ક્લૉપસ્ટૉક, ફ્રેડરિક

January, 2010

ક્લૉપસ્ટૉક, ફ્રેડરિક (જ. 2 જુલાઈ 1724, ક્વેદ્લિંગબર્ગ, સૅક્સની, અ. 14 માર્ચ 1803, હેમ્બર્ગ) : પ્રથમ અર્વાચીન જર્મન કવિ. જર્મન સાહિત્યના નવવિધાનકાળને સમૃદ્ધ કરવામાં તેમણે મોટો ફાળો આપ્યો છે. શ્લેગલ, શીલર, લેસિંગ, ગટે આદિ કવિજનો સામે ક્લૉપસ્ટૉકે તૈયાર કરેલી અર્વાચીન ઊર્મિકવિતાની એક ભૂમિકા હતી. મિલ્ટનની સીધી અસર નીચે આ ક્લૉપસ્ટૉકે ઈશુની જીવનગાથા આલેખતું મહાકાવ્ય ‘મસાયા’ લખ્યું; પણ આ લોકપ્રિય કાવ્ય તેની અનાવશ્યક લંબાઈ અને એકવિધતાને કારણે થોડા સમય પછી વીસરાઈ ગયું. પ્રશિષ્ટ હેક્ઝામીટર છંદમાં રચાયેલ આ મહાકાવ્યનો ઉત્તમાંશ નિસર્ગવર્ણનોનો છે. ક્લૉપસ્ટૉક વિશેષ ઉલ્લેખનીય છે તેમનાં ઉદબોધન-કાવ્યોને કારણે. પ્રશિષ્ટ છંદો અને આગવી લયલઢણો ઉપજાવતાં, તેમણે પ્રયોજેલા મુક્ત છંદોમાં જે ઊર્મિકાવ્યો રચ્યાં છે તેનાથી અર્વાચીન જર્મન કવિતાની આરંભની ભૂમિકા બંધાઈ હતી. જર્મન ભાષાએ સૌપ્રથમ ચોખ્ખો શ્વાસ એમની કવિતામાં લીધો એમ કહેવાયું છે.

નલિન રાવળ