ક્લૉનિડીન : લોહીનું દબાણ ઘટાડતું એક ઔષધ. ક્લૉનિડીન α2-એડ્રિનર્જિક પ્રકારના અનુકંપી સ્વીકારકો(sympathetic receptors)નું વિશિષ્ટ રીતે (selectively) ઉત્તેજન કરે છે. તે દ્વારા તે લોહીનું દબાણ ઘટાડે છે, ઘેન લાવે છે તથા હૃદયના ધબકારા ધીમા કરે છે. જો નસ વાટે તે અપાય તો સૌપ્રથમ લોહીનું દબાણ વધે છે અને ત્યાર પછી તે ઘટે છે. જોકે મોં વાટે દવા આપવામાં આવે ત્યારે લોહીનું દબાણ વધતું નથી. તે મસ્તિષ્કપ્રકાંડ(brain stem)માંના વાહિનીપ્રેરક કેન્દ્રના સ્વીકારકોનું ઉત્તેજન કરીને લોહીનું દબાણ ઘટાડે છે એમ મનાય છે, જોકે તેની અન્ય ગૌણ પ્રવિધિઓ (mechanisms) પણ વત્તેઓછે અંશે લોહીનું દબાણ ઘટાડવામાં કાર્યરત હોય છે.

મોં વાટે લીધા પછી લગભગ 100 % ઔષધ શરીરક્રિયા પર અસર કરવા માટે લોહીમાં પ્રવેશે છે. લોહીમાં તેનું મહત્તમ પ્રમાણ 1થી 3 કલાકમાં થતું જોવા મળે છે અને તેનો અર્ધક્રિયાકાળ (half life) 6થી 24 કલાક (સરેરાશ 12 કલાક) જેટલો હોય છે. લગભગ 50 % જેટલી દવા પેશાબ વાટે શરીરમાંથી નીકળે છે અને તેથી મૂત્રપિંડની નિષ્ફળતાવાળા દર્દી માટે તેની માત્રા(dose)માં ફેરફાર કરવો પડે છે. લાંબા સમય સુધી ક્લૉનિડીન આપ્યા પછી તેને અચાનક બંધ કરી દેવામાં આવે તો ક્યારેક લોહીનું દબાણ મૂળ દબાણ કરતાં પણ વધુ થઈ જાય છે. તેથી ક્લૉનિડીનને લેવાની એકદમ બંધ કરવી જોખમી ગણાય છે. તે સોડિયમનો સંગ્રહ વધારે છે અને તેથી તેની સાથે મૂત્રવર્ધક (diuretic) દવાનો ઉપયોગ જરૂરી ગણાય છે. મોં સુકાઈ જવું અને ઘેન ચડવું તે તેની મુખ્ય આડઅસરો છે. તેને કારણે ક્યારેક 50 % દર્દીઓ તેનો ઉપયોગ બંધ કરે છે. જોકે આ આડઅસરો લાંબા ગાળાની વપરાશ સાથે ઘટે છે. ક્યારેક જાતીય (લૈંગિક) ક્રિયાઓમાં વિક્ષેપ પડે છે. કેટલાક દર્દીઓમાં હૃદયના ધબકારા ઘટે છે. તે ખિન્નતા (depression) પણ લાવે છે.

ક્લૉનિડીનનો મુખ્ય ઉપચારલક્ષી ઉપયોગ લોહીનું દબાણ ઘટાડવાનો છે. તે મધુપ્રમેહને કારણે થતા ઝાડા ઘટાડે છે તથા આધાશીશી(migrain)ના રોગમાં થતા માથાના દુખાવાના હુમલાને ઘટાડવામાં પણ ઉપયોગી છે. નશાકારક પીડાનાશકો (narcotic analgesics); દા.ત., મૉર્ફિન વગેરેના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે જ્યારે વ્યસન છોડવામાં આવે ત્યારે થતી તકલીફોના નિવારણમાં ક્લૉનિડીન ઉપયોગી છે. વળી તે શસ્ત્રક્રિયા વખતે આપવી પડતી ઘેનકારક નિશ્ચેતના(anaesthesia)ની જરૂરિયાત ઘટાડે છે અને તેથી ઓછા ઔષધે અને લોહીના દબાણ અને વહનની વધુ સારી સ્થિતિ સાથે સામાન્ય નિશ્ચેતના આપી શકાય છે. મોટી ઉંમરની સ્ત્રીઓમાં નિયમિત ઋતુસ્રાવ બંધ થાય ત્યારે થતી તકલીફોના શમનમાં પણ તે ઉપયોગી છે. તેના ઇન્જેક્શનની મદદથી લોહીના દબાણમાં ફિઓક્રૉમોસાયટોમા જેવો કોઈ રોગ કારણભૂત છે કે નહિ તે દર્શાવી શકાય છે. ઊભા થવા સાથે અચાનક લોહીનું દબાણ ઘટી જાય તેને અંગવિન્યાસી અલ્પદાબ(postural hypotension) કહે છે. ક્લૉનિડીન તેની સારવારમાં ક્યારેક ઉપયોગી છે.

વિપુલ યાજ્ઞિક