કૉકૉશ્કા, ઑસ્કાર (જ. 1 માર્ચ 1886, પોખલેર્ન, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1980, વિલેનુવે, સ્વિટ્ઝર્લેન્ડ) : અગ્રગણ્ય ઑસ્ટ્રિયન ચિત્રકાર, ચિત્રમુદ્રક (print maker) અને લેખક. તે વિયેનાની કલા અને હસ્તઉદ્યોગની શાળામાં 1904-09 અભ્યાસ કરતો હતો ત્યારે ગુસ્તાવ ક્લિમૅનની કલાથી પ્રભાવિત થયો હતો. કૉકૉશ્કાએ પોતાની આગવી શૈલી ઉપસાવી અને તેનું ઉદાહરણ 1909માં તેણે આલેખેલ ઑગસ્ટ ફોરેલની છબીમાં જોવા મળે છે. એ જ સાલમાં તેણે લખેલ ‘મર્ડર ધ હોપ ઑવ્ વિમેન’ નાટકે સ્ત્રીપુરુષ વચ્ચે વિવાદ સર્જ્યો. 1910માં તે બર્લિન જઈ ‘ડૅર સ્ટુર્મ’ નામના સામયિક સાથે સંકળાયેલ કલાવૃંદમાં જોડાયો.

ઑસ્કાર કૉકૉશ્કા

અભિવ્યક્તિવાદીઓની ચિત્રકલાનું આંદોલન જર્મની અને ઑસ્ટ્રિયામાં વીસમી સદીની વેદનાઓના પ્રત્યાઘાતરૂપે શરૂ થયું. આ પ્રકારની ચિત્રકલા અને ચિત્રકારોના બે જુદા વર્ગો છે. એક વર્ગ ગમે તેવી વિકૃતિમાં પણ કાંઈક ઓળખાય-સમજાય એવી આકૃતિઓ સર્જવામાં માનતો અને બીજો વર્ગ અમૂર્ત અને અહૈતુક (nonobjective) રૂપાલેખનમાં માનતો. ઑસ્કાર કૉકૉશ્કા આ બેમાંથી પ્રથમ વર્ગનો કલાકાર છે. 1914 પછી તે મહત્વનો કલાકાર ગણાવા લાગ્યો. ‘ધ પાવર ઑવ્ મ્યુઝિક’ (સંગીતનો પ્રભાવ) (1919) તેની આગવી શૈલીનું ચિત્ર છે. રાજકીય દબાણ સામે વિરોધી હોવાથી તેણે નાઝીવાદના સમયમાં જર્મની છોડ્યું અને 1938થી તે લંડનમાં બ્રિટિશ નાગરિક થઈ વસ્યો. 1953 પછી તેણે સ્વિટ્ઝર્લૅન્ડમાં વસવાટ કર્યો. વીસમી સદીની બૌદ્ધિક નીતિમત્તામાં તેનો ભવ્ય ફાળો છે.

કૃષ્ણવદન જેટલી