ગરવારે, ભાલચંદ્ર દિગંબર

January, 2010

ગરવારે, ભાલચંદ્ર દિગંબર (જ. 21 ડિસેમ્બર 1903; અ. 2 નવેમ્બર 1990, સાસગાંવ, જિ. સાંગલી) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા ગરવારે ઉદ્યોગ સંકુલના સ્થાપક. અત્યંત વિપરીત આર્થિક પરિસ્થિતિને લીધે મૅટ્રિક સુધી પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકેલા નહિ. 1921માં મુંબઈ આવ્યા અને તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના રોકડ ખાતામાં કારકુન તરીકે જોડાયા. પરંતુ બાળપણથી સાહસિક વૃત્તિ ધરાવતા હોવાથી નોકરી કરતાં ઉદ્યોગ-વ્યાપારને ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં વધુ રસ રહ્યો. 1933માં વ્યવસાય અર્થે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. જેને કારણે એમના જીવનને વળાંક મળ્યો. 1935માં અમેરિકા ગયા અને તે જ વર્ષે તેમણે બૉમ્બે ન્યુઓન સાઇનની સ્થાપના કરી. ઇંગ્લૅન્ડથી ભારતમાં આયાત કરાતી જૂની મોટરગાડીઓના ખરીદ-વેચાણ દ્વારા વ્યાપારક્ષેત્રે દાખલ થયા. 1942માં પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરતો ઔદ્યોગિક એકમ શરૂ કર્યો અને તે પછી સતત વિવિધ ઉદ્યોગોની પહેલ કરતા રહ્યા. તેમાંથી જ ગરવારે ઔદ્યોગિક સંકુલ ઊભું થયું, જેમાં ગરવારે શિપિંગ કૉર્પોરેશન લિ., ગરવારે સિન્થેટિક પ્રાઇવેટ લિ., ગરવારે ફિલામેન્ટ કૉર્પોરેશન લિ., ગરવારે મરીન ઇન્ડસ્ટ્રીઝ લિ., ગરવારે ફાઇનાન્સ કૉર્પોરેશન પ્રા. લિ. તથા ગરવારે પેઇન્ટ્સ લિ. જેવા વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે.

તેમણે અનેક વ્યાપાર, વાણિજ્ય તથા ઔદ્યોગિક સંસ્થાઓ અને મંડળોને વિવિધ સ્વરૂપની સેવા આપી છે. દા. ત., અમેરિકામાં સ્થાપિત વૉલ ઇન્ડસ્ટ્રીઝના માનાર્હ નિયામક, મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સના ટ્રસ્ટી, સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયાના વાઇસ-ચૅરમૅન (1959–75), મહારાષ્ટ્ર રાજ્ય આર્થિક વિકાસ સમિતિના ચૅરમૅન (1956–64) તથા તેના પ્રમુખ (1964–65), મહારાષ્ટ્ર રાજ્ય નાણા નિગમ લિ.ના ચૅરમૅન (1964–67), પશ્ચિમ વિભાગની આયાત-નિકાસ સલાહકાર સમિતિના ચૅરમૅન વગેરે. આ ઉપરાંત તેમણે અન્ય કેટલાંક પ્રતિષ્ઠિત પદો પર પણ કાર્ય કર્યું છે. દા. ત., એમ. વિશ્વેશ્વરૈયા ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની સંચાલન સમિતિના સભ્ય, ઇન્ડિયન ઍર લાઇન્સની સલાહકાર સમિતિના સભ્ય, બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી, ઑલ ઇન્ડિયા મૅન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન તથા જીવન વીમા નિગમની સંચાલન સમિતિના સભ્ય, ઑલ ઇન્ડિયા પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ વગેરે. 1959માં મુંબઈના શેરિફ તરીકે તેમની વરણી થઈ હતી. તેમણે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ તરીકે પણ કાર્ય કર્યું છે.

ભાલચંદ્ર દિગંબર ગરવારે

તેમની પ્રેરણાથી ઊભી કરવામાં આવેલી લોકકલ્યાણકારી સંસ્થાઓ મારફતે શિક્ષણ, સંશોધન, સારવાર, સ્વાસ્થ્ય તથા રમતગમત જેવાં ક્ષેત્રો માટે આર્થિક સહાય તથા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સંસ્થાઓમાં ગરવારે ચૅરિટેબલ ટ્રસ્ટ્સ, ગરવારે ફાઉન્ડેશન, બી. ડી. ગરવારે રિસર્ચ સેન્ટર, ગરવારે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કૅરિયર એજ્યુકેશન વગેરે ઉલ્લેખનીય છે.

ભારતના રાષ્ટ્રપ્રમુખે 1971માં તેમને પદ્મભૂષણથી સન્માન્યા હતા તથા પુણે વિશ્વવિદ્યાલયે 1989માં તેમને ડૉક્ટર ઑવ્ લિટરેચરની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે