ખિન્નતા : ખિન્ન મનોદશા (depressed mood), આસપાસની વસ્તુઓમાં ઘટેલો રસ અથવા આનંદ(pleasure)માં ઘટાડો થાય એવો માનસિક વિકાર. વ્યક્તિની લાગણીઓની સ્થિતિને મનોદશા (mood) કહે છે જ્યારે તેની બાહ્ય જગતમાં વ્યક્ત થવાની ક્રિયાને અભિવ્યક્તિ (affect) કહે છે, મનોદશાના વિકારોમાં વ્યક્તિ મનોદશાની અસ્થિરતા, તેને નિયંત્રણ કરી શકવાની ભાવનાનો અભાવ તથા મહાદુ:ખ(great distress)નો અનુભવ કરે છે.

ઇતિહાસ : ઘણા પુરાણા સમયથી ખિન્નતાના વિકારની નોંધ મળી આવે છે. લગભગ ઈ. પૂ. 450માં હિપોક્રેટસે માનસિક અસ્વસ્થતાઓને ઉન્માદ (mania) અને હતાશા(melancholia) રૂપે વર્ણવી હતી. કૉર્નેલિયસ સેલ્સસે (ઈ. સ. 100) હતાશા વિશે ડી-મેડિસીનામાં લખ્યું હતું અને ખિન્નતાનું કારણ શ્યામપિત્ત (black bile) હોવાનું જણાવ્યું હતું. 1882માં જર્મન મનોચિકિત્સાવિદ કાર્લ કાલ્બૉમ ‘સાઇક્લોથાયમિયા’ શબ્દ પ્રયોજીને જણાવ્યું હતું કે ઉન્માદ અને ખિન્નતા એક જ રોગના બે જુદા જુદા તબક્કા છે. એમિલ ક્રેકિલ્પને 1986માં ઉન્માદખિન્નતાકારી તીવ્ર મનોવિકાર(maniac depressive psychosis)ની પરિકલ્પના વિકસાવી.

વસ્તીરોગવિદ્યા : પુખ્તવયે સૌથી વધુ થતા માનસિક રોગોમાં મનોદશાના વિકારો અને ખાસ કરીને મહત્તમ ખિન્નતા (major depression) હોય છે. જીવનકાળ દરમિયાન એકધ્રુવી (unipolar) ખિન્નતાનો વિકાર થવાની શક્યતા સ્ત્રીઓમાં 20 % અને પુરુષોમાં 10 % જેટલી છે. તે પુરુષો કરતાં સ્ત્રીઓમાં બમણા દરે થાય છે અને ગમે તે ઉંમરે થઈ શકે છે. 50 % દર્દીઓની ઉંમર 20 અને 50ની વચ્ચે હોય છે, સરેરાશ ઉંમર 40 વર્ષ ગણાય છે. તે દરેક પ્રજા(race)માં જોવા મળતો વિકાર છે. છૂટી પડેલી, છૂટાછેડા લીધેલી કે ઘનિષ્ઠ પારસ્પરિક સંબંધ વગરની વ્યક્તિઓમાં તે વધુ થાય છે. વ્યક્તિના સામાજિક કે આર્થિક દરજ્જા તથા શહેરી કે ગ્રામીણ વસવાટની મહત્તમ ખિન્નતા થવાની સંભાવના પર કોઈ અસર થતી નથી.

કારણો : તેના ચોક્કસ કારણની જાણ નથી. તેથી જૈવિક, જનીનીય (genetic) કે મનોસામાજિક પરિબળોની અસર વિશે સંકલ્પનાઓ કરાયેલી છે. ક્યારેક મનોદશાના વિકારો થાય ત્યારે મગજના કેટલાક ભાગોમાં વિકૃતિ ઉદભવેલી હોય છે. તેમનામાં તલગંડિકા (basal ganglia), અધશ્ચેતક (hypothalamus) તથા લિમ્બિક સિસ્ટિમમાં વિકૃતિ ઉદભવેલી હોય છે. જે દર્દીઓને મગજના બિનપ્રભાવી (non dominant) અર્ધગોળના ઉપર જણાવેલા વિસ્તારોમાં રોગને કારણે ઉત્તેજનશીલ રોગવિસ્તારો (excitatory lesions) થાય છે તેમને પણ ખિન્નતાનો વિકાર થઈ આવે છે. એક જ કુટુંબની વ્યક્તિઓમાં મહત્તમ ખિન્નતાના દર્દીઓ જોવા મળે છે. તેથી જનીનીય ઘટકો પણ તેને માટે કારણભૂત મનાય છે.

મનોસામાજિક કારણો : જીવનમાં બનતા બનાવો તથા આસપાસના વાતાવરણથી જન્મતા તણાવને ખિન્નતાના વિકાર સાથે સંબંધ છે. કેટલાક તબીબો જીવનમાં બનતા બનાવોને પ્રાથમિક અને મહત્વના કારણરૂપ ગણે છે. અન્ય નિષ્ણાતો જીવનના બનાવોને આટલું મહત્વ આપતા નથી. 11 વર્ષની ઉંમર પહેલાં માતા કે પિતાને ગુમાવવાં અને વિકારની શરૂઆત વખતે જીવનસાથીને ગુમાવવો વગેરે પરિસ્થિતિઓને મહત્તમ ખિન્નતાના વિકાર સાથે કારણ રૂપે સાંકળી શકાય છે.

માંદગી પહેલાંનું વ્યક્તિત્વ : કોઈ પણ ચોક્કસ પ્રકાર કે લઢણ(trait)વાળું વ્યક્તિત્વ ખિન્નતાના વિકારમાં કારણરૂપ ગણાતું નથી. અન્ય પર આધારિત કે મનોદાબથી વારંવાર એકનું એક કાર્ય કરવાવાળી (obsessive compulsive) વ્યક્તિ તથા તાણ આવતી (hysterical), ભયપીડિત કે વ્યામોહિત (paranoid) વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિમાં તેનું પ્રમાણ ઓછું રહે છે.

લક્ષણો અને ચિહનો : મુખ્ય લક્ષણો દબાયેલી મનોદશા, આસપાસના વાતાવરણમાં રસનો ઘટાડો અથવા ખુશીમાં ઘટાડો છે. દર્દી હતાશ થઈ જાય અથવા પોતાને કોઈ કિંમત વગરનો અનુભવે. તેને પીડાકારક લાગણીઓ ઉદભવે અને તેથી તે વધુ પડતો દારૂ પીવા માંડે. લગભગ દર્દીઓને આપઘાત કરવાની લાગણી થઈ આવે અને 10 %થી 15 % દર્દીઓ તે કરવાનો પ્રયત્ન પણ કરે. કેટલાક દર્દીઓ રડી ન શકવાની ફરિયાદ કરે છે. કેટલાક દર્દીઓ ખિન્નતાને લગતી કોઈ ફરિયાદ જ કરતા નથી. પરંતુ તેઓ કુટુંબ, મિત્રો અને તેમની પ્રવૃત્તિથી દૂર ભાગતા હોય છે. લગભગ બધા જ દર્દીઓ (97 %) શારીરિક શક્તિ ઘટી ગઈ છે એમ ફરિયાદ કરે છે અને તેથી તેઓ તેમનાં કામ પૂરાં કરી શકતા નથી અને નવાં કામ ઉપાડવા માટે ઓછા ઉત્સુક હોય છે. 80 % દર્દીઓ ઓછી ઊંઘની ફરિયાદ કરે છે અને તેથી તેઓ કાં તો વહેલા ઊઠી જાય છે અથવા રાત્રિ દરમિયાન વારંવાર ઊઠે છે અને પોતાની તકલીફો વિશે વિચાર્યા કરે છે. ઘણા દર્દીઓનો ખોરાક ઘટે છે અને તેથી વજન પણ ઘટે છે. જોકે કેટલાક દર્દી વધુ ખાય છે, વધુ ઊંઘે છે અને તેમનું વજન પણ વધે છે. ક્યારેક ખોરાકની બદલાયેલી ટેવ તેમના મધુપ્રમેહ, લોહીનું વધુ દબાણ, લાંબા ગાળાનો અવરોધજન્ય ફેફસાંનો રોગ, હૃદયના રોગ કે અન્ય રોગોના નિયંત્રણને અવળી અસર પહોંચાડે છે. ક્યારેક ઋતુસ્રાવ અનિયમિત થાય છે અને મનોવિકારી ચિંતા (anxiety neurosis) અને ભયની સાથે તેમનું લૈંગિક જીવન પણ અસરગ્રસ્ત થાય છે. તેઓ દારૂ પીતા થાય છે, તેમને કબજિયાત થાય છે, વારંવાર માથું દુખે છે. આ બધાં પરિબળો તેમની ખિન્નતાની સારવારમાં મુશ્કેલીઓ સર્જે છે. મોટા ભાગના દર્દીઓમાં સવારે વધુ તકલીફ હોય છે અને સાંજે ઓછી હોય છે. 84 % દર્દીઓ એકાગ્રતા અને 67 % દર્દીઓ વિચારવાની ક્ષમતા ઓછી થઈ છે એમ જણાવે છે.

નાનાં બાળકો અને કુમારાવસ્થા(adolescence)માં જ્યારે ખિન્નતા થાય ત્યારે તેમને શાળાએ જવાનો ભયજન્ય વિરોધ અથવા તેની ભીતિ (phobia) થાય છે અને માબાપને તેઓ વળગી રહે છે. ક્યારેક તેમનું ભણવાનું કથળે છે. તે દવાઓની લતે ચડે છે, સમાજવિરોધી પ્રવૃત્તિમાં કે જાતીય વ્યભિચારમાં ફસાય છે અને ક્યારેક ઘેરથી ભાગી જાય છે.

મન:સ્થિતિનો અભ્યાસ : (i) ખિન્નતાના બનાવ સમયે વ્યાપકપણે મનશ્ચલ(psychomotor)માં ઘટાડો થાય છે. જોકે કેટલાક દર્દીઓમાં, ખાસ કરીને મોટી ઉંમરે તે વધે છે. ખિન્ન દર્દી આગળથી વાંકો વળેલો, ઓછું હલનચલન કરતો, નીચે જોતો અથવા અવળી બાજુ જોતો હોય છે. ક્યારેક તે હાથ આમળ્યા કરે કે વાળ ખેંચ્યા કરતો હોય છે. ખિન્નતા હોવા છતાં ઘણા દર્દીઓની લાગણીઓની અભિવ્યક્તિ એવી હોય છે કે તેઓ ખિન્ન હોવા વિશે નકારે તેમજ તેઓ ખિન્ન લાગે પણ નહિ. તીવ્ર મનોવિકારી ખિન્નતા(psychotic depression)ના દર્દીઓને ભ્રાન્તિ (delusion) અને વિભ્રમ (hallucination) થાય છે અને તેઓ અતિશય ખિન્નતાને કારણે લગભગ મૂંગા બની જાય છે અને સ્નાન કરતા નથી અને બધું બગાડે છે. તેમની હતાશ મનોદશા તેમને અપરાધીપણું, પાપીપણું, કિંમત વગરના હોવું, ગરીબાઈથી નિષ્ફળ થવું, પજવણી (persecution) તથા કૅન્સર કે અન્ય છેલ્લા તબક્કાની બીમારી હોવી વગેરે પ્રકારની ભ્રાંતિ થાય છે. તેઓ હંમેશાં અવળું અને નકારાત્મક વિચારે છે અને તેમને વારંવાર નુકસાન, ખોટ, અપરાધીપણું, પાપી હોવાપણું, આપઘાત કે મૃત્યુના વિચારો આવ્યા કરે છે. તેમની વાણી ધીમી અને મંદ પડે છે તથા તેઓ ઓછા શબ્દોમાં થોડી વારે જવાબ આપે છે.  દર્દીઓને આપઘાતના વિચારો આવે છે જ્યારે 10 %થી 15 % દર્દી આપઘાત કરે છે. કેટલાક તેમના ભ્રાન્ત વિચારોમાં આવતી વ્યક્તિને મારવા પણ માગે છે. મોટા ભાગના લોકો આસપાસની વ્યક્તિ, સ્થળ અને સમય અંગે સભાન હોય છે પરંતુ તેના વિશેના સવાલોના ભાગ્યે જ જવાબ આપે છે. મોટા ભાગના દર્દીઓ એકાગ્રતા તથા યાદશક્તિ ઘટી હોવાની ફરિયાદ કરે છે અને 50 %થી 75 % દર્દીઓ ભુલકણા થઈ જાય છે. તેને મિથ્યા મનોભ્રંશ (pseudodementia) કહે છે. તેઓ જે કહે છે તેમાં જીવનના ખરાબ પાસાને તેઓ વધુ મોટું દર્શાવે છે. દર્દીની ખિન્નતાને માપવા માટેનાં વિવિધ માપકો (scales) ઉપલબ્ધ છે, જેમ કે ઝંગનો સ્કૅલ, રસ્કિનનો સ્કૅલ, હેમિલ્ટનનો ખિન્નતા સ્કૅલ.

રોગવિકાસ અને પૂર્વાનુમાન : ઉંમર વધવાની સાથે ખિન્નતાના હુમલા વધતા જાય છે. ફક્ત મહત્તમ ખિન્નતાના 5 %થી 10 % દર્દીઓ 6થી 10 વર્ષમાં ઉન્માદકારી હુમલાથી પણ પીડાય છે. સામાન્ય રીતે સરેરાશ 32 વર્ષની ઉંમરથી આવું બને છે અને તે વખતે ખિન્નતાના 2 કે 4 હુમલા થયેલા હોય છે. મહત્તમ ખિન્નતા એકચક્રીય (cyclic) વિકાર છે જેમાં માંદગીના હુમલા અને સામાન્ય મનોદશાના વારાફરતી આવતા તબક્કા હોય છે. 50 %થી 85 % દર્દીઓને 4થી 6 મહિનામાં બીજો હુમલો થઈ આવે છે; પરંતુ લગભગ 50 % દર્દીઓ લાંબા સમય સુધી માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખી શકે છે, 30 % દર્દીમાં તે મધ્યમ સ્તરે બગડે છે અને 20 % દર્દીમાં તેનો બગાડ ઘણો વધુ હોય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં માનસિક સ્વાસ્થ્ય લાંબા સમય સુધી બગડતું જોવા મળે છે.

ઉપપ્રકારો : તેને સંખ્યાની ર્દષ્ટિએ એક હુમલો કે વારંવાર થતા હુમલા – એમ બે પ્રકારમાં અથવા તીવ્રતાની ર્દષ્ટિએ મંદ, મધ્યમ અને તીવ્ર  એમ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે ખિન્ન મનસ્કતા- (dysthymia)ના વિકાર સાથે મહત્તમ ખિન્નતાનો વિકાર પણ ઉમેરાય તો તેને દ્વિગુણિત ખિન્નતા (double depression) કહે છે.

નિદાનભેદ : મહત્તમ ખિન્નતાને શારીરિક બીમારીઓ જેવી કે પાર્કિન્સનનો રોગ, મનોભ્રંશ (dementia), એલ્તસહાઇમઝનો રોગ, અપસ્માર (epilepsy), પક્ષાઘાત, મગજની ગાંઠ તથા દવાઓની આડઅસરોથી અલગ પાડવામાં આવે છે. ક્યારેક મનોવિકારી ચિંતા અને વિચ્છિન્ન વ્યક્તિત્વ(schizophrenia)થી પણ તેને અલગ પાડવી જરૂરી બને છે.

સારવાર : તેની સારવારનાં સારાં પરિણામ આવે છે. તેની વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ છે. આપઘાત કે ખૂનનો ભય હોય તો હૉસ્પિટલમાં દાખલ કરાય છે. તેવી જ રીતે ખોરાક, કપડાં અને વસવાટ ન થઈ શકે તેવી સ્થિતિ હોય કે નિદાનલક્ષી તપાસ કરવાની હોય તોપણ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. મંદ તીવ્રતાવાળા ખિન્નતાના દર્દીને વારંવાર તપાસીને સારવાર કરાય છે. તેને હૉસ્પિટલમાં દાખલ કરવો જરૂરી હોતો નથી. સારવારનો મુખ્ય આધાર દવાઓ છે. વીજ-આંચકીકારી ચિકિત્સા (electro-convulsive therapy, ECT) ખૂબ અસરકારક રહે છે. દવાઓ અને ECTની સાથે મનશ્ચિકિત્સા (psychotherapy) પણ અપાય છે.

રાજેશ મણિયાર