કેન્યાટા, જોમો (જ. 1897, નૈરોબી, કેન્યા; અ. 22 ઑગસ્ટ 1978, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તેના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખ તથા સર્વઆફ્રિકાવાદના પ્રખર પુરસ્કર્તા. તેમનો જન્મ આફ્રિકાની કિકુયુ જાતિમાં થયો હતો. તે આ જ જાતિના કેન્દ્રીય મંડળ(Kikuyu Central Association)ના મહામંત્રી નિમાયા હતા (1928).

જોમો કેન્યાટા

પશ્ચિમના સામ્રાજ્યવાદના તે કટ્ટર વિરોધી હતા અને તેને નિર્મૂળ કરવા માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યો હતો. નેતા હોવા ઉપરાંત સમર્થ અભ્યાસી અને લેખક હતા. લંડનની સંસ્થાન કચેરીમાં 1931થી પંદર વર્ષ સુધી તેમણે કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તે લંડનમાં જાણીતા હબસી ગાયક અને સંગીતજ્ઞ પૉલ રોબસન સાથે રહ્યા હતા. 1935માં તેમણે એક ફિલ્મ પણ તૈયાર કરી હતી. લંડન-નિવાસ દરમિયાન તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં માનવવિદ્યાના પ્રસિદ્ધ સંશોધક અને પ્રાધ્યાપક બ્રૉનીસ્લાવ મૅલિનોવ્સ્કીના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો તથા તેના અર્કરૂપે કિકુયુ સંસ્કૃતિની તરફેણ કરતું ‘ફેઇસિંગ માઉન્ટ કેન્યા’ નામનું પુસ્તક પણ લખ્યું. તે પહેલાં તેઓ બે વર્ષ (1932-33) મૉસ્કોમાં રહ્યા જ્યાં લેનિન સ્કૂલમાં તેમણે કામ કર્યું હતું.

1946માં તેઓ કેન્યા પાછા ફર્યા અને કેન્યાના સ્વાતંત્ર્ય માટેની લડત (Uhuru) શરૂ કરી. આ ચળવળ દરમિયાન કેન્યામાં માઉ માઉનો બળવો થયો જેને માટે બ્રિટિશ સરકારે કેન્યાટાને જવાબદાર ગણ્યા અને તેમને જેલમાં ધકેલ્યા (1952).

1961માં મુક્ત થતાં તેઓ કેન્યા-આફ્રિકન નૅશનલ યુનિયન(KANU)ના પ્રમુખ બન્યા અને એક બળવાન પક્ષ તરીકે ચૂંટણીમાં વિજય મેળવ્યો. ત્યારબાદ 1963માં તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન અને 1964માં રાષ્ટ્રપ્રમુખ બન્યા. મૃત્યુ પર્યંત (1978) તેઓ આ પદ ઉપર રહ્યા.

કેન્યાટા બંધારણીય માર્ગે સ્વાતંત્ર્યપ્રાપ્તિના હિમાયતી હતા. જોકે તેમાં હિંસાને તેઓ કેટલેક અંશે અનિવાર્ય ગણતા હતા. સત્તા ઉપર આવ્યા પછી તેમની સામેનો મુખ્ય પ્રશ્ન દેશમાં રાજકીય સ્થિરતા સ્થાપવાનો હતો. દેશની વિવિધ જાતિઓ (tribes) વચ્ચે સુમેળ જાળવવાની નીતિ તેમણે અપનાવી. શાંતિ અને વ્યવસ્થા સ્થાપવાની તેમની નીતિમાં તેમણે ‘કાનુ’ને હેરાન કરતાં તત્વોને દૂર કર્યાં અને વિરોધ પક્ષોને દબાવ્યા. તે જ પ્રમાણે એશિયા અને યુરોપના લોકોને ભોગે તેમણે આફ્રિકાના દેશવાસીઓને ઉત્તેજન આપ્યું.

તેમની રાજકીય અને આર્થિક નીતિનો એકંદર ઝોક પશ્ચિમ તરફી રહ્યો. રાજકીય સ્થિરતાની સાથે તેમણે પ્રેસને મુક્ત રાખવાની નીતિ અપનાવી. તે જ પ્રમાણે તેમણે મિશ્ર અર્થતંત્રને ઉત્તેજન આપ્યું અને તે દ્વારા ઝડપી આર્થિક વૃદ્ધિનો કાર્યક્રમ અપનાવ્યો. વિદેશી મૂડીરોકાણને પણ તેમણે પ્રોત્સાહન આપ્યું. જાહેર શિક્ષણ તથા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તેમણે પ્રગતિશીલ નીતિ અપનાવી.

પરંતુ આ બધાંની સાથે તેમણે એકપક્ષની સત્તા ચાલુ રાખી અને બહુપક્ષીય પ્રથા ઉપર આધારિત લોકશાહીને અવગણી. કેન્યામાં જાતિ જાતિ વચ્ચેનું વૈમનસ્ય ચાલુ રહ્યું, ગરીબી દૂર થઈ નહિ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં તેઓ સફળ થઈ શક્યા નહિ. 1978માં મૉમ્બાસા ખાતે થયેલા તેમના અવસાન પછી ડૅનિયલ મોઈ પ્રમુખસ્થાને આવ્યા.

કેન્યા તેમજ સમગ્ર આફ્રિકા આજે પણ કેન્યાટાને એક બુઝુર્ગ અને પ્રભાવશાળી નેતા તરીકે સંભારે છે.

દેવવ્રત પાઠક

રક્ષા મ. વ્યાસ