ખુરાસાની અજમો : અં. Henbane; સં. यावनी. દ્વિબીજદલામાં યુક્તદલા Gamopetalaeના કુળ Solanaceaeની વનસ્પતિ. તેનાં સહસભ્યોમાં બેલાડોના, પ્રિયદર્શિની, તમાકુ, ધતૂરો વગેરે છે. તેનું લૅટિન નામ Hyocyamus niger L છે.

તે ચતુષ્કોણીય પ્રકાંડ ધરાવતો નાનો સદા હરિત છોડ છે. ગૂંચળાવાળાં પરંતુ પહોળાં સાદાં સુગંધિત પાન હોય છે. પ્રકાંડ ઉપર બધી જ જગાએ એકાકી પુષ્પો ઊગે છે. સફેદ લીલાશ પડતી પાંચ પાંખડીઓ હોય છે. ચપટાં અને બારીક અસંખ્ય બીજ ધરાવતું રસાળ ફળ જોવા મળે છે.

આયુર્વેદ અનુસાર તે નિદ્રાપ્રદ અને પીડાશામક (tranquilizer) છે, દુખાવો દૂર કરે છે. અફીણનો ઉપયોગ ન કરી શકાય તેવા રોગોમાં તેના બીજનો ઉપયોગ સલામત રીતે કરી શકાય છે.

માથાનો દુખાવો, આંતરડાંનું શૂળ, ગૅસ, આમાજીર્ણના વાયુનો દુખાવો, પેશાબ આવતી વખતે આર્તવ, માસિક આવતી વખતે તથા મળવિસર્જન વખતે વારંવાર થતા દુખાવામાં તેના યોગવાળી ઔષધિઓ ઉપયોગી નીવડે છે.

માનસિક તણાવ, અસ્વસ્થતા કે અસ્થિરતા અને ગાંડપણ જેવા રોગોમાં તે અકસીર ગણાય છે. જાતીય રોગોમાં વીર્યનું શીઘ્રપતન અટકાવે છે.

તેનાં બીજ અને પર્ણમાંથી સ્ફટિકરૂપી સત્વ સ્રવે છે તેને હાયોસાયમિન કહે છે. તેમાંથી હાયોહીન નામનું બાષ્પતેલ અને ખટાશના ગુણો ધરાવતું તત્ત્વ મળે છે.

પ્રાગજી મો. રાઠોડ

અંજના સુખડિયા