કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા

January, 2008

કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા (જ. 21 નવેમ્બર 1920, મસલીપટ્ટનમ્) : વિખ્યાત ભારતીય ગણિતશાસ્ત્રી. ચેન્નાઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પ્રિન્સ્ટન (અમેરિકા) યુ.એસ.એ.ની ઉચ્ચતમ (advanced) શિક્ષણ સંસ્થાની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઈમાં વરિષ્ઠ વ્યાખ્યાતા અને નાયબનિયામક (1949-1965) થયા. ભારત સરકારના મંત્રીમંડળની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય (1961-66), આંતરરાષ્ટ્રીય ગાણિતિક સંઘના અધ્યક્ષ (1974), સ્વિસ-તકનીકી સંસ્થા(ઝુરિચ)ના પ્રાધ્યાપક (1965) એમ વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. આ ઉપરાંત ભારતીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક અકાદમી(INSA)ના ફેલો, ભારતીય વિજ્ઞાન અકાદમીના ફેલો (1958), ફિનિશવિજ્ઞાન અને સાહિત્ય અકાદમીના સભ્ય (1975) અને ઑસ્ટ્રેલિયન વિજ્ઞાન અકાદમીના સભ્ય બન્યા (1966).

ગણિતની વિવિધ શાખાઓમાં તેમણે સંશોધન અને લેખનકાર્ય કર્યું છે. ઝીટા વિધેયના વિધેયિકી (functional) સમીકરણોના સિદ્ધાંતો પરના કાર્યથી તેમણે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. દેશ અને પરદેશમાં વિવિધ ખ્યાતનામ સામયિકોમાં સંશોધનપત્રો પ્રગટ કર્યાં અને ઉપવલયી (elliptic) વિધેયો, સંખ્યાનો વૈશ્લેષિક સિદ્ધાંત, ફૂરીએ (Fouries) રૂપાંતરણો વગેરે ઉપર વિવિધ ગ્રંથો લખી પ્રસિદ્ધ કર્યા. પરિણામે તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઍવૉર્ડ (1959) મળ્યો. વળી શાન્તિસ્વરૂપ ભટનાગર પારિતોષિક (1963) અને રામાનુજન્ ચંદ્રક (1966) પણ તેમને મળ્યા.

અરુણ વૈદ્ય

શિવપ્રસાદ મ. જાની