ક્ષય, જવગંડિકાકારી (miliary tuberculosis) : શરીરમાં વ્યાપક રૂપે બાજરી કે જવના નાના નાના દાણા જેવી નાની નાની ગંડિકારૂપે ફેલાતો ક્ષયનો રોગ થવો તે. એક્સ-રે-ચિત્રણમાં ફેફસાંમાં જવના દાણા જેવા નાના નાના અને લગભગ એકસરખા ડાઘા જોવા મળે છે. તે ઉગ્રસ્વરૂપે અથવા ધીમે ધીમે લાંબા ગાળા સુધી વિકસતા રોગ રૂપે જોવા મળે છે. નાનાં બાળકોમાં તે ઉગ્ર સ્વરૂપે જોવા મળે છે અને તેમાં મૅનિન્જાઇટિસ થાય છે, જ્યારે મોટી ઉંમરે ધીમે ધીમે વધતો રોગ જોવા મળે છે. વજનનો ઘટાડો, થાક, ધીમો ઝીણો તાવ, અરુચિ વગેરે અવિશિષ્ટ લક્ષણો થાય છે. ક્યારેક લાંબા સમયના ધીમા અને નિદાન ન થઈ શકેલા તાવ રૂપે તે જોવા મળે છે. રોગ શરીરના ગમે તે એકથી વધુ અવયવને અસરગ્રસ્ત કરે છે. રોગ હોવાની શંકા જેટલી વધારે, તેટલી નિદાન થવાની શક્યતા વધારે. નિદાન માટેની વિવિધ પ્રક્રિયાઓ ક્ષયના રોગ જેવી જ છે. રોગનો ફેલાવો લોહી દ્વારા થાય છે. તેને કારણે ફેફસાંમાં ક્ષય, પરિફેફસીશોથ (pleuritis), પરિહૃદ્શોથ (pericarditis), મૅનિન્જાઇટિસ, જળોદર, આંતરડાંનો ક્ષય વગેરે વિવિધ પ્રકારના ક્ષયના રોગ થાય છે. ઓછામાં ઓછી 3 દવા વડે 1 વર્ષ માટે ક્ષયના રોગની સારવાર કરાય છે.

શિલીન નં. શુક્લ