ક્ષયપ્રતિરક્ષક રસી (BCG) : ક્ષયના જીવાણુ(bacteria)ના ચેપ સામે રક્ષણ આપવા માટે વપરાતી રસી. તે માયકોબૅક્ટેરિયમ ટ્યૂબર્ક્યુલૉસિસ બોવાઇન નામના, પશુઓમાં ક્ષય કરતા મંદરોગકારિતાવાળા  અથવા અલ્પબલિષ્ઠકૃત (attenuated) Calmette-Guerin ઉપપ્રકાર(strain)ના જીવાણુમાંથી બનાવાય છે BCGને આલ્બર્ટ કાલ્મેટ અને કેનિલી ગ્વેરિન 1921માં શોધ્યું હતું અને તેથી તે તેમના નામ પરથી Bacille Calmette-Guerin (BCG)ની સંજ્ઞા વડે ઓળખાય છે. તેના વડે વસ્તીમાં ક્ષયના ચેપનો ફેલાવો અટકાવી શકાતો નથી. પરંતુ તે વ્યક્તિને નવો પ્રાથમિક ચેપ લાગવા સામે અને તેની આનુષંગિક તકલીફો (complications) સામે રક્ષણ આપે છે. તે રોગના જીવાણુ સામેના પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ(immune response)ને બળવત્તર કરીને પેશીની ઈજા અને શરીરમાં જીવાણુનો વ્યાપક ફેલાવો અટકાવે છે.

સામાન્ય રીતે 0.1થી 0.4 મિલિયન જીવિત જીવાણુઓની માત્રામાં ચામડીની અંદર ઇંજેક્શન રૂપે રસી અપાય છે. ભારતમાં 1948થી BCGની રસી આપવાનો કાર્યક્રમ અમલમાં છે. બે પ્રકારની રસી ઉપલબ્ધ છે : પ્રવાહી અને શીત-શુષ્ક (freeze-dried). અતિશય ઠંડા કરેલા સૂકા (શીત-શુષ્ક) દ્રવ્યમાં નિસ્યંદિત (distilled) પાણી ઉમેરીને પ્રવાહી રસી બનાવાય છે. ભારતમાં 1931થી ડેનિશ ઉપપ્રકાર વપરાય છે. શીત-શુષ્ક પાઉડરને ઘરના રેફ્રિજરેટરના વચલા ખાનામાં અથવા આઇસ-બૉક્સમાં +2oથી -8o સે. વચ્ચે જાળવી રખાય છે. સીધો કે આડકતરો સૂર્યપ્રકાશ તેની ક્ષમતામાં 30 %થી 50 % જેટલો ઘટાડો કરે છે. પ્રવાહી ઉમેરીને તૈયાર કરેલી રસી 3 કલાકમાં વાપરી નખાય છે. શીત-શુષ્ક રસી તેની બનાવટની તારીખથી 1 વર્ષ સુધી કાર્યક્ષમ રહે છે. તૈયાર કરેલી રસીની 0.1 મિલિ. જેટલી માત્રા ડાબા હાથના ખભા પાસે આવેલા ડેલ્ટોઇડ સ્નાયુ પરની ચામડીમાં ઇંજેક્શન દ્વારા અપાય છે. તે સમયે કોઈ જીવાણુનાશક (antiseptic) પદાર્થ વાપરવામાં આવતો નથી. તે નવજાત શિશુને જન્મસમયે કે 3 મહિનાની અંદર અપાય છે. મોટી ઉંમરે ક્ષયના દર્દીના સીધા અને નજીકના સંપર્કમાં આવતી અને નકારાત્મક ક્ષયનિદાન કસોટી (Mantoux test અથવા tuberculin test) ધરાવતી વ્યક્તિને ગમે તે ઉંમરે અપાય છે.

32 અઠવાડિયાંથી નાના અપરિપક્વ (pre-mature) નવજાત શિશુને, 2 કિગ્રા.થી ઓછું વજન ધરાવતા નવજાત શિશુને, પ્રતિરક્ષા-ઊણપ (immunodeficiency) ધરાવતી વ્યક્તિને કે ઓરી (measles) કે અન્ય વિષાણુજન્ય ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિને BCGની રસી અપાતી નથી. તેવી જ રીતે BCGની સાથે ઓરી કે MMRની રસીઓ પણ અપાતી નથી.

ચામડીની અંદર ઇંજેક્શન આપ્યા પછી તરત જ તે સ્થળે 7થી 8 મિમી.ના વ્યાસનો નાનો સફેદ સોજો (wheal) થાય છે જે 20-30 મિનિટમાં શમે છે. ત્યાર બાદ ક્ષયનો ચેપ લાગ્યો ન હોય તેવી વ્યક્તિને 2થી 3 અઠવાડિયાં કશું જ થતું નથી. ત્રીજા કે ચોથા અઠવાડિયે તે સ્થાને એક નાની ફોલ્લી (papule) થાય છે. ચોથા કે પાંચમા અઠવાડિયે 5થી 8 મિમી.ની રક્તિમા(erythema)વાળી ફોલ્લી જોવા મળે છે. છઠ્ઠા અઠવાડિયે તે 8થી 10 મિમી. થાય છે. ચોથા અઠવાડિયાથી તેના પર નાનો પોપડો (crust) જામે છે જે પાંચમા કે છઠ્ઠા અઠવાડિયે ઊખડી જઈને 5-6 મિમી.નું ચાંદું (ulcer) બનાવે છે. તે ધીમે ધીમે રુઝાય છે અને 3 મહિને ત્યાં 5થી 7 મિમી.ની સફેદ રૂઝપેશી (scar) થાય છે. તેના મધ્યમાં કાળાશ જોવા મળે છે.

ક્યારેક થોડી આનુષંગિક તકલીફો અથવા આડઅસરો જોવા મળે છે; દા.ત., ઇંજેક્શનના 72 કલાકમાં ત્યાં સોજો આવે, ઇંજેક્શનને સ્થાને ગૂમડું થાય, રૂઝપેશીમાં કિલૉઇડ થાય, ચામડીમાં લુપસ વલ્ગારિસ નામનો ક્ષયનો ઉપપ્રકાર વિકસે, બગલમાં લસિકાગ્રંથિઓ મોટી થાય, તાવ આવે, છાતીના પોલાણમાં લસિકાગ્રંથિઓ મોટી થાય, ગંડિકામય રક્તિમા (erythema nodosum) થાય, અન્યત્ર ક્ષયની લઘુગંડિકાઓ (tubercles) થાય, શરીરમાં વ્યાપક પ્રમાણમાં ક્ષય પ્રસરે વગેરે. ઉપર જણાવેલી તકલીફોમાં ક્ષયવિરોધી દવાઓની સારવાર અપાય છે. સામાન્ય રીતે 80 %થી વધુ કિસ્સામાં તે 15 વર્ષ સુધી રક્ષણ આપે છે.

શિલીન નં. શુક્લ

કુસુમ શાહ