કોશિયા, ભૈરવી હેમંત

January, 2008

કોશિયા, ભૈરવી હેમંત (જ. 1 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : નૃત્યાંગના, નૃત્ય-નિર્દેશિકા, અભિનેત્રી, સમાચાર-વાચક અને ઉદઘોષિકા જેવાં કલાનાં વિવિધ ક્ષેત્રોમાં નામાંકિત ગુજરાતી મહિલા. વતન વીરમગામ. પિતાનું નામ નરેન્દ્ર વ્યાસ, જેઓ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ બકુલાબહેન. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. ભૈરવીબહેને એસ.એસ.સી.ની પરીક્ષા 1981માં, બી.એ.(અર્થશાસ્ત્ર–આંકડાશાસ્ત્ર)ની પરીક્ષા 1984માં અને એમ.એ.(અર્થશાસ્ત્ર–ક્વૉન્ટિટેટિવ ઇકૉનૉમિક્સ)ની પરીક્ષા 1986માં પસાર કરી છે. તેમણે ભરતનાટ્યમ્ નૃત્યશૈલીની તાલીમ મુખ્યત્વે ચિત્તુન્ની પન્નિકર પાસેથી તથા કુચિપુડી નૃત્યશૈલીની તાલીમ ભાસ્કર મેનન અને રાધા મેનન બેલડી પાસેથી લીધી છે. વર્ષ 1979માં તેમણે અગિયાર તાલીમાર્થી કન્યાઓ સાથે ‘નૃતિ’ (સ્કૂલ ઑવ્ ક્લાસિકલ ડાન્સીઝ ઍન્ડ પરફૉર્મિગ આર્ટ્સ) નામની સંસ્થાની સ્થાપના કરી, જેમાંથી ઑક્ટોબર, 2008 સુધી આશરે 2500 તાલીમાર્થીઓએ નૃત્યની તાલીમ લીધી છે અને તેમાંનાં 100 ઉપરાંત તાલીમાર્થીઓ એકલ અથવા જૂથમાં આરંગેત્રલમાંથી પસાર થયા છે. આ તાલીમાર્થીઓમાંથી ઘણા હવે વિવિધ સંસ્થાઓમાં નૃત્યની તાલીમ આપવાની પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. નૃત્ય પ્રત્યેના વિશેષ સમર્પણને કારણે તેમણે ‘નૃત્યકલાભૂષણ’ની પદવી પ્રાપ્ત કરી છે.

વર્ષ 1989થી તેમણે અમદાવાદ દૂરદર્શન પર ગુજરાતી સમાચાર-વાચકની કામગીરી સ્વીકારી, જે વર્ષ 2008ના અંત સુધી અવિરત ચાલી રહી છે. ગુજરાતનાં લગભગ બધાં જ નગરોમાં તથા ભારતનાં અન્ય રાજ્યોનાં મોટાં નગરોમાં તેમણે તેમના નૃત્યના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. આ ઉપરાંત, તેમણે અમેરિકા, ઇંગ્લૅન્ડ, યુરોપના કેટલાક દેશો, ઇન્ડોનેશિયા વગેરેની મુલાકાત લઈ ભારતના શાસ્ત્રીય નૃત્યકાર્યક્રમોનું પ્રસ્તુતીકરણ કર્યું છે અને ઘણી લોકચાહના મેળવી છે. ‘વાયબ્રન્ટ ગુજરાત’, નવરાત્રી મહોત્સવો, પતંગ-મહોત્સવ, તાનારીરી-મહોત્સવ, ચેન્નાઈ ખાતેનો પોંગલ મહોત્સવ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, કાનપુરનો અંતરાગ્નિ ફેસ્ટિવલ, કચ્છ ફેસ્ટિવલ જેવા વિખ્યાત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમણે તથા તેમનાં સાથી કલાકારોએ શાસ્ત્રીય એકલ અને સમૂહનૃત્યો ઉપરાંત લોકનૃત્યો પણ પ્રસ્તુત કર્યાં છે. આમાંથી મોટા ભાગના કાર્યક્રમો દૂરદર્શનની વિવિધ શૃંખલાઓ દ્વારા જે તે સમયે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ભૈરવી હેમંત કોશિયા

ભૈરવી કોશિયાને અત્યાર સુધી મળેલાં માનસન્માનમાં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર (2006–07), ભાવનગરની સ્પંદન ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ભાવરંગ સંગીત મહોત્સવ–2007’માં જાહેર સન્માન, ‘સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, અમદાવાદ સંસ્થા દ્વારા જાહેર સન્માન, સ્પૉર્ટ્સ ક્લબ તથા સિલ્વર ઓક લાયન્સ ક્લબ દ્વારા જાહેર સન્માન વગેરેનો સમાવેશ થાય છે. ભૈરવીબહેન કોશિયા નૃત્યસંયોજન (choreography) અને નૃત્યનિર્દેશનમાં પણ નિપુણતા ધરાવે છે. તેમણે કંડારેલી નૃત્યનાટિકાઓમાં ‘વૃક્ષાયન’, ‘મૃત્યુંજય માર્કણ્ડેય’, ‘શાકુંતલ’, ‘અહમ્ ભક્તો પરાધીનો’, ‘શ્રીકૃષ્ણલીલા’, ‘ओम् नमः शिवाय’, ‘મીરાંબાઈ’ વગેરે વિશેષ ઉલ્લેખનીય છે.

જાણીતી ગુજરાતી નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી નિર્મિત ગુજરાતી ફિલ્મમાં તેમણે ‘ભલી’ની યાદગાર ભૂમિકા ભજવી હતી. તે ઉપરાંત તેમણે કેટલીક દૂરદર્શન-શૃંખલાઓ, ટેલિફિલ્મો, રેડિયો-નાટકોમાં પણ પોતાની અભિનયકલાનો પરિચય આપ્યો છે.

તેમના પતિ હેમંત કોશિયા ગુજરાત રાજ્યના ‘ફૂડ ઍન્ડ ડ્રગ્સ’ ખાતાના સંયુક્ત કમિશનર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે