ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ

January, 2010

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ (જ. 20 એપ્રિલ 1928, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત) : હાથછાપકામનાં બીબાંના નિષ્ણાત કસબી. તેમણે ગુજરાતી 7 અને અંગ્રેજી 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા કાષ્ઠકલા-કારીગરી અને ડિઝાઇન બનાવનાર પારંગત કલાકાર હતા. તેમની પાસેથી તેમણે 1943થી વારસાગત કલાની તાલીમ લીધી અને 1948 સુધીમાં કાપડના છાપકામ માટે વપરાતાં બીબાં/બ્લૉકની કોતરણી દ્વારા અદભુત છાપો ઉપસાવવાની અઘરી કલા આત્મસાત્ કરી લીધી.

સખત પરિશ્રમ બાદ 1966થી તેમણે સ્વતંત્રપણે સુતરાઉ તેમજ રેશમી કાપડના છાપકામ માટે વપરાતાં બીબાં/બ્લૉક બનાવવા શરૂ કર્યાં. 1967માં ભારત સરકારના સહયોગથી તેમણે તેમની વર્કશૉપમાં એક બ્લૉકમેકિંગ ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરી. તેનું 6 વર્ષ સુધી સંચાલન કરીને 20 જેટલા ઉત્તમ કારીગરો તૈયાર કર્યા. એક સમયે પેથાપુરમાં આવાં 40 કારખાનાં ચાલતાં હતાં. આજે ફક્ત 6 કારખાનાં કાર્યરત છે. તેમના દ્વારા ઑર્ડર પ્રમાણે બીબાં તૈયાર કરી દેશ-વિદેશમાં મોકલી આપવામાં આવે છે. તેમનો ઉપયોગ ટૅક્સ્ટાઇલ ટૅક્નૉલૉજીમાં, આર્ટ ગૅલરીમાં સંગ્રહ કરવામાં અને મહદંશે ઇન્ટીરિયર ડેકોરેશન(જેમ કે, વૉલપીસ, દરવાજાનાં હૅન્ડલ અને મુખ્ય દરવાજાની સજાવટ)માં કરવામાં આવે છે.

માણેકલાલ ત્રિકમલાલ ગજ્જર

આ કલાને જીવંત રાખવા તેઓ દક્ષિણ ગુજરાતમાંથી સાગનું લાકડું મંગાવી, જરૂરિયાત પ્રમાણે ટુકડા કરી, તેમનું ફિનિશિંગ કરી, પથ્થર પર ઘસીને શિરાઓ ઉપસાવીને, રંધો મારી, કાનસ ઘસી, લીસા પથ્થર પર પૉલિશ કરી, ચૉક વડે તેના પર અંકન કરી, પોતે તૈયાર કરેલ રેખાંકનવાળી ડિઝાઇન તેના પર છાપી, પછી તેના પર છીણી-ટાંકણાની મદદથી સખત લગન અને એકાગ્રતાપૂર્વક કોતરણીની પ્રક્રિયા કરવામાં સતત મંડ્યા રહે છે. તેમણે ટૅક્સટાઇલ કલા, ફિગર કલા, ઍબ્સ્ટ્રૅક્ટ કલા, અજરખ કલા, પરંપરાગત કલા અને આધુનિક કલામાં 4,00,000થી વધુ વિવિધ પ્રકારની ડિઝાઇનો અને 60,000 બીબાં/બ્લૉક તૈયાર કર્યાં છે. આવો સુંદર અને તદ્દન ઝીણી કોતરણી સાથેનો બ્લૉક તૈયાર કરતાં 15થી 17 દિવસ લાગે છે. થાઇલૅન્ડ માટે તેમણે ખાસ સૌદાગીરી પ્રિન્ટના બ્લૉક બનાવી આપી નામના મેળવી છે.

કૅલિકો મ્યુઝિયમ ઑવ્ ટૅક્સ્ટાઇલ્સનાં ડિરેક્ટર ગિરાબહેન સારાભાઈની સૂચનાથી તેમણે સૌપ્રથમ 30´´ x 40´´ (76.2 સેમી. x 101.6 સેમી.) સાઇઝના એક જ ડિઝાઇનના બે ઊલટ-સૂલટ બ્લૉક બનાવ્યા, જેના દ્વારા બંનેની આઉટલાઇન સામસામે મૂકવાથી બંધબેસતા આવી જાય તેમ અને વચ્ચે કાપડ નેગેટિવ-પૉઝિટિવમાં છપાય તેવો ઉત્તમ નમૂનો તૈયાર થયો. તે નમૂનો તે મ્યુઝિયમમાં આજે પણ સચવાયો છે. આ નમૂનો અમેરિકાથી આવેલ પ્રો. ચાર્લ્સ રેના જોવામાં આવતાં તેમણે જવાહર નહેરુ યુનિવર્સિટીના ફેલો અને ખ્યાતનામ કલાકાર હકુભાઈ શાહ સાથે 1972માં પેથાપુર મુકામે માણેકલાલની વર્કશૉપની મુલાકાત લીધી, ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું, ફિલ્મ ઉતારી અને બંને ખૂબ પ્રભાવિત થયા. બંનેએ વિઝિટબુકમાં તેની નોંધ કરી અને પ્રમાણપત્ર આપ્યું.

આ અંગેના સમાચાર વિદેશી મૅગેઝિનોમાં પ્રસિદ્ધ થતાં તેઓ વિશ્વમાં વધુ પ્રસિદ્ધિ પામ્યા. દેશ-વિદેશનાં અનેક પ્રદર્શનોમાં તેમને નિમંત્રણો મળવા લાગ્યાં. અમેરિકા, જાપાન, યુ.કે., રશિયા, જર્મની હોલૅન્ડથી પ્રવાસીઓ આ કલા પ્રત્યક્ષ નિહાળવા પેથાપુરમાં ઊમટી પડ્યા. આ હસ્તકલાનું ડેમોન્સ્ટ્રેશન જોઈ ઝૂમી ઊઠ્યા. કેટલાક ખાસ કરીને ટૅક્સ્ટાઇલ ડિઝાઇનિંગના હેતુસર નમૂનાઓ ખરીદી તેમના દેશમાં લઈ ગયા. બાંગ્લાદેશે તો તેમના એક પ્રતિનિધિને ખાસ આ કલાની તાલીમ લેવા મોકલ્યો, જેણે તાલીમ લીધા બાદ આ કલાને તેમના દેશમાં જીવંત રાખી છે. ભારતમાં ગુજરાતના પેથાપુર ઉપરાંત આ કલા ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદમાં જળવાઈ છે.

1980-95 સુધી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય મેળામાં તેમની કલા તેમણે પ્રદર્શિત કરી છે. એ જ રીતે વિદેશમાં બેલ્જિયમ અને દેશમાં પટણા, કૉલકાતા, મુંબઈ, પુણે, ભોપાલ, ઉદેપુર, લખનૌ, અમદાવાદ વગેરે સ્થળોએ હસ્તકલા-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો છે. તેમના ઉત્તમ બ્લૉક વડોદરા, ભુજ, મુંબઈ, ન્યૂ દિલ્હી, ખંભાત, પાટણ તથા અમદાવાદ ખાતે મ્યુઝિયમોમાં સ્થાન પામ્યા છે. વળી વિદેશમાં વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન; હિસ્ટૉરિકલ મ્યુઝિયમ, ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍન્થ્રૉપૉલૉજી; બ્રાઝિલ મ્યુઝિયમ; સ્વિટ્ઝર્લૅન્ડ, પીઓબોડી મ્યુઝિયમ; હાર્વર્ડ, અમેરિકા; જર્મની, ચેકોસ્લોવૅકિયાની આર્ટ ગૅલરીઓ, મ્યુઝિયમ ઑવ્ આર્કિયૉલૉજી ઍન્ડ ઍન્થ્રૉપૉલૉજી, યુ.કે. તેમજ લૅન્કેસ્ટર શાયર પિક્ચર ઍન્ડ આર્ટ ગૅલરી, લૅન્કેસ્ટરમાં પણ તેમના બ્લૉક પ્રદર્શિત કરાયા છે.

કાપડ ઉપર છાપવા માટેની વિધવિધ ભાત માટે હાથે કોતરેલાં લાકડાનાં બીબાંની છાપની કાષ્ઠકૃતિ

ગુજરાતના તત્કાલીન ગવર્નર શ્રીમતી શારદાબહેન મુખરજી, પ્રખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશી, પ.પૂ. પ્રમુખસ્વામીજી, તત્કાલીન કુટિર-ઉદ્યોગ મંત્રી અમરસિંહ વાઘેલાએ તેમની કલા પ્રત્યક્ષ નિહાળી તેની કદરરૂપે પ્રમાણપત્ર અને આશીર્વાદ પાઠવ્યાં હતાં.

‘કામણગારી કાષ્ઠકલા’ અને ‘લોકવારસો’ કાર્યક્રમ દ્વારા દૂરદર્શન, પીજ અને અમદાવાદ પરથી તથા ‘તાનાબાના’ કાર્યક્રમ દ્વારા દિલ્હી દૂરદર્શન પરથી તેમની કલા વિશે પ્રસારણ કરાયું છે. તેમણે ‘બ્લૉક મેકિંગ આર્ટ’ શીર્ષક હેઠળ પુસ્તક તૈયાર કર્યું છે. લલિતકલાક્ષેત્રે સર્વોચ્ચ કામગીરી કરવા બદલ ગુજરાત સ્ટેટ આર્ટ રિસર્ચ ઍૅસોસિયેશન તરફથી તેમનું સન્માન થયું છે; 1978-79માં ગવર્નર ઑવ્ ગુજરાત તરફથી સન્માનપત્ર, પ્રશસ્તિપત્ર, બિહાર સ્ટેટ હૅન્ડિક્રાફ્ટ, પટણા તરફથી સન્માન અને એનઆઇડી તરફથી સન્માન મળ્યાં છે. 1979માં રાષ્ટ્રપતિ ઍવૉર્ડ અને 1997-98ના વર્ષનો રવિશંકર રાવળ ઍવૉર્ડ પણ તેમને પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા