કેવલકાન્તી – ગ્વિદો

January, 2008

કેવલકાન્તી, ગ્વિદો (જ. સંભવત: 1255; અ. 1300) : ઇટાલીના પ્રસિદ્ધ કવિ અને સક્રિય રાજકારણી. ફ્લૉરેન્સમાં રાજકીય શાન્તિ સ્થાપવાના ઉદ્દેશથી 1267માં વિરોધી પક્ષની કન્યા બિયાટ્રિસ દેગ્લી સાથે લગ્ન કર્યાં. 1280માં કાર્દિનલ લૅટિનો દ્વારા શાન્તિ સંઘના સભ્ય બન્યા. 1283થી પ્રસિદ્ધ મહાકવિ ડૅન્ટી સાથે મૈત્રી સધાઈ. 1284માં ગ્રાન્ડ કાઉન્સિલના અને ગ્વેલ્ફ પક્ષના સભ્ય બન્યા, પરંતુ આ પક્ષમાં ભાગલા પડતાં તે શાન્તિના હિમાયતી સર્સિની પક્ષમાં જોડાયા. 1292થી 1296ના ગૅલીશિયામાંના કામ્પસ્ટેલાના યાત્રાપ્રવાસ દરમિયાન તેમના વિરોધી કાર્સો દોનાતીએ એમની હત્યા કરવાનો પ્રયાસ કરેલો, પરંતુ એ બચી ગયેલા. પ્રવાસેથી પાછા ફર્યા બાદ એમણે ફ્લૉરેન્સની શેરીમાં દોનાતી ઉપર વળતો હુમલો કર્યો. 1300માં જૂન-ઑગસ્ટ દરમિયાન ઉક્ત બે પક્ષો વચ્ચેના ઘર્ષણને ટાળવા બંને પક્ષના આગેવાનોને દેશનિકાલ કરાવ્યા ત્યારે એમને લ્યુનિજિયાનામાં સારઝાના ખાતે મોકલી આપવામાં આવ્યા, જ્યાં તે મલેરિયામાં સપડાયા. થોડાં અઠવાડિયાં ત્યાં રહીને ફલૉરેન્સમાં પાછા ફર્યા અને એ જ વર્ષે ઑગસ્ટમાં અવસાન પામ્યા. 29 ઑગસ્ટના રોજ સાન્તા રિપારાટાના કબ્રસ્તાનમાં એમને દફનાવવામાં આવ્યા.

એમણે સૉનેટ ઉપરાંત કેટલાંક ઉપદેશાત્મક લઘુકાવ્યો રચ્યાં હતાં. ‘કાન્ઝોન’ એમનું જાણીતું ઉપદેશાત્મક કાવ્ય છે, જેમાં એમણે પોતાની પ્રેમની સમજનું નિરૂપણ કર્યું છે. આ કાવ્યની લોકપ્રિયતાને કારણે તેના પર અનેક ટિપ્પણો લખાયાં હતાં. એમનાં ઘણાંખરાં સૉનેટ કામોદ્દીપક છે અને મુખ્યત્વે તે જીઆની અલ્ફાની તથા ગ્વિદો ઑર્લાન્દીને સંબોધાયેલાં છે. એમના કવનરાશિમાં બૅલ્લાતે વધુ સહજ-સ્વાભાવિક ગણાય છે. એમણે પોતાનાં કાવ્યોમાં ફલૉરેન્સની બોલીનો ત્યાગ કર્યો હતો. કાવ્યો ઉપરાંત એમણે તત્વજ્ઞાન અને વક્તૃત્વકલા પર નિબંધો પણ લખ્યા છે, પણ તે અત્યારે ઉપલબ્ધ નથી.

ધીરુ પરીખ