કેવડો : એકદળી વર્ગમાં આવેલા પેન્ડેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pandanus odoratissimus Linn. (સં. કેતકી; હિં. કેવડા; મ. કેવડા; અં. સ્ક્રુપાઇન) છે. આ વનસ્પતિને કેટલાંક સ્થળોએ કેતકી પણ કહે છે. તે એક સઘન (densely) શાખિત ક્ષુપ છે અને ભાગ્યે જ ટટ્ટાર હોય છે. તે ભારતના દરિયાકિનારે અને આંદામાનના ટાપુઓમાં થાય છે. તે સામાન્યત: દરિયાકિનારે જલસીમા(water mark)થી ઊંચે ઘટ્ટ અને અપ્રવેશ્ય (impenetrable) વનસ્પતિઓનો પટ્ટો બનાવે છે. પ્રકાંડ 6 મી. સુધી ઊંચું હોય છે અને અવલંબન મૂળ (stilt) દ્વારા આધાર મેળવે છે. પર્ણો ચમકતાં, લીલાં, 0.9-1.5 મી. લાંબાં, ખડ્ગરૂપ (ensiform), પુચ્છિલ (caudate), અણીદાર અને ચર્મિલ (coriaceous) હોય છે અને પર્ણકિનારી અને મધ્યશિરા કંટકીય હોય છે. નર માંસલ શૂકી (spadix) પુષ્પવિન્યાસ 25-50 સેમી. લાંબો હોય છે, જેના પર 5-10 સેમી. લાંબી નળાકાર અસંખ્ય શૂકી (spike) ગોઠવાયેલી હોય છે. તે લાંબા, સફેદ, સુગંધિત, પુચ્છિલ અને અણીદાર પૃથુપર્ણો (spathes) વડે ઢંકાયેલ હોય છે. માદા માંસલ શૂકીનો વ્યાસ 5 સેમી. જેટલો અને તેના પર માદા પુષ્પો એકાકી (solitary) આવેલાં હોય છે. ફળ લંબચોરસ (oblong) કે ગોળ, યુક્તાંડપીય (syncarpium), 15-25 સેમી. જેટલો વ્યાસ ધરાવતું, પીળું કે લાલ હોય છે. અષ્ઠિલ (drupe) અસંખ્ય હોય છે.

તે બહુસ્વરૂપી (polymorphous) વનસ્પતિ છે અને કેટલીક જાતિઓ (દા.ત., P. tectorius, P. fascicularis, P. laevis, P. variegatus, P. latifolius, P. amaryllifolius) હેઠળ વર્ણવવામાં આવી છે. તેની અનેક જાતો (varieties) અને સ્વરૂપો છે. તે પૈકી ઘણી જાતો સ્થાયી છે અને વિવિધ દેશોમાં ચોક્કસ ઉપયોગો માટે પસંદ કરવામાં આવે છે. અશાખિત સ્વરૂપ, ફૉર્મા ‘લિવિસ’નું વાવેતર પુષ્પવિન્યાસનાં સુગંધિત નિપત્રો (bracts) માટે થાય છે, જ્યારે ફૉર્મા ‘સમક’ છાલશૂળયુક્ત કેવડાનું જૂથ છે અને સાદડીઓ માટે યોગ્ય મજબૂત પર્ણો ધરાવે છે; ફૉર્મા વેરીગેટસ ઊભા પીળા પટ્ટાવાળાં પર્ણો ધરાવે છે અને શોભન હેતુઓ માટે ઉગાડાય છે. પૅસિફિક્ધાા ટાપુઓમાં ફૉર્મા પલ્પોસસ તેનાં ખાદ્ય ફળો માટે ઉછેરવામાં આવે છે. તેમનું કટકારોપણ દ્વારા પ્રસર્જન કરી શકાય છે.

સામાન્યત: આ વનસ્પતિ નદી, નહેર અને તળાવકિનારે કે ખેતરોની ધાર પર ઊગે છે. તે સારી મૃદાબંધક (soilbinder) ગણાય છે. નર પુષ્પવિન્યાસ તેના પર આવેલાં પુષ્પોને આવરતાં સફેદ નાજુક પૃથુપર્ણોની સુવાસ માટેનું મૂલ્ય ધરાવે છે અને તેમાંથી અત્તર બનાવવામાં આવે છે. ઓરિસાના ગંજમ જિલ્લામાં કોલ્લાપલ્લી, મેઘના અને આગ્રારમની આસપાસ અને ચેન્નાઈ તથા ઉત્તરપ્રદેશનાં થોડાંક કેન્દ્રોમાં તેનું વાવેતર થાય છે.

કેવડાનું પ્રસર્જન ભૂસ્તારિકા (offset) કે અંત:ભૂસ્તારિકા-(sucker)ના ટુકડાઓ દ્વારા થાય છે. સુવાસિત પ્રકાર ઉગાડવા માટે ફળદ્રૂપ, સારા નિતારવાળી મૃદાની પસંદગી કરવામાં આવે છે. વાવેતર પછી 3થી 4 વર્ષમાં તે પૃષ્પનિર્માણ કરે છે. પુષ્પનિર્માણ વર્ષાઋતુ (જુલાઈ-ઑક્ટોબર) દરમિયાન થાય છે. માંસલ શૂકી હવામાન પર આધાર રાખીને એક પખવાડિયામાં પરિપક્વ બને છે. ભારત અને મ્યાનમારમાં નર પુષ્પો તેમની સુવાસ માટે મહત્ત્વ ધરાવે છે અને વાળના સુશોભનમાં વપરાય છે. તેમનો ઉપયોગ ‘કેવડા-અત્તર’ અને ‘કેવડા-જલ’ના નિષ્કર્ષણ માટે થાય છે. ભારતીય અત્તર ઉદ્યોગમાં તેનું મૂલ્ય ઊચું છે. પૂર્ણ પરિપક્વ વૃક્ષ પ્રતિવર્ષ 30-40 માંસલ શૂકી ઉત્પન્ન કરે છે. ગંજમ જિલ્લામાં 300-400 હજાર વૃક્ષો હોવાનો અંદાજ છે અને વાર્ષિક 10 લાખ જેટલી માંસલ શૂકી કેવડા-અત્તર અને કેવડા-જલ બનાવવામાં વાપરવામાં આવે છે.

ઘણા જૂના સમયથી ભારતમાં નિષ્કર્ષિત થતું અને ઉપયોગમાં લેવાતું કેવડા-અત્તર સૌથી જાણીતાં અત્તરો પૈકીમાંનું એક છે. તે લગભગ બધા જ પ્રકારનાં અત્તરો સાથે મિશ્ર થઈ શકે છે અને કપડાં, પુષ્પગુચ્છ, સૌંદર્યપ્રસાધનો, સાબુ, કેશતેલ, તમાકુ અને અગરબત્તીને સુગંધિત કરવામાં વપરાય છે. કેવડાને અત્તર અને જલ ખોરાક, મીઠાઈ, શરબત અને મૃદુ પીણાં(soft drinks)ને સુવાસિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેઓ ઉત્તર ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને તહેવારોમાં ખાસ ઉપયોગી છે.

પ્રાયોગિક રીતે કેવડા તેલ માંસલ શૂકીઓને દ્રાવક દ્વારા નિષ્કર્ષિત કરવામાં આવે છે. આલ્કોહૉલ દ્વારા મેદીય અને મીણયુક્ત દ્રવ્યોનું અવક્ષેપન કરી પ્રાપ્ત થતા દ્રવ્યનું હળવા દબાણ હેઠળ નિસ્યંદન કરી મેળવવામાં આવે છે. તેથી મળતું તેલ (0.1 % – 0.3 %) આછું પીળું, તીવ્ર લાક્ષણિક અને આકર્ષક વાસવાળું હોય છે.

કેવડાના તેલનું મુખ્ય ઘટક β-ફિનાઇલ ઇથાઇલ આલ્કોહૉલનો મિથાઇલ ઈથર (6.5 % – 80 %) છે, જેને કારણે માંસલ શૂકીની વિશિષ્ટ સુવાસ હોય છે. તેલમાં ડાઈપેન્ટિન, d-લિનાલૂલ, ફિનાઇલ ઇથાઇલ એસિટેટ, સાઇટ્રલ, ફિનાઇલ ઇથાઇલ આલ્કોહૉલ, ફ્થેલિક ઍસિડનો એસ્ટર, ફૅટી ઍસિડો અને સ્ટિયરૉપ્ટિન હોય છે.

અગ્રકલિકા કોબીજ તરીકે ઓળખાય છે અને શાકભાજી તરીકે ખવાય છે. નાજુક પુષ્પપત્રો વિવિધ મસાલા સાથે કાચાં કે રાંધીને ખાવામાં આવે છે. ભાત સાથે તેનાં પર્ણો રાંધવાથી નવા ભાતની સોડમ આવે છે. તેમનો મલાઈ અને શરબતને સુગંધિત કરવામાં ઉપયોગ થાય છે.

દુષ્કાળમાં દક્ષિણ ભારતમાં અષ્ઠિલ ફળના નીચેના ભાગમાં રહેલો ગર ખવાય છે. ફળમાં સૂચિસ્ફટ (raphides) અને સ્ફટિકો મોટા પ્રમાણમાં હોવાથી મોઢામાં ઉત્તેજના થાય છે. જોકે કેવડાની કેટલીક જાતમાં સૂચિસ્ફટ એટલા બધા ઓછા હોય છે કે જેથી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. માર્શલ ટાપુમાં થતી તેની એક જાતનાં ફળો સફરજનની સુવાસવાળાં હોય છે અને મીઠો ગર ધરાવે છે; બીજ પણ ખાદ્ય હોય છે, પરંતુ તેની આસપાસ રહેલો ગર દૂર કરવો મુશ્કેલ હોય છે.

પર્ણોનો ઉપયોગ ઝૂંપડીનું આચ્છાદન કરવા, સાદડીઓ, દોરડાં, ટોપા, છત્રીઓ, ટોપલીઓ અને બીજા સુશોભિત નમૂનાઓ બનાવવા માટે થાય છે. તેના રેસાઓ કૉફી, ખાંડ અને દાણા ભરવા માટેની ગુણીઓ બનાવવામાં ઉપયોગી છે. પર્ણો કાગળો બનાવવા માટેનું સારું દ્રવ્ય છે. મૂળ તંતુમય હોય છે અને ટોપલા બનાવનારાઓ તેમનો બાંધવામાં ઉપયોગ કરે છે. તેમને નિશ્ચિત લંબાઈ સુધી કાપી, પછાડીને ચિત્રકામ અને ચૂનો કરવાની પીંછીઓ બનાવવામાં આવે છે. મૂળના તંતુઓનો ઉપયોગ પીંછી બનાવવામાં ર્દઢલોમ(bristle)ની અવેજીમાં કરવામાં આવે છે.

પર્ણો કુષ્ઠરોગ, શીતળા, ખૂજલી અને હૃદય અને મગજના રોગોમાં ઉપયોગી થાય છે. નરપુષ્પના પરાગાશયો કાન અને માથાના દુખાવામાં અને રુધિરના રોગોમાં આપવામાં આવે છે.

પૃથુપર્ણો કાઢી લીધા પછી પુષ્પવિન્યાસમાંથી મેળવેલો રસ પ્રાણીઓમાં સંધિવામાં ઉપયોગી છે. તેલ અને અત્તર ઉત્તેજક (stimulant) અને પ્રતિઉદ્વેષ્ઠી (antiplasmodic) ગણાય છે અને માથાના દુખાવામાં અને વામાં વપરાય છે, મૂળમાંથી પણ ઔષધીય તેલ મેળવવામાં આવે છે.

Scaevola koenigii Vahlનાં પર્ણો અને કેવડાનાં મૂળ દ્વારા સંયુક્ત રીતે કાળો રંગ પ્રાપ્ત કરવામાં આવે છે. ખરલ બનાવવામાં તેના મૂળનો રસ ઉમેરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર શ્વેત કેવડો તીખો, મીઠો, કડવો અને લઘુ હોય છે અને તે કફ અને વિષનો નાશ કરે છે. તેનાં પુષ્પ લઘુ, તીખાં, કડવાં, કાંતિકર અને ઉષ્ણ હોય છે. તે વાયુ, કફ અને કેશની દુર્ગંધનો નાશ કરે છે. તેનું કેસર કરોળિયાનો નાશ કરે છે અને થોડુંક ઉષ્ણ હોય છે. તેનાં ફળ મીઠાં હોય છે અને વાયુ, મેહ અને કફનો નાશ કરે છે. સુવર્ણ કેવડો કડવો, નેત્રોને હિતાવહ, ઉષ્ણ, લઘુ, તીખો અને મધુર હોય છે. તે વિષદોષ અને કફનો નાશ કરે છે. તેનાં પુષ્પ સુખકર, કામોદ્દીપક, થોડાંક ઉષ્ણ, કડવાં, તીખાં, નેત્રને હિતાવહ અને સુગંધી હોય છે. તેનાં ફળ અને કેસરના ગુણ શ્વેત કેવડાનાં ફળ અને કેસરના ગુણ જેવા જ હોય છે.

તેનો ઉપયોગ રક્તપ્રદર, અપસ્માર, ગરમીથી કપાળ દુ:ખે તે ઉપરના, પ્રમેહ, સર્વ પ્રકારની ઉષ્ણતા ઉપર, કંઠરોગ અને ઊલટી-ઝાડાના રોગ ઉપર થાય છે.

મ. ઝ. શાહ

એસ. પી. સિંઘ

જ. પુ. ભટ્ટ

પ્રાગજી મો. રાઠોડ

ય. શા. જોષી

બળદેવભાઈ પટેલ