ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ

January, 2010

ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ : ગુજરાતનું કૃષિવિદ્યાનું સંગ્રહાલય. કૃષિધામ સરદાર સ્મૃતિ કેન્દ્ર (મ્યુઝિયમ) આણંદ  ગુજરાત કૃષિ યુનિવર્સિટી હસ્તક છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ ગુજરાતના કૃષિકારવર્ગમાં ચિરંજીવ રહે; એટલું જ નહિ, પરંતુ નવોદિત યુવાકૃષિવર્ગને પ્રેરણારૂપ બને તે હેતુથી આ મ્યુઝિયમની સ્થાપના 19 ઑક્ટોબર, 1975ના રોજ થઈ હતી. આમાં કૃષિવિજ્ઞાનની માહિતીનો સંગ્રહ છે તથા તે અંગેના તાલીમવર્ગ યોજાય છે. સંગ્રહાલયના બે વિભાગ છે. સરદાર અંગેનું સંગ્રહાલય અને બીજું કૃષિવિજ્ઞાન સંગ્રહાલય જેમાં કૃષિશાસ્ત્ર, ડેરીવિજ્ઞાન, પશુપાલન, પશુઆહાર તથા ગ્રહવિજ્ઞાન અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યાં છે.

આ અંગેના તાલીમાર્થીઓ મળ્યેથી અભ્યાસ અને પ્રવાસનું આયોજન કરી આપવામાં આવે છે. ગ્રામકક્ષાએ પરિસંવાદો, શિબિરો, અભ્યાસપ્રવાસો, નિદર્શનો અને ટૂંકા ગાળાના વર્ગોનું આયોજન પણ તે કરે છે.

કર્મચારીવર્ગમાં વિભાગીય વડા, માહિતી અધિકારી, તાલીમ અધિકારી ને અન્ય કર્મચારીઓ સહિત નવથી દસ વ્યક્તિઓનું મહેકમ છે. ગુજરાતમાં આ નવા પ્રકારનું મ્યુઝિયમ છે.

જ. મૂ. નાણાવટી