ખીણ : પર્વતો કે ટેકરીઓની હારમાળાઓના સામસામેના ઢોળાવોની વચ્ચેના ભાગ ઉપર લાંબા ગાળાની સતત ઘસારા અને ધોવાણની ક્રિયાની અસરથી પરિણમતો નીચાણવાળો ભૂમિ-આકાર. ક્યારેક કોઈ એક પર્વત કે ટેકરીના પોતાના ઢોળાવ પર પણ સાંકડા-પહોળા કાપા સ્વરૂપે નાના પાયા પર પ્રાથમિક ખીણ-આકારો તૈયાર થતા હોય છે. નીચાણવાળી તળભૂમિમાં પાણી વહી જવા માટે એકતરફી વહનમાર્ગ તૈયાર થાય છે. ખીણમાં તૈયાર થતો આ પ્રકારનો જળમાર્ગ ઢોળાવોની વિભાજક રેખા તરીકે વર્તે છે.

ખીણોની ઉત્પત્તિ : ઝરણાંથી થતી ઘસારો, પરિવહન અને નિક્ષેપણ-(erosion, transportation, deposition)ની ક્રિયાઓથી ખીણ તૈયાર થાય છે. આ ઉપરાંત ભૂસપાટી પર ક્ષિતિજ સમાંતર તણાવનું પ્રતિબળ લાગતાં સ્તરભંગ થવાથી પણ ખીણની રચના થાય છે. સ્તરભંગથી રચાયેલ ખીણને તે પ્રદેશમાં વહેતી નદી અને ઝરણાં છેવટનું સ્વરૂપ આપે છે.

ખીણની લંબાઈ, ઊંડાઈ અને વિસ્તરણ જેવા પ્રાચલો નક્કી કરવામાં જે તે પ્રદેશની ભૂસ્તર-રચના, ખડકસ્તરોનું બંધારણ અને સ્તરનમનકોણ, પાણીનો જથ્થો વગેરે પરિબળો ભાગ ભજવે છે.

ભૂમિસ્વરૂપને ખ્યાલમાં રાખીને ખીણોને ત્રણ અવસ્થામાં વહેંચી શકાય. નદીના મૂળ આગળની પર્વતપ્રદેશીય ખીણો સામાન્ય રીતે ઊભી, સાંકડી, ભૂમિર્દશ્યસ્વરૂપવાળી હોઈ તે V-આકારની ખીણો તરીકે ઓળખાય છે. મૂળ પ્રદેશ છોડી નદી આગળ વધે તેમ તેમ ક્રમશ: તેના ખીણપ્રદેશનું ભૂમિર્દશ્ય તળભાગમાંથી પહોળું ને પહોળું U આકારનું બનતું જાય છે. મુખપ્રદેશમાં નદી આવતાં તે ધોવાણની (ઘસારાની) સમભૂમિ(peneplain)માં ફેરવાઈ જાય છે.

આ રીતે નદીના જુદા જુદા ખીણભાગો V-આકારથી શરૂ કરીને છીછરા U-આકારમાં રૂપાંતરિત થતા જોવા મળે છે. ઊંચા પર્વતપ્રદેશોમાં હિમનદીઓના પહોળા બરફજથ્થા તેમની તળભૂમિને પહોળાઈમાં ઘસી નાખતા હોવાથી ત્યાં પણ U-આકારનાં ખીણર્દશ્યો રચાય છે.

પર્વતોની હારમાળાઓની વચ્ચે સમાંતર તૈયાર થતી અનુદીર્ઘખીણો (longitudinal valleys) અને પર્વતોને કાપીને તૈયાર થતી ખીણો અનુપ્રસ્થ ખીણો (transverse valleys) કહેવાય છે. બ્રહ્મપુત્ર નદીએ હિમાલયની હારમાળાઓની અંદરની તરફ પ્રથમ પ્રકારની અને ભારતમાં પ્રવેશ કરે છે ત્યાં બીજા પ્રકારની ખીણો બનાવેલી છે.

ભૂસંચલનક્રિયાઓને કારણે જ્યારે ભૂપૃષ્ઠમાં બે લાંબા, સમાંતર સ્તરભંગ પડે અને વચ્ચેનો ભૂમિભાગ ઊંડે ઊતરી જાય ત્યારે જે ફાટ રચાય તેને ફાટખીણ (rift valley) કહેવાય છે. જેમ કે આફ્રિકાની ફાટખીણ અને કૅલિફૉર્નિયાની સાન એન્ડ્રિયાસ ફાટખીણ. દક્ષિણ ભારતની નર્મદા-તાપી-મહી-ગોદાવરી-કૃષ્ણા નદીઓના ખીણપ્રદેશો પણ આ પ્રકારનાં ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા

નિયતિ મિસ્ત્રી