કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’

January, 2008

કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’ (જ. 1921, તિરુચિરાપલ્લી તામિલનાડુ) : તમિળ ભાષાનાં લેખિકા. તેમની નવલકથા ‘ઓરુ કાવિરિયે પોલ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પ્રારંભિક શિક્ષણ તેમણે હોલી ક્રૉસ કૉલેજમાં લીધું અને પછી મદ્રાસ યુનિવર્સિટીની સ્ટૅન્લી મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી.

પોતાના તબીબી વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ તેમણે 100 નવલકથાઓ, 1,000 ટૂંકી વાર્તાઓ ઉપરાંત ઔષધવિજ્ઞાન સહિત અન્ય અનેક વિષયો વિશે લેખો લખ્યા. તેમની કેટલીક કૃતિઓના બીજી ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. વળી તેમની 2 નવલકથાઓ પરથી ચલચિત્રોનું નિર્માણ થયું છે.

નિર્ભેળ તથા નિર્મમ વાસ્તવચિત્રણ, ઓજસભરી વર્ણનશૈલી તથા દક્ષિણ આફ્રિકામાં આવી વસેલા પ્રવાસી તમિળોના જીવનનું માર્મિક દર્શન જેવી વિશેષતાઓના કારણે પુરસ્કૃત કૃતિ મહત્વની બની રહી છે.

મહેશ ચોકસી