ખીલ (acne) : યુવાનોના ચહેરાની ચામડી પર સફેદ કે કાળાં ટોપચાં (comedones), લાલ ફોલ્લીઓ અને પરુવાળી નાની ફોલ્લીઓ કરતા કેશ અને તેલગ્રંથિએકમો(pilosebaceous units)નો દીર્ઘકાલી શોથ. તે કુમારાવસ્થા(adolescence)માં શરૂ થઈને 22થી 25 વર્ષે આપોઆપ શમતો વિકાર છે. ચામડીની તેલગ્રંથિઓમાં ચીકણા ત્વક્તેલ(sebum)નું ઉત્પાદન વધે છે અને તેમાં વિષમ પ્રકારના જીવાણુ (bacteria) સ્થાયી થાય છે. ચામડીના વાળ અને તેલગ્રંથિનું તેલ કેશ-તેલગ્રંથિનલિકા (pilosebaceous ducts) દ્વારા ચામડીની સપાટી પર આવે છે. વળી આ કેશ-તેલગ્રંથિનલિકાની દીવાલ જાડી થાય છે. આ ત્રણે કારણોસર તેમાં શોથ (inflammation) ઉદભવે છે. તેને કારણે ખીલ થાય છે. શોથને કારણે ચામડીનો તે ભાગ લાલ તથા ગરમ થાય છે, તેમાં સોજો આવે છે અને દુખાવો થાય છે.

યૌવનારંભ (puberty) સાથે ખીલનો ઉપદ્રવ થાય છે અને તેથી તે છોકરીઓમાં વહેલો શરૂ થાય છે. છોકરાઓમાં તેનો સૌથી વધુ દર (35 %) 18થી19 વર્ષની વયે થાય છે. 40 % છોકરીઓને 16થી 18 વર્ષની વયે ખીલ થાય છે જે તેમનો મહત્તમ દર છે. ખીલનો ઉપદ્રવ અને ચામડીમાં ઉત્પન્ન થતા તેલનું પ્રમાણ લગભગ સમાન દરે વધે છે. (જુઓ આકૃતિ.) ત્યાર બાદ ધીમે ધીમે ખીલનો ઉપદ્રવ ઘટે છે. પરંતુ કેટલીક 25થી 35 વર્ષની વ્યક્તિઓમાં પણ તેનો ઉપદ્રવ ચાલુ રહે છે.

ખીલ થવામાં કારણભૂત પરિબળોમાં જનીનીય (genetic) પરિબળો પણ છે. ખીલ થવાની શક્યતા વિવિધ જનીનો દ્વારા વારસાગત ઊતરી આવે છે. જેમને ખીલ થતા હોય તેઓમાં કૌટુંબિક પરિબળોથી ઉદભવતો ચામડીની ઍલર્જીનો વિકાર ઓછો જોવા મળે છે. ખીલ દરેક પ્રકારની જાતિ(race)માં થાય છે; પરંતુ તેનો દર જાપાનીઓ અને હબસીઓમાં ઓછો છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટિરોન નામના અંત:સ્રાવનું પ્રમાણ વધવાથી ચામડીના તેલનું પ્રમાણ વધે છે. જ્યારે સ્ત્રીઓમાં અંત:સ્રાવોના અસંતુલનથી ચામડીના તેલનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત પીયૂષિકા (pituitary) ગ્રંથિના વૃદ્ધિકારક અંત:સ્રાવની પણ ખીલ ઉત્પન્ન થવામાં અસર છે એવું નોંધાયેલું છે. ચામડીના તેલમાં ચરબીનું પ્રમાણ કે પ્રકાર વિષમ હોય તોપણ ખીલ થાય છે એવું માનવામાં આવે છે. તેલગ્રંથિની દીવાલ જાડી થવાથી તેના મુખ આગળ સફેદ ટોપચાં (white heads) કે કાળાં ટોપચાં (black heads) બને છે. સફેદ ટોપચાં નળીનું બંધ મુખ અને કાળાં ટોપચાં ખુલ્લું મુખ દર્શાવે છે. આવાં ટોપચાં બનવાની પ્રક્રિયાનું કારણ જીવાણુઓ છે કે અંત:સ્રાવો છે તે અંગે નિશ્ચિત મત ઉદભવેલો નથી. પ્રોપિયોનિબેક્ટેરિયમ એકિન્સ અને સ્ટેફાયલોકોકસ એપિડર્મિસ નામના જીવાણુનો ચેપ થતો જોવામાં આવેલો છે. જોકે ખીલ ચેપી નથી. ખીલ થવામાં તેલગ્રંથિનો શોથ મહત્વની પ્રક્રિયા ગણાય છે. ખીલ શમવાનાં કારણો પૂરેપૂરાં સમજાયેલાં નથી.

(અ) ચામડીના તેલના ઉત્પાદનનો દર અને ખીલના ઉપદ્રવનો તીવ્રતા-અંક તથા
(આ) સૌથી વધુ ખીલનો ઉપદ્રવ દર્શાવતાં છોકરા-છોકરીઓનાં વયજૂથો

ચૉકલેટ તથા ચરબીવાળો ખોરાક લેવાથી ખીલ થાય છે એવી માન્યતાને વૈજ્ઞાનિક પુષ્ટિ મળેલી નથી. વજન ઘટાડવાથી ચામડીના તેલનું પ્રમાણ ઘટે છે; પરંતુ ખીલ ઘટે છે કે નહિ તે નિશ્ચિત નથી. જોકે જાપાનીઓ અને હબસીઓનો ખોરાક અન્ય પ્રજાઓ કરતાં જુદો પડે છે અને તેથી કદાચ આહારજન્ય પરિબળો મહત્વનાં હશે એમ મનાય છે. શરીરનું વજન 44થી 48 કિગ્રા. થાય અને લૈંગિક (જાતીય) વિકાસ શરૂ થાય એટલે ખીલ થવા માંડે છે. તે ચહેરા પર (90 %), ખભા પર, છાતીના ઉપલા ભાગ પર (15 %) અને બરડા પર (60 %) લાલ કે પાકેલી ફોલ્લીઓ તથા કાળાં કે સફેદ ટોપચાં રૂપે જોવા મળે છે. યુવાનોમાં ચહેરા પર અને મોટી ઉંમરે બરડા પર ખીલ થાય છે. કાળાં ટોપચાંમાં મિલેનિન હોય છે. 70 % સ્ત્રીઓમાં ઋતુસ્રાવના 2થી 7 દિવસ પહેલાં ખીલનો ઉપદ્રવ વધે છે. વધુ પડતો પરસેવો તથા ભેજવાળું વાતાવરણ પણ તેનો ઉપદ્રવ વધારે છે. કુદરતી પારજાંબલી કિરણો તેને ઘટાડે છે અને માનસિક તણાવની તેના પર કોઈ ખાસ અસર થતી નથી. તેલની વપરાશવાળા વ્યવસાય સાથે ખીલનો ઉપદ્રવ નોંધાયેલો છે. ગર્ભનિરોધક દવાઓ, ક્ષયના રોગ સામે વપરાતી દવાઓ તથા આંચકી રોકવાની દવાઓની આડઅસર રૂપે તથા કૉર્ટિકોસ્ટિરૉઇડનો ઉપયોગ પણ ખીલ કરે છે. કુશિંગના સંલક્ષણમાં તથા વિષમ અતિકાયતા(acromegaly)ના દર્દીમાં પણ ખીલ થાય છે. ખાદ્યતેલમાંથી બનાવેલાં સૌંદર્યપ્રસાધનોથી ખીલ થાય છે. ખીલ રુઝાય તે પછી ક્યારેક રૂઝપેશી (scar) તથા વિષમ રૂઝપેશી (keloid) બને છે. ક્યારેક તેમાં કૅલ્શિયમ પણ જમા થાય છે.

સારવાર : ખીલવાળો ચીકણો ચહેરો વારંવાર ધોવાની સલાહ અપાય છે. ખીલને નખ વડે ન ખોતરવાનું ખાસ જણાવાય છે. ખીલની સારવાર માટે વિવિધ દવાઓ મળે છે; જેમ કે, ક્લિન્ડામાયસિન, બેન્ઝોયેલ પેરૉક્સાઇડનું 2.5 %, 5 %, કે 10 % સાંદ્રતાવાળું ક્રીમ, ઍરિથ્રોમાયસિન, 0.025 અને 0.05 % રેટિનોઇડ ઍસિડ તથા બેન્ઝાયેલ પેરૉક્સાઇડ અને સલ્ફર અથવા ઇમિડેઝોલ કે હાઇડ્રૉક્વિનોલોનવાળો મલમ, ટેટ્રાસાઇક્લિન, સલ્ફર પ્રોપાયલિન ગ્લાયકોલમા સેલિસિલિક ઍસિડ (5 %) મંદ કૉર્ટિકોસ્ટિરૉઇડ, ઇથાઇલ લૅક્ટેટ અને ઝિંક સલ્ફેટનું મિશ્રણ તથા એઝિલેઇક ઍસિડ ક્રીમનો સ્થાનિક ઉપયોગ લાભકારક છે.

મુખમાર્ગે પણ વિવિધ દવાઓ અપાય છે. તે માટે ડેપ્સોન, ઝિંક સલ્ફેટ, અને ક્લૉફાઝિમાઇન વપરાય છે. તે ઉપરાંત આઇસોટ્રિટીનોઇન અને કેટલાક અંત:સ્રાવો પણ ઉપયોગી ગણાય છે. મુખમાર્ગી ઍન્ટિબાયૉટિક સારવાર માટે ટેટ્રાસાઇક્લિન, ઍરિથ્રોમાયસિન, કો-ટ્રાઇમેક્ઝેઝોલ તથા ક્લિન્ડામાયસીન વપરાય છે. જોકે તેમની આડઅસરો તરફ વિશેષ ધ્યાન રાખવું પડે છે. સ્થાનિક અને મુખમાર્ગી સારવારનો સમન્વય સારું પરિણામ આપે છે. સારવાર 6 મહિના જેટલી લાંબી ચાલે છે. સ્થાનિક સારવારની પણ કેટલીક આડઅસરો છે.

5 %થી 10 % દર્દીઓમાં સારવારથી ધાર્યું પરિણામ નથી આવતું. તેમનામાં ક્યારેક અન્ય પ્રકારના જીવાણુનો ચેપ લાગેલો હોય છે તેથી ઍન્ટિબાયૉટિક દવાનો પ્રકાર અને તેની માત્રા બદલવાં પડે છે. ક્યારેક 13-સીસરેટિનોઇક ઍસિડ અથવા સ્ત્રીઓમાં ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરાય છે. ક્યારેક કૉર્ટિકોસ્ટિરૉઇડની ઓછી માત્રાવાળી લાંબા સમયની સારવાર અપાય છે. અન્ય પ્રકારની અંત:સ્રાવી સારવાર પણ ઉપયોગી રહે છે. વધુ તીવ્રતાવાળા અને કષ્ટસાધ્ય ખીલ સામે રેટિનૉઇડ જૂથનાં ઔષધો સફળ નીવડે છે.

સૂર્યપ્રકાશ કે પારજાંબલી કિરણો, ચામડીની સપાટીને અતિશય ઠંડી કરવી, ખીલમાં ટ્રાયન્સિનોલોનનાં ઇંજેક્શન આપવાં વગેરે સારવારપદ્ધતિ પણ વપરાય છે. રૂઝપેશી માટે શસ્ત્રક્રિયા તથા કોલેજનનાં ઇંજેક્શન વપરાય છે. ક્યારેક સૌંદર્યલક્ષી પ્રસાધનોની મદદથી તેને ઢાંકી દેવાની પદ્ધતિ અજમાવવી પડે છે.

દીપા ભટ્ટ

શિલીન નં. શુક્લ