ક્રૉમવેલ, ઑલિવર (જ. 25 એપ્રિલ 1599, હન્ટિંગ્ડન; અ. 3 સપ્ટેમ્બર 1658, લંડન) : સત્તરમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડના રાજાને પદભ્રષ્ટ કરીને સર્વસત્તાધીશ બનેલા સેનાપતિ. ક્રૉમવેલ ઑલિવર સીધાસાદા, ધાર્મિક મનોવૃત્તિવાળા સદગૃહસ્થ હતા. સંજોગોએ તેમને પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ બનાવ્યા. તેમના પિતા ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટના

ઑલિવર ક્રૉમવેલ

સભ્ય હતા. ક્રૉમવેલ ઑલિવર પણ 29મે વર્ષે પાર્લમેન્ટના સભ્ય બન્યા હતા. 1642માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે પોતાના આપખુદ રાજા ચાર્લ્સ પહેલા સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે ક્રૉમવેલ પાર્લમેન્ટના પક્ષના લશ્કરમાં દાખલ થયા. તેમને શરૂઆતમાં કર્નલ અને તે પછી લેફ્ટનન્ટ જનરલ બનાવવામાં આવ્યા. રાજા અને પાર્લમેન્ટ વચ્ચેના આ ગૃહયુદ્ધમાં શરૂઆતમાં પાર્લમેન્ટના લશ્કરનો પરાજય થવા લાગ્યો અને તેના આગળ પડતા નેતાઓ યુદ્ધમાં માર્યા ગયા, ત્યારે પાર્લમેન્ટે ક્રૉમવેલને ‘સેકન્ડ-ઇન-કમાન્ડ’નો હોદ્દો આપી લશ્કરની નેતાગીરી સોંપી. તેમણે તુરત જ લશ્કરનું નવનિર્માણ કર્યું તથા સૈનિકોને કડક શિસ્ત અને લશ્કરી તાલીમ વડે ‘વજ્રાંગ’ (Ironsides) બનાવ્યા. ક્રૉમવેલના આ વજ્રાંગોએ રાજાના શક્તિશાળી ગણાતા ઘોડેસવાર દળ(cavaliers)ને માર્સ્ટનમૂર અને નેઝબીની લડાઈઓમાં સખત હાર આપી. આખરે રાજા કેદ પકડાયા. પાર્લમેન્ટે તેમના ઉપર કામ ચલાવી તેમને ફાંસીની સજા કરી (1649).

આ પછી પાર્લમેન્ટે ઇંગ્લૅન્ડને કૉમનવેલ્થ, અર્થાત્, પ્રજાસત્તાક જાહેર કર્યું અને દેશનો વહીવટ ચલાવવા માટે એક સમિતિની રચના કરી. ક્રૉમવેલ આ સમિતિના ચૅરમૅન હતા. તેમણે આયર્લૅન્ડ અને સ્કૉટલૅન્ડમાં રાજાતરફી થતા બળવાને ક્રૂરતાથી કચડી નાખ્યા. તે પછી તેમણે લશ્કરી બળથી પાર્લમેન્ટને વિખેરી નાખી અને છેવટે લશ્કરના જ અફસરોની વિનંતીથી દેશના સર્વોચ્ચ ‘સંરક્ષક’(Lord Protector)નો હોદ્દો ધારણ કર્યો, જે પાછળથી આજીવન બનાવાયો. આ હોદ્દા ઉપરથી તેમણે લગભગ સરમુખત્યારી ઢબે શાસન કરવા માંડ્યું. જોકે તેમણે ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી; વહીવટી તંત્ર અને નાણાતંત્રમાં સુધારા કર્યા તથા દેશના વેપારનો વિકાસ કર્યો. નૌકાદળને મજબૂત બનાવી ઇંગ્લૅન્ડના વેપારી હરીફો હોલૅન્ડ તથા સ્પેનને પરાજય આપી તેમણે યુરોપમાં ઇંગ્લૅન્ડની પ્રતિષ્ઠા વધારી, તે વિદેશનીતિના ક્ષેત્રે તેમની મહાન સિદ્ધિ કહી શકાય.

ક્રૉમવેલના અવસાન પછી તેમની ઇચ્છા મુજબ તેમના પુત્ર રિચાર્ડ ક્રૉમવેલ લૉર્ડ પ્રોટેક્ટર બન્યા પરંતુ સાત જ મહિનામાં તે અને પ્રજા એકબીજાથી કંટાળી ગયાં. રિચાર્ડે રાજીનામું આપ્યું અને પ્રજાએ સામે ચાલીને રાજા ચાર્લ્સ પહેલાના દેશવટો ભોગવતા પુત્ર ચાર્લ્સ બીજાને પાછા બોલાવીને તેમને ગાદીએ બેસાડ્યા (1660). રાજાશાહીની આ પુન:સ્થાપના પછી બીજે જ વર્ષે રાજા ચાર્લ્સ બીજાના હુકમથી ક્રૉમવેલ ઑલિવરના શબને કબરમાંથી કાઢીને ફાંસીએ લટકાવવામાં આવ્યું. ક્રૉમવેલની શાસન કરવાની પદ્ધતિ કે રાજનીતિ વિશે વિદ્વાનોમાં મતભેદ હશે, પરંતુ તેમની દેશભક્તિ માટે તો કોઈને શંકા નથી.

દેવેન્દ્ર ભટ્ટ