ગાભમારાની ઇયળ : છોડમાં દાખલ થઈ ગર્ભ કોરી ખાઈને ખેતીપાકમાં નુકસાન કરતી ઇયળની કેટલીક જાતો. ગાભમારાની ઇયળ જુદા જુદા નામથી ઓળખાય છે. આ ઇયળોની અસર હેઠળ ગાભમારો પેદા થાય છે.

(1) એમેલોપ્સેરા ડિપ્રેસેલ્લા : રોમપક્ષ (lepidoptera) શ્રેણીના પાયરેલીડી કુળની આ જીવાતનો ઉપદ્રવ દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા વિસ્તારમાં જોવા મળે છે. ફૂદાં આછા બદામી રંગનાં અને તેની અંદરની પાંખો સફેદ રંગની હોય છે. ઇયળ લાંબી, પીળાશ પડતા સફેદ રંગની અને બદામી માથાવાળી હોય છે. આ કીટક મૂળવેધકના નામે ઓળખાય છે; પરંતુ ખરેખર જમીનની અંદર રહેલા શેરડીના સાંઠાને નુકસાન કરે છે. આ કીટકથી કુમળા છોડને વધુ નુકસાન થાય છે. ઇયળ જમીનમાં રહેલા સાંઠાને નુકસાન કરે છે. ઇયળ સાંઠાને પ્રથમ બંગડી આકારે કોરે છે અને પછી સાંઠાના મૂળ તરફ કોરે છે; પરિણામે શેરડીની ટોચ સુકાઈ જાય છે અને તે સહેલાઈથી ખેંચાઈ આવતી નથી. ઘણી વખત વલયમેખલાની આસપાસનાં પાન પણ સુકાઈ જાય છે. ઉપદ્રવ અટકાવવા પાકની કાપણી પછી ઊંડી ખેડ કરી જડિયાં વીણી લઈ બાળી નાખવાથી તથા શેરડીની કાપણી વખતે સાંઠા જમીનમાંથી કાપવાથી ઇયળનો નાશ થાય છે. પિરાઈવેધક અને ટોચવેધક માટે લેવામાં આવતા ઉપાયો આ કીટકને પણ કાબૂમાં લે છે.

(2) કાયલોઝોનેલસ : આડી લીટીવાળી ઇયળ તરીકે ઓળખાતી આ જીવાતનો રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થયેલ છે. તેનો ઉપદ્રવ જુવાર, મકાઈ, બાજરી, શેરડી, બાવટો, ડાંગર, સુદાન ઘાસ તથા બીજાં ઘાસમાં પણ જોવા મળે છે. માદા ફૂદી છોડનાં પાન ઉપર બદામી રંગનાં લગભગ 3૦૦ જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંનું 2થી 5 દિવસમાં સેવન થતાં નીકળેલી ઇયળો થોડો સમય પાન પર જીવે છે. ત્યાર બાદ છોડના સાંઠા અને પાન વચ્ચેના ચક્રભાગમાંથી કૂંપળમાં દાખલ થાય છે. તે જ રીતે વચલી ડૂંખમાં કૂંપળનાં કુમળાં પાનમાં કાણાં પાડીને દાખલ થાય છે. બહાર આવતાં પાનમાં સરખા અંતરે સીધી લીટીમાં કાણાં પડેલાં જોવા મળે છે. આવી ઇયળ સાંઠાના અંદરના ભાગને કોરી ખાય છે, જેના પરિણામે ડૂંખ સુકાઈ જાય છે. આ ઇયળો સફેદ મેલા રંગની અને શરીર ઉપર કાળાં ટપકાંવાળી હોય છે. તે સાંઠામાં જ રહે છે. આવી ઇયળો પુખ્ત બનતાં 12થી 18 મિમી. લાંબી, તપખીરિયાથી કાળાશ પડતા રંગની અને આડી લીટીવાળી દેખાય છે. આ અવસ્થા આબોહવા પ્રમાણે 28થી 5૦ દિવસ અને શિયાળામાં 193 દિવસ સુધી લંબાય છે. ઇયળ થડના ગાભમારામાં જ કોશેટા બનાવે છે. કોશેટા અવસ્થા 12થી 15 દિવસમાં પૂર્ણ થતાં પુખ્ત ફૂદું બહાર આવે છે, જે આછા પીળાશ પડતા રંગનું હોય છે. તેની આગળની પાંખો ઝાંખા પીળાશ પડતા રાખોડી રંગની અને પાછળની પાંખો સફેદ હોય છે. આ ફૂદાં ફક્ત 2થી 4 દિવસ જીવે છે. આમ 5થી 6 અઠવાડિયાંમાં તે એક જીવનચક્ર પૂરું કરે છે અને એક વર્ષમાં લગભગ 4 પેઢી જોવા મળે છે. ઇયળ છોડનાં જડિયાંમાં ભરાઈ રહેતી હોવાથી, આ પ્રકારનું નુકસાન અટકાવવા માટે પાક લીધા પછી તે ખોદીને બાળી દેવાં. ઢોર માટે જે કડબ રાખવામાં આવે છે તેનો કાપીને સંગ્રહ કરવો. મોનોકોટોફૉસ ૦.૦4 % અથવા ડાયક્લૉરોવૉસ ૦.૦5 %નું પ્રવાહી મિશ્રણ પાક ઊગ્યા બાદ 25 દિવસે છોડ બરાબર ભીંજાય અને ખાસ કરીને પ્રવાહી મિશ્રણ કૂંપળમાં ઊતરે તે પ્રમાણે માવજત કરવાથી આ જીવાતને કાબૂમાં લઈ શકાય છે. જરૂર જણાય તો આ જ દવાની માવજત ફરીથી 2૦ દિવસ બાદ આપવી.

(3) કાયલોટિયા ઇન્ક્યુસકેટેલસ : રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળની આ જીવાત શેરડી ઉપરાંત બાજરી, મકાઈ અને અન્ય બાર જાતની વનસ્પતિ ઉપર થતી નોંધાઈ છે. શેરડીની પિરાઈવેધક તરીકે ઓળખાતી આ જીવાતની ઘાસ જેવા રંગની ફૂદીની પશ્ચપાંખો સફેદ રંગની હોય છે. માદા કીટક પીળાશ પડતાં સફેદ રંગનાં ભીંગડાં જેવાં ઈંડાં પાનની નીચેની બાજુએ સમૂહમાં મૂકે છે, ઈંડામાંથી 3થી 5 દિવસમાં ઇયળ નીકળે છે. આ ઇયળો પર્ણવલયમાં થઈને છોડના થડમાં દાખલ થાય છે અને નીચેની તરફ કોરે છે. નાના છોડના થડનો ગર્ભ ખવાઈ જવાથી વલયમેખલા સુકાઈ જાય છે, જેને ગાભમારો કહે છે. આવા ગાભમારાનો અંદરનો ભાગ કોહવાઈ જાય છે તેથી સહેલાઈથી ખેંચાઈ આવે છે અને દુર્ગંધ મારે છે. રોપણી પછીનાં 4થી 5 અઠવાડિયાં સુધીમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ રહેતો હોવાથી તેને ડૂંખવેધક પણ કહેવામાં આવે છે. રોપણી પછી એકાદ માસમાં ઉપદ્રવ વધુ હોય તો ખાલા પડી જાય છે. શેરડીની પાછલી અવસ્થામાં નુકસાન હોય તો શેરડીની પિરાઈ અનેક જગ્યાએથી ખવાઈ ગયેલી જોવા મળે છે અને તેથી ઘણી વાર ઉપદ્રવિત છોડની આંતરગાંઠોમાંથી પીલા ફૂટેલા જોવા મળે છે. ઇયળ અવસ્થા એક માસની હોય છે. આવી પૂર્ણવિકસિત ઇયળ ઝાંખા સફેદ રંગની અને શરીર પર જાંબુડિયા રંગની પટી ધરાવતી હોય છે. તેની લંબાઈ 2૦થી 25 મિમી. જેટલી હોય છે. ત્યાર બાદ તે કોશેટા અવસ્થા પ્રાપ્ત કરે છે; પરંતુ તે પહેલાં જમીન નજીક સાંઠામાં એક કાણું પાડે છે જે રેશમી તાંતણાના પડથી ઢાંકી રાખેલું હોય છે. કોશેટા અવસ્થા એક અઠવાડિયાની હોય છે. આ અવસ્થા પૂરી થતાં તેમાંથી ફૂદું અગાઉ પાડી રાખેલા કાણા મારફતે બહાર નીકળે છે. વર્ષમાં લગભગ આઠ પેઢી થાય છે. ઉપદ્રવ વધતો અટકાવવા માટે ઉપદ્રવવાળા તમામ પીલાને ઇયળ સહિત ઉપાડી નાશ કરવો. ટોચ-વેધકના નિયંત્રણ માટે જણાવ્યા મુજબ રોપણી વખતે કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા આપવાથી સારું નિયંત્રણ થઈ શકે છે, અથવા બી.એચ.સી. 1૦ %ની ભૂકી હેક્ટરે 2૦–25 કિગ્રા. પ્રમાણે શેરડીની રોપણી વખતે ચાસમાં અને બીજી વાર શેરડીમાં પાળા ચડાવતી વખતે આપવી, અથવા શેરડીમાં રોપણી કરતાં પહેલાં બી.એચ.સી. 5૦ % વે.પા., લિન્ડેન ક્લૉરડેન કે હેપ્ટાક્લૉર પૈકી કોઈ પણ એક દવા હેક્ટરે 2 કિગ્રા. સક્રિય તત્વના પ્રમાણમાં આપવાથી ફાયદો થાય છે.

(4) ટ્રાયપોરાયઝા ઇન્સર્ટુલાસ : આ જીવાતનો ડાંગરના પાકમાં ખાસ ઉપદ્રવ જોવા મળે છે. તેમ છતાં ચીઢો, ધરો અને કોદરા ઉપર પણ નભી શકે છે. તેનો સમાવેશ રોમપક્ષ શ્રેણીમાં પાયરેલીડી કુળમાં થયેલો છે. ઇયળો આછા પીળાશ પડતા સફેદ રંગની અને સુંવાળી હોય છે. ઇયળનું માથું નારંગી રંગનું હોય છે. પુખ્ત ફૂદું રંગે સૂકા ઘાસ જેવું હોય છે અને આગળની પાંખ પર પીળાશ પડતું અને કાળું ટપકું હોય છે. આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયામાંથી શરૂ થાય છે. માદા કીટક પાનની ટોચો ઉપર સમૂહમાં ઈંડાં મૂકે છે અને તેને પોતાના શરીર પરનાં વાળ જેવાં ભીંગડાંથી ઢાંકી દે છે. ઈંડાંનું એકાદ અઠવાડિયામાં સેવન થતાં નીકળેલી નાની ઇયળો એકાદ-બે દિવસ છોડના કુમળા ભાગો ખાય છે. ત્યાર બાદ થડ ઉપર ઝીણું કાણું પાડી થડમાં દાખલ થઈ થડમાંથી અંદરનો ગર્ભ ખાય છે. પરિણામે છોડનો વચ્ચેનો પીલો સુકાઈ જતાં ગાભમારો પેદા થાય છે. આવા સુકાઈ ગયેલા પીલા ખેંચતાં સહેલાઈથી ખેંચાઈ આવે છે. આવા છોડની કંટીમાં દાણા ભરાતા નથી. આ ઇયળ અવસ્થા 4થી 5 અઠવાડિયાંમાં પૂર્ણ થતાં તે સાંઠામાં જ કોશેટો બનાવે છે. સાંઠામાં કોશેટો બનાવતાં પહેલાં ભવિષ્યમાં નીકળનાર ફૂદી માટે દાંડીમાં કાણું પાડી રાખે છે અને ત્યાર બાદ પારદર્શક રેશમી અસ્તરમાં કોશેટો બનાવે છે. કોશેટો અવસ્થા 8થી 1૦ દિવસની હોય છે. પાકની કાપણી બાદ ખેતરમાં રહેલ પાકનાં જડિયાંમાં બીજા વરસાદ સુધી ઇયળ અને પછી કોશેટા અવસ્થામાં રહી જૂનની શરૂઆતમાં નીકળતાં ફૂદાંમાંથી માદા ફૂદીઓ ઈંડાં મૂકતાં બીજી નવી પેઢી શરૂ થાય છે. નિયંત્રણ માટે પ્રકાશપિંજરનો ઉપયોગ કરવો. માદા ફૂદી પાનની ટોચ ઉપર ઈંડાં મૂકતી હોવાથી પાકની ફેર-રોપણી પહેલાં ટોચનાં પાન કાપીને ધરુની રોપણી કરવી. ધરુને રોપતાં પહેલાં ક્લૉરપાયરીફૉસ ૦.૦4 % દવાની માવજત આપવી. આ માટે ધરુને દ્રાવણમાં 3 કલાક ડુબાડીને રાખવું. ડાંગરના ધરુવાડિયામાં કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા 1 કિગ્રા. 1૦૦ ચોમી. વિસ્તારદીઠ આપવી. આ જીવાતના કોશેટા ડાંગરનાં જડિયાંમાં થતા હોવાથી પાકની કાપણી બાદ જડિયાં ભેગાં કરી બાળી નાખવાં તેમજ ઉનાળામાં ખેતરને બરાબર ઊંડી ખેડ કરી ખેડી નાખવું. ડાંગરની રોપણી વહેલી કરવાથી પણ આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. આઇ.આર.-8, ટી.કે.એમ.-6, આઇ.ઈ.ટી.-6218 જેવી પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. આ જીવાતનું નિયંત્રણ કરનાર જૈવિક પરજીવીઓનું રક્ષણ કરવું તેમજ તેમનો વધારે સારી રીતે ઉપયોગ કરવો. જેમ કે ટાયકોગ્રામા જાત ઈંડાંનું નિયંત્રણ કરે છે, જ્યારે આઇસોરિમા જેવેનસિસ આ જીવાતની ઇયળોનું નિયંત્રણ કરી શકે છે. ખેતરમાં જ્યારે 1૦ %થી વધારે ગાભમારાની સંખ્યા જોવા મળે અથવા 1 ચોમી. વિસ્તારમાં એક ઈંડાનો સમૂહ જોવા મળે કે તુરત જ ક્વિનાલફૉસ ૦.૦5 % અથવા ક્લૉરપાયરીફૉસ ૦.૦4 % અથવા ફેનિટ્રોથીઓન ૦.૦5 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો.

(5) નોરિમોશ્ચિમા હેલિઓપા : તમાકુની ગાંઠિયા ઇયળ તરીકે ઓળખાતી આ જીવાતનો રોમપક્ષ શ્રેણીના ગેલેચીડી કુળમાં સમાવેશ થયેલો છે. તમાકુની ખેતીના બધા જ વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે અને આશરે 2 % જેટલા છોડને નુકસાન થતું હોય છે. આનું ફૂદું નાનું, ભૂખરા રંગનું અને ચપળ હોય છે. ઇયળ ભૂખરા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. તે પુખ્ત બનતાં 12થી 13 મિમી. લંબાઈની બને છે. માદા સરેરાશ 1૦8 ઈંડાં મૂકે છે. ઈંડાં નળાકાર, બંને બાજુથી બુઠ્ઠાં, સરેરાશ ૦.5 મિમી. લાંબાં અને ૦.3 મિમી. પહોળાં હોય છે.

તમાકુના પાનની ઉપર અથવા નીચેની સપાટીએ ઈંડાં મુકાતાં હોય છે. તેનું 3થી 1૦ દિવસમાં સેવન થતાં નીકળેલ ઇયળ પાનના પડમાં પેસી જઈ, નજીકની નસ પાસે પહોંચતાં તેમાં દાખલ થઈ, મુખ્ય નસ મારફત થડમાં દાખલ થઈ જમીન નજીક ગાંઠ બનાવે છે. ઇયળ ગાંઠમાં રહી અંદરનો ગર્ભ ખાઈ જાય છે જેથી છોડની વૃદ્ધિ અટકી પડે છે તેમજ નવાં પાન ખૂબ જ નાનાં ફૂટે છે. ઘણી વખત પાનની મુખ્ય નસમાં પણ ગાંઠ બનાવે છે. મોટા છોડમાં રાડિયાની છાલમાં તથા પીલામાં પણ ઉપદ્રવ થાય છે. આ ઇયળ-અવસ્થા 15થી 26 દિવસમાં પૂર્ણ થતાં તેણે બનાવેલ ગાંઠમાં જ કોશેટા-અવસ્થા ધારણ કરે છે. કોશેટામાં જતાં પહેલાં ગાંઠની દીવાલમાં ઇયળ કાણું પાડે છે; પરંતુ તેને પૂરેપૂરું ખુલ્લું ન કરતાં ઉપર પાતળું આવરણ રાખે છે. કોશેટા-અવસ્થા 6થી 8 દિવસમાં પૂરી થતાં તેમાંથી નીકળતી ફૂદી ગાંઠનું આવરણ તોડી બહાર આવે છે જે 2થી 14 દિવસ સુધી જીવે છે. આમ આખું જીવનચક્ર 4થી 5 અઠવાડિયાંમાં પૂરું થતું હોય છે. બીડી તમાકુ કરતાં કૉલકાતી તમાકુમાં આ ઇયળનું નુકસાન વિશેષ પ્રમાણમાં થતું હોય છે. ઉપદ્રવ વધતો અટકાવવા તમાકુની કાપણી બાદ ઉનાળામાં તેનાં જડિયાં ખોદી કાઢી તેનો નાશ કરવો. ગાંઠ વગરના તંદુરસ્ત ધરુની રોપણી કરવી. આ ઇયળનો ઉપદ્રવ ધરુવાડિયામાંથી થતો હોવાથી ત્યાંથી જ નિયંત્રણ કરવું જરૂરી છે. આ માટે ક્વિનાલફૉસ ૦.૦5 %નું પ્રવાહી મિશ્રણ ધરુવાડિયામાં ધરુ ઊગ્યા પછી 15 દિવસ બાદ 1૦ દિવસના અંતરે બે વખત અને ખેતરમાં તમાકુ રોપ્યા બાદ 1૦ દિવસે અને ત્યાર બાદ 1૦ દિવસના ગાળે જરૂરિયાત પ્રમાણે 2થી 3 છંટકાવ કરવા. તમાકુના પાકમાંથી પીલા નિયમિત કાઢવા અને ખેતરમાં રહેવા દેવાને બદલે તેનો નાશ કરવો.

(6) સ્કિરપોફેગા નિવેલા : શેરડીની ટોચવેધક તરીકે ઓળખાતી આ જીવાત જુવારમાં પણ નુકસાન કરે છે. તેનો રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થયેલો છે. આ જીવાત સામાન્ય રીતે શેરડીના સાંઠાના ઉપરના ભાગમાં જોવા મળે છે. તેના પુખ્ત નર અને માદા કીટકો સફેદ રંગના હોય છે; પરંતુ માદા કીટકના ઉદરપ્રદેશના છેડે નારંગી રંગના વાળનું ઝૂમખું હોય છે. પૂર્ણવિકસિત ઇયળ ઝાંખા પીળાશ પડતા સફેદ રંગની અને 25થી 4૦ મિમી. જેટલી લાંબી હોય છે. ઇયળ ટોચના ભાગમાં નુકસાન કરતી હોવાથી ટોચવેધકને નામે ઓળખાય છે. માદા કીટક 35થી 4૦ જેટલાં ઈંડાં પાનની નીચે 5થી 8ના સમૂહમાં મૂકે છે અને તેને નારંગી રંગના વાળથી ઢાંકી દે છે. ઈંડા-અવસ્થા 6થી 7 દિવસમાં પૂરી થયા બાદ નીકળતી ઇયળ થોડો સમય પાંદડાં ઉપર જીવે છે અને કુમળા પાનની મધ્ય નસમાં દાખલ થઈ નીચેની બાજુએ કોરે છે, તેથી પાનની મધ્ય નસ ખવાયેલી દેખાય છે. મધ્ય નસમાંથી ઇયળ વલયમેખલામાં દાખલ થાય છે, તેથી પાન પર સમાંતર કાણાં જોવા મળે છે. વલયમેખલા ખવાઈ જતાં તે સુકાઈ જાય છે, જેને ગાભમારો કહે છે. આ અવસ્થા 3થી 6 અઠવાડિયાંમાં પૂરી થતાં પૂર્ણવિકસિત ઇયળ સાંઠામાં કોશેટો બનાવતાં પહેલાં પુખ્ત કીટકને બહાર આવવા માટે સાંઠામાં કાણું પાડી રાખે છે, તેમાંથી તે બહાર આવે છે. કોશેટા-અવસ્થા 7થી 1૦ દિવસ રહી ફૂદું નીકળે છે, જે બેથી ચાર દિવસમાં ઈંડાં મૂકે છે. શેરડીના પાકની જુદી જુદી અવસ્થા પ્રમાણે નુકસાનનો પ્રકાર જુદો જુદો જોવા મળે છે : (1) આંતરગાંઠો બંધાતાં પહેલાં ઉપદ્રવ હોય તો મધ્યનું પાન સુકાઈ જઈ ગાભમારો બને છે. (2) આંતરગાંઠો બંધાવાની શરૂઆત થઈ હોય અથવા થોડી આંતરગાંઠો બંધાઈ હોય તેવી શેરડીમાં ઉપદ્રવ થાય, તો ટોચનો ઉપરનો ભાગ સુકાઈ જાય છે અને નવી બંધાયેલ આંતરગાંઠો નાશ પામે છે. (3) આઠ-દસ માસની શેરડીમાં ઉપદ્રવ થયો હોય, તો સાંઠાની વધ અટકી જાય છે અને નીચેની આંતરગાંઠોમાંથી અસંખ્ય પીલા ફૂટી નીકળે છે. તેનો દેખાવ સાવરણી જેવો હોય છે તેથી તેને શેરડીના કુંજડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કીટકનો ઉપદ્રવ વધતો અટકાવવા માટે ઈંડાંના સમૂહનો નાશ કરવો જોઈએ. ઉપદ્રવ પામેલ ટોચને ઇયળ સહિત તોડી લઈ તેનો નાશ કરવો જોઈએ. કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા હેક્ટરે 1.૦૦ કિગ્રા. સક્રિય તત્વરૂપે શેરડીની રોપણી વખતે, રોપણી બાદ એક મહિને તથા છ મહિને એમ ત્રણ વખત જમીનમાં આપવાથી ફાયદો થાય છે અથવા કાર્બોરિલ 5૦ % વે.પા. 4૦ ગ્રામ કે એન્ડોસલ્ફાન 35 ઈસી 21 મિલી.નું 1૦ લિટર પાણીમાં મિશ્રણ કરી જ્યારે ઇયળો ઈંડાંમાંથી બહાર આવે તે વખતે છાંટવાથી અસરકારક પરિણામ મેળવી શકાય છે.

(7) સિસેમિયા ઇન્ફરેન્સ : ગુલાબી ઇયળ તરીકે પણ ઓળખાતી આ જીવાતનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના નોક્ટ્યુઇડી કુળમાં કરવામાં આવેલ છે. તે જુવાર, મકાઈ, ઘઉં અને શેરડી જેવા પાકમાં નુકસાન કરતી નોંધાયેલ છે. માદા ફૂદું છોડના સાંઠા પાસે પાન ઉપર 4૦૦ જેટલાં સફેદ રંગનાં ઈંડાં હારબંધ મૂકે છે. ઈંડાંમાંથી નીકળેલી નાની ઇયળો થડમાં દાખલ થાય છે. તેથી વચલી દાંડી સુકાઈ જઈ ગાભમારો પેદા કરે છે. આ ઇયળ લાલાશ પડતી ગુલાબી, કાળાં ટપકાંવાળી, સુંવાળી, કાળાશ પડતા કથ્થાઈ રંગના માથાવાળી અને લગભગ 25 મિમી. જેટલી લાંબી હોય છે. ઇયળ-અવસ્થા આબોહવા પ્રમાણે 3૦થી 56 દિવસ સાંઠામાં જ પસાર કરી થડમાં કોશેટા બનાવે છે. પુખ્ત ફૂદું નાનું અને પરાળ જેવા પીળા રંગનું હોય છે. આગળની પાંખોની કિનારી કાળી હોય છે. પાછળની પાંખ સફેદ હોય છે. જીવનચક્ર 45થી 75 દિવસમાં પૂરું થતું હોય છે. એક વર્ષમાં 4થી 5 પેઢી જોવા મળે છે. આ ઉપદ્રવને અટકાવવા માટે મૉનોક્રોટોફૉસ ૦.૦4 % અથવા એન્ડોસલ્ફાન ૦.૦7 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. ઘઉંની જાત જે.યુ. 69, લોક-1 તથા રાજ-1577 પ્રતિકારક જાત હોવાથી જે વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય ત્યાં આ જાતોની વાવણી હિતાવહ છે.

(8) સ્ફિનોપ્ટેરા પેરોટેટી : આ કીટકનો ઉપદ્રવ કોઈ કોઈ વાર મગફળી ઉગાડતા પ્રદેશમાં થાય છે. મગફળી ઉપરાંત તે તલ, તુવેર, અગથી અને કૅસિયામાં પણ નુકસાન કરતા હોવાનું નોંધાયેલું છે. આ કીટક ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના બુપ્રેસ્ટિડી કુળનો છે. માદા કીટક ચપટાં નાનાં ઈંડાં મગફળીના વેલા ઉપર મૂકે છે. તેમાંથી નીકળતો મેઢ વેલામાં દાખલ થઈ ખાતો ખાતો થડ તરફ જાય છે. થડ નજીક પહોંચે છે ત્યારે મૂળ ખાવાનું શરૂ કરે છે. પુખ્ત મેઢ 36થી 38 મિમી. લાંબો, સફેદ રંગનો અને ચપટા માથાવાળો હોય છે. કોશેટા દૂધિયા-સફેદ રંગના હોય છે, જેની અવસ્થા લગભગ 1૦ દિવસની હોય છે. તેમાંથી તૈયાર થતા પુખ્ત કીટક ભૂરા રંગના ચળકતા હોય છે. તેનો નાશ કરવા માટે ઉપદ્રવ લાગેલા છોડ મેઢ સાથે ઉપાડી બાળી દેવા.

પી. એ. ભાલાણી

પરબતભાઈ ખી. બોરડ