ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy) : ગર્ભાશય(uterus)ને શસ્ત્રક્રિયા વડે દૂર કરવું તે. તે સ્ત્રીરોગની આધુનિક સારવારપદ્ધતિમાં મહત્વની શસ્ત્રક્રિયા ગણાય છે. સ્ત્રીઓનાં જનનાંગો પરની મહત્વની શસ્ત્રક્રિયાઓમાંની 60 %થી 70 % શસ્ત્રક્રિયામાં ગર્ભાશય-ઉચ્છેદન હોય છે.

પ્રકારો (આકૃતિ 1) : (1) ગર્ભાશય-ગ્રીવા (cervix) વગર ગર્ભાશય કાઢી નાખવામાં આવે તો તેને અપૂર્ણ (subtotal) ગર્ભાશય-ઉચ્છેદન કહે છે. (2) જ્યારે ગર્ભાશય-ગ્રીવા સહિત ગર્ભાશય દૂર કરવામાં આવે ત્યારે તેને પૂર્ણ (total) ગર્ભાશય-ઉચ્છેદન કહે છે. (3) ગર્ભાશય-ગ્રીવા, ગર્ભાશય, અંડનલિકાઓ (fallopian tubes) અને બંને અંડપિંડો(ovaries)ને દૂર કરવામાં આવે ત્યારે તેને બૃહદ્ ગર્ભાશય-ઉચ્છેદન (panhysterectomy) કહે છે. (4) જ્યારે ગર્ભાશય તેનાં ઉપાંગો (adnexa) તથા તેની લસિકાગ્રંથિઓ(lymphnodes)ને એકસામટાં દૂર કરાય ત્યારે તેને નિ:શેષ (radical) ગર્ભાશય-ઉચ્છેદન કહે છે. સામાન્ય રીતે કૅન્સરના રોગમાં નિ:શેષ શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

ઉપયોગસૂચનો (indications) : વિવિધ પ્રકારના રોગો અને વિકારોમાં ગર્ભાશય-ઉચ્છેદન જરૂરી બને છે. મુખ્યત્વે તેના બે ભાગ પાડી શકાય – (અ) જનનાંગોના રોગો અને (આ) સગર્ભાવસ્થાના વિકારો. તેમને સારણી 1માં દર્શાવ્યા છે.

ગર્ભાશયઉચ્છેદનના માર્ગો : ગર્ભાશય-ઉચ્છેદન 3 માર્ગે થઈ શકે છે : (1) ઉદરીય (abdominal), (2) યોનિમાર્ગી (vaginal) અને (3) ઉદર-નિરીક્ષા (laparoscopy) દ્વારા. પેટ પર કાપો મૂકીને ગર્ભાશય દૂર કરવાની ક્રિયાને ઉદરીય ગર્ભાશય-ઉચ્છેદન (abdominal hysterectomy) કહે છે. પેટ પર કાપો મૂક્યા વગર યોનિમાર્ગે ગર્ભાશય દૂર કરી શકાય છે અને તેને યોનિમાર્ગી ગર્ભાશય-ઉચ્છેદન કહે છે. સાધન વડે પેટની દીવાલમાં છિદ્ર પાડીને પેટના પોલાણમાં જોવાની પ્રક્રિયાને ઉદર-નિરીક્ષા કહે છે. તેના વડે વિશિષ્ટ સાધનોની મદદથી ગર્ભાશય દૂર કરી શકાય છે. તેને ઉદર-નિરીક્ષાકીય ગર્ભાશય-ઉચ્છેદન (laparoscopic hysterectomy) કહે છે. આ પદ્ધતિમાં ઉદર-દર્શક (laparoscope) અને અન્ય સાધનોની મદદથી ગર્ભાશયને છૂટું પડાય છે અને યોનિમાર્ગે તે દૂર કરાય છે. તેને કારણે શસ્ત્રક્રિયા પછી ઓછી તકલીફ રહે છે અને દર્દીને વહેલા ઘેર મોકલી શકાય છે.

શસ્ત્રક્રિયા : પૂર્વતૈયારી રૂપે શારીરિક તપાસ કરાય છે, લોહીના કોષોનું સંખ્યા-ગણન તથા હીમોગ્લોબિનનું પ્રમાણ નક્કી કરાય છે અને ફેફસાં કે મૂત્રમાર્ગમાં ચેપ હોય તો તેને કાબૂમાં લેવામાં આવે છે. મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, પાંડુતા (anaemia) વગેરે વિકારોની સારવાર કરાય છે. ત્યારબાદ શસ્ત્રક્રિયા કરાય છે.

ઉદરીય ગર્ભાશયઉચ્છેદન (abdominal hysterectomy) : સામાન્ય રીતે શરીરના તે ભાગને બહેરો કરવા માટે કરોડરજ્જુલક્ષી અથવા મેરુદંડી નિશ્ચેતના (spinal anaesthesia) અથવા ર્દઢતાનિકાકીય નિશ્ચેતના (epidural anaesthesia) અપાય છે. તે માટે કમરમાં ઇન્જેક્શન અપાય છે. ક્યારેક દર્દીને બેહોશ કરાય છે. ફક્ત સ્થાનિક નિશ્ચેતના(local anaesthesia)નો ઉપયોગ જવલ્લે જ કરાય છે. દર્દીને ચત્તી સુવાડીને તેના માથાવાળો ભાગ સહેજ નીચો રખાય છે. તેના મૂત્રાશયમાં નિવેશનળી (catheter) મૂકવામાં આવે છે. ત્યારબાદ પેટ પર ઊભો અથવા આડો કાપ મુકાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગર્ભાશયને તેનાં જોડાણોથી છૂટું પાડવામાં આવે છે, તે માટે ક્રમશ: ઉપરથી નીચે તરફ તેને ર્દઢ-પકડ(clamp)થી પકડવામાં આવે છે. તેનાં જોડાણોને કાપવામાં આવે છે અને કપાયેલી નસોને તથા રજ્જુબંધોને કૅટગટ (catgut) વડે બાંધવામાં આવે છે. આંતરડાં, મૂત્રાશય તથા મૂત્રનળીને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગર્ભાશય કાઢી નાખ્યા પછી યોનિને સાંધવામાં આવે છે. પેટ પર કાપો મૂકીને શસ્ત્રક્રિયા કરવી સહેલી છે, ગર્ભાશયનાં ઉપાંગોમાં રોગ હોય તે જાણી શકાય છે અને યોગ્ય સારવાર આપી શકાય છે અને ગમે તે કદનું ગર્ભાશય કાઢી શકાય છે. આ ત્રણે પાસાં ઉદરમાર્ગી ગર્ભાશય-ઉચ્છેદનમાં લાભરૂપ છે.

આકૃતિ 1 : ગર્ભાશય-ઉચ્છેદન(hysterectomy)ની વિવિધ પદ્ધતિઓ : (અ) અપૂર્ણ (subtotal) ઉચ્છેદન, (આ) પૂર્ણ ઉચ્છેદન, (ઇ) બૃહદ્ ગર્ભાશય-ઉચ્છેદન. (1) ગર્ભાશય, (2) અંડનલિકા, (3) અંડપિંડ, (4) અંડપિંડરજ્જુબંધ (ligament), (5) બહુવિસ્તારી (broad) રજ્જુબંધ, (6) મૂત્રપિંડનળી, (7) ગર્ભાશય-ત્રિકાસ્થિ (uterosacral) રજ્જુબંધ, (8) ગર્ભાશય-ગ્રીવા(cervix)નું મુખ, (9) યોનિ (vagina), (10) ગર્ભાશય-ગ્રીવા (cervix), (11) ગર્ભાશયનું પોલાણ, (12) નિલંબનકારી (suspensory) રજ્જુબંધ. નોંધ : તૂટક રેખા છેદસ્થાન દર્શાવે છે.

યોનિમાર્ગી ગર્ભાશયઉચ્છેદન (vaginal hysterectomy) : વિસ્તાર (regional) નિશ્ચેતના વડે તે ભાગને બહેરો કર્યા પછી કે સર્વાંગી નિશ્ચેતના (general anaesthesia) આપીને દર્દીને બેહોશ કર્યા પછી યોનિમાર્ગે ગર્ભાશયને કાપીને દૂર કરાય છે. તે માટે સૌપ્રથમ યોનિમાં કાપ મુકાય છે અને ત્યારબાદ ઉદરમાર્ગી શસ્ત્રક્રિયા કરતાં બરાબર ઊંધા ક્રમમાં (ક્રમશ: નીચેથી ઉપર તરફ) ર્દઢ-પકડ, છેદન (cutting) અને બંધન(ligating)ની પ્રક્રિયા કરાય છે અને આમ ગર્ભાશયને તેનાં જોડાણોથી છૂટું પડાય છે. સૌથી છેલ્લે પરિતનકલા (peritonium) અને યોનિને સાંધવામાં આવે છે. આ પદ્ધતિના પણ કેટલાક લાભ છે, જેમકે પોટ પર કોઈ ઘાનું ચિહન રહેતું નથી, શસ્ત્રક્રિયા પછી દુખાવો કે અન્ય માંદગીનું પ્રમાણ ઓછું રહે છે, રૂઝ ઝડપથી આવે છે તથા જો જનનમાર્ગનો કોઈ ભાગ નીચે ઊતરી ગયો હોય (prolapse) તો તેની સારવાર પણ કરી શકાય છે; પરંતુ તેના વડે મોટા કદનું ગર્ભાશય દૂર કરી શકાતું નથી. વળી ગર્ભાશયનાં ઉપાંગોમાં રોગ હોય કે તે આસપાસ ચોંટી ગયું હોય તો પણ દૂર કરવું મુશ્કેલ પડે છે.

સારણી 1 : ગર્ભાશયઉચ્છેદનની શસ્ત્રક્રિયાની ઉપયોગિતા

(અ)   જનનાંગોના રોગો
1. ઔષધીય સારવાર છતાં કાબૂમાં ન આવે એવું ગર્ભાશયમાંથી અનિયમિત રીતે અને દુષ્ક્રિયાજન્ય (dysfunctional) લોહીનું

પડવું (ગર્ભાશયી દુષ્ક્રિયાજન્ય રુધિરસ્રાવ, dysfunctional uterine bleeding)

 2. ગ્રંથિ-સ્નાયુતા (adenomyosis) અથવા અંત:કલાવિસ્થાન (endometriosis interna)
 3. ગર્ભાશયમાં ફાઇબ્રૉઇડ(તંતુસમાર્બુદ)ની ગાંઠ
 4. ગર્ભાશય અને યોનિ(vagina)નું નીચે તરફ ખસવું (ભ્રંશ, prolapse)
 5. ગર્ભાશય-ગ્રીવાના અધિચ્છદ(epithelium)માં કૅન્સર
 6. ગર્ભાશયની અંદરની દીવાલનું અતિવિક્સન
 7. ગર્ભાશય-કલાવિસ્થાન (endometriosis)
 8. ગર્ભાશયનું કૅન્સર
 9. અંડપિંડનું કૅન્સર
10. ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર
11. ગર્ભાશયનું માંસાર્બુદ અથવા યમાર્બુદ (sarcoma)
12. અંડનલિકા-અંડપિંડી ગાંઠ (tubo-ovarian mass)
13. ગર્ભાવરણીય કૅન્સર(choreocarcinoma)ના કેટલાક દર્દીઓ
(આ)  સગર્ભાવસ્થાના વિકારો :
1. પ્રસૂતિ પછી ગર્ભાશયના સ્નાયુની અસજ્જતાજન્ય (atonic) શિથિલતાને કારણે વધુ પ્રમાણમાં લોહીનું પડવું (atonic post-partum haemorrhage)
 2. ગર્ભાશયમાં કાણું પડવું
 3. ગર્ભપાત સમયે ગર્ભાશયમાં અનેક અથવા મોટાં છિદ્રો પડવાં
 4. સૂતિકાકાળ(puerperal)નો તીવ્ર સપૂય ચેપ (sepsis)
 5. ગર્ભપાત પછીનો તીવ્ર સપૂય ચેપ
 6. ઓરની ગર્ભાશય સાથે ચોંટવાની કે તેની દીવાલમાં પ્રવેશવાની

વિકૃતિઓ : ચોંટેલી ઓર (placenta accreta), અંત:પ્રવેશિત ઓર (placenta incerta) અને પૂર્ણપ્રવેશિત ઓર (placenta percreta)

 7. ક્યારેક અવળું થયેલું ગર્ભાશય (inversion of uterus)

સહશસ્ત્રક્રિયાઓ : જો અંડપિંડમાં રોગ હોય, દર્દીની ઉંમર 45 વર્ષથી વધુ હોય અથવા ગર્ભાશયકલા-વિસ્થાન હોય અથવા અંડપિંડમાં કૅન્સર હોય તેને પણ સાથે સાથે દૂર કરાય છે. જો ઍપેન્ડિક્સ રોગગ્રસ્ત હોય તો જ તેને દૂર કરવાનું સૂચવાય છે.

આનુષંગીક તકલીફો : તે મુખ્યત્વે બે પ્રકારની છે – શસ્ત્રક્રિયાલક્ષી તથા નિશ્ચેતનાલક્ષી (anaesthetic). ક્યારેક શસ્ત્રક્રિયા સમયે, પ્રતિક્રિયારૂપે 24 કલાકમાં કે ચેપ કે અન્ય વિકારને કારણે 24 કલાક પછી લોહી પડે છે. ક્યારેક શસ્ત્રક્રિયાના સ્થાને, શ્રોણીમાં કે પેટના પોલાણ(પરિતનગુહા)માં ચેપ ઉદભવે છે અને પરુ થાય છે. તેને કારણે કોક વખત ટાંકા ખૂલી જાય છે અથવા લાંબે ગાળે છેદજન્ય સારણગાંઠ (incisional hernia) થાય છે. ક્યારેક મૂત્રાશય, આંતરડાં કે મૂત્રનળીને ઈજા થાય અને એની પૂરતી સારવાર ન અપાય તો જનનમાર્ગ અને આંતરડાં કે મૂત્રમાર્ગ વચ્ચે વિષમ પ્રકારનાં જોડાણો થાય છે. તેને સંયોગનળી (fistula) કહે છે. ક્યારેક પગની અંદરની નસોમાં લોહી જામી જાય છે અને ત્યાં બનેલું રુધિરગુલ્મ (thrombus) જો છૂટું પડીને ફેફસાંની નસોમાં જામી જાય તો ફેફસી ગુલ્મ-સ્થાનાંતરતા(pulmonary embolism)નો જીવનને સંકટરૂપ વિકાર ઉદભવે છે. શસ્ત્રક્રિયા વખતે લાંબા સમય માટે જો પગને ચોક્કસ સ્થિતિમાં રાખવામાં આવે (lithotomy position) તો પગની ચેતા(nerve)ને ઈજા થાય છે. ઉપર જણાવેલી મોટા ભાગની તકલીફોનું સમયસર નિદાન થાય તો તેમની સારવાર થઈ શકે છે. હાલ આ શસ્ત્રક્રિયાને કારણે થતો મૃત્યુદર 0.1 % જેટલો જ છે.

નવીનતમ પ્રયાસો : હાલ નાના ગર્ભાશયમાંથી લોહી વહેવાના વિકારોની સારવાર માટે ગર્ભાશયનિરીક્ષા (hysteroscopy) વડે ગર્ભાશયની અંદરની રોગગ્રસ્ત દીવાલ પર શસ્ત્રક્રિયા કરી શકાય છે. તેને ગ્રીવામાર્ગી અંત:નિરીક્ષાલક્ષી વિચ્છેદન (transvcervical endoscopic resection, TCER) કહે છે. તેને કારણે ગર્ભાશય-ઉચ્છેદનની શસ્ત્રક્રિયાનું પ્રમાણ ઘટશે એમ મનાય છે.

શિલીન નં. શુક્લ

અતુલ મુનશી