ગરુડપુરાણ : પ્રસિદ્ધ વેદાનુયાયી એક મહાપુરાણ. તે વૈષ્ણવપુરાણ ગણાય છે. શ્રી વિષ્ણુની આજ્ઞા અનુસાર ગરુડે કશ્યપ પ્રજાપતિને આ પુરાણ કહ્યું હતું. આ પુરાણમાં સૃષ્ટિની ઉત્પત્તિ, આદિત્યસ્વરૂપ શ્રી વિષ્ણુનું માહાત્મ્ય, સોમ, સૂર્ય આદિ વંશોનાં વર્ણન, વ્યાકરણ, સાહિત્ય, આયુર્વેદ આદિ શાસ્ત્રોની રૂપરેખા, સામુદ્રિકશાસ્ત્ર, રત્નપરીક્ષા, સ્ત્રીપરીક્ષા આદિ વિષયોનાં નિરૂપણ છે.

આ પુરાણ બે ખંડોમાં વહેંચાયેલું છે. પૂર્વખંડના 240 અધ્યાય છે. તે આચારખંડ કે આચારકાંડ પણ કહેવાય છે. ઉત્તરખંડના 78 અધ્યાય છે. તેમાં પ્રેતકલ્પના 49 અને બ્રહ્મખંડનાં 29 અધ્યાય છે. મત્સ્યપુરાણના મતે આ પુરાણના 18,000 શ્લોકો અને નારદપુરાણ અનુસાર 19,000 શ્લોકો હોવા જોઈએ. પણ ઉપલબ્ધ ગરુડપુરાણ લગભગ 7,000 શ્લોકોનું છે. કૉલકાતાથી પ્રકટ થયેલ ગરુડપુરાણમાં 8,800 શ્લોકો છે. આ જોતાં નવ-દસ હજાર શ્લોકો લુપ્ત થયા છે એમ કહી શકાય.

પૂર્વખંડમાં અનેક દેવતાઓના પૂજનની વિધિઓ વર્ણવાઈ છે. ગરુડના જન્મની કથા, સપ્ત દ્વીપોનું વર્ણન, આકાશસ્થ ગ્રહોનું વર્ણન, વિભિન્ન શાસ્ત્રોની રૂપરેખા, ગૃહસ્થે આચરવાના પંચમહાયજ્ઞ, દાનધર્મ, શ્રાદ્ધવિધિ, ગયાતીર્થમાં પિંડદાનનું માહાત્મ્ય, દ્રવ્યશુદ્ધિ, આશૌચ આદિ વિષયોનું નિરૂપણ છે. સૂર્ય અને ચંદ્ર આદિ રાજવંશોનું નિરૂપણ, રામાયણ અને મહાભારતની કથાઓ, ભાવિ રાજવંશોનાં વર્ણન, શ્રી વિષ્ણુથી આરંભી કલ્કિ પર્યંતના અવતારોનું વર્ણન, બ્રહ્માથી સપ્તર્ષિઓની ઉત્પત્તિ, દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિ, સતીની કથા, હિમાલયને ત્યાં તેનો પુનર્જન્મ, ગણપતિની ઉત્પત્તિની કથા, બાર માસનાં વ્રતો વગેરેનું નિરૂપણ છે. વ્યાકરણ, સાહિત્ય, આદિ શાસ્ત્રો ઉપરાંત આયુર્વેદનું રોગનિદાન, ઔષધિઓનો પરિચય, તેમનો પ્રભાવ અને અષ્ટાંગયોગનું નિરૂપણ છે. વિષ્ણુપંજરસ્તોત્ર, વિષ્ણુસહસ્રનામસ્તોત્ર જેવાં સ્તોત્રો છે. અહીંનું વિષ્ણુસહસ્રનામ મહાભારતના વિષ્ણુસહસ્રનામથી થોડુંક જુદું છે. ભવિષ્યના રાજવંશોના વર્ણનમાં જનમેજય પારિક્ષિતથી આરંભી કલિયુગના શૂદ્રક રાજા સુધીનાં વર્ણન જોતાં આ પુરાણ વિષ્ણુપુરાણ, મત્સ્યપુરાણ આદિ કેટલાંક પ્રાચીન પુરાણો કરતાં પહેલું સંકલિત થયું હશે એમ અનુમાન કરી શકાય.

ધર્મખંડના પ્રેતખંડમાં આરંભે ગરુડ અને નારાયણનો સંવાદ આવે છે. તેમાં ગર્ભમાં જીવના આગમનથી આરંભી મૃતકનું ઔર્ધ્વદેહિક શ્રાદ્ધ, દાન આદિનું નિરૂપણ છે. મૃત્યુ પછી પ્રેતનો યમપુરીનો માર્ગ, ચિત્રગુપ્તનગર, વિવિધ પ્રેતયોનિઓ, કયું પાપ કરવાથી કયું નરક પ્રાપ્ત થાય, જીવ ચોર્યાશી હજાર યોનિઓમાં શા કારણે ભટકે છે, મૃતકનું શ્રાદ્ધ કરવા કોણ અધિકારી ગણાય, અપુત્ર મૃતકના કૌટુંબિક, દૂરનાં સગાં વગેરેનો શ્રાદ્ધ કરવાનો અધિકાર, અપુત્ર સ્ત્રી-પુરુષ સ્વયં જીવત્ શ્રાદ્ધ કરે તેનું વિધાન, પ્રેતબાધાનિવૃત્તિ માટે વિષ્ણુબલિ જેવા વિધિઓ વગેરેનું નિરૂપણ છે.

બ્રહ્મખંડમાં વિષ્ણુની શ્રેષ્ઠતા, વાયુ દ્વારા ગરુડની ઉત્પત્તિ, શેષાવતાર નંદાદીપ માહાત્મ્ય, કુમારીતીર્થ માહાત્મ્ય વગેરેનું નિરૂપણ છે તેમજ ભગવત્તત્વનું નિરૂપણ અને મુક્તિમાર્ગનું નિરૂપણ છે.

નટવરલાલ યાજ્ઞિક