કેશવાનંદ ભારતી કેસ

January, 2008

કેશવાનંદ ભારતી કેસ (1972) : ભારતીય બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અંગેનો જાણીતો કેસ. ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો, અગાઉના જાણીતા ગોલકનાથ કેસના ચુકાદાની અસર નષ્ટ કરતો, ભારતના બંધારણના 24, 25, 26 તથા 29મા સુધારાઓ(amendments)ને વૈધ જાહેર કરતો તથા મૂળભૂત અધિકારો સહિતના બંધારણના કોઈ પણ અનુચ્છેદ(article)માં સુધારા કરવાની સંસદની સત્તાને બહાલી આપતો આ શકવર્તી ચુકાદો (1972) છે.

આ કેસની વિગત મુજબ હિઝ હોલિનેસ કેશવાનંદ ભારતી શ્રીપાદગુલવરુ અને અન્ય વિરુદ્ધ કેરળ રાજ્ય વગેરેના કેસમાં અરજદારોએ બંધારણના અનુચ્છેદ 25, 26, 14, 19 (i) (f) અને 31 દ્વારા ભારતના નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની અમલ-બજવણી થાય તે હેતુથી અને તેના અનુસંધાનમાં તે અધિકારોનો ઉચ્છેદ કરતો 1963નો કેરળ જમીનસુધારા કાયદો તથા તે કાયદામાં સુધારાને લગતો 1969નો કાયદો ગેરબંધારણીય જાહેર કરવા માટે 1970માં સર્વોચ્ચ અદાલતમાં રિટ અરજી દાખલ કરી બંધારણના અનુચ્છેદ 32 અન્વયે દાદ માગી હતી. તે દરમિયાન સુધારા સાથેનો કેરળ જમીનસુધારા કાયદો 1971માં પસાર થયો અને તેને રાષ્ટ્રપતિએ બહાલી પણ આપી. પરિણામે આ નવી સર્જાયેલી પરિસ્થિતિમાં અરજદારોએ તેમની મૂળ અરજીમાં જરૂરી ફેરફાર કરી 1971નો કેરળ જમીનસુધારા કાયદો પણ ગેરબંધારણીય જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ વધારાની દાદ માગી હતી. અરજદારોની મૂળ અરજીમાં ફેરફાર કરવાની વધારાની માગણી સર્વોચ્ચ અદાલતે માન્ય રાખી હતી.

તે પહેલાં શંકરીપ્રસાદ વિ. ભારતીય સંઘ રાજ્યના કેસમાં સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે બંધારણમાં સુધારા કરવાને લગતા અનુચ્છેદ 368 હેઠળ સંસદે વિધિસર રીતે પસાર કરેલો કોઈ પણ કાયદો, બંધારણના ભાગ(part)-III હેઠળ બહાલ કરવામાં આવેલા કોઈ પણ મૂળભૂત અધિકારોનો ઉચ્છેદ કરતો હોય તો પણ તે કાયદો વૈધ (valid) ગણાય. સજ્જનસિંગ વિ. રાજસ્થાન કેસમાં સર્વોચ્ચ અદાલતે ફરી પોતાના આ મંતવ્યને ભારપૂર્વક બહાલી આપી હતી. પરંતુ તે પછીના જાણીતા આઈ. સી. ગોલકનાથ વિ. પંજાબ રાજ્ય કેસમાં સર્વોચ્ચ અદાલતે ઉપર્યુક્ત મંતવ્ય ફગાવી દઈને એવો નવો ચુકાદો આપ્યો કે બંધારણના ભાગ-III હેઠળ બક્ષવામાં આવેલા કોઈ પણ મૂળભૂત અધિકારોનો ઉચ્છેદ કરે કે તેના પર કાપ મૂકે એવો કોઈ પણ કાયદો, બંધારણના અનુચ્છેદ 368 હેઠળ પસાર કરવાની સંસદને કોઈ સત્તા નથી.

ગોલકનાથ કેસના આ ચુકાદાની અસર વિસર્જિત કરવા માટે બંધારણમાં 1971માં સંસદની બહાલીથી 24મો સુધારો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે મૂળભૂત અધિકારો સહિત બંધારણની કોઈ પણ જોગવાઈમાં સુધારા કરવાની સત્તા અસંદિગ્ધપણે સંસદને બહાલ કરવામાં આવી. ઉપરાંત, આ સુધારા હેઠળ બંધારણના અનુચ્છેદ 368 અન્વયે કરવામાં આવતા સુધારાઓને અનુચ્છેદ 13ની અસરથી મુક્ત કરવામાં આવ્યા. ગોલકનાથ કેસનો ચુકાદો યથાવત્ રહે ત્યાં સુધી આ જ ચુકાદા અન્વયે બંધારણના 24મા સુધારાને પણ પડકારી શકાય, એટલું જ નહિ પરંતુ બંધારણના ભાગ-III અન્વયે ભારતના નાગરિકોને બહાલ કરવામાં આવેલા મૂળભૂત અધિકારોને લગતા અનુચ્છેદમાં જ્યારે પણ કોઈ સુધારા દાખલ કરવામાં આવે ત્યારે તેને પણ પડકારી શકાય એવી રમૂજી (piquant) પરિસ્થિતિ સર્જાઈ. પરિણામે બંધારણના 24 (1971), 25 (1972) અને 29(1972)મા સુધારાઓ, જેને લીધે ભાગ-III હેઠળના મૂળભૂત અધિકારો પર વિપરીત અસર થવા પામી હતી તે બધા સુધારાઓને પડકારતી રિટ અરજીઓ ન્યાયાલયો સમક્ષ દાખલ કરવામાં આવી હતી. તેથી કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ એવો મુદ્દો ઉપસ્થિત થયો કે ગોલકનાથ કેસનો ચુકાદો યથાવત્ રાખવો કે તે ફગાવી દઈ નવેસરથી બધી જ આનુષંગિક બાબતો પર ફેરવિચારણા કરી નવો ચુકાદો આપવો ? કેસની સુનાવણી માટે સર્વોચ્ચ અદાલતના 13 ન્યાયમૂર્તિઓની બનેલી એક ખાસ પીઠ (bench) રચવામાં આવી હતી.

કેશવાનંદ ભારતી કેસ બંધારણના અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરી આપે છે. અનુચ્છેદ 368માં બંધારણમાં ફેરફાર કરવા માટે અનુસરવાની કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 13માં જે કાયદાથી મૂળભૂત અધિકારો છીનવાઈ જતા હોય, કે તેમનો વ્યાપ ઓછો થતો હોય, તે કાયદા, તેટલે અંશે બંધારણવિરુદ્ધ ગણાશે તેવી જોગવાઈ છે. વધુમાં તેમાં ‘કાયદો’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે.

કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઑવ્ કેરાલામાં બંધારણમાં ફેરફાર કરતા આ 24મા સુધારાને પડકારવામાં આવતાં કોર્ટે તેના ચુકાદામાં ઠરાવ્યું હતું કે : (1) સંસદની સામાન્ય ધારામાં ફેરફાર કરવાની સત્તા, અને તેની બંધારણમાં ફેરફાર કરવાની સત્તા પરસ્પર ભિન્ન છે. અનુચ્છેદ 13માં આપેલી ‘કાયદો’ શબ્દની વ્યાખ્યા માત્ર સામાન્ય ધારામાં ફેરફાર કરવાની સત્તાનો ઉપયોગ કરીને ઘડાયેલા ધારાને જ લાગુ પડે છે. તેમાં બંધારણમાં ફેરફાર કરવાની સત્તાનો ઉપયોગ કરીને ઘડાયેલા ધારાનો સમાવેશ થતો નથી. (2) અનુચ્છેદ 368 અન્વયે સંસદ બંધારણમાં ફેરફાર કરવાની વ્યાપક સત્તા ધરાવે છે. સંસદ આ સત્તાનો ઉપયોગ કરીને બંધારણના દરેક અનુચ્છેદમાં યથેચ્છ ફેરફાર કરી શકે છે. (3) તેમ છતાં સંસદ આ સત્તાનો ઉપયોગ બંધારણના મૂળભૂત માળખા (basic structure of the Constitution) હચમચાવે તેવો ધારો ઘડવા માટે કરી શકે નહિ. જો સંસદ સમાજનાં ભૌતિક સાધનોની માલિકી અને તેની ઉપરના અંકુશને સાર્વજનિક કલ્યાણના હેતુ માટે [જુઓ અનુચ્છેદ 39 (બી)] નિયંત્રિત કરતો ધારો ઘડે, અગર સમાજનાં ઉત્પાદનનાં સાધનો તેમજ સંપત્તિ માત્ર અમુક લોકોના હાથમાં જ ન આવી જાય તે માટે [જુઓ અનુચ્છેદ 39 (સી)] ધારો ઘડે તો તેવા ધારાથી નાગરિકના મિલકત ધારણ કરવાના (જુઓ અનુચ્છેદ 31) તેમજ સમાનતાના અધિકાર (જુઓ અનુચ્છેદ 14) સહિતના અન્ય સ્વાતંત્ર્યલક્ષી અધિકારો(જુઓ અનુચ્છેદ 19)નો ભંગ થાય છે; તેવા કારણસર પેલો ધારો બંધારણ વિરુદ્ધ બનતો નથી. આમ કેશવાનંદ કેસનો ચુકાદો ગોલકનાથના ચુકાદાની અસરને નષ્ટ કરી સંસદની બંધારણમાં ફેરફાર કરવાની સત્તાને બહાલ રાખતી ગોલકનાથ ચુકાદા પૂર્વેની બંધારણીય ભૂમિકાને પુન:સ્થાપિત કરે છે તેમ છતાં સંસદ બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન આવે તેવા ધારા ઘડવાની સત્તા ધરાવતી નથી.

બિપીન શુક્લ