કેન્દ્રીય શિરાદાબ

January, 2008

કેન્દ્રીય શિરાદાબ (central venous pressure) : હૃદયના જમણા ઉપલા ખંડ (કર્ણક, atrium) અથવા તેમાં લોહી લાવતી વાલ્વ વગરની ઉપલી કે નીચલી મહાશિરાઓ(venae cavae)માંના લોહીનું દબાણ. શિરાની દીવાલની સજ્જતા (tone) અને તેમાં રહેલા લોહીના કદને કારણે તેમાં દબાણ ઉત્પન્ન થાય છે. પાણીના બનેલા સાદા દાબમાપક (manometer) વડે તે માપી શકાય છે. સભાન સામાન્ય વ્યક્તિ જો સહજ શ્વાસોચ્છવાસ કરતી હોય અને તેના લોહીનું કદ યથાયોગ્ય હોય તો તેનો કેન્દ્રીય શિરાદાબ 3થી 10 સેમી. જેટલો પાણીનો સ્તંભ બનાવે છે. સ્ટીફન હેલ્સે 1733માં સૌપ્રથમ ઘોડીનો તથા ફ્રેયે સૌપ્રથમ 1902માં માણસનો કેન્દ્રીય શિરાદાબ માપ્યો હતો. તેનો નિદાન-સારવારલક્ષી ઉપયોગ સૌપ્રથમ 1910માં થયો હતો. નસમાં નાખી શકાય તેવી પ્લાસ્ટિકની નિવેશનળી (catheter) 1945માં વિકસાવાઈ હતી.

વિવિધ વિકારોમાં કેન્દ્રીય શિરાદાબ માપવાથી નિદાન સરળ બને છે તથા તે ચિકિત્સામાં પણ ઉપયોગી રહે છે. દા.ત., (1) અચાનક થયેલ આઘાત(shock)ના વિકારમાં અથવા ઉગ્ર રુધિરાભિસરણીય નિષ્ફળતા(acute circulatory failure)ના સમયે લોહીનું કદ ઘટવાથી લોહીનું દબાણ ઘટ્યું છે કે નહિ તે નિશ્ચિત કરી શકાય છે. (2) કેન્દ્રીય શિરાદાબની સતત નોંધણી (monitoring) કરવાથી ખૂબ પ્રમાણમાં લોહી કે અન્ય પ્રવાહી આપીને લોહીના ઘટેલા કદની યોગ્ય સારવાર કરી શકાય છે અને તે સમયે રુધિરાભિસરણતંત્રમાં પ્રવાહીનું અતિશય ભારણ થઈ જતું નથી. (3) જ્યારે હૃદયની ક્રિયાશીલતા વિષમ અને અસ્થિર હોય ત્યારે પણ કેન્દ્રીય શિરાદાબ જાણવો ઉપયોગી બને છે – જેમ કે યંત્રની મદદથી શરીર બહાર લોહીનું પરિભ્રમણ કરાવવાની પ્રક્રિયા (extra-corporeal circulation), રુધિર-પારગલન (haemodialysis), પુષ્કળ પ્રમાણમાં દાઝી જવું, પુષ્કળ લોહી વહી ગયું હોય એવી બાળકોની કે વૃદ્ધોની મોટી શસ્ત્રક્રિયા વગેરે. (4) જો લોહીનું દબાણ બરાબર હોય, પરંતુ પેશાબ બનવાનું ઘટી જાય કે બંધ થઈ જાય અને અમૂત્રતા (anuria) કે અલ્પમૂત્રતા (oliguria) થાય તો તે સમયે લોહીનું કદ ઘટેલું છે કે નહિ તે નિશ્ચિત કરવામાં શિરાદાબ જાણવો જરૂરી બને છે. (5) જ્યારે કેન્દ્રીય અને પરિઘીય રુધિરાભિસરણ અટકી જાય ત્યારે પણ તેમ કરવું પડે છે.

ચાલુ શસ્ત્રક્રિયાના સમયે નિશ્ચેતક ઔષધો (anaesthetics), શરીરની સ્થિતિ (દેહવિન્યાસ, posture), લોહી વહેવું, લોહીમાં કાર્બન ડાયૉક્સાઇડના અંશીય દાબ(partial pressure)માં તફાવત થવો, શરીરના તાપમાનમાં ફેરફાર થવો, પીડા થવી વગેરે વિવિધ કારણોસર કેન્દ્રીય શિરાદાબમાં ફેરફાર જોવા મળે છે.

નિવેશનળીની ટોચને મહાશિરાના છાતીની અંદરના ભાગમાં કે જમણા કર્ણકમાં રાખવાથી સાચો અને નિશ્ચિત કેન્દ્રીય શિરાદાબ જાણી શકાય છે. જો તેમાંથી લોહી સહેલાઈથી લઈ શકાય, તેમાંના લોહીનો સ્તંભ સહેલાઈથી ઘટી શકે તથા શ્વાસોચ્છવાસ સાથે લોહીનો સ્તંભ સહેલાઈથી ઊંચોનીચો થઈ શકતો હોય તો નિવેશનળીની ટોચ યોગ્ય સ્થાને છે એમ માની શકાય. કેન્દ્રીય શિરાદાબને વક્ષાસ્થિ-(sternum)ના ખૂણે કે મધ્ય અક્ષકીય રેખા(mid-axillary line)ના સંદર્ભમાં ગણવામાં આવે છે. જમણી બાજુ પર નિવેશનળી નાખવામાં આવે છે કેમકે તે સરળ છે. દર્દીની દેહસ્થિતિ અને શ્વસનક્રિયાનો પ્રકાર – સહજ છે કે સહાયસહિત તે – મહત્વનાં છે. જમણી અંત:કંઠીય શિરા (internal jugular vein) અને ઊર્ધ્વ મહાશિરા (superior vena cava) સીધી રેખામાં હોવાથી મુખ્યત્વે તેનો ઉપયોગ કરાય છે. દર્દી ચત્તો સૂતો હોય અને તેનું શરીર સહેજ માથા તરફ ઢળેલું હોય પરંતુ માથું તકિયાના ટેકે પૂરેપૂરું ડાબી બાજુ ફરેલું હોય એવું જોવાય છે. ડૉક્ટર દર્દીના માથા પાસે ઊભો રહીને નિવેશનળી નાખે છે. જમણા કાનની પાછળના હાડકાના કર્ણમૂળ પ્રવર્ધ(mastoid process)ની ટોચ અને વક્ષાસ્થિ-કર્ણમૂળ સ્નાયુ(sternomastoid muscle)ના નીચલા છેડાના બિંદુને જોડતી કાલ્પનિક રેખાના મધ્યબિંદુ પરથી સોય નાખવામાં આવે છે. આ પ્રક્રિયા જંતુરહિત સ્થિતિમાં કરવામાં આવે છે. જ્યારે સોયની ટોચ યોગ્ય સ્થાને પહોંચે ત્યારે તેના સ્થાનને ચકાસી લેવામાં આવે છે.

માથાનો ભાગ ઢળતો રાખવાથી, નસ વાટે પ્રવાહી આપવાથી, ખાંસી ખાવાથી, ઊલટી થતી વખતે જોર કરવાથી, હૃદયની નિષ્ફળતા હોય, વાલ્સાલવાની પ્રક્રિયા કરાતી હોય, કેટેકોલ ઍમાઇનનું પ્રમાણ વધ્યું હોય અથવા આંતરે આંતરે વિધાયક દાબી શ્વસન (intermittent positive pressure breathing) થતું હોય ત્યારે વગેરે પ્રસંગે કેન્દ્રીય શિરાદાબ વધે છે. બેસવાથી, સીધા ઊભા રહેવાથી, લોહીનું કદ ઘટવાથી, હૃદયના ધબકારા વધવાથી કે શિરાની સજ્જતા ઘટવાથી કેન્દ્રીય શિરાદાબ ઘટે છે. બેભાન અવસ્થા, થાયોપેન્ટોન, ગગ્લિઑન બ્લૉકર્સ, હિસ્ટામિન, નાઇટ્રેટ્સ તથા નાઇટ્રોપ્રુસાઇડ નામનાં ઔષધો શિરાની સજ્જતા ઘટાડીને કેન્દ્રીય શિરાદાબ ઘટાડે છે.

સામાન્યત: કેન્દ્રીય શિરાદાબ માપતી વખતે ભાગ્યે જ કોઈ આનુષંગિક તકલીફો થાય છે, પરંતુ ક્યારેક ધમનીમાં કાણું પડવું, લોહીનો ગઠ્ઠો જામી જવો, ફેફસાંની બહાર છાતીમાં હવા ભરાવી (pneumothorax) કે લોહી ભરાવું (haemothorax), વાયવી શલ્યસ્થાનાંતરતા(air embolism)ને કારણે ફેફસાંની ધમનીમાં હવા ભરાઈ જવી, ચામડીની નીચે હવા ભરાઈ જવી (subcutaneous emphysema), લોહીનું દબાણ ઘટવું અને રુધિરાભિસરણમાં સ્થગિતતા આવવી, હૃદયની આસપાસના આવરણમાં લોહી ભરાવાથી દબાણ થવું (pericardial tamponade), ફેફસાંની ચેતાઓને નુકસાન થવું, ચેપ લાગવો, નસમાં લોહી જામી જવું, નિવેશનળી તૂટવી વગેરે અનેક તકલીફો થાય છે.

રાજેશ્વરી શાહ

અનુ. શિલીન નં. શુક્લ