ક્ષયનિદાન-કસોટી (tuberculin test, Mantoux test) : ક્ષયના જીવાણુનો ચેપ લાગ્યો છે કે નહિ તે દર્શાવતી કસોટી; પરંતુ તેના વડે ક્ષયનો રોગ સક્રિય છે કે નહિ તે જાણી શકાતું નથી. તેને ફ્રેન્ચ તબીબ માન્તૂએ શોધી હતી. શરીરમાં ક્ષયના જીવાણુ પ્રવેશે એટલે કોષીય પ્રતિરક્ષા (cellular immunity) ઉત્તેજિત થાય છે. તેને કારણે મોડેથી ઉદભવતી (વિલંબિત) અતિસંવેદનશીલતા (delayed hypersensitivity) થાય છે. ક્ષયનિદાન-કસોટી આ પ્રકારના પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવની હાજરી/ગેરહાજરી દર્શાવે છે. નાનાં બાળકોમાં નકારાત્મક કસોટી હોય તો તેમને ક્ષયનો સક્રિય રોગ હોતો નથી.

માયકોબૅક્ટેરિયા ટ્યૂબર્ક્યુલૉસિસ નામના જીવાણુ (bacteria) ક્ષયનો રોગ કરે છે તેના શુદ્ધ કરેલા વ્યુત્પન્ન પ્રોટીન દ્રવ્ય(purified protein derivative, PPD)નો ઉપયોગ કરીને આ કસોટી કરાય છે. હાથના કોણીથી નીચેના ભાગની હથેળી તરફની સપાટી પર 1 TU (0.00002 મિગ્રા. PPD)ની માત્રામાં ચામડીની અંદર ઇંજેક્શન અપાય છે. તેને માટે વિશિષ્ટ સિરિંજ અને સોય વપરાય છે. 1 TU, PPDને 0.005 % tween-80 (ડિટરજન્ટ)વાળા તથા 7.38 pHવાળા ફૉસ્ફેટ સંતુલિત (buffered) ક્ષારજળ (saline) સાથે ભેળવવામાં આવે છે અને ત્યાર પછી તેનું ઇંજેક્શન અપાય છે.

72 કલાક પછી ચામડી પર થયેલા ફેરફારનું અવલોકન કરાય છે. ઇંજેક્શનને સ્થાને રક્તિમા (erythema) અને કઠિનતા (induration) થાય છે અને તેને કારણે ચામડી પર લાલાશ પડતો સોજો આવે છે. 1 મિમી.ની જાડાઈવાળા સોજાનો વ્યાસ માપવામાં આવે છે. જો તે 10 મિમી. કે વધુ હોય તો હકારાત્મક કસોટી ગણાય છે. ક્યારેક ત્યાં ફોલ્લો (vesicle) થાય છે અને તેમાં પાછળથી ચાંદું (વ્રણ, ulcer) પડે છે. ચાંદાની સારવાર આઇસોનિયાઝિડથી કરાય છે. તે એકાદ મહિનામાં મટે છે.

ક્યારેક ખોટી રીતે નકારાત્મક પરિણામ આવે છે; દા.ત., રોગનો ઇન્ક્યુબેશન પિરિયડ નામનો તબક્કો હોય, દર્દીની પ્રતિરક્ષાક્ષમતા (immunocompetence) ઘટેલી હોય, દર્દીને સાર્કોઇડોસિસ નામનો રોગ થયેલો હોય. ખૂબ તાવ, નિર્જલન કે સ્થાનિક રુધિરાભિસરણની ખામી હોય, ઇંજેક્શનવાળા અંગનો લકવો હોય, વ્યાપક અને ફેલાયેલો તેમજ ખૂબ અશક્ત કરતો ક્ષય કે કૅન્સરનો રોગ થયેલો હોય, કુપોષણ હોય, બાળકોમાં ઓરી, અછબડા કે અન્ય વિષાણુજન્ય રોગ હોય કે ઋતુસ્રાવ કે સ્તન્યપાન(lactation)કાળ હોય. આવા સંજોગોમાં દર્દીને ક્ષયનો સક્રિય રોગ હોય તોપણ ક્ષયનિદાન-કસોટી નકારાત્મક પરિણામ આપે છે.

હાલ ક્ષયના નિદાન માટે lgM અને lgG પ્રકારનાં વિશિષ્ટ પ્રતિદ્રવ્યો(specific antibodies)નું લોહીમાંનું પ્રમાણ જાણી શકાય છે. તેના વડે વધુ સચોટ નિદાન કરી શકાય છે એમ મનાય છે.

કુસુમ શાહ

શિલીન નં. શુક્લ