કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ)

કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ) : ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ વિકાસ પામેલી આર્થિક વિચારસરણી. 1922માં કેઇન્સે ‘કેમ્બ્રિજ ઇકૉનૉમિક હૅન્ડબુક્સ સિરીઝ’ની પ્રસ્તાવનામાં ‘કેમ્બ્રિજ સ્કૂલ’નો શબ્દપ્રયોગ કરીને કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપકોનો ઉલ્લેખ કર્યો હતો. આલ્ફ્રેડ માર્શલ અને પિગૂ બંનેને આ વિચારધારાના પ્રણેતા ગણવામાં આવે છે. ડી. એચ. રૉબટર્સન, એફ. લેવિંગ્ટન, એચ. ડી. હૅન્ડરસન, જી. એફ. શોવ અને જ્હૉન મેનાર્ડ કેઇન્સ આ વિચારધારાના અનુગામી ગણાય છે.

પિયેરો સ્રાફા નામના એક યુવાન ઇટાલિયન અર્થશાસ્ત્રીએ માર્શલનાં લખાણોમાં રહેલી અસંબદ્ધતાઓ બતાવી હતી. ત્યારબાદ ઈ. એ. જી. રૉબિન્સન, આર. એફ. કાહન, શ્રીમતી જૉન રૉબિન્સન અને શોવે આ અસંબદ્ધતાઓના આધારે નવી વિચારક્રાંતિ શરૂ કરી, જેના પરિણામે 1933માં જ્હૉન રૉબિન્સને ‘અપૂર્ણ હરીફાઈનો સિદ્ધાંત’ વિકસાવ્યો હતો.

આ અર્થશાસ્ત્રીઓ સાથેની ચર્ચા-વિચારણાના ફળરૂપે કેઇન્સે 1936માં તેમનું પ્રસિદ્ધ પુસ્તક ‘જનરલ થિયરી ઑવ્ એમ્પ્લૉયમેન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ લખ્યું હતું. કેઇન્સે જનરલ થિયરીમાં માર્શલ-પિગૂના સિદ્ધાંતોને પ્રશિષ્ટ અર્થાત્ જૂની રૂઢિના (classical) કહીને બચત, મૂડીરોકાણ, રોજગારી, નાણું વગેરેના સમગ્રલક્ષી પરિપ્રેક્ષ્યમાં નવા સિદ્ધાંતો આપ્યા છે.

શાંતિલાલ બ. મહેતા