ક્રિયેટિનીન, સીરમ-સપાટી

January, 2010

ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધવાને કારણે હંમેશાં મૂત્રપિંડની નિષ્ફળતાનું નિદાન કરી શકાતું નથી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી પર ખોરાકમાંના પ્રોટીનની અસર થતી નથી કેમ કે ક્રિયેટિનીન શરીરમાં ઉત્પન્ન થતું દ્રવ્ય છે તેથી મૂત્રપિંડ દ્વારા તેનો કેટલો ઉત્સર્ગ (excretion) થાય છે તેને આધારે તેની સીરમ-સપાટી નિશ્ચિત થાય છે. જોકે સીરમ ક્રિયેટિનીનનાં બે જોડે જોડે લેવાયેલાં આમાપનો (assays) અથવા માપકસોટીમાં ઘણી વખત તફાવત રહે છે. તેથી મૂત્રપિંડની કાર્યશીલતામાં થતા નાના નાના ફેરફારોને સીરમ-ક્રિયેટિનીનની સપાટીના અભ્યાસ પરથી નક્કી કરી શકાતા નથી. વળી સીરમ-ક્રિયેટિનીનની સપાટી ઉંમર સાથે પણ બદલાય છે (આકૃતિ-1). તેનું કારણ શરીરમાં ક્રિયેટિનીનનું ઉત્પાદન ઉંમર સાથે બદલાય છે. જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં ક્રિયેટિનીનનું ઉત્પાદન વધવાથી સીરમ-ક્રિયેટિન પણ ક્રમશ: વધે છે. 50 વર્ષથી વધુ વયે સ્નાયુઓનું કદ ઘટે છે અને તેથી ક્રિયેટિનીનનું ઉત્પાદન પણ ઘટે છે; પરંતુ તે સમયે મૂત્રપિંડની કાર્યશીલતા ઘટતી હોવાથી સીરમ-ક્રિયેટિનીનનું પ્રમાણ ઘટતું નથી. પિચના મત પ્રમાણે સીરમ-ક્રિયેટિનીનના અંકનું વ્યસ્ત (reciprocal) મૂલ્ય મૂત્રપિંડની કાર્યશીલતા વધુ ચોકસાઈથી દર્શાવે છે.

આકૃતિ 1 : સીરમ-ક્રિયેટિનીનની સપાટી પર ઉંમરની અસર

સીરમ-ક્રિયેટિનીન કરતાં ક્રિયેટિનીન-શોધન (creatinine clearance) ગણી કાઢવામાં આવે તો તે મૂત્રપિંડની કાર્યશીલતા તથા નિષ્ફળતાનું ચોક્કસ માપ આપે છે. ક્રિયેટિનીન-શોધન નીચેના સમીકરણ વડે ગણી શકાય છે :

ક્રિયેટિનીન-શોધનને ઝડપથી ગણી કાઢવા માટે આલેખ-ગણકો (nomograms) ઉપલબ્ધ છે.

સીરમ-ક્રિયેટિનીનને મિગ્રા../ડેલિ. તથા માઇક્રોમોલ/લિટરના એકમો વડે દર્શાવવામાં આવે છે. પુખ્ત પુરુષ અને પુખ્ત સ્ત્રીમાં જોવા મળતી સામાન્ય સપાટી સારણી 1માં દર્શાવી છે :

સારણી 1 : સીરમક્રિયેટિનીનની સામાન્ય સપાટી

વ્યક્તિ

સરેરાશ

(મિગ્રા. / ડે. લિ.)

(માઇક્રોમોલ / લિ.),

ઊંચાઈ

(સેમી.)

સરેરાશ ગાળો સરેરાશ ગાળો
પુખ્ત પુરુષ

પુખ્ત સ્ત્રી

174

163

0.97

0.77

0.72થી 1.22

0.53થી 1.01

85.7

68.1

63.6થી 107.9

46.8થી 89.3

સીરમ-ક્રિયેટિનીનની સપાટી અને ગુચ્છીગલન દર (glomerular filtration rate, GFR) વચ્ચેનો તફાવત 15 %થી 20 % જેટલો છે. તેથી સીરમ-ક્રિયેટિનીન સામાન્ય સંજોગોમાં 80 %થી 85 % જેટલી ચોકસાઈથી મૂત્રપિંડની કાર્યશીલતાનું સૂચન કરે છે. જ્યારે મૂત્રપિંડની નિષ્ફળતા ઊભી થાય ત્યારે તેની કાર્યશીલતાનો થોડોક પણ તફાવત સીરમ-ક્રિયેટિનીન દ્વારા જાણી શકાય છે.

પેશાબ અને લોહીમાંના સોડિયમ અને ક્રિયેટિનીનનું પ્રમાણ જાણીને તેનો ગુણોત્તર શોધવામાં આવે અને તેને ટકા રૂપે દર્શાવવામાં આવે તો મૂત્રપિંડની નિષ્ફળતાનો અંક શોધી શકાય છે. તેના વડે મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે કે અન્ય રોગો અને વિકારોને કારણે પેશાબનું ઉત્પાદન ઘટ્યું છે તે જાણી શકાય છે.

સીરમ-ક્રિયેટિનીનનો ઉપયોગ આમ મૂત્રપિંડની કાર્યશીલતા જાણવા માટે, મૂત્રપિંડની નિષ્ફળતાનું નિદાન તથા તેની તીવ્રતા જાણવા માટે, મૂત્રપિંડ કે મૂત્રપિંડ-પૂર્વ રોગો વચ્ચે નિદાનનો ભેદ નક્કી કરવા માટે તથા મૂત્રપિંડની નિષ્ફળતાની સારવારની અસર અને સફળતા જાણવા માટે કરાય છે.

શિલીન નં. શુક્લ