કેન્દ્રીય વિદ્યાલયો

January, 2008

કેન્દ્રીય વિદ્યાલયો : બીજા પગારપંચની ભલામણને આધારે સંરક્ષણ-કાર્યમાં રોકાયેલા કર્મચારીઓનાં સંતાનો તથા બદલીને કારણે સ્થળાંતર કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓનાં સંતાનો માટે 1962થી ભારત સરકારે શરૂ કરેલાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણનાં વિદ્યાલયો. તેમની સંખ્યા હાલ 500થી વધુ છે. ભારતભરમાં આ વિદ્યાલયો જ્યાં સૈન્યોની છાવણી હોય તથા કેન્દ્રીય સેવાના કર્મચારીઓ મોટી સંખ્યામાં રહેતા હોય તેવાં સર્વ મોટાં શહેરોમાં આવેલાં છે. આ સર્વ વિદ્યાલયોના વહીવટ માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન સોસાયટી રજિસ્ટ્રેશન અધિનિયમ હેઠળ નોંધાયેલું સ્વાયત્ત મંડળ છે. તેના ચૅરમૅન તરીકે શિક્ષણનો હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના પ્રધાન કે નાયબ પ્રધાન કામ કરે છે અને એક બૉર્ડ ઑવ્ ગવર્નર્સ નિમાય છે જે નીતિવિષયક નિર્ણયો લે છે.

મધ્યસ્થ સરકારના અને સંરક્ષણ ખાતાના કર્મચારીઓનાં બાળકોના શિક્ષણની વ્યવસ્થા ઉપરાંત સમાજમાં ઉચ્ચ કક્ષાની શાળાઓ ઊભી કરવી, ભારતીયતા અને ભાવાત્મક એકતા સ્થાપિત કરવી અને શિક્ષણમાં ઉચ્ચ કક્ષાના પ્રયોગો કરવા એ કેન્દ્રીય વિદ્યાલયોના હેતુઓ છે.

કેન્દ્રીય વિદ્યાલયોમાં પહેલાથી બારમા ધોરણ સુધીનો અભ્યાસક્રમ હોય છે. સાતમા ધોરણ સુધી વિના મૂલ્યે શિક્ષણ અપાય છે, પણ ધોરણ આઠથી બાર સુધી માબાપની આર્થિક સ્થિતિ પ્રમાણે ફી લેવામાં આવે છે. કેન્દ્રીય વિદ્યાલયોના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ તથા સંગઠનના કર્મચારીઓનાં બાળકો પાસેથી ફી લેવામાં આવતી નથી. ઉપરાંત અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સંરક્ષણ કામગીરી બજાવતાં મૃત્યુ પામેલા તથા શારીરિક રીતે અપંગ બનેલા સૈનિકોનાં બાળકો પાસેથી પણ ફી લેવામાં આવતી નથી.

સંગઠન જે કેન્દ્રીય વિદ્યાલયો ચલાવે છે તે ઉપરાંત સંગઠનની નીતિરીતિઓ તથા કેન્દ્રીય વિદ્યાલયોનો અભ્યાસક્રમ માન્ય રાખતી હોય તેવી શાળાઓને પણ સંગઠન કેન્દ્રીય વિદ્યાલય તરીકે માન્યતા આપે છે.

કેન્દ્રીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ દશમા ધોરણને અંતે ન્યૂ દિલ્હીના સેન્ટ્રલ બૉર્ડ ઑવ્ સેકંડરી એજ્યુકેશન સંચાલિત ઑલ ઇન્ડિયા સેકંડરી સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા અને બારમા ધોરણને અંતે સિનિયર સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા આપી શકે છે. શિક્ષણ હિંદી અને અંગ્રેજીમાં અપાતું હોઈ પરીક્ષા બંને ભાષામાં લેવાય છે. બધાં કેન્દ્રીય વિદ્યાલયોમાં એકસરખો અભ્યાસક્રમ અને એકસરખાં પાઠ્યપુસ્તકો નિયત કરવામાં આવે છે.

કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષકો ઉચ્ચ ગુણવત્તાને ધોરણે પસંદ કરવામાં આવે છે અને તેમનાં પગારધોરણો અન્ય શાળાઓના શિક્ષકોનાં પગારધોરણોથી સામાન્ય રીતે ઊંચાં હોય છે. અગિયારમા અને બારમા ધોરણના શિક્ષકો અનુસ્નાતક ડિગ્રી ધરાવતા હોય છે અને કૉલેજોના અધ્યાપકોની સમકક્ષ હોય છે.

 કૃષ્ણકાંત ગો. દેસાઈ