ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી)

January, 2010

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી) : ફારસી કવિ. મૂળ નામ બિંદ્રાબનદાસ. ઉપનામ ખુશગૂ. તેઓ હિન્દુધર્મી અને જ્ઞાતિએ વૈશ્ય તેમજ મથુરાના રહીશ હતા. તે ફારસીના પ્રસિદ્ધ કવિ અબ્દુલકાદિર બૈદિલ અને શેખ સઅદુલ્લા ગુલશનના ખાસ મિત્ર હતા. તે પ્રસિદ્ધ કવિ ખાન આરઝૂના અંતેવાસી હતા. ગુરુએ પોતાના પુસ્તક ‘મજ્મઉન્ન ફાઇસ’માં શિષ્ય ખુશગૂનો નોંધપાત્ર ઉલ્લેખ કર્યો છે ખુશગૂએ તેમના ગુરુની પચીસ વર્ષ સુધી સેવા કરી હતી.

ખુશગૂની પ્રસિદ્ધ કૃતિ ‘સફીન એ ખુશગો’ છે. આ ગ્રંથ (‘ઉમદતુલ મુલ્ક’) અમીનખાન અન્જામને અર્પણ કર્યો હતો. તે પ્રાચીન અને અર્વાચીન કવિઓનો પરિચયસંગ્રહ છે. ખુશગૂએ 1721થી 1734 સુધી જે રચનાઓ કરી તેમાં 1742માં સુધારાવધારા કર્યા. ઉપરના ગ્રંથમાં તેમણે કવિઓ વિશે વિગતપ્રચુર માહિતી આપી છે અને કવિપરિચયમાં તેમની પ્રસિદ્ધ પંક્તિઓ પણ ઉદાહરણ તરીકે મૂકી છે. તે અર્થમાં તે એક સારા વિવેચક પણ હતા.

તેમણે જીવનની અંતિમ પળો અલ્લાહાબાદ શહેરમાં એકાંતમાં પસાર કરી હતી. તે અઝીમાબાદ(પટણા)માં અવસાન પામ્યા હતા.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ