ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, પોરબંદર

January, 2010

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, પોરબંદર : પોરબંદરમાં શ્રીનાથજીની હવેલી પાછળ આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મૂળ મકાન નજીક આવેલું સ્મારક મ્યુઝિયમ. આઝાદી પછી તે ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયું છે. કીર્તિમંદિર તરીકે તે જાણીતું છે. આ પ્રકારના સંગ્રહ સ્મારક મ્યુઝિયમમાં આ સ્થળ સર્વાંશે શ્રેષ્ઠ અને સમસ્ત માનવજાતિ માટે પ્રેરણારૂપ છે. વિશ્વભરના યાત્રાળુઓ આ સ્થળની મુલાકાત લે છે. ગાંધીજીના પ્રપિતામહ શ્રી હરજીવન ગાંધીએ ઈ.સ. 1777માં આ ઘર વેચાતું લીધું હતું. તળમાંથી લગભગ 123.50 ચોમી. ઉપર બંધાયેલું આ મકાન બાહ્ય તળની પરથાળ ઉપર બે મજલે આવેલું છે. અને આખું મકાન 22 ખંડોમાં વહેંચાયેલું છે. દ્વારશાખ આદિની કાષ્ઠકલા આકર્ષક અને સુંદર છે. આ સ્મારકને કીર્તિમંદિરમાં ફેરવવાની ભાવના મહારાણા નટવરસિંહજી તથા શેઠ શ્રી નાનજી કાળિદાસને આભારી છે. તેમણે ચારેક લાખ રૂપિયા તેના નિર્માણખર્ચમાં આપેલા છે. કીર્તિમંદિરની શિલારોપણ વિધિ 1948માં થઈ. બે વર્ષમાં આ સ્મારક તૈયાર પણ થઈ ગયું અને 1950માં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે તેનું ઉદઘાટન થયું. આ ઇમારતની કલાકારીગરી અને સ્થાપત્યકલામાં સર્વધર્મસમભાવ રજૂ થાય છે. હિંદુ, બૌદ્ધ અને જૈન મંદિરો તેમજ ખ્રિસ્તીઓનાં દેવળ, પારસીઓની અગિયારી અને મુસ્લિમોની મસ્જિદની રચનાકલાને સુંદર રીતે આ ઇમારતમાં સાંકળી લેવામાં આવી છે. વિશાળ તૈલચિત્રો સાથે ગાંધીજીના મુખ્ય મુખ્ય જીવનપ્રસંગોની તારીખવાર નોંધ રાખવામાં આવી છે. જુદા જુદા સ્તંભો ઉપર ગાંધીજીને પ્રિય એવા શ્લોકો, સુભાષિતો અને બોલેલાં અને લખેલાં સુવાક્યો છે જે તેમના જીવન અને કાર્યનું અદભુત દર્શન કરાવે છે.

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ

આ ઉપરાંત, આ સ્થળની પાસે ગાંધીપરિવારનું મૂળ ઘર આવેલું છે, જે એક બહુ જ સાંકડી ગલીમાં છે. તે પણ સ્મારક મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

જ. મૂ. નાણાવટી