળો સયાજીરાવને પોતાના હકોની જાળવણી માટે આગ્રહ રાખનાર અને લડત ચલાવનાર રાજા તરીકે ઓળખતા. ખૂબ પ્રયાસો છતાં સયાજીરાવ વિરુદ્ધ કોઈ સંગીન પુરાવો અંગ્રેજ સત્તાવાળાઓ મેળવી શક્યા ન હતા.
સયાજીરાવે દેશી રાજ્યોને સ્વાયત્તતાવાળું શાસન આપવા માટેની માગણી વારંવાર ઉચ્ચારી હતી. તેમણે ભારતમાં કાઉન્સિલ ઑવ્ પ્રિન્સિઝની રચના કરવાનો ખ્યાલ 19૦7માં રજૂ કર્યો હતો. દેશના બધા રાજવીઓ તરફથી અને વતી સયાજીરાવે ચેમ્બર ઑવ્ પ્રિન્સિઝની ઘડાયેલી યોજના બ્રિટિશ સરકાર સમક્ષ રજૂ કરી હતી (1917). હિંદનાં રાજ્યોને સંપૂર્ણ સ્વાયત્તતા આપવા અને રાજ્યો તથા કેન્દ્રની બ્રિટિશ સરકાર વચ્ચેના વિવાદોનો નિકાલ લાવવા ‘સ્વતંત્ર લવાદી ન્યાયાલય’ (ટ્રિબ્યૂનલ) સ્થાપવા માગણી કરી હતી (1926).
મૂલ્યાંકન : સયાજીરાવ વિચક્ષણ બુદ્ધિથી સામી વ્યક્તિઓના ગુણ પારખી લેવાની અદભુત શક્તિ ધરાવતા હતા. તેજસ્વી અને બુદ્ધિશાળી વ્યક્તિઓને ઓળખી લઈ તેમની શક્તિઓનો ઉપયોગ રાજ્ય માટે કરવા તત્પર રહેતા. તેમને રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ આપીને કે વધુ ઉચ્ચ કેળવણી માટે આર્થિક સહાય આપતા. તેનાં નોંધપાત્ર ર્દષ્ટાંતોમાં યુ.એસ.માં વધુ ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. ભીમરાવ આંબેડકર, શાસ્ત્રીય સંગીત માટે ખ્યાતનામ ઉસ્તાદ ફૈયાઝખાન, પુસ્તકાલય પ્રવૃત્તિ માટે મોતીભાઈ અમીન, વ્યાયામપ્રવૃત્તિ માટે પ્રો. માણેકરાવ વગેરેને આપેલી નાણાકીય સહાય ઉલ્લેખપાત્ર છે. વડોદરા રાજ્યની વહીવટી અને અન્ય સેવાઓમાં ફાળો આપનાર તજજ્ઞોમાં દાદાભાઈ નવરોજી, રોમેશચંદ્ર દત્ત, અરવિંદ ઘોષ અને વી. ટી. કૃષ્ણામાચારી હતા. પ્રજાની જ્ઞાનપિપાસા વધારવા વ્યાખ્યાનો આપવા નિમંત્રેલા ઘણા પ્રખ્યાત વિદ્વાનોમાં ડૉ. એસ. રાધાકૃષ્ણન્ પણ હતા.
સયાજીરાવનું લગભગ 64 વર્ષનું શાસન ચાર મહત્વપૂર્ણ ઉજવણી પ્રસંગોથી ઉજ્જ્વલ બન્યું. આ સમય દરમિયાન રજતજયંતી મહોત્સવ (19૦6), સુવર્ણજયંતી મહોત્સવ (1926), 71મો જન્મદિવસ (17 માર્ચ 1933) અને શાસનનાં 6૦ વર્ષ પૂરાં થતાં ઊજવાયેલો હીરક (મણિ) મહોત્સવ (ડાયમન્ડ જ્યુબિલી) ભારે ભભકાપૂર્વક ઊજવાયા.
સયાજીરાવે દેશવિદેશમાં અનેકવિધ સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, સાહિત્યિક, સંગીત, કલા ઇત્યાદિ સંસ્થાઓમાં પ્રમુખપદેથી આપેલાં મનનીય વ્યાખ્યાનો અને ભાષણોમાં તેમના તલસ્પર્શી વિચારો અભિવ્યક્ત થતા રહેતા. તેમણે તેમની જીવન-કારકિર્દીનું છેલ્લું વ્યાખ્યાન લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશન સમક્ષ આપ્યું, જેમાં બ્રિટિશ સરકારને ગર્ભિત રીતે ટોણો મારતા હોય તેમ કહેલું કે ‘હાલમાં’ હિંદની સરકાર જે રીતે કામ કરી રહી છે, તેના કરતાં જો તક આપવામાં આવે તો ભારતીય સરકાર વધુ સારી રીતે વહીવટ ચલાવી શકે તેમ છે (11 ઑગસ્ટ 1938). ઇંગ્લૅન્ડના આ છેલ્લા પ્રવાસ પછી મુંબઈ આવ્યા (ઑક્ટોબર 31). તેમની નાદુરસ્ત તબિયત વધુ બગડતાં ત્યાં જ તેમનું અવસાન થયું (6 ફેબ્રુઆરી 1939). બીજા દિવસે પૌત્ર યુવરાજ પ્રતાપસિંહરાવ ઉત્તરાધિકારી તરીકે ગાદીએ બેઠા.
સયાજીરાવની ગણના રાજાઓમાં દેશભક્ત અને દેશભક્તોમાં રાજા તરીકે થતી. સૂક્ષ્મ વિવેકી, કર્તવ્યપરાયણ, ઉમદા મહાન વિચારક અને સુધારક, કુશળ રાજનીતિજ્ઞ અને ઉત્તમ શાસક, પ્રજાપ્રિય, સમદર્શી અને પ્રજાકલ્યાણપ્રેમી એવા સયાજીરાવે વડોદરા રાજ્યને સમકાલીન રાજ્યોમાં નમૂનેદાર આધુનિક રાજ્ય બનાવવામાં પોતે યુગદ્રષ્ટા અને યુગસ્રષ્ટા હતા તેની પ્રતીતિ સર્વને કરાવી આપી.
પ્રતાપસિંહરાવ (1939–1949) : સયાજીરાવની હયાતીમાં જ જ્યેષ્ઠ પુત્ર ફતેહસિંહરાવનું અવસાન 19૦8(સપ્ટેમ્બર 14)માં થયું હતું. તેથી તેમના ગાદી હકદાર પુત્ર પ્રતાપસિંહરાવ (જ. 29 જૂન 19૦8) પિતામહ સયાજીરાવ પછી ગાદીએ આવ્યા (7 ફેબ્રુઆરી 1939). રાજ્યશાસનનો અનુભવ યુવરાજ પ્રતાપસિંહરાવને મળે તે માટે સયાજીરાવે તેમને રાજ્યના વહીવટી તંત્ર સાથે પહેલેથી સંલગ્ન કર્યા હતા.
ગાદીએ બેઠા પછી પ્રતાપસિંહરાવે આરંભમાં સારો વહીવટ કર્યો. જમીન-મહેસૂલમાં ઘટાડો જાહેર કરી પ્રજાચાહના મેળવી. રાજ્ય ધારાસભાના સભ્યોની સંખ્યા વધારી 6૦ની કરી. પિતામહની યાદમાં રૂપિયા એક કરોડનું ભંડોળ એકત્ર કરી પોતાના તરફથી બીજા રૂપિયા એક કરોડ ઉમેરી રૂપિયા બે કરોડનું ટ્રસ્ટ રચ્યું. સમય જતાં સલાહકારોની ગેરદોરવણી હેઠળ સયાજીરાવના સમયથી ચાલુ રહેલી લોકકલ્યાણની પ્રવૃત્તિઓ અટકી ગઈ.
બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારને યુદ્ધપ્રયાસોમાં ભારે સક્રિય મદદ કરી. 1942ની હિંદ છોડો ચળવળમાં રાજ્યમાં પ્રજામંડળે ભાગ લીધો હતો. જોકે યુદ્ધ દરમિયાન પ્રજામંડળની પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ હતી. રાજ્યના લગ્નવિષયક કાયદાનો ભંગ કરી, પ્રતાપસિંહરાવે મહારાણી શાંતાદેવી હયાત હોવા છતાં બીજાં લગ્ન 1944માં સીતાદેવી સાથે કર્યાં. તેને પરિણામે રાજ્યનાં અઢળક નાણાંનો દુર્વ્યય થયો હતો. મહારાજાના વર્તનથી પ્રજામાં તીવ્ર અસંતોષ વ્યાપ્યો હતો.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ પ્રતાપસિંહરાવે ચૂંટાયેલા સભ્યોની બહુમતીવાળી ધારાસભાની રચના કરવા મંજૂરી આપતાં, 1946માં રાજ્યમાં થયેલી ચૂંટણીઓમાં પ્રજામંડળે બહુમતી બેઠકો કબજે કરી. પ્રજામંડળના દબાણના કારણે મહારાજાએ જવાબદાર તંત્ર આપવાની માગણી સ્વીકારી. ભારતને સ્વતંત્રતા મળતાં પહેલાં દેશનાં રાજ્યોને, ભારત કે પાકિસ્તાન એવા બે ઘટકોમાંથી એકમાં જોડાઈ જવા સમજાવવા માટે બોલાવવામાં આવેલી (25 જુલાઈ 1947) ચેમ્બર ઑવ્ પ્રિન્સિઝની પરિષદ બાદ વડોદરા રાજ્યને ભારત સંઘ સાથે જોડાઈ જવાના કરાર પર 15મી ઑગસ્ટ પહેલાં સહી કરનાર પ્રતાપસિંહરાવ પહેલા હતા. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે પોતાના રાજ્યને જોડાયેલું જાહેર કરતાં પ્રતાપસિંહરાવે પોતાનું વલણ બદલી ગુજરાત–સૌરાષ્ટ્રમાં વડોદરા રાજ્યની સર્વોપરિ સત્તા અને સ્થાન જળવાઈ રહે એવી યોજના સરદાર પટેલ સમક્ષ પત્ર દ્વારા રજૂ કરી (2 સપ્ટેમ્બર 1947), પણ સરદાર પટેલે તે સામે મક્કમ વલણ લઈ પ્રતાપસિંહરાવને તેમની આવી પ્રવૃત્તિથી માઠાં પરિણામ આવવાની સ્પષ્ટ કડક ચેતવણી આપી.
દરમિયાન વડોદરામાં પ્રજામંડળના પ્રમુખ દરબાર ગોપાળદાસ અને બીજા ધારાસભાના પ્રતિનિધિઓએ એકત્ર થઈ પ્રતિનિધિસભાનું બંધારણ ઘડ્યું. તે અનુસાર પ્રધાનમંડળની રચના કરાઈ (એપ્રિલ 1948). મહારાજાએ પ્રધાનમંડળના આવા વર્તાવ બદલ સરદાર પટેલ સમક્ષ દુ:ખ વ્યક્ત કર્યું. સરદાર પટેલના પ્રત્યુત્તર બાદ ડૉ. જીવરાજ મહેતા પહેલા મુખ્ય પ્રધાન નિમાયા, પણ બીજાં નામ નક્કી કર્યા વગર પ્રતાપસિંહરાવ યુરોપ જતા રહ્યા. આથી ડૉ. જીવરાજ મહેતાએ રાજ્ય ધારાસભા બોલાવી મહારાજામાં પ્રજાનો અવિશ્વાસ છે એવો ઠરાવ પસાર કરાવી તેમને પદભ્રષ્ટ કરવા અને રાજ્યની તિજોરીમાંથી ઉચાપત થયેલા સાડાત્રણ કરોડ રૂપિયાની તપાસ કરવા ભારત સરકારને અનુરોધ કર્યો. આની જાણ થતાં પ્રતાપસિંહરાવ ભારત પાછા આવ્યા અને સરદાર પટેલને મળીને વડોદરામાં સંપૂર્ણ વહીવટ પ્રજાને સોંપી દેવાની તત્પરતા બતાવી, પણ મતભેદો તીવ્ર હતા. છેવટે રિયાસતી ખાતાના સચિવ વી. પી. મેનનના પ્રયાસોથી પ્રતાપસિંહરાવે વડોદરા રાજ્યનું જોડાણ કરવાનો નિર્ણય જાહેર કર્યો (31 જાન્યુઆરી 1949). જોડાણ કરાર પર સહી કરી (21 માર્ચ 1949). આ પછી મુંબઈ પ્રાંતની સરકારે રાજ્યનો વહીવટ સંભાળ્યો (1 મે 1949).
જોડાણ કરાર અનુસાર પ્રતાપસિંહરાવને ‘હિઝ હાઇનેસ, ધ મહારાજા’નું પદ અગાઉની જેમ ચાલુ રાખવા તથા અંગત હકો, વિશેષાધિકારો, માનમરતબા અને અન્ય પદોનો ઉપયોગ કરવાની છૂટ અપાઈ અને વાર્ષિક રૂ. 26,5૦,૦૦૦ (તમામ કરવેરા મુક્ત) સાલિયાણા તરીકે તેમને જ આપવાનું નક્કી કરાયું. વારસદારનો તેમાં સમાવેશ થતો ન હતો. કાયદા અને પ્રણાલી અનુસાર રાજગાદી માટેના ઉત્તરાધિકારી માટે (હિઝ હાઇનેસ, ધી મહારાજા) તરીકે અપાતા અંગત હકો, વિશેષાધિકારો, માનમરતબા અને પદો જાળવી રાખવાની બાંયધરી આપી. તે મુજબ પ્રતાપસિંહરાવને 1951માં સ્થાનભ્રષ્ટ કર્યા પછી ભારત સરકારે તેમના પુત્ર ફતેહસિંહરાવને અનુગામી તરીકે આ બધું વાપરવાની છૂટ આપી હતી.
પ્રતાપસિંહરાવ ગાયકવાડે જોડાણ કરાર પર સહી કરી આપ્યા પછી એ જોડાણને પડકાર ફેંકી અલગ રાજ્યમંડળ રચવા જેવી ખંડનાત્મક પ્રવૃત્તિઓ સંઘ સરકાર સામે કરતાં અને તેમની વધી રહેલી અપ્રિયતાના કારણે છેવટે ભારત સરકારને તેમને ‘મહારાજા ગાયકવાડ’ તરીકે અમાન્ય કરવાની ફરજ પડી (1951). ત્યાર બાદ તેમના પુત્ર ફતેહસિંહરાવનો અનુગામી વારસ તરીકે સ્વીકાર કરી જોડાણ કરાર મુજબ હકો–અધિકારો આપ્યા.
પ્રતાપસિંહરાવ ગાયકવાડના શાસન સમયમાં 1939–48ના ગાળામાં રાજ્યમાં નવાં કારખાનાં સ્થપાયાં. રાજ્યનો ઔદ્યોગિક વિકાસ વધ્યો. પિતામહ સયાજીરાવના નામે ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડા’ અસ્તિત્વમાં આવી (3૦ એપ્રિલ 1949). કાયદાની રૂએ તેઓ તેના પ્રથમ કુલાધિપતિ (ચાન્સેલર) બન્યા. વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્ય સાથે જોડાણ – વિલીનીકરણ થતાં રાજ્યના ચાર પ્રાંતો પૈકી અમરેલી, વડોદરા અને મહેસાણા એવા ત્રણ જિલ્લા રચાયા અને નવસારીપેટલાદને નજીકના જિલ્લાઓમાં જોડી દેવાયા.
મહારાજા તરીકે અમાન્ય બનેલા પ્રતાપસિંહરાવે તેમનું શેષ જીવન મોટે ભાગે ઇંગ્લૅન્ડમાં વિતાવ્યું.
ફતેહસિંહરાવ (1951–1988) : પિતાની હયાતીમાં જ વડોદરાના ‘મહારાજા’ તરીકે પદ પામેલા ફતેહસિંહરાવ(જ. 2 એપ્રિલ, 193૦)ની સમગ્ર કારકિર્દી રાજકારણ અને રમતગમતના શોખીન તરીકે યશસ્વી રહી. ભારતના તે સમયના વડાપ્રધાન પંડિત નેહરુના નિમંત્રણથી ફતેહસિંહરાવે કૉંગ્રેસ પક્ષે રહી માત્ર 26 વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો (1956). તેઓ વડોદરા વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા (1957) અને સંરક્ષણ ખાતાના સંસદીય મંત્રી તરીકે કેન્દ્રીય પ્રધાનમંડળમાં જોડાયા. એ જગ્યા પર તેઓ 1962 સુધી રહ્યા. એ વર્ષે થયેલી સંસદની ચૂંટણીમાં તેઓ ફરી ચૂંટાયા પણ પ્રધાનમંડળમાં કોઈ હોદ્દો ન સ્વીકાર્યો. તેમણે ગુજરાત રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો અને હિતેન્દ્ર દેસાઈના પ્રધાનમંડળમાં 1967માં આરોગ્યપ્રધાન તરીકે જોડાયા અને 1971માં રાજીનામું આપ્યું.
ગુજરાતમાં નવનિર્માણ આંદોલન બાદ 1975માં થયેલી ચૂંટણીમાં વડોદરા ગ્રામવિસ્તારમાંથી કૉંગ્રેસ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા પણ તેઓ હારી ગયા. બે વર્ષ બાદ થયેલી લોકસભાની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે વડોદરામાંથી જ ભારે સફળતાથી ચૂંટાઈ આવ્યા. ત્રણ વર્ષ બાદ તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી (198૦) અને પછીના સમયમાં તેમણે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાની કોઈ ચૂંટણીમાં ભાગ લીધો નહિ. રાજકારણમાં રહ્યા ત્યાં સુધીમાં તેમની ગણના સામાન્ય ચૂંટણીઓ બાબતમાં ‘કિંગ-મેકર’ તરીકે થતી હતી. એમ છતાં તેઓ રોજબરોજના રાજકારણથી અલિપ્ત રહેતા. લોકસભાની બેઠક તેમના ભાઈ રણજિતસિંહ ગાયકવાડને આપી હતી.
રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ ફતેહસિંહરાવે પોતાનું સમગ્ર ધ્યાન કૌટુંબિક અને ધંધાકીય બાબતો અને વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ જેમાં તેઓ સભ્ય હતા, તેની પ્રવૃત્તિઓમાં કેન્દ્રિત કર્યું. તેઓ કાયદાની રૂએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના કુલાધિપતિ (ચાન્સેલર) બન્યા (1951) અને 1988 સુધી એ પદે રહ્યા. તેમણે 1956માં સ્થાપેલ બરોડા રેયૉન્સ(વેરાવળ)ના ચૅરમૅન તરીકે છેવટ સુધી રહ્યા. આ ઉપરાંત તેઓ ઘણી જાહેર અને ખાનગી કંપનીઓમાં ચૅરમૅન તરીકે રહ્યા.
પોતે શિકારી અને પર્યાવરણના હિમાયતી તરીકે વન્ય પ્રાણીઓ અને પંખીની નષ્ટ થતી જતી જાતિઓના અસ્તિત્વ અને ભવિષ્ય માટે ખૂબ ચિંતિત હતા. નેધરલૅન્ડ્ઝના પ્રિન્સ બર્નાર્ડના નિમંત્રણથી તેઓ છ વર્ષ માટે ‘વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ’ના આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટી તરીકે રહ્યા. તેમણે 1969માં ભારતમાં ‘વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ’ માટે ‘ઇન્ડિયન નૅશનલ અપીલ’ સંસ્થાની સ્થાપના કરી. તેના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે તેઓ અંત સુધી રહ્યા. ફતેહસિંહરાવ ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સભ્ય તરીકે રહ્યા; જેમાં લંડનની ‘ફૉના પ્રિઝર્વેશન સોસાયટી’, ‘ઝૂઓલૉજિકલ સોસાયટી’, ‘રૉયલ સોસાયટી ફૉર ધ પ્રોટેક્શન ઑવ્ બર્ડ્ઝ’ના ફેલો તરીકે તથા ‘ઇન્ડિયન બોર્ડ ઑવ્ વાઇલ્ડ લાઇફ’ વગેરેનો સમાવેશ થાય છે.
સુવિખ્યાત રમતવીર–રમતપ્રેમી તરીકે ફતેહસિંહરાવે ક્રિકેટ અને ટેનિસ રમતક્ષેત્રોમાં અગ્રિમતા મેળવી. 1963થી 1966 સુધી તેઓ ભારતની બોર્ડ ઑવ્ કન્ટ્રોલ ફૉર ક્રિકેટના ચૅરમૅન તરીકે રહ્યા. ભારતની ક્રિકેટ ટુકડીના મૅનેજર તરીકે 1978માં પાકિસ્તાન ગયા. ત્યાં મૅનેજર તરીકે પ્રશંસનીય કામગીરી કરી; એટલું જ નહિ, પણ ત્યાંનાં સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં ખૂબ આદરસત્કાર પામી બંને દેશો વચ્ચેના સંબંધો ર્દઢ બનાવવામાં ફાળો આપ્યો.
ફતેહસિંહરાવ પોતાના અવસાન સમયે એકસાથે થોડાં પુસ્તકોની લેખન કામગીરીમાં વ્યસ્ત હતા. તેમાં ‘રિલિજિયસ શ્રાઇન્સ ઑવ્ ઇન્ડિયા’, ‘સ્ટેટસ ઑવ્ વિમેન ઓવર ધ એજિસ’ તથા ખાનપાનકલાનો સમાવેશ થાય છે. તેઓ પિતામહ સયાજીરાવ ત્રીજા ગાયકવાડનું જીવનચરિત્ર લખી રહ્યા હતા તે તેમના અવસાન પછી પ્રગટ થયું હતું.
ફતેહસિંહરાવનું વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વ રમતગમત, શિક્ષણ, રાજકારણ, વન્યસૃષ્ટિ અને અનેક સમાજસેવાઓ દ્વારા પ્રગટ થતું હતું. તેઓ કાર્યક્ષમ વહીવટદાર અને પ્રતિભાશાળી મોહક વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. છેલ્લા સમયમાં તેમણે મુંબઈ અને વધુ લંડનમાં નિવાસ કર્યો. છતાં વડોદરા રાજ્યની ઉપેક્ષા કરી ન હતી. તેમનું અવસાન મુંબઈમાં 1988(1 સપ્ટેમ્બર)માં થયું.
રમેશકાન્ત ગો. પરીખ