કોકોનાર : ચિંગહાઈ તરીકે ઓળખાતું ચીનનું સૌથી મોટું સરોવર. તિબેટના ઉચ્ચપ્રદેશની ઈશાને સમુદ્રની સપાટીથી 3205 મી.ની ઊંચાઈએ તે આવેલું છે. તેની લંબાઈ 106 કિમી. અને પહોળાઈ 64 કિમી. છે. તેનું ભૂરું પાણી આકર્ષક છે. તેની ઉત્તરે નાનશાન ગિરિમાળા અને દક્ષિણે કુનલુન પર્વતમાળાનો ફાંટો છે. કોકોનારની ઉત્તરે મોંગોલ અને દક્ષિણે તિબેટના લોકો વસે છે. અહીં 150થી 400 મિમી. વરસાદ પડે છે અને લોકો પશુપાલન ઉપર ગુજારો કરે છે. આ સરોવરને વાયવ્ય તરફથી બુકા નદી અને બુકાયીન નદી મળે છે. દક્ષિણ બાજુથી અનેક નાની નદીઓ તેને મળે છે. સરોવરનું પાણી ખારું હોઈ આર્થિક ર્દષ્ટિએ તેનું મહત્વ નથી.

શિવપ્રસાદ રાજગોર