ખુદાવંદ ખાન ખ્વાજા સફર

January, 2010

ખુદાવંદ ખાન ખ્વાજા સફર (જ. ?; અ.1546) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ તથા મહમુદશાહ ત્રીજાના અમીર અને સૂરત તથા દીવના રક્ષક. એ ખ્વાજા સફર એ જ ખુદાવંદ ખાન. તેમનો જન્મ ઇટાલીના બ્રિન્ડિસી કે ઑન્ટ્રાટો નગરમાં રોમન કૅથલિક કુટુંબમાં થયો હતો. તેમણે ઇટાલી અને ફ્લૅન્ડર્સમાં નોકરી કરી હતી. કૅરોના સુલતાનના નૌકાધિપતિ સુલેમાન પાશાએ તેમને કેદ પકડી સુલતાનને સોંપેલ. અહીં બઢતી પામીને તેઓ કોષાધ્યક્ષ બન્યા હતા. સુલતાનના સૂચનથી તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. 1531માં તેઓ અમીર મુસ્તફા સાથે યેમનથી દીવ બંદરે આવ્યા હતા. સુલતાન બહાદુરશાહના તેઓ માનીતા અમીર હતા અને પોર્ટુગીઝ ગવર્નર નુનો દ કુન્હાને બહાદુરશાહ મળવા ગયા ત્યારે ખાન તેમની સાથે હતા. પોર્ટુગીઝોએ બહાદુરશાહને દગાથી મારી નાખ્યા ત્યારે ખાન મુશ્કેલીથી નાસી છૂટેલ.

બહાદુરશાહના મૃત્યુ બાદ સુલતાન મહમુદશાહ ત્રીજાએ દીવ ઉપર 1538માં ચઢાઈ કરી ત્યારે તેઓ દીવ હતા. મદદ માટે દીવ આવેલા તુર્કી નૌકાકાફલાના વડા સુલેમાન પાશાના વર્તનથી તેઓ કંટાળી ગયેલ. તેમને વહેમ હતો કે સુલેમાન પાશા દીવ પચાવી પાડશે. તેથી તેમણે એવો પત્ર રજૂ કર્યો કે ગોવાથી નુનો વધુ કુમક સાથે આવી રહ્યો છે. આથી સુલેમાન પાશા તોપો વગેરે છોડી ચાલ્યા ગયા. ગુજરાતના સુલતાનની આ યુદ્ધમાં હાર થઈ અને ખ્વાજા સફર પણ દીવ છોડી ગયા.

સૂરત ઉપર પોર્ટુગીઝ હુમલાનો સતત ભય હતો. તેથી સુલતાન મહમુદશાહ ત્રીજાએ સૂરત બંદરનો વહીવટ તથા તેના રક્ષણની જવાબદારી 1538માં તેમને સોંપી અને ખુદાવંદ ખાનનો ઇલકાબ આપ્યો. સૂરતના રક્ષણ માટે તેમણે પોર્ટુગીઝોની લાલચ અને ધમકીઓને કે હરકતોને ગણકાર્યા વિના નદીને કાંઠે ભવ્ય કિલ્લો બાંધ્યો (1540-41). કૅરોના નૌકાસૈન્યની કેટલીક તોપો દીવથી સૂરત મંગાવી સૂરતના રક્ષણ માટે પાકી વ્યવસ્થા કરી. 1546માં મહમુદશાહ ત્રીજાએ વજીર અફઝલખાન બંબાણીના કહેવાથી તેમને દીવ ઉપર ચઢાઈ કરવા મોકલ્યા. 1,000 તુર્કી સૈનિકો, જાન્નિસારીઓ અને બીજા 7,000 યોદ્ધા સાથે 20-4-1546ના રોજ તેમણે દીવના કિલ્લાને ઘેરો ઘાલ્યો. ખ્વાજા સફરના લશ્કરના તોપમારા સામે પોર્ટુગીઝો ટકી શકે તેમ ન હતા અને વિજય હાથવેંત હતો તે વખતે ખાઈઓનું નિરીક્ષણ કરતાં પોર્ટુગીઝની નજરે પડતાં તેમની ગોળીથી વીંધાઈને તેઓ મૃત્યુ પામ્યા. આ રીતે ગુજરાતના બહાદુર સેનાની અને તુર્ક અને હબસી અમીરોના નેતા ખ્વાજા સફર ખુદાવંદ ખાનનો કરુણ અંત આવ્યો.

શિવપ્રસાદ રાજગોર