ગામઠી શાળા : ગામઠી રીત પ્રમાણે શિક્ષણ આપતી શાળા. ‘ગામઠી’ શબ્દનો અર્થ દેશી કારીગરીનું, ગામને લગતું કે ગામ સંબંધી થાય. ગામઠી શાળા એટલે ધૂળી શાળા કે ધૂડી શાળા. પાટલા ઉપર ધૂળ નાખીને ભણાવાતું હોય તેવી શાળા. જ્યારે પથ્થરપાટી કે પેન જેવાં સાધનો વપરાશમાં ન હતાં ત્યારે સમતલ સપાટી ઉપર ઝીણી રજ ચાળીને આંગળી વડે તેના ઉપર અક્ષરો લખવાની રીત વ્યવહારમાં હતી. આથી સાવ નિરક્ષર માણસ પોતે ‘પાટલી ઉપર ધૂળ નાખી નથી’ એમ કહેતો.

અંગ્રેજો આવ્યા તે પહેલાં અને અન્ય વિદેશી આક્રમણો થયાં ત્યાર પછીના અંધકારયુગમાં પણ લોકો પોતાનાં બાળકોને ખાનગી, સ્વૈચ્છિક ધોરણે, રાજ્યની માન્યતા કે ટેકા વગર ચાલતી, મહેતાજીની શાળામાં ભણવા મોકલતા. તેમાં માતૃભાષાનું લેખન, વાચન તથા આંકના ઘડિયા અને વ્યવહારુ ગણિત મુખ્ય વિષયો ગણાતા. મહેતાજીઓ પોતાના જ ઘેર કે કોઈ જાહેર સ્થળના આશ્રયે જે લોકો સ્વેચ્છાએ ભણવા મોકલે તેમનાં સંતાનોને ભણાવતા. લખવાનું કામ પ્રમાણમાં ઓછું અને ગોખાવવાનું, બોલવા-બોલાવવાનું કામ વધારે ચાલતું. ગણિતમાં પાડા કે ઘડિયા, લેખાં, ઉખાણાં, મુખપાઠથી તથા વડાનિશાળિયાની મદદથી ર્દઢ કરાવવામાં આવતાં. આંકના પાડામાં અગિયારા, એકવીસા, એકત્રીસા અને અપૂર્ણાંકમાં પાયા, અડધા, પોણા, સવાયા, દોઢા અને ઊઠાં (સાડાત્રણ) ભણાવાતાં. આનાથી ગુણાકાર ભાગાકારની પ્રક્રિયામાં ઘણી ઝડપ આવતી.

ગુજરાતમાં ઈ. સ. 47૦થી 789ના મૈત્રકકાળમાં ગામઠી શાળાઓ પણ રાજ્યના પ્રોત્સાહનને લીધે સારી ચાલતી. તે સમયની શાળાઓમાં વાચન, લેખન, ગણિત, નીતિશાસ્ત્ર તથા પંચતંત્ર જેવા વિષયો શીખવાતા એવું ચીની મુસાફર હ્યુ-એન-સાંગે નોંધેલું. પરંતુ ત્યારબાદ ગામઠી શાળાઓ લોકોના ફાળાથી પોતાની તાકાત ઉપર જ ચાલુ રહી શકી.

1882-­83ના હંટર કમિશન નામે ઓળખાતા શિક્ષણ પંચે એવી ભલામણો કરી કે જેથી સ્વૈચ્છિક ધોરણે ચાલતી ગામઠી શાળાઓને બંધ થવું પડ્યું અથવા સરકારી તંત્રના નિયંત્રણમાં પરવશતા સ્વીકારવી પડી. ગામઠી શાળાઓની ઉપેક્ષા કરીને થોડીક નવી ઢબની પાશ્ચાત્ય ઝોકવાળી પ્રાથમિક શાળાઓ અંગ્રેજી વહીવટી તંત્રના દબાવ નીચે રહે તેવી શરૂ કરી. બિનસરકારી શાળાઓને પણ પરિણામોના ધોરણે મદદ આપવાની શરૂઆત કરી. થોડીક ગામઠી શાળાઓને સરકારી નેજા નીચે વિલીન કરીને અને બાકીની શાળાઓને સ્પર્ધાના વાતાવરણમાં બંધ થવા માટે મજબૂર કરી. ગ્રાંટ લેતી શાળાઓને અંગ્રેજી ચશ્માંવાળું નિરીક્ષણ લાગુ પાડીને ભારતીય તત્વોવાળી શાળાઓને પાશ્ચાત્ય ઢાંચામાં ઢળવાનું આવશ્યક બનાવાયું.

માન્યતા, મદદ અને પ્રશિક્ષણની સાથે સાથે જ નિરીક્ષણ અને પરિણામ-આધારિત સહાયના અમલથી દેશી ગામઠી શાળાઓનો વિસ્તાર અને વિકાસ કુંઠિત થયો. ઓગણીસમી સદીના અંત સુધીમાં તેવી શાળાઓનું અસ્તિત્વ પણ નહિવત્ બની રહ્યું. લાંબે ગાળે મૅકૉલેની ધારણા સાચી પડી, જે આજે પણ ભૂંસી શકાઈ નથી. ગામઠી શાળાઓની ઇતિહાસગાથાઓના સંદર્ભમાં સ્વાવલંબી બુનિયાદી શાળાઓની ઝુંબેશ રાષ્ટ્રીય પુનર્નિર્માણના પ્રથમ પગલા તરીકે ગણી શકાય.

રિખવભાઈ શાહ