ખુવારી : યુદ્ધમાં સૈનિકો કે અધિકારીઓનાં મૃત્યુ, ઈજા, શત્રુ દ્વારા યુદ્ધકેદી તરીકે ધરપકડ અથવા બેપત્તા થવારૂપે થતી હાનિ. પરંતુ હવે યુદ્ધ દરમિયાન નાગરિકોનું મૃત્યુ થાય અથવા તેમને ઈજા થાય તો તેની પણ યુદ્ધની ખુવારીમાં ગણતરી થાય છે. મહાભારતના 18 દિવસના યુદ્ધમાં 39,36,590 જેટલી ખુવારી થઈ હતી. સ્વિટ્ઝર્લૅન્ડના એક વિદ્વાન ઝાં-જાક બાબેલની ગણતરી મુજબ માનવસંસ્કૃતિના ઉષ:કાલથી આ સદીના મધ્ય ભાગ સુધીમાં નાનાંમોટાં કુલ 14,500 યુદ્ધો અને સશસ્ત્ર સંઘર્ષો થયાં હતાં જેમાં કુલ 3 અબજ 65 કરોડ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા. આ સમસ્ત કાળ દરમિયાન ફક્ત 292 વર્ષો જ યુદ્ધ વિનાનાં હતાં. જેમ જેમ માનવસંસ્કૃતિ પ્રગતિ કરતી ગઈ તેમ તેમ યુદ્ધનાં આયુધો અને યુદ્ધવિદ્યામાં સુધારાવધારા થતા ગયા, યુદ્ધનાં શસ્ત્રો અને વ્યૂહરચના વધુ વિનાશક અને સંહારક બનતાં ગયાં. યુરોપમાં સત્તરમી સદીમાં બધા જ પ્રકારનાં યુદ્ધોમાં દર વર્ષે સરેરાશ 33,000 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીની પહેલાં 38 વર્ષોમાં યુદ્ધોમાં દર વર્ષે 1 લાખ 16 હજાર માણસોના જાન લેવાયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન મોટા પાયા પર થયેલા વિધ્વંસને કારણે 1 કરોડ સૈનિકો મૃત્યુ પામ્યા તથા 2 કરોડ 10 લાખ ઘવાયા હતા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન ખુવારીનો આંકડો પ્રથમ વિશ્વયુદ્ધની ખુવારી કરતાં ત્રણ ગણો અને નેપોલિયને કરેલાં યુદ્ધો કરતાં 200 ગણાથીયે વધુ રહ્યો હતો. દા. ત., બીજા વિશ્વયુદ્ધમાં 1 કરોડ 70 લાખ સૈનિકોએ જાન ગુમાવ્યા હતા અને 3 કરોડ 47 લાખ ઘવાયા હતા. તેમાં નાગરિકોની ખુવારીની સંખ્યાનો ઉમેરો કરીએ તો કુલ ખુવારી 8 કરોડની સંખ્યાને વટાવી જાય છે. આમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલ કુલ ખુવારીમાં આશરે ત્રણ કરોડ નાગરિકો હતા. સ્ટૉકહૉમ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થા ‘સિપ્રી’એ આપેલ આંકડાઓ મુજબ 1986ની સાલમાં દુનિયામાં 36 સશસ્ત્ર સંઘર્ષો થયા હતા જેમાં કુલ 41 દેશો સંડોવાયા હતા. લાખો ઘરો ધરાશાયી થયાં હતાં, પ્રચંડ ભૌતિક સંપત્તિનો નાશ થયો હતો, અસંખ્ય લોકો અપંગ અથવા અનાથ બન્યા હતા. યુદ્ધમાં વાપરવા માટેના ઝેરી વાયુઓના વિશ્વમાં આજે એટલા વિશાળ ભંડારો છે કે તે પૃથ્વી પરની સમગ્ર વસ્તીને અનેક વેળા ખતમ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. 1990-91ના ખાડીયુદ્ધમાં માત્ર 49 દિવસમાં આશરે બે લાખ માણસોએ જાન ગુમાવ્યા હતા.

પ્રકાશચંદ્ર ચતુર્વેદી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે